Posts tagged: જીવન જીવવાની જડીબુટ્ટી

અજાણ્યે લાગણી દુભાવવા માટે ક્ષમા

By વિનય ખત્રી, June 16, 2010 7:00 am

માનનીય દિલીપભાઈ,

સૌપ્રથમ આપની લાગણી દુભાઈ છે તે માટે હું ખરા હ્રદયથી માફી માગું છું.

મારો ઈરાદો આપની લાગણી દુભાવવાનો નહીં પણ ઈન્ટરનેટ પર ફરતી ‘ટિપ્સ ફોર બેટર લાઈફ’નો મેં કરેલો અનુવાદ લાખો વાચકોની માનીતી કૉલમ મુખવાસમાં પ્રસિદ્ધ થયો છે તે ખુશખબર મારા બ્લોગના વાચક મિત્રો સાથે શેર કરવાનો હતો.

આપના પત્રમાં આપે લખ્યું છે કે મેં કોઈ લખાણ ચિત્રલેખાના તંત્રીશ્રીને કે ઈશિતાને ઉદ્દેશીને પ્રકાશનાર્થે ક્યારેય મોકલ્યું નથી તો પછી મુખવાસનો એ લેખ તમારા નામે કેવી રીતે છપાયો?

તમારું ન હોય એવું લખાણ તમારા નામે છપાય તે યોગ્ય છે?

આગળ કંઈ કહેતા પહેલા હું ચિત્રલેખા તરફથી સ્પષ્ટતાની રાહ જોઈશ.

-વિનય ખત્રીના જયશ્રીકૄષ્ણ!

સંબંધીત લેખ:

મેં કોઈ લખાણ ચિત્રલેખાને પ્રકાશનાર્થે મોકલ્યું નથી! – ડૉ. દિલીપ મોદી

By વિનય ખત્રી, June 15, 2010 7:00 am

ઈન્ટરનેટ પર ફરતી ટિપ્સ ટુ લાઈફનો મેં કરેલો ગુજરાતી અનુવાદ જીવન જીવવાની જડીબુટ્ટીઓ આ અઠવાડિયાની ચિત્રલેખાની લોકપ્રિય કૉલમ મુખવાસમાં ચિરયુવાનીની ૧૯ ચાવી મથાળા હેઠળ અને સુરતના ડૉ. દિલીપ મોદીના નામે પ્રસિદ્ધ થઈ છે. આ બાબત મેં મારા બ્લોગ પર મૂકી તેની પ્રતિક્રીયા રૂપે વાંચો ડૉ. દિલીપ મોદીનો પ્રત્ર:

પ્રિય વિનયભાઈ,

સવિનય નમસ્તે!

ચિત્રલેખા-મુખવાસમાં પ્રગટ થયેલ લખાણ મારું પોતાનું નથી, પરંતુ સાથે સાથે મેં કોઈ ઉઠાંતરી પણ કરી નથી. સત્ય પ્રતિ તમે પ્રકાશ ફેંક્યો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. છતાં મને અંગતપણે જણાવીને સ્પષ્ટતા કરવાનો એક માત્ર મોકો તમે આપ્યો હોત તો… સારું થાત. તમે તો આખેઆખી વાતનું વતેસર કરીને સીધેસીધી તમારા બ્લોગ પર મૂકી દીધી. પરિણામે હું વાચકોની ટીકાનો-રોષનો બિનજરૂરી ભોગ બન્યો. આમ મારી થયેલી અયોગ્ય માનહાનિ થકી હું અત્યંત વ્યથિત છું!

કોઈ પણ વ્યક્તિની પ્રતિષ્ઠાને આંચ આવે, ખોટી રીતે ઉછાળેલા કાદવથી પોતાની છબી ખરડાય એવું નહિ જ ઈચ્છે, તે સ્વાભાવિક છે. હું પણ નહિ. હું સુરતમાં એક સિનિયર કવિ-ગઝલકાર-લેખક-તબીબ છું. હું મોટે ભાગે પદ્યમાં કામ કરતો આવ્યો છું. સિવાય કે ગદ્યમાં થોડાક નિબંધો કે લેખો મેં લખ્યા છે. ગુજરાતી સાહિત્યમાં આઠમા દાયકાના ગઝલકાર તરીકે મારી નોંધપાત્ર ગણના થાય છે. મારા લગભગ 8-10 પુસ્તકો/કાવ્ય-ગઝલસંગ્રહો પ્રસિધ્ધ થઈ ચૂક્યાં છે. આજ દિન પર્યંત મેં બહુ લખ્યું, બહુ છપાયું એટલે પ્રસિધ્ધિનો મને હવે મોહ રહ્યો નથી. વર્ષોથી પ્રામાણિકપણે-નિષ્ઠાપૂર્વક સર્જન કરતો રહ્યો છું. મારી મેડિકલ પ્રેક્ટિસને 33 વર્ષો પૂરાં થયાં છે. એક ડૉકટર તરીકે સંપૂર્ણ ethically (કોઈ કટકી-કમિશન વગર બિલકુલ ઈમાનદારીથી) કામ કર્યું છે તેનો મને સવિશેષ આનંદ અને સંતોષ છે. મારી પોતાની પ્રતિભા (ઈમેજ) વિશે તમને ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે રીતે તપાસ કરાવવાનો મારો ખુલ્લો પડકાર છે. Continue reading 'મેં કોઈ લખાણ ચિત્રલેખાને પ્રકાશનાર્થે મોકલ્યું નથી! – ડૉ. દિલીપ મોદી'»

જીવન જીવવાની જડીબુટ્ટી અને હું

By વિનય ખત્રી, September 16, 2009 7:00 am

પ્રિય મિત્રો,

આજે મારે તમારી સમક્ષ થોડી વાતો કરવી છે, મેકિંગ ઑફ જે૩ (એટલે જીવન જીવવાની જડીબુટ્ટી) વિશે. આ પોસ્ટ લખી તે પહેલાની અને તે પછીની કેટલીક રસપ્રદ વાતો.

૧૭/૯/૦૮ના એક ફોર્વર્ડ મેઈલ મળી જેમાં જીવન જીવવા માટેની કેટલીક ‘ટિપ્સ’ અંગ્રેજીમાં લખેલી હતી. લખાણ વાંચીને થયું કે એક એક ‘ટિપ’ એક એક સોનામહોર જેવી છે. વાંચીને કોઈ મૂલ્યવાન વસ્તુ તિજોરીમાં મૂકતો હોઉં તેમ લખાણ કૉપી કરીને ડ્રાફ્ટમાં મૂકી દીધું. વાંચતી વખતે જ નક્કી થઈ ગયું હતું કે આ લખાણનું ભાષાંતર કરીને ફનએનગ્યાન.કોમના વાચકો સમક્ષ મૂકવું. જેમ જેમ સમય મળતો ગયો તેમ તેમ ભાષાંતરનું કામ થતું ગયું. સાથે સાથે ખાંખાખોળા પણ ચાલુ  હતા કે આ ‘ટિપ્સ’ કોણે લખી છે? ઘણી શોધખોળ કર્યા પછી આ ટિપ્સના બે-ત્રણ વર્જન જાણવા મળ્યા.

બરાબર છ મહિના પછીના દિવસે નક્કી કર્યું કે આજે આ પોસ્ટ મૂકી જ દેવી છે. ૨૯ જેટલી જડીબુટ્ટીઓનું ભાષાંતર થઈ ગયું હતું. નવેક જડીબુટ્ટીઓનું બાકી હતું જે સમયને અભાવે પડતી મૂકી. મથાળું બાંધવાનું બાકી હતું. ‘સોનેરી સલાહ’, ‘સત્યાવીસ સોનામહોર’ અને ‘સત્યાવીસ સુવર્ણમુદ્રાઓ’ એવા વિકલ્પો  હતા મગજમાં (ડ્રાફ્ટને મથાળે લખી રાખ્યા હતા) પણ તેમ કરતાં બે સોનામહોર ઓછી કરવી પડે જે મંજુર નહોતું. છેલ્લી ઘડીએ સોનાનો ચડકાટ પડતો મૂકીને જડીબુટ્ટીની અકસીરતા કામે લગાડી અને મથાળું બનાવ્યું જીવન જીવવાની જડીબુટ્ટી. જડીબુટ્ટીનું એકવચન લેવું જોઈએ કે બહુવચન તે જોવાનો સમય ન રહ્યો. કુલ ૨૯ જડીબુટ્ટીઓ થતી હતી તેથી ૩૦નો આંક પૂરો કરવા માટે છેલ્લે ‘દરરોજ ફનએનગ્યાન વાંચો /વંચાવો‘ ઉમેરીને પોસ્ટ મૂકી દીધી અઢારમી માર્ચે.

પોસ્ટ મૂકાયા ભેગી જ ઊંચકાઈ. જેવી ઊંચકાઈ તેવી કોઈએ તેને ઈમેઈલમાં સર્ક્યુલેટ કરી દીધી. સર્ક્યુલેટ કરતા પહેલાં તેણે ૩૦મી જડીબુટ્ટી ‘દરરોજ ફનએનગ્યાન વાંચો /વંચાવો‘ કાઢી નાખી. નારદમુનિના અવતારને ૩૦મી જડીબુટી કેમ ખટકી તે મને ન સમજાયું. બીજી જડીબુટ્ટીમાં  ’દરરોજ ઓછામાં ઓછી ૧૦ મિનિટ માટે એકાંતમાં બેસો’ પોતાનું ડહાપણ ડહોળ્યું. ૧૦ પછી અંગ્રેજીમાં -૩૦ ઉમેર્યુ! અરે! ભલા માણસ ઓછામાં ઓછી દસ મિનિટ લખી છે તે પૂરતું નથી?

જડીબુટ્ટીઓ અસર રામબાણ સાબિત થઈ. બધાને બહુ જ માફક આવી. નકલખોરી અને ઉઠાંતરી પર નભતા પરોપજીવી બ્લોગ તો કૉપી-પેસ્ટ કરે તે જાણે સમજ્યા પણ ચાર વર્ષથી નિયમિત અને મૌલિક બ્લોગિંગ કરતા, પોતાને ‘ગુજરાતી ગીક’ ગણાવતા કાર્તિક મિસ્ત્રી પણ જડીબુટ્ટીઓની જાળમાં આવીને કૉપી-પેસ્ટ કરી બેઠા!

લેખમાં ‘ગયા વર્ષે કરતાં…’ એમ ભૂલ વાળું વાક્ય છે જે પાછળથી ધ્યાનમાં આવ્યું. મારે લખવું હતું ‘ગયા વર્ષે વાંચ્યા તેના કરતાં..’ પણ ‘વાંચ્યા’ શબ્દ ડિલિટ થઈ ગયો અને ભૂલ રહી ગઈ. પછીથી સુધારી લેવાને બદલે ચોર્યશિરોમણીઓને શોધી કાઢવા કામ લાગશે સમજીને જાણી જોઈને રહેવા દીધી છે.

અત્યારે ૬૭ જેટલા બ્લોગ/વેબસાઈટ પર જીવન જીવવાની જડીબુટ્ટીઓ જોવા મળે છે જેમાં ૧૧ વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ, ૩૮ બ્લોગર (બ્લોગસ્પોટ) બ્લોગ અને ૧૦-૧૨ (ભૂલચૂક લેવીદેવી) સેલ્ફ હોસ્ટેડ બ્લોગ/વેબસાઈટ છે. સંપુર્ણ યાદી માટે અહીં ક્લિક કરો.

આ ઉપરાંત ઓર્કુટ જેવી સોસિયલ સાઈટ પર અને ફોર્વર્ડ મેઈલમાં ફોર્વર્ડ થતી જડીબુટ્ટીઓ ક્યાંની ક્યાં પહોંચી ગઈ હશે તેની કલ્પના પણ ન થઈ શકે.

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.