Feb 102015
 

પ્રિય મિત્રો,

મહિના ઉપરના વિરામ બાદ આજે ફરી બ્લૉગ પર હાજર થયો છું તેનું કારણ છે આ ફોટો:

જે મને બે વખત મળ્યો. પહેલી વખત મળ્યો ત્યારે તેના પર ધ્યાન ગયું પણ તેનું મૂળ અને કુળ જાણવા માટે ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા કરવાનો સમય ન મળ્યો, બીજી વખત મળ્યો કે તરત જ ખાંખાખોળા શરુ. ગૂગલ ઈમેજ સર્ચ અને ટીનઆઈ રીવર્સ ઈમેજ સર્ચ જેવા સાધનો કામે લગાડી શોધખોળ આદરી.

નેટ પર ગણાં સમયથી ફરતા આ ફોટાને કોઈએ ‘બકાસુર‘ થાળી નામ આપ્યું તો કોઈએ ‘મહારાજા‘ થાળી. મોટા ભાગના લોકોએ તેને સુરતની કોઈ રેસ્ટોરાંની થાળી ગણાવી છે, તો કેટલાકે વળી તે રેસ્ટોરાંનું નામ પણ લખ્યું છે, ‘પિકાલો રેસ્ટોરાં’, સુરત! ‘પિકાલો રેસ્ટોરાં’ મુંબઈમાં ફોર્ટ વિસ્તારમાં છે એવી માહિતી મળી પણ સુરતમાં ક્યાં છે તે જાણવા ન મળ્યું.

કોઈકે વળી તેની કિંમત પણ જણાવી છે (જાણે હમણાં જ બીલ ચૂકવી, આ ફોટો પોસ્ટ કર્યો હોય!) રૂ. ૧૫૦૦/- કોઈકે વળી તેને મેંગલોરની ઓશન પર્લ રેસ્ટોરાંની થાળી ગણાવી છે!

ફેસબુક પર આ ફોટો મૂકી કોઈને તેના વિશે માહિતી હોય તો જણાવજો એવી અપીલ કરી. તેના ઘણાં જવાબ આવ્યા, જેમાં મુખ રીતે મોરબી કે રાજકોટની ઠાકર લોજની થાળી હોવાનું અનુમાન આવ્યું.

કોઈએ તેને જોધા અકબર ફિલ્મનો નાયક રીતક રોશન જે થાળી આરોગે છે તે જણાવી. જુઓ નીચેનું ચિત્ર:

કોઈકે ગોરધન થાળ અમદાવાદની થાળી ગણાવી તો કોઈકે અમદાવાદની અતિથિ રેસ્ટોરાંની થાળી, કોઈકે પુરોહિત આણંદની તો કોઈએ વડોદરામાં એક નવી હોટલ ખૂલી છે તેની થાળી છે એમ કહ્યું.

ઘણાં સમજુ વાચલોએ ફોટો ધ્યાનથી જોઈ થાળીમાંની વાનગીઓની સંખ્યા અને તેમાં કેટલીક વાટકીઓમાં રાખેલા સુકામેવાને જોઈ તેમજ થાળીમાં છાસને બદલે પાણીનો ગ્લાસ જોઈ કહ્યું કે આ ફોટો કોઈ હોટલ/રેસ્ટોરાંની થાળી નહીં પણ ઠાકોરજીનો થાળ કે છપ્પન ભોગનો છે. સ્વામિનારાયણ ભગવાનના અન્નકુટનો ફોટો હોઈ શકે તેવી માહિતી પણ મળી.

ફોટો જોઈને મને થયું કે આટલી મોટી અને મોંઘી થાળી અને સોશિયલ મિડિયામાં તેનો એક જ ફોટો અને તે પણ લો રીઝોલ્યુશનનો? અશક્ય. આ વિચારે જ મને આ ફોટો વિશે વધુ ખાંખાખોળા કરવા પ્રેર્યો. ક્યારેક મને ફોટોશોપ (ફોટો એડિટર)ની કરામત લાગી. પણ ફોટાને એનલાર્જ કરી ધ્યાનથી જોતાં તે સાચુકલો લાગ્યો. ક્યારેક એમ લાગ્યું કે કોઈના અંગત જમણવારનો હોઈ શકે. ક્યારેક એમ થયું કે અન્નકૂટ કે ઠાકોરજીનો થાળ હોઈ શકે પણ પછી મને લાગ્યું કે તેવું હોત તો તેમાં ક્યાંક તુલસીપાન કે એવું કંઈક જરૂર દેખાતું હોત. ક્યારેક મને ફોટો કોઈના લગ્ન પ્રસંગનો લાગ્યો પણ ફોટોની ક્વોલિટી જોઈ મને લાગ્યું કે પ્રસંગનો હોત તો કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફરે એસએલઆર કેમેરા વડે પાડ્યો હોત અને તે સારી ગુણવત્તા ધરાવતો હોત.

ફેસબુક પર કેટલાક મારી જિજ્ઞાસા સમજી ન શક્યા અને પૂછી બેઠા, શું તમે આટલું ખાઈ શકવાના છો? તો કોઈકે કેલરીની ચિંતા કરી.

વધુ ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે આ ફોટો પાંચ મહિનાથી રેડઈટ પર છે અને તેને ગુજરાતી થાળી સુરતની પિકાલો રેસ્ટોરાંમાં ૧૫૦૦ની મળે છે જેમાં ૭ સલાડ (ફોટોમાં ક્યાં?) + ૫૫ વાનગીઓ + ૧૨ મિઠાઈ + ૧૫ જાતની રોટલી + આઈસક્રીમ + છાસ (કુલ કેટલી વાનગી થઈ, એટલી ફોટોમાં છે?) એવા ગપગોળા સાથે મૂક્યો અને અક્કલના બારદાનોએ જોયા કે સમજ્યા વગર આ ફોટોને ટ્વિટર, ફેસબુક અને અન્ય લોલેલોલ ચાલતી જ્ઞાન – ગમ્મતની સાઈટો પર ફેરવે રાખ્યું! એટલું જ નહીં આ થાળી મદ્રાસ (હવે, ચેન્નાઈ)ની મસાલેદાર રેસ્ટોરાંના ‘ઝોમેટો’ પેજ પર પણ દેખાઈ!

એક ફેસબુક મિત્રે જણાવ્યું કે આ ફોટો ઓરિસાના જગન્નાથ પુરીના છપ્પન ભોગના નામે વિકિ પર ચડવવામાં આવ્યો હતો અને પછી હટાવી લેવામાં આવ્યો છે.

હદ્દ તો ત્યારે થઈ જ્યારે ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ ઈન્ડિયા ટાઈમ્સ સાઈટ પર “‘માઈન્ડ બ્લૉ’ કરતા મેનુ” મથાળા હેઠળ આ થાળીને પ્રસિદ્ધ કરી. એટલું જ નહીં ૧૫૦૦ રૂપિયામાં ૨૦૦ વાગગીઓ પીરસે છે એવું પણ જણાવ્યું! જુઓ નીચેનો સ્ક્રિન શૉટ:

અંતે જાણવા મળ્યું કે મૂળ આ ફોટો સરસ મજાનો હતો પણ ઈન્ડિયન ફૂડ રેસીપી પેજ પર ચડ્યો ત્યારે તેનો સોર્સ ભૂંસાડી પોતાની લિન્ક મૂકી ફેસનુક પર મૂકવામાં આવ્યો હતો અને ફેસબુકે તેનું રીઝોલ્યુશન ઘટાડી નાખ્યું!

આ ફોટો ઈસ્કોન મંદિર, જુહુ, મુંબઈ, ૨૯ ઓગસ્ટ ૨૦૧૩નો છે

ફોટો સૌજન્ય - ઈસ્કોન મંદીર, જુહુ, મુંબઈ

ફોટો સૌજન્ય - ઈસ્કોન મંદીર, જુહુ, મુંબઈ

ફોટો સૌજન્ય - ઈસ્કોન મંદીર, જુહુ, મુંબઈ

ખાંખાખોળા કરવાની મજા આવી અને લટકામાં ગુજરાતની થાળી રેસ્ટોરાં વિશે જાણવા પણ મળ્યું…

વિશેષ વાંચન:

* છપ્પન ભોગની ૫૬ વાનગીઓ

* પુણેનું (નવું) ઈસ્કોન મંદીર

* અન્નકુટ એટલે શું – જાણવા જેવું

* છપ્પનભોગ એક અજોડ પ્રકાશ – ગુજરાત સમાચાર

  8 Responses to “સુરતની ‘બકાસુર’ થાળી કે ઠાકોરજીનો થાળ?”

  1. એક સામાન્ય સૌ કોઇની પાસે આવી ગયેલા ફોટો કે જેને કોઇએ સિરિયસલી ન લીધો પણ આપે તેને લઇને આટલી સરસ એ થાળ જેટલી વૈવધ્યતા લાવીને સરસ માહિતી પુરી પાડી, સરસ અભિનંદન…

    • હવે ફરી પાછો આપે મુકેલો ઓરિજનલ ફોટોને ફરી ચેડા કરીને બીજી રીતે પોષ્ટ ન કરવામાં આવે તો સારુ…

  2. તમારા બ્લોગનું નામ FunNGyan તમે સાર્થક કર્યું.

  3. માનો કે ન માનો. આ થાળ મેં જ્યારે જોયેલ ત્યારે વીવેકભાઈને મોકલવાનો વીચાર કરતો હતો. આ થાળીની આજે ઓર મજા આવી….

  4. good try that too successful

  5. wah , saras research karyu , maja aavi !

  6. હાહા… ખુબ જ રસપ્રદ ખાંખાખોળા… you have excellent research skills!

Leave a Reply

%d bloggers like this: