May 092011
 

પ્રિય મિત્રો,

કૉપી-પેસ્ટ પરથી થોડા સમય પહેલા મને એક વાર્તાનો ‘પ્લૉટ‘ સૂજ્યો હતો અને કૉમેન્ટમાં લખ્યો હતો, આજે ફરી એવું થયું છે!

વાર્તાનો પ્લૉટ આમ છે:

બાપ-દિકરીનું નાનું કુટુંબ… મા બાળકીને જન્મ આપીને ગુજરી ગઈ હોય છે… બાપ દિકરીને ઉછેરીને મોટી કરે છે. અંગ્રેજી માધ્યમમાં ભણતી દીકરી માતૃભાષાથી વિમુખ ન થઈ જાય તે માટે બાપ ગુજરાતી બ્લૉગ/વેબસાઈટ પરથી કવિતા વાંચીને દિકરીને સંભળાવે છે… એક દિવસ શહેરમાં આતંકવાદીઓનો  હુમલો… બાપ દિકરી અલગ… વર્ષો સુધી એકલા રહ્યા પછી એક જગ્યાએ બાપ દિકરી મળે છે… એક બીજાને ઓળખી શકતા નથી… દિકરીના લગ્ન થઈ ગયા હોય છે અને તેને એક દિકરી હોય છે… દિકરી પણ એન દિકરીને ગુજરાતી કવિતા ‘આઢડાને ધક્કો મારી નવડો કહેતો ખસ‘ ગાઈને સંભળાવતી હોય છે… બાપ સાંભળી જાય છે… વર્ષો પહેલા બ્લૉગરે કરેલી ટાઈપભૂલને કારણે બાપ-દિકરીનો મેળાપ. ખાધું પીધુંને રાજ કર્યું!

ટાઈપ ભૂલ એક સામાન્ય વાત છે પણ એક ટાઈપભૂલને કારણે બાપ-દિકરીનો મેળાપ થાય છે તે બહુ જ સારી વાત છે. આ પ્લૉટ પરથી એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ પણ બની શકે છે એ પણ એટલી જ સારી વાત છે પણ… કૉપી-પેસ્ટ સારી વાત નથી, નથી, નથી જ!

મૂળ વાત પર આવું તો, હમણાં એક બ્લોગ પર મેં વાસી અબ્બાસ અબ્દુલ અલી એટલે કે આપણાં મરીઝ સાહેબની રચના વાંચી:

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.

રચનાની ઉપરની પંક્તિઓ વાંચતાં થયું કે આમાં કંઈક ગરબડ છે, પ્રાસ મળતો નથી. સતવી શબ્દ ભગવદ્‍ગોમંડળમાં પણ મળ્યો નહીં! થોડું વિચારતાં લાગ્યું કે ટાઈપ ભૂલ હશે અને સતવી ને બદલે સતાવી હોવું જોઈએ. કવિ મિત્રોને મેઈલ કરીને આ બાબતની ખાતરી કરી જોઈ, ટાઈપ ભૂલ જ છે અને સતવીને બદલે સતાવી જ હોવું જોઈએ.

બ્લોગર જ્યારે રચના ટાઈપ કરીને મૂકે ત્યારે ટાઈપ ભૂલ થવી સહજ છે અને તે આ પોસ્ટનું કારણ નથી, કારણ છે કૉપી-પેસ્ટ. ટાઈપ ભૂલવાળી પંક્તિને ગૂગલમાં શોધ કરી તો જાણવા મળ્યું કે ૮૪ બ્લોગ કે વેબસાઈટ પર આ ભૂલવાળી પંક્તિ પ્રસિદ્ધ થયેલી છે! એક બ્લોગ/વેબસાઈટને મૂળ સ્ત્રોત ધારી લઈએ તો અન્ય ૮૩ બ્લૉગ/વેબસાઈટે લખાણની બેઠ્ઠી નકલ કરેલી છે અન્યથા દરેકની એ જ શબ્દ (સતવી)માં ભૂલ કેમ થાય?

કૉપી-પેસ્ટનો આ બનાવ જોઈને વાર્તાનો પ્લૉટ યાદ આવ્યો અને ઉપરાંત બીજા પણ કેટલાક વિચારો આવ્યા:

 • ૮૩ બ્લોગ/વેબસાઈટ પર મૂકનારાઓએ મૂળ સ્ત્રોત પર આ રચના વાંચી હશે, વાંચી હશે એટલે ગમી હશે અને ગમી હશે એટલે જ લખાણ કૉપી કર્યું હશે?
 • હવે પ્રશ્ન એ છે કે જો રચના વાંચી હોય, એટલે કે ધ્યાનથી વાંચી હોય, નજર ફેરવી હોય તે નહીં, તો આ ટાઈપ ભૂલ તરફ ધ્યાન કેમ ન ગયું? ટાઈપ ભૂલને કારણે પ્રાસ મળતો નથી તે વાત કવિતા ‘રસિક’ વાચકોના ધ્યાનમાં ન આવે તે મને સમજાતું નથી.
 • ફક્ત નજર ફેરવીને કવિતા જેવું કશુંક દેખાયું એટલે પોતાના બ્લૉગ/વેબસાઈટ/ફેસબુક/નિંગ ગ્રૂપમાં અન્ય મિત્રો વાંચે અને તેના પર કૉમેન્ટ કરે તે માટે મૂકી દીધી હશે?
 • નક્ક્લ કરનારને અક્ક્લ હોતી નથી એ જાણીતી ગુજરાતી કહેવત સાબિત કરવા આવું કર્યું હશે?
 • પોતાના બ્લોગ પર મૂકવાની છાપામાં હોય છે તેવી ડેડલાઈન ઉતાવળમાં આવી ભૂલ થઈ હશે? એક વ્યક્તિથી ભૂલ થઈ શકે છે પણ ૮૩ પોસ્ટ?
 • મૂળ બ્લોગરે રચનાનો સ્ત્રોત દર્શાવ્યો છે, જ્યારે કૉપી-પેસ્ટ કરનારાઓમાંથી મોટા ભાગનાઓએ મૂળ સ્ત્રોત કે તેમણે જ્યાંથી કૉપી કરી તે સ્ત્રોત દર્શાવ્યો નથી! વાચક પાસે બ્લોગરે રચના જાતે શોધી ટાઈપ કરી રજુ કરી છે એવી છાપ ઊભી કરવા માગતા હશે?
 • વાચકોએ પણ ભૂલ બાબત ધ્યાન દોરવાનું મુનાસિબ માન્યું નથી લાગતું!
 • વાચ્યા વગરનું આંધળું કૉપી-પેસ્ટ કેટલું યોગ્ય?
 • ખરેખરા કાવ્ય રસિક વાચકોના ધ્યાનમાં એ પણ આવવું જોઈતુ’તું કે ટાઈપ ભૂલની સાથે પ્રાસ પણ તૂટ્યો છે અને છંદ પણ!
 • એકની એક રચના ૮૪ વખત મૂકવાને બદલે મૂળ પોસ્ટની લિન્ક આપી દીધી હોત તો? વાચક એ રચના ઉપરાંત બીજી પણ રચનાઓ માણી શક્યો હોત!

શું હું વધુ પડતી અપેક્ષા સેવું છું? આપના વિચારો રજુ કરવા માટે કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે!

અપડેટ: તાજેતરમાં કેટલાક નવા બ્લૉગર અન્ય બ્લૉગ/વેબસાઈટ પરથી લખાણ તફડાવી કૉપી-પેસ્ટ વડે પોતાનો બ્લૉગ સમૃદ્ધ કરવા મચી પડ્યા છે. તેમના વિશે ટૂંક સમયમાં અહીં એક પોસ્ટ જોવા મળશે અને તેમણે કયું લખાણ ક્યાંથી તફડાવ્યું તેની પોલ ખોલવામાં આવશે…

  24 Responses to “કૉપી-પેસ્ટ, ટાઈપભૂલ અને વાર્તાનો પ્લૉટ”

 1. વિનયભાઈ, ગમે તે હોય… પણ આપણે બંધ થઈ ગયા કે નહીં.. ?
  યાદ છે ને ?
  હું પણ એક વર્ષ પહેલા આ જ કરતો હતો..
  પણ તમારી ટકોરના લીધે અત્યારે ક્યાં સુધી છું.. 🙂

  • આપણે બંધ થઈ ગયા એટલે?

   સમય અને વિષય મળે ત્યારે પોસ્ટ મૂકતો રહું છું, તમે જોઇ શકો છો.

   માણસમાં રહેલો વાનર નકલ કરાવે પણ પછી માણસમાં રહેલો માણસ જાગી જાય એટલે મારું કામ પત્યું.

 2. ઓલુ કે છે ને, ‘નક્કલમાં અક્કલ ના હોય…’

 3. અમદાવાદી સ્ટાઈલમાં કહું તો બોસ જબરુ લાયા હો… સુરતીમાં કહું તો… (અહિં ન લખી શકાય )…!

 4. શ્રી વિનયભાઈ,

  ખરેખર તમારી મહેનત ને દાદ આપવી જોઈએ, સાથે જે કરો છો તેનું પરિણામ એક ન એક સમયે જરૂર મળશે. અમોને પણ આપે જ ટકોર કરેલ, હકીકતમાં આવી બાબતથી અમો ત્યારે અજાણ જ હતાં; પરંતુ તમારી ટકોરથી પ્રેરણા મેળવી અમે અમારી કાર્યપધ્ધતિ સદંતર બદલાવી લીધી, આજે અમોને તે બાબતનો આનંદ છે.

  ધન્યવાદ.

 5. કેટલા બધા બ્લોગ્સ એક જ કન્ટેન્ટ રીલે કરે છે…. અને એ પણ ભૂલ સાથે ! તમે જબરુ શોધી લાવો છો. અધધધ…. આના કરતા તો કવિતાઓ, ગઝલો અને વાર્તાઓ માટે (હિન્દીમાં કવિતાકોશ છે તેમ) સમગ્ર કોમ્યુનિટી દ્વારા ચલાવાતું વીકી જેવું બની જવું જોઇએ…

  વણસ્વીકારાયેલી હકીકતો દસ્તાવેજી બની એ તમારી મહેનતનો જ પ્રતાપ છે. બાકી મયૂરભાઇ અને અશોકભાઇના પ્રતિભાવ જોઇને લાગે છે કે કોઇ કોપી પેસ્ટ જાણી જોઇને અથવા કહો કે બદઇરાદાથી નથી કરતા, તેમને ફક્ત શરૂઆતમાં બ્લોગિંગ માટે યોગ્ય માર્ગદર્શનની જરૂર રહે છે. સાચી દિશામાં વળાયેલી ઉર્જાનો કેટલો સરસ ઉપયોગ થઇ શકે એ બંને બતાવી રહ્યા છે.

  સરસ.

 6. પ્રિય શ્રીવિનયભાઈ,

  આપની શૈલી એટલે કોથળામાં પાંચશેરી..!!
  હમણાંથી ગુજરાતી સાથે,હિન્દી લેખન ના રવાડે ચઢ્યો છું અને થોડા જ દિવસો માં હિન્દી બ્લૉગર્સ ની હકિકત સામે આવી છે,તે સહુ એ જાણવા-માણવા જેવી છે.લેખની વિગત,કદાચ ચાર-પાંચ ભાગ માં વહેંચવી પડશે.પણ તે હકિકત છે ઘણી જ રસપ્રદ.ત્યાં પણ આ કૉપી-પેસ્ટ નું રમખાણ તદ્દન નવી જ શૈલી અને રીત અજમાવી ને કરાઈ રહ્યું છે. એનું કારણ એટલું જ કે, આપણા બ્લૉગર્સ કરતાં, હિન્દી બ્લૉગર્સ બ્લૉગના તમા ગેઝેટ ની સુવિધાનો મનભરી ને ઉપયોગ કરે છે.

  ચાલો, ત્યારે આ મહિના માં જ, ગમે ત્યારે હિન્દી વાળાઓ નો વારો પાડી દઈએ..!! (हँसना मना है..!!)

  માર્કંડ દવે.

 7. Great work, Vinaybhai!

 8. આપણે તો બ્લોગ જ બંધ કરી દીધો !!! 😀 … નાટક જ નહિ .. બ્લોગ કોઈથી ખુલે જ નહિ કે કોપી કરે ! અને લખવાનું જ બંધ કે કોઈને મન થાય કોપી કરવાનું !! 😛 just kidding… પણ હવે માત્ર વાંચવાનું જ રાખવાનો વિચાર છે… બ્લોગ બંધ… 🙂 …

  મારું શિડ્યુલ સાલુ એવુ થઈ ગયું છે કે આપણે મળવાનું વિચારેલું એ મેળ જ નથી પડી રહ્યો વિનયભાઈ… એકાદ દિવસ ફોન કરીશ…

 9. અને એ તો કહો કે આ આટલો લાંબો સ્ક્રીનશોટ લીધો કઈ રીતે !!! 🙂 .. હું તો વિચારમાં જ પડી ગયો … !!
  ઈમેજના ૨-૪ ટુકડા જોડ્યા છે કે શું ?

 10. તમે જે સર્ચ કર્યું એવું જ બીજું એક મને તાત્કાલિક મળી ગયું.

  બેફામની ગઝલ “મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,” ના એક શેર ના મિસરાનો શબ્દ “નાખુદા (=નાવિક)” ને અનેક જગ્યાઓ પર “નાબુદા” ટાઈપ ( સોરી, પેસ્ટ ) કરવામાં આવ્યો છે… 🙂 કુલ ૨૪૭ સર્ચ રીઝલ્ટ્સ મળ્યા.. !!

  આ રહી લિંક… http://goo.gl/jzGgR

  • ઑહ માય ગોડ!

  • ગૂગલ પર શોધખોળ કરી મેળવેલી માહિતીને મારી સમજણ પ્રમાણે ગોઠવી એમ કહી શકાય કે સર્વ પ્રથમ આ રચના ૨૫/૧/૨૦૦૬ના રીડ ગુજરાતી જુના બ્લૉગ પર રજુ થઈ હતી (અને પછી નવા બ્લૉગ પર!)

   પુસ્તકમાં રહેલા મુદ્રણદોષને કારણે અથવા પુસ્તક વાંચીને ટાઈપ કરતી વખતે થયેલી ભૂલને કારણે આવું થયું હોવું જોઈએ.

   એક વખત મુખ્ય ગાયક ગરબો ગાઈ લે એટલે બાકી બધાએ ફક્ત ‘રે લોલ…‘ જ ગાવાનું રહે છે! 😉

 11. સૌથી ઝડપી હથિયાર એટલે ગુગલ…

  સરસ માહિતી આપી વિનયભાઈ..

  કોપી-પેસ્ટ બંધ થાય તેવું તમારું સ્વપ્ન કદાચ સ્વપ્ન જ રહેશે..
  જો લોકો આંખ બંધ કરીને કોપી-પેસ્ટ કરી શકતા હોય તો થોડી નામના મેળવવા માટે સમજી-વિચારીને પણ આવું કરતા જ રહેવાના..

  • મને ખબર છે કૉપી-પેસ્ટ બંધ નથી થવાનું, નવા-નવા બ્લૉગરો આવતા જશે તેમ (કદાચ) વધતું જશે.

   કૂતરાની પંછડી સીધી થતી નથી તેવી જ રીતે વાંદરાઓ નકલ કરવાનું બંધ કરવાના નથી એ પણ મને ખબર છે.

   વાનર નકલના ચાળે ચડેલા માનવની અંદરનો માનવ જાગૃત થઈ જાય એટલે મારું કામ પત્યું.

 12. અરે ભાઈ આવોજ એક બ્લોગ ગઈકાલે ધ્યાનમાં આવ્યો ‘તો, જ્યાં મૂળ કવિએ કોમેન્ટ લખવી પડી હતી કે મારી કવિતા લીધી છે તો જરા નામ તો લખો… કલિયુગ છે વિનયભાઈ કલિયુગ.

 13. જો કે આવું પાછું દરેકના કિસ્સામાં બનતું નથી એ પણ એટલુ જ સાચુ છે જે આપણા પાસે મારી ફેસબુક વૉલ પરનો “ટચરક” વાળો દાખલો પણ છે જ ને! 🙂

  • ‘ટચરક’ વાળો દાખલો અને આ દાખલામાં ફરક છે. ‘ટચરક’ શબ્દ બાબત મને ખબર ન હતી તેથી મેં ભગવદ્‍ગોમંડળ જોયુ અને તેમાં આ શબ્દ ન મળ્યો એટલે ટાઈપભૂલ બાબત શંકા વ્યક્ત કરી.

   જ્યારે અહીં મુદ્દો ટાઈપભૂલનો નથી પણ વાંચ્યા વગર, સમજ્યા વગર ફક્ત કૉમેન્ટ ઊઘરાવવા માટે મૂકી દેવાતી રચનાનો છે.

 14. આજકાલ નવી વાત થઈ રહી છે. બ્લોગમાંથી ઉઠાવીને ફેસબુકમાં પોસ્ટ કરવાનું.. એકાદ નમૂનો –

  1. http://kartikm.wordpress.com/tag/ફેસબુક

  2. અને જુઓ – https://kartikm.wordpress.com/?attachment_id=3485

  (અમર નો આભાર!)

  • correct kartikbhai…

   પહેલાં ઓર્કુટ પર ચઢાવતા હતા હવે ફેસબુક પર …

  • સાચી વાત છે. ઓર્કુટીયા હવે ફેસબુક તરફ વળ્યા છે તેનું આ જીવંત ઉદાહરણ છે.

 15. ક્યા બાત હૈ !!!

 16. વિનયભાઈ, તમારા જેવા સજાગ બ્લૉગર અને સાથી મિત્રોને કારણે થોડુંક નિયંત્રણ રહે છે. યશવંતભાઈની સ્ટાઈલમાં ચાબખો પણ સરસ માર્યો છે.

Leave a Reply

%d bloggers like this: