Aug 082011
 

પ્રિય મિત્રો,

આજે ફરી એક વાર એક સાથે ત્રણ વિષય લઈને હાજર થયો છું.

૧) અમદાવાદ મુલાકાત

ગયા અઠવાડિયે અમદાવાદ જઈ આવ્યો. પુણેથી અમદાવાદ જતી વખતે રસ્તામાં વહેલી સવારે ભરૂચ આવ્યું. બસે વિરામ લીધો. અડધી (કાચી) ઊંઘમાંથી ઊઠીને નીચે ઊતર્યો, છાપું લીધું: દિવ્ય ભાસ્કર (ભરૂચ આવૃતિ). છાપું જોતાં જ ત્રણ બાબતો એવી ધ્યાનમાં આવી કે ઊંઘ પૂરેપૂરી ઊડી ગઈ! કઈ હતી એ બાબતો?

 1. છાપાની કિંમત રૂ. ૨.૨૫ (સવા બે)! પાવલી ક્યારની ચલણમાંથી બંધ થઈ ગઈ છે અને હવે સત્તાવાર રીતે ૧લી જુલાઈથી પાછી ખેંચી લેવાઈ છે એવો અહેવાલ પ્રસિદ્ધ કરનાર દિવ્ય ભાસ્કરને આ બાબતની ખબર નથી કે શું? છાપાવાળાને અઢી રૂપિયા આપ્યા પછી ૨૫ પૈસા પાછા કેમ લેવા? અથવા બે રૂપિયા આપીને ઉપરના પચીસ પૈસા કેમ આપવા? ઊંઘ ઊડવાનું પહેલું કારણ!
 2. છાપું વચ્ચેથી ચોક્ક્સ માપનું કપાયેલું હતું! પહેલા આશ્ચર્ય થયું પછી યાદ આવ્યું કે છાપાવેચનારાએ ઈનામી કૂપન કાપી લીધું છે. ઊંઘ ઊડી જવાનું બીજું કારણ, દિવ્ય ભાસ્કર આ ઈનામી યોજના દ્વારા ખરેખર કોને ખુશ કરવા માગે છે છાપું વાચનારને કે પછી છાપું વેચનારને?
 3. ત્રીજું કારણ બહુ જ મજાનું છે. પહેલા પાને મુખ્ય સમાચાર વાંચવા મળ્યા, આવકવેરો ભરવામાં મુંબઈ-દિલ્લી માઈનસમાં, ગુજરાત નંબર વન! ખુશી થઈ. ગુડ.

૨) વર્ડપ્રેસ બ્લૉગ થીમ

ગત સમય દરમ્યાન વર્ડપ્રેસ તરફથી સરસ મજાના થીમ ઉમેરવામાં આવ્યા.

૩) તમારા બ્લોગને લોકપ્રિય કેવી રીતે બનાવશો?

૨૮ જુલાઈના વર્ડપ્રેસ બ્લૉગ પર દરેક બ્લોગર માટે ઉપયોગી અને માર્ગદર્શક એવો મસ્ત મજાનો લેખ મૂકવામાં આવ્યો છે: How to Get More Traffic. લેખ ન વાંચ્યો હોય તો અત્યારે જ વાંચી લો અને તેમાં દર્શાવેલી બારેબાર ટિપ્સ તરત જ અમલમાં મૂકો અને જુઓ તમારો બ્લોગ કેવો ધમધમે છે.

Scott Berkunના લેખમાં ૧) પરિચય (about)નું પાનું અપડેટ કરવાનું, ૨/૩) ટ્વિટર/ફેસબુક વગેરે પર નવી પોસ્ટની જાણ/’શૅર’ કરવાનું, ૪) ઈમેઈલ વડે નવી પોસ્ટની જાણ થાય તેવી સુવિધા મૂકવાનું, ૫) નિયમિત બ્લૉગ પર પોસ્ટ મૂકવાનું, ૬) સારું લખવાનું, ૭) પોસ્ટને યોગ્ય શિર્ષક આપવાનું, ૮) અન્ય બ્લોગરો સાથે સંકળાવાનું ૯) અન્ય બ્લૉગ પર પ્રતિભાવ આપવાનું, ૧૦)પ્રતિભાવને પ્રતિસાદ આપવાનું, ૧૧) વાચકોની પસંદ/નાપસંદ જાણવાનું અને છેલ્લે, ૧૨) તમારા બ્લોગ પર ટ્રાફિક (વાચકો) લઈ આવતી સાઈટને ચૂકવવાનું કહેવામાં આવ્યું છે!

બધા જ મુદ્દા મજાના અને યોગ્ય છે. મુદ્દા ને ૫ અને ૬નો ક્ર્મ પણ બહુ જ સમજી વિચારીને મૂકવામાં આવ્યો છે, સામાન્ય રીતે બ્લોગર નિયમિત પોસ્ટ મૂકવાની લ્હાયમાં સારું લખવાનું ચૂકી જતો હોય છે.

આજે આટલું બસ છે…

  7 Responses to “અપડેટ્સ: અમદાવાદ, દિવ્ય ભાસ્કર, વર્ડપ્રેસ થીમ, બ્લૉગ ટ્રાફિક”

 1. શ્રી વિનયભાઈ,

  સરસ માહિતી !

 2. શ્રી.વિનયભાઈ,
  આ રૂ.૨.૨૫ વાળું ખરે જ ઊંઘ ઊડી જાય તેવું છે. જો કે અમારે તો જૂનાગઢ આવૃતિ આવે છે જેની કિંમત રૂ.૨.૫૦ છે. આશા રાખીએ દિ.ભા.ની ઊંઘ ઊડે !! (એમ હશે કે લોકોએ બે છાપાં ખરીદવા 🙂 ) ઈનામી કૂપન જેવા લાભ સૌરાષ્ટ્ર આવૃતિઓમાં તો મળતા જ નથી !

  કાચી ઊંઘમાંએ આપની નિરિક્ષણ શક્તિ ધન્યવાદ પાત્ર છે. આભાર.

 3. – દિ.ભા જૂદી જૂદી રીતે અટકચાળા કર્યાજ કરે છે. અમારી આણંદ આવૃત્તિની કિંમતમાં આવું અટકચાળું નથી કર્યું. પણ હા આ સિવાય બાટા તેમજ કેટલાય મોલ વાળા પણ કિંમતમાં અટકચાળા કર્યા કરે છે. દા.ત ૨૫.૯૯ , ૧૦૫.૯૯ અરે…એક પૈસો ક્યાંથી આપવાના છે તે લોકો…

  – બસ સ્ટેશન ,રેલ્વે સ્ટેશન જેવી જગ્યા ઉપર કાયમી ગ્રાહક સિવાયના લોકો માટે ફેરીયાઓ કૂપન કાપી ને જ પેપર વેચતા હોય છે તે સ્વાભાવિક છે. આપણે પણ આ રીતે પ્રવાસ દરમ્યાન પેપર ખરીદ કરીયે ત્યારે કૂપન આપણા માટે ઉપયોગી નથી હોતી.

  – ગુજરાતમાં વેપાર ઉદ્યોગ ખરેખર સારા ચાલતા થઈ ગયા છે મોદી શેખી નથી મારતો હવે તો બધાએ સાચું માનવું જ જોઈયે…! નંબર વન ગુજરાત હવે આવકવેરો ભરવામાં પણ નંબર વન….

  • આ અટકચાળું ન કહેવાય. ગંભીર ભૂલ કહેવાય.

   બાટા ૯૯.૯૯ કિંમત રાખે એ અલગ વાત થઈ અને બે રૂપિયા પાછળ પચીસ પૈસા વધુ આપવા પડે તે અલગ વાત થઈ.

 4. તમે અઢી રૂપિયા આપ્યા ? અઠ્ઠન્ની ક્યાંથી લાવ્યા ?

  અમારે અહીં (તમે જ્યાં મળ્યા વગર જતા રહ્યા તે અમદાવાદ) અમુલ દૂધની કોથળીઓની કુલ રકમના ઉપરના આઠ આના વધારે – કાયદેસર – દરરોજ આપવા પડે છે. તમે તો ચવન્ની જ ‘જાવકવેરો ભર્યો; હું તો દરરોજ આઠાનીનો ભરું છું. વેરો ભરવામાં જય ગુજરાત !

 5. aa 25 paisa valu observation kamal chhe 🙂

Leave a Reply

%d bloggers like this: