Apr 302010
 

પ્રિય મિત્રો,

દર બીજા દિવસે વર્ડપ્રેસ તરફથી કંઈને કંઇ નવું કર્યાની જાહેરાત હોય જ છે. ચાલો જોઈએ છેલ્લા કેટલાક દિવસોમાં વર્ડપ્રેસ તરફથી કરાયેલી મહત્વની જાહેરાતો વિશે…

૧) ફોટો બ્લૉગ માટે એક મસ્તમજાનો નવો થીમ ‘આઈન્યુઈટ ટાઈપ્સ‘ ઉમેરાયો. સફેદ અને કાળા એમ બેઉ પ્રકારના બેકગ્રાઉન્ડ વાળા આ થીમમાં ફોટાઓ સરસ રીતે શોભે છે. વિશેષ (ફીચર્ડ) પોસ્ટને હાઈલાઈટ કરી શકાય છે. ડ્રોપડાઉન મેનુની સગવડ છે. પોસ્ટની ઉપર ટેક્ષ્ટ ‘વિજેટ’ મૂકીને અગત્યની જાહેરાત  કે એવું લખાણ મૂકી શકાય છે.

૨) ‘સરપ્રાઈઝ મી‘ સુવિધા ઉમેરવામાં આવી. તમારા બ્લોગના ડેશબોર્ડમાં જઈને પર્સનલ સેટીંગના પાના પર જુઓ ‘સરપ્રાઈઝ મી’ લખેલું હશે, તેને ‘ટીક’ કરો અને પછી અમને જણાવો કે વર્ડપ્રેસે તમને કેવી રીતે આશ્ચર્ય ચકિત કર્યા?

૩) નવો થીમ અંડર ધ ઈન્ફ્લુઅન્સ. વિવિધ વિકલ્પો સાથેનો નવો થીમ અલગ તરી આવે છે. આ થીમમાં અલગ અલગરીતે મથાળા દર્શાવી શકાય છે. સ્થંભ (કૉલમ)ની પહોળાઈ અલગ અલગ રાખી શકાય છે. વગેરે ઘણાં સેટિંગ ધરાવતો અને બ્લોગને મૌલિક દેખાવ અપાવતો થીમ છે.

૪) નવો થીમ ટ્વેન્ટી ટેન. આ થીમ વર્ડપ્રેસ પર નવા બનતા બ્લૉગ માટે ડિફોલ્ટ (પહેલેથી) થીમ છે. સરળ, દેખાવડો અને સુવિધાઓવાળો થીમ છે. જેમાં હેડર (મથાળું) માએનું ચિત્ર તેમજ બેકગ્રાઉન્ડનો રંગ મનગમતી રીતે બદલાવી શકાય છે. ડ્રોપડાઉન મેનુની સગવડ સાથે સરળ અને સ્વચ્છ થીમ છે.

૫) નવો થીમ સ્ટ્રકચર. એક કરતાં વધારે સ્તંભ (કૉલમ) વાળો આ થીમ માળખાગત સુવિધાઓ અને પોતાની પસંદગી પ્રમાણેની સેટિંગ કરી શકાય તેવી સુવિધાવાળો છે.

૬) જોય વિક્ટ્રી એ બ્લૉગ વિશેની પાંચ ટિપ્સ આપી છે.

 • અગાઉ લખાઈ ચૂક્યું ન હોય એવું મૌલિક લખાણ લખો. પ્લેજરિઝમ (બીજાના વિચાર પોતાના નામે), નફરત, ભય ફેલાવતું, અશ્લિલ, બીજાની માલિકીના ફોટા વાળું લખાણ લખવાથી દૂર રહો!
 • લખાણની સાથે તેને લગતા ચિત્રો/વિડિઓ મૂકો. ધ્યાન રહે ચિત્રો પોતાના હોવા જોઈએ. પોતાના ન હોય તો બીજા વાપરી શકાય પણ તે માટે તેને યોગ્ય ક્રેડિટ અને સ્ત્રોતની લિન્ક દર્શાવવી જરૂરી છે.
 • લખાણેને યોગ્ય ‘ટેગ્સ’ મૂકો. કોઈને કંઈ શોધવું હોય તો તે માટે ‘ટેગ્સ’ જરૂરી. તમારા લખાણને લગતા યોગ્ય ટેગ્સ મૂકેલા ન હોય તો તે લખાણ વાચકને માટે શોધવું અશક્ય બને. ટેગ્સમાં આખે આખા વાક્ય ન લખતાં, ફક્ત શબ્દો લખો.
 • જોડણી ભૂલો સુધારો. માણસ માત્ર ભૂલને પાત્ર. જોડણી/ટાઈપ ભૂલો થવી સામાન્ય છે પણ લખાણ પ્રસિદ્ધ કરતાં પહેલાં ‘અક્ષર‘ જેવા સ્પેલ ચેકર વાપરીને જોડણી ભૂલો સુધારી શકાય.
 • લખાણને યોગ્ય મથાળું બાંધો. ઓછા વિરામ ચિહ્નો વાપરીને મથાળું બનાવો. ચબરાક મથાળું વધુ વાચકો ખેંચી લાવશે.

ઉપરની પાંચ ટિપ્સ એ મારા વિચારો નથી પણ જોય વિક્ટરીના વિચારો છે. વર્ડપ્રેસ બ્લૉગ પરથી લીધા છે.

અને છેલ્લે, ૧લી મેથી વર્ડપ્રેસનું નવું વર્જન ૩ (કદાચ) અમલમાં આવી જશે. તેમાં ઉમેરાયેલી સુવિધાઓ વિશે ફરી ક્યારેક.

-વિનય ખત્રી

વિશેષ વાંચન:

  8 Responses to “વર્ડપ્રેસ તરફથી ઉમેરાયેલી સુવિધાઓ”

 1. વિનયભાઈ, ઘણી જ ઉપયોગી માહિતી. આમ તો અમે ચાલતું હોય તે ચલાવવાવાળા! પણ આવી માહિતીથી ક્યારેક નવું કરવાનું મન થાય!
  જો કે આ લેખમાં જણાવેલી ટિપ્સ ખૂબ જ મહત્વની છે. અમે તો અમારી પોતાની સમજથી પહેલેથી જ એ પ્રમાણે ચાલીએ છીએ. ફક્ત બીજી સૂચનાની વાત કરી તો ક્યારેક ફોટાઓ બીજેથી લેવા પડે છે જે માટે લાગતાવળગતાને યોગ્ય જશ આપીએ છીએ. જ્યારે નેતાઓ કે અભિનેતાઓની વાત કરવી હોય ત્યારે એમના ફોટાઓ અન્ય જગ્યાએથી લેવા પડે છે. પણ જ્યાં ત્યાંથી ફોટાઓ ઉપાડવા કરતાં આપણે પાડેલા ફોટાઓ મૂકવા વધારે સારું. પછી ભલે એ જેવા હોય તેવા!એવી જ રીતે લખાણ પણ પોતાનું હોય એ વાત પણ મજાની છે.
  ગુજરાતી બ્લોગજગતમાં ઘણા મિત્રો આ બધી માર્ગરેખાઓ પ્રમાણે ચાલ્યા છે અને એ રીતે પોતપોતાના બ્લોગની આગવી છાપ ઊભી કરી શક્યા છે.
  એક વાત નક્કી છે કે ,છેવટે તો ગુણવત્તાની જ કિંમત થાય છે. “ચબરાક મથાળું વધારે વાચકો ખેંચી લાવશે.” એ વાત સાચી. પણ જો એ લખાણમાં વજૂદ ન હોય તો વાચકો ટકે નહીં. ધ્યેય માત્ર વાચકો ખેંચવાનું જ ન હોવું જોઈએ.એક વખત ખેંચી શકાય. પણ પછી? એ માટે તો આ પાંચેપાંચ માર્ગરેખાઓ અમલમાં મૂકવા જેવી છે.
  આ અમારા મનની વાત છે. બીજાઓને અલગ વિચારો ધરાવવાનો હક છે. પણ અમે કહ્યા વગર રહી નથી શકતા કે: આજની તારીખે પહેલી સૂચના તમારા મારા સહિત સહુએ અમલમાં મૂકવા જેવી છે.
  જો કે એમાં પણ વાદવિવાદને અવકાશ તો છે જ. પણ વાદવિવાદ પણ મનમાં કડવાશ લાવ્યા વગર કેમ ન થઈ શકે?
  આવી માહિતી આપતા રહેશો. જય જય ગરવી ગુજરાત.

 2. Thanks for sharing…

 3. Perfect article! WordPress has come a long way and becoming defacto of blog world.

 4. શ્રી વિનયભાઇ, આપના માધ્યમથી ઘણું જાણવા મળે છે. (મેં તો આ ગુજરાતીમાં બ્લોગ બને છે તે વિશે જાણકારી જ આપના ’ફન ગ્યાન’ મારફત મેળવેલી !) પાંચ ટિપ્સ અનુસરવા લાયક છે (હું તો જો કે પાંચમીને બાદ કરતા બાકીનીને પ્રથમથી જ અનુસરૂં છું !! શરૂઆત અહીંથી કરેલી તેનો આ પ્રભાવ !) અને આ ’સરપ્રાઇઝ મી’ માં કશુંક ’આશ્ચર્ય થશે’ તો આપને જરૂર જાણ કરીશ. આભાર, ગુજરાત સ્વર્ણિમ જયંતીની વધાઇ સહ:.

 5. સુંદર અને ઉપયોગી માહિતિ.

  ગુજરાત સ્થાપના દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ.

 6. ધન્યવાદ વિનયભાઈ, ટ્વેન્ટી ટેન ગમી ગયો, એટલે તરત જ થીમ બદલી નાખ્યો.

 7. સરશ માહિતિ

Leave a Reply

%d bloggers like this: