Sep 162009
 

પ્રિય મિત્રો,

આજે મારે તમારી સમક્ષ થોડી વાતો કરવી છે, મેકિંગ ઑફ જે૩ (એટલે જીવન જીવવાની જડીબુટ્ટી) વિશે. આ પોસ્ટ લખી તે પહેલાની અને તે પછીની કેટલીક રસપ્રદ વાતો.

૧૭/૯/૦૮ના એક ફોર્વર્ડ મેઈલ મળી જેમાં જીવન જીવવા માટેની કેટલીક ‘ટિપ્સ’ અંગ્રેજીમાં લખેલી હતી. લખાણ વાંચીને થયું કે એક એક ‘ટિપ’ એક એક સોનામહોર જેવી છે. વાંચીને કોઈ મૂલ્યવાન વસ્તુ તિજોરીમાં મૂકતો હોઉં તેમ લખાણ કૉપી કરીને ડ્રાફ્ટમાં મૂકી દીધું. વાંચતી વખતે જ નક્કી થઈ ગયું હતું કે આ લખાણનું ભાષાંતર કરીને ફનએનગ્યાન.કોમના વાચકો સમક્ષ મૂકવું. જેમ જેમ સમય મળતો ગયો તેમ તેમ ભાષાંતરનું કામ થતું ગયું. સાથે સાથે ખાંખાખોળા પણ ચાલુ  હતા કે આ ‘ટિપ્સ’ કોણે લખી છે? ઘણી શોધખોળ કર્યા પછી આ ટિપ્સના બે-ત્રણ વર્જન જાણવા મળ્યા.

બરાબર છ મહિના પછીના દિવસે નક્કી કર્યું કે આજે આ પોસ્ટ મૂકી જ દેવી છે. ૨૯ જેટલી જડીબુટ્ટીઓનું ભાષાંતર થઈ ગયું હતું. નવેક જડીબુટ્ટીઓનું બાકી હતું જે સમયને અભાવે પડતી મૂકી. મથાળું બાંધવાનું બાકી હતું. ‘સોનેરી સલાહ’, ‘સત્યાવીસ સોનામહોર’ અને ‘સત્યાવીસ સુવર્ણમુદ્રાઓ’ એવા વિકલ્પો  હતા મગજમાં (ડ્રાફ્ટને મથાળે લખી રાખ્યા હતા) પણ તેમ કરતાં બે સોનામહોર ઓછી કરવી પડે જે મંજુર નહોતું. છેલ્લી ઘડીએ સોનાનો ચડકાટ પડતો મૂકીને જડીબુટ્ટીની અકસીરતા કામે લગાડી અને મથાળું બનાવ્યું જીવન જીવવાની જડીબુટ્ટી. જડીબુટ્ટીનું એકવચન લેવું જોઈએ કે બહુવચન તે જોવાનો સમય ન રહ્યો. કુલ ૨૯ જડીબુટ્ટીઓ થતી હતી તેથી ૩૦નો આંક પૂરો કરવા માટે છેલ્લે ‘દરરોજ ફનએનગ્યાન વાંચો /વંચાવો‘ ઉમેરીને પોસ્ટ મૂકી દીધી અઢારમી માર્ચે.

પોસ્ટ મૂકાયા ભેગી જ ઊંચકાઈ. જેવી ઊંચકાઈ તેવી કોઈએ તેને ઈમેઈલમાં સર્ક્યુલેટ કરી દીધી. સર્ક્યુલેટ કરતા પહેલાં તેણે ૩૦મી જડીબુટ્ટી ‘દરરોજ ફનએનગ્યાન વાંચો /વંચાવો‘ કાઢી નાખી. નારદમુનિના અવતારને ૩૦મી જડીબુટી કેમ ખટકી તે મને ન સમજાયું. બીજી જડીબુટ્ટીમાં  ‘દરરોજ ઓછામાં ઓછી ૧૦ મિનિટ માટે એકાંતમાં બેસો’ પોતાનું ડહાપણ ડહોળ્યું. ૧૦ પછી અંગ્રેજીમાં -૩૦ ઉમેર્યુ! અરે! ભલા માણસ ઓછામાં ઓછી દસ મિનિટ લખી છે તે પૂરતું નથી?

જડીબુટ્ટીઓ અસર રામબાણ સાબિત થઈ. બધાને બહુ જ માફક આવી. નકલખોરી અને ઉઠાંતરી પર નભતા પરોપજીવી બ્લોગ તો કૉપી-પેસ્ટ કરે તે જાણે સમજ્યા પણ ચાર વર્ષથી નિયમિત અને મૌલિક બ્લોગિંગ કરતા, પોતાને ‘ગુજરાતી ગીક’ ગણાવતા કાર્તિક મિસ્ત્રી પણ જડીબુટ્ટીઓની જાળમાં આવીને કૉપી-પેસ્ટ કરી બેઠા!

લેખમાં ‘ગયા વર્ષે કરતાં…’ એમ ભૂલ વાળું વાક્ય છે જે પાછળથી ધ્યાનમાં આવ્યું. મારે લખવું હતું ‘ગયા વર્ષે વાંચ્યા તેના કરતાં..’ પણ ‘વાંચ્યા’ શબ્દ ડિલિટ થઈ ગયો અને ભૂલ રહી ગઈ. પછીથી સુધારી લેવાને બદલે ચોર્યશિરોમણીઓને શોધી કાઢવા કામ લાગશે સમજીને જાણી જોઈને રહેવા દીધી છે.

અત્યારે ૬૭ જેટલા બ્લોગ/વેબસાઈટ પર જીવન જીવવાની જડીબુટ્ટીઓ જોવા મળે છે જેમાં ૧૧ વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ, ૩૮ બ્લોગર (બ્લોગસ્પોટ) બ્લોગ અને ૧૦-૧૨ (ભૂલચૂક લેવીદેવી) સેલ્ફ હોસ્ટેડ બ્લોગ/વેબસાઈટ છે. સંપુર્ણ યાદી માટે અહીં ક્લિક કરો.

આ ઉપરાંત ઓર્કુટ જેવી સોસિયલ સાઈટ પર અને ફોર્વર્ડ મેઈલમાં ફોર્વર્ડ થતી જડીબુટ્ટીઓ ક્યાંની ક્યાં પહોંચી ગઈ હશે તેની કલ્પના પણ ન થઈ શકે.