પ્રિય મિત્રો,
તીન બત્તી, ચાર રસ્તા વાળું શિર્ષક વાંચીને તમને ૧૯૫૩માં આવેલી ફિલ્મ યાદ આવી ગઈ હોય તો તમારી ધારણા સાચી છે, તેના પરથી જ આ પોસ્ટનું મથાળું બાંધ્યું છે.
તળ મુંબઈમાં મલબાર હિલ પર વાલકેશ્વર રોડ પર આવેલી એક જગ્યા હજી પણ તીન બત્તી તરીકે ઓળખાય છે અને ચાર રસ્તા તો દરેક જગ્યાએ જોવા મળશે. ગુજરાતમાં વળી ચાર રસ્તાને ‘ચોકડી’ કહેવામાં આવે છે!
તો આપણે વાત કરવાના છીએ ટ્રાફિક સિગ્નલની!
આપણે ભણતા હતા ત્યારે આપણે ટ્રાફિક સિગ્નલ વિશે શીખવાડવામાં આવ્યું હતું કે લીલી બત્તી એટલે રસ્તો ખુલ્લો છે (Go), પીળી બત્તી એટલે આજુબાજુ જુઓ (Look) ધીમે ચલાવો અને લાલ બત્તી એટલે થોભો (Stop). આ વાત આપણાં બધાના મગજમાં બરાબર બેઠેલી હશે.
આજકાલ ટ્રાફિક સિગ્નલ પર ઊભા ઊભા અવલોકન કરતાં એક નવી જ વાત જાણવા મળી! લાલ અને લીલી બત્તીનો અર્થ તો જાણે બરાબર પણ પીળી બત્તીનો અર્થ આજકાલ દોડધામની ધમાલવાળી જીંદગીમાં બદલાઈ ગયો છે. પીળી બત્તી જોઈને વાહનને ધીમા પાડવાને બદલે લોકોને (એમાં હું પણ આવી ગયો!) ઝડપ વધારતા જોયા છે. ટૂ વ્હિલર હોય કે ફોર વ્હિલર, ૪૦ની ઝડપે જતું વાહન પીળી લાઈટ જોઈને ૬૦ પર દોડતું જાય છે. સાયકલવાળા સુદ્ધાં પીળી બત્તી જોઈને વધુ જોરથી પેડલ મારતા જોવા મળે છે. કદાચ લાલ લાઈટ થઈ જશે અને આપણે રહી જશું અને અહીં થોભવું પડશે અને મોડા પડીશું વગેરે વિચારો સાથે આપણે ટ્રાફિક સિગ્નલનો મૂળ અર્થ બદલાવી દીધો છે અને જાતે જ આફતને આમંત્રણ આપતા હોઈએ એવું તમને નથી લાગતું?
આપના પ્રતિભાવ