Sep 212011
 

પ્રિય મિત્રો,

સરખામણી લેખમાળાના આ ત્રીજા લેખમાં આજે આપણે વર્ડપ્રેસ હોસ્ટેડ અને સેલ્ફ હોસ્ટેડ બ્લૉગ વિશે જાણીશું.

હોસ્ટ એટલે યજમાન. જ્યાં મહેમાન (ગેસ્ટ) પડ્યો પાથર્યો રહેતો હોય તે હોસ્ટ! ઈન્ટરનેટ પર હોસ્ટ એટલે જ્યાં લખાણ કે માહિતી (ડેટા) પડ્યા પાથર્યા રહેતા હોય તે જગ્યા. વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લૉગ (દા.ત. બ્લૉગબુકલેટ)નો ડેટા વર્ડપ્રેસના સર્વર પર હોય છે, જ્યારે સેલ્ફ હોસ્ટેડ બ્લૉગ (દા.ત. ફનએનગ્યાન) નો ડેટા પોતાના (સેલ્ફ) સર્વર પર હોય છે.

વર્ડપ્રેસ તેના વપરાશકારોને ત્રણ જી.બી. (3GB) જેટલી જગ્યા આપે છે. ત્રણ જીબી એટલે કે ત્રણ ગીગા બાઈટ એટલે કે ત્રણ અબજ બાવીસ કરોડ બાર લાખ પચીસ હજાર ચારસો બોત્તેર બાઈટ! આટલી જગ્યા ફક્ત લખાણ લખીને ભરાતાં બહુ જ સમય લાગે, પણ ચિત્રો (વધુ જગ્યા લે તેથી થોડી ઝડપથી ભરાય), ઑડિયો (ચિત્રોથી વધુ જગ્યા લે એટલે થોડી વધુ જડપથી ભરાય) અને વિડિયો મુકીએ એટલે બહુ જડપથી ભરાવા લાગે. ત્રણ જીબી ભરાઈ જાય એટલે વર્ડપ્રેસ પાસેથી વધારાની જગ્યા પૈસા ખર્ચીને લેવી પડે. કિંમત છે:  પાંચ જીબી ના વીસ ડોલર અને ૧૫જીબીના ૫૦ ડોલર!

સેલ્ફ હોસ્ટેડ બ્લૉગમાં બ્લૉગ માટેનું સોફ્ટવેર વર્ડપ્રેસનું જ હોય, ડેટા પોતાના સર્વર પર ડેટા મૂકવો પડે. આપણી પાસે ક્યાં હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડાયેલું પોતાનું સર્વર હોય? એટલે સહજ છે કે ભાડે લેવું પડે. આખું સર્વર ભાડે લેવું પોસાય નહીં અને આપણાં વ્યક્તિગત બ્લૉગ માટે જરૂરી પણ નથી. બ્લ્યુ હોસ્ટ અને હોસ્ટ આઈ કેન જેવી (અને બીજી ઘણી બધી) સાઈટ અનલિમિટેડ સ્પેસ (જગ્યા) અને અનલિમિટેડ બેન્ડ વિડ્થ (વપરાશ) સાથે શેર્ડ સર્વર (જેમાં એક સર્વર પર આપણાં જેવા બીજા ઘણાં લોકોનો પણ ડેટા હોય) પાંચથી દસ ડોલર મહિનાના ભાડાથી આપે છે.

આપણા બ્લૉગનો ડેટા ક્યાં રહેશે તે સમજી લીધા પછી બંનેના તફાવત જોઈએ.

વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લૉગના ફાયદા:

  • ત્રણ જીબી સુધીની જગ્યા (સ્પેસ) મફત મળે છે.
  • બ્લૉગ સેટઅપ તેમજ અપગ્રેડની માથાકૂટ વર્ડપ્રેસ સંભાળે છે
  • ડેટા બેકઅપ અને તેની સલામતીની જવાબદારી વર્ડપ્રેસ સંભાળે છે.
  • બ્લૉગ માટે વર્ડપ્રેસ ૧૪૧ જેટલા મફત + પ્રિમિયમ (પૈસા ચૂકવીને) થીમની પસંદગી આપે છે.
  • બ્લૉગ બંધ ન પડે તે માટેની તકેદારી વર્ડપ્રેસ રાખે છે.
  • બ્લૉગ ઓફ ધ ડે અને  ટોપ પોસ્ટ જેવી વર્ડપ્રેસની સેવા દ્વારા બ્લૉગને વધારાના વાચકો મળે છે.
  • વર્ડપ્રેસની ચાવીરૂપ શબ્દોની ટેગ્સ સેવા વડે બ્લૉગને વધારાના વાચકો મળે છે.
  • વણજોઈતી કૉમેન્ટ્સ (સ્પામ) વર્ડપ્રેસ અલગ તારવી આપે છે.

વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લૉગના ગેરફાયદા:

  • વર્ડપ્રેસ જેટલા થીમ આપે છે તેમાંથી જ એક થીમ પસંદ કરવો પડે.
  • થીમમાં ફેરફાર ન કરી શકાય કે પોતાનો બનાવેલો થીમ ન વાપરી શકાય.
  • થીમના દેખાવમાં (સ્ટાઈલ શીટમાં) ફેરફાર કરવા હોય તો ત્રીસ ડોલર વર્ષે ચૂકવવા પડે.
  • બ્લૉગ પર સીધું જ ગુજરાતી લખી શકાય એવી સગવડ ન થઈ શકે.
  • વર્ડપ્રેસ આપે તે જ પ્લગઈન (વધારાની સુવિધાઓના સોફ્ટ્વેર) વાપરી શકાય.
  • પોતાનું પ્લગઈન ન વાપરી શકાય કે પ્લગઈનમાં ફેરફાર ન કરી શકાય.
  • વર્ડપ્રેસ આપણાં બ્લૉગ પર જાહેરાતો દર્શાવી શકે છે, જાહેરાતો બંધ કરવા વર્ષે ૩૦ ડોલર ચૂકવવા પડે.

હવે જોઈએ સેલ્ફ હોસ્ટેડ બ્લૉગના ફાયદા/ગેરફાયદા.

સેલ્ફ હોસ્ટેડ બ્લૉગના ફાયદા:

  • નેટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ (મફત કે પૈસા ચૂકવીને) થીમ વાપરી શકાય, થીમમાં જોઈતા ફેરફાર કરી શકાય કે પોતાનો થીમ બનાવી શકાય.
  • નેટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ પ્લગઈન વાપરી શકાય, તેમાં જરૂરીયાત પ્રમાણેના ફેરફાર કરી શકાય કે પોતાનું પ્લગઈન બનાવી શકાય.
  • બ્લૉગ પર સીધું જ ગુજરાતી લખી શકાય એવી સગવડ આપી શકાય.
  • વર્ડપ્રેસનો સોફ્ટવેર, થીમ, પ્લગઈનમાં ફેરફાર કરી શકાય.
  • બીજા સોફ્ટ્વેર (દા.ત. ક્લિક્સ કાઉન્ટર) વાપરી શકાય.
  • પોતાની ઈચ્છા પ્રમાણે જાહેરાતો દર્શાવી શકાય કે જાહેરાત મુક્ત રાખી શકાય.
  • જાહેરાતો દર્શાવીને કમાણી કરી શકાય.

સેલ્ફ હોસ્ટેડ બ્લૉગના ગેરફાયદા:

  • બ્લૉગને હોસ્ટ કરવા માટે સારું હોસ્ટીંગ ભાડે લેવું પડે અને તેનું સમયસર ભાડું ભરવું પડે.
  • બ્લૉગ સોફ્ટ્વેર જાતે સેટઅપ કરવું પડે અને તે માટે ટેક્નિકલ જાણકારી જરૂરી.
  • વણજોઈતી કૉમેન્ટ્સ (સ્પામ) અલગ તારવવા માટેનું સોફ્ટ્વેર આપણે મૂકવું પડે (નેટ પર મળે છે).
  • બ્લૉગનો બેકઅપ જાતે અને નિયમિત લેવો પડે.
  • બ્લૉગનું સોફ્ટવેર જાતે અને નિયમિત અપડેટ કરતા રહેવું પડે.
  • બીજાએ બનાવેલા પ્લગઈન/થીમમાં ક્યાંક કંઈક ગરબડ થાય અને બ્લૉગ બંધ પડે તો તેને ફરી ચાલુ કરવાની માથાકૂટ આપણે કરવી પડે.

ફાયદા/ગેરફાયદાની યાદી વર્ડપ્રેસ પરથી મેળવી, તેનું ગુજરાતી કરી, તેમાં જાત અનુભવ ઉમેરીને બનાવવામાં આવી છે.

વિશેષ વાંચન:  આ વિભાગની અન્ય પોસ્ટ વાંચવા અહીં ક્લિક કરો.

હવે પછીની પોસ્ટ: સરખામણી: વર્ડપ્રેસ બ્લૉગ કે બ્લોગર (બ્લૉગસ્પોટ) બ્લૉગ?

તમારા મનમાં કોઈ પ્રશ્ન કે મુદ્દો કે શંકા હોય તો કૉમેન્ટ બોક્ષની સુવિધા તમારા માટે સદાય ઉપલબ્ધ છે!

  7 Responses to “સરખામણી: વર્ડપ્રેસ હોસ્ટેડ કે સેલ્ફ હોસ્ટેડ બ્લૉગ?”

  1. સરસ માહિતી.

  2. સુંદર સંકલિત માહિતી. આ સિવાય પણ એક- બે વસ્તુ ગુગલ બ્લોગમાં કદાચ વધુ અનુકૂળ છે.
    1. પોતાની થીમ કે ટેમ્પ્લેટ જાતે જ ડીઝાઈન કરવા માટે ઉપલબ્ધ છે. જેથી અઢળક વિકલ્પ અને સાવ મફત …
    2. ગૂગલ એનાલાયટીક્સ ની સેવાઓ ગૂગલ બ્લોગ્સ ને ખૂબ સારી વાચક વર્ગ ની માહિતી આપે છે. અને તે પણ સાવ મફત…
    3. ગૂગલ પર ટેમ્પ્લેટસ માટે ખૂબ વિશાળ શ્રેણી- અંદાજે 400 – 500 તૈયાર ફ્રી ટેમ્પ્લેટસની છે.
    4. નેટ પરથી ઘણા ખરા પ્લગ ઈન સીધા ગૂગલમાં મૂકી શકાય છે બસ HTML કોડ ઉઠાવો અને ડીઝાઈનમાં ફીટ કરો.
    5. યુ ટ્યુબ વિડીયો માત્ર લિંક આપી ને એમ્બેડ કરી શકાય છે.
    6. માત્ર ડોમેન નેઈમ ખરીદીને ગૂગલ નો હોસ્ટ તરીકે ઉપયોગ થઈ શકે છે. ( આ કદાચ વર્ડ પ્રેસ પર પણ છે.)
    7. ગૂગલ ના સર્ચ એંજીન પર કદાચ વધુ સારુ ઓપ્ટીમાઈઝેશન મળશે.

  3. તમે લખતા રહો હું વાંચું છું..જ્ઞાન વધે છે..આભાર.

  4. good to know it.. bcoz I know only abcdeeeee

  5. સરસ. મજા આવી. ટૂંકું અને મુદ્દાસર. હવે જો શક્ય હોય તો બ્લોગર અને વર્ડપ્રેસ ની સરખામણી કરજો.

  6. હવે પછીની પોસ્ટનો ઇન્તજાર છે- કારણ મારા ત્રણેય બ્લોગ બ્લોગસ્પોટ પર છે,(જેમાંથી nvndsr.blogspot.com તો શાળાનો ઓફિસિઅલ બ્લોગ બનાવી દીધો છે ) ઘણા મિત્રોએ વર્ડપ્રેસ પર આવવાની વાતો કહી છે, પણ હવે હર્યો ભર્યો આ બ્લોગ સંસાર કેમ છોડવો? તે પ્રશ્ન છે…

Leave a Reply

%d bloggers like this: