Mar 182015
 

આજકાલની જનરેશનને સાચી જોડણી નથી આવડતી, સાચું ગ્રામર નથી આવડતું, ક્રિયાપદો ખોટાં હોય છે, વિશેષણો ક્યારે વાપરવાં એની સમજ હોતી નથી, ટેક્સ્ટ મેસૅજ કરીને ગમે તે શબ્દના ટૂંકાક્ષરો બનાવતાં થઈ ગયાં છે – આવી ફરિયાદ ગુજરાતી વડીલોની જ નહીં અંગ્રેજી જેમની માતૃભાષા છે એમની પણ છે. છોકરાંઓને પ્રોપર ગુજરાતી કે પ્રોપર ઈંગ્લિશ લખતાં નથી આવડતું એ વાત શું સાચી છે?

ના. છોકરાંઓ એમ જ લખશે અને એ જ રીતે લખવા દો. એ બધાં કંઈ ભાષાના પ્રોફેસરો નથી કે પત્રકારો-લેખકો નથી. એમને એમની આગવી ભાષા છે, એમની ભાષાનો આગવો અંદાજ છે. એમના માટે સુંદર છોકરો ‘કૂલ’ પણ હોઈ શકે છે અને સુંદર છોકરી ‘હૉટ’ પણ હોઈ શકે છે. શબ્દોને નીતનવા કૉન્ટેક્સ્ટમાં વાપરીને તેઓ ભાષાની સમૃદ્ધિ વધારે છે.

બ્રિટનવાળાઓને લાગે છે કે અમે જે અંગ્રેજી બોલીએ-લખીએ છીએ તે પ્રોપર છે. અમેરિકાવાળા માને છે કે અમારી અંગ્રેજી પ્રોપર છે. અમદાવાદવાળા ગુજરાતીઓ કહેતા હોય છે કે મુંબઈના ગુજરાતીઓના ઉચ્ચાર વિચિત્ર હોય છે, મુંબઈવાળાઓને અમદાવાદની ગુજરાતી ઈમ્પ્રોપર લાગતી હોય છે. ભલે લાગે. જેમ પ્રોપર ઈંગ્લિશ જેવું કંઈ નથી એમ પ્રોપર ગુજરાતી જેવું પણ કંઈ નથી. સુરતી, ચરોતરી, હાલારી, કાઠિયાવાડીથી લઈને એન. આર. આઈઝની ગુજરાતી સુધીની વેરાઈટીઓ છે. અત્યાર સુધી માત્ર બોલવામાં હતી, હવે તો તમે ફેસબુક અને વૉટ્સઍપ પર જુઓ તો ‘બહુ’ને બદલે ‘બવ’, ‘લખાઈ ગયું’ને બદલે ‘લખાય ગયું’ અને ‘બેસાડી દેવા જોઈએ’ને બદલે ‘બેસાડી દેવા જોવે’ લખેલું વંચાશે. જોડણી અને અનુસ્વાર તો આડેધડ જેમ ફાવે તેમ. પણ વાંધો નથી. ગઈ કાલ સુધી જે લોકો લખતા જ નહોતા, તેઓ આજે લખતા થયા છે. આ બધા કંઈ પ્રોફેશનલ લેખકો નથી અને પ્રોફેશનલ લેખક બનવાના એમનાં સપનાં પણ નથી. એ બધા શૅર કરવા માગે છે, પોતાના વિચારો, પોતાના આક્રોશો, પોતાની રમૂજો.

ભાષાની શુદ્ધિની જરૂર તમે છાપામાં લખતા હોય, સાહિત્યનું સર્જન કરતા હો, કે પછી સત્તાવાર દસ્તાવેજો અને સરકારી કાગળિયાં બનાવતા હો ત્યારે પડે. સાહિત્યમાં પણ જ્યારે તમે કોઈ એવા વાતાવરણની વાત કરતા હો ત્યારે ‘પ્રોપર ગુજરાતી’ને બદલે ‘ઈમ્પ્રોપર ગુજરાતી’ જાણી જોઈને વાપરતા હો છો અને ક્યારેક અનાયાસ એવા શબ્દો આવી જાય ત્યારે તમારી ભાષાની ફલેવરમાં એટલો ઉમેરો થતો હોય છે. ચંદ્રકાંત બક્ષી હંમેશાં ‘ઘરે જઉં છું’ની જગ્યાએ ‘ઘેર જઉં છું’ લખતા. અને કહેતા કે મને ખબર છે કે ‘ઘરે’ લખાય પણ ‘ઘેર’ મારા માટે સાહજિક છે. બક્ષીની કક્ષાએ પહોંચીને તમે ભાષા સાથે તમામ પ્રકારની છૂટછાટ લઈ શકો – વ્યાકરણમાં પણ. પરંતુ સાચું શું છે એની ખબર હોય તો આવી છૂટછાટ લઈ શકો. ઘણા કવિઓ છંદ ન આવડતા હોય એટલે કહે કે હું છંદનાં બંધનોમાં માનતો નથી એટલે અછાંદસ લખું છું. પણ ભઈલા તારા અછાંદસ કાવ્યોમાં જાન ત્યારે આવે જ્યારે તને છંદ આવડતા હોય છતાં તું એને ના વાપરે. આવડવા તો જોઈએ જ.

ઉમાશંકર જોશી, નિરંજન ભગત, સુરેશ જોષી, સુરેશ દલાલ, રાજેન્દ્ર શુકલ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર, રમેશ પારેખ અને આવા અનેક મહારથીઓએ ઉત્તમ અછાંદસ કાવ્યો લખ્યા અને આ દરેક કવિની છંદ પર ગજબની હથોટી.

પત્રકારત્વમાં પ્રવેશીને છાપા માટે લખતી વખતે જોડણી-ગ્રામર બધું પાક્કું જોઈએ. ટીવી ચૅનલ પર બોલવાની જવાબદારીવાળું કામ હોય તો ઉચ્ચારણ પણ શુદ્ધ જોઈએ. મહેસાણાનો લહેકો મીઠો લાગે – અંગત વાતચીતમાં બોલાય ત્યારે કે પછી નાટક-ફિલ્મમાં એવું પાત્ર હોય ત્યારે. ન્યૂઝ રીડરની જુબાનમાં ‘જીજે-ટુ’ની નંબર પ્લેટ ન આવવી જોઈએ.

અંગ્રેજી હોય કે ગુજરાતી પંરપરાથી ચાલતા આવેલા ભાષાના, ગ્રામરના નિયમો તૂટતા જ આવ્યા છે, નવા નિયમો સર્જાતા જ રહ્યા છે. જેમ કે સ્ટાન્ડર્ડ ઈંગ્લિશમાં એક વાક્યમાં બે નેગૅટિવ્સ ન આવે છતાં આજની તારીખે તમે ‘આય કાન્ટ ગેટ નો સેટિસ્ફેક્શન’ લખો કે બોલો તો તે સાચું ગણાય. ગુજરાતીમાં (અને અંગ્રેજીમાં પણ) ‘કારણ કે’ અથવા ‘અને’થી વાક્ય શરૂ ન કરાય એવી પ્રથા છે, નિયમ પણ છે. આમ છતાં આ શબ્દોથી વાક્યો જ નહીં, પૅરેગ્રાફ જ નહીં, પ્રકરણની શરૂઆત પણ થતી હોય છે જે ઈફેક્ટિવ હોય છે.

ભાષાની શુદ્ધતાની બાબતમાં કે જોડણીની ચોખ્ખાઈની બાબતમાં મારો મત સ્પષ્ટ છે: જેઓ પ્રોફેશનલ્સ નથી કે પ્રોફેશનલ્સ બનવા માગતા નથી કે પ્રોફેશનલ્સમાં પોતાની ગણના થાય એવાં જેમને હેવાં નથી એ બધા જ લખનારા-બોલનારા માટે ભાષાની કે ગ્રામરની કે ઉચ્ચારણની તમામ સો કૉલ્ડ અશુદ્ધિઓ માફ છે. માફ જ નહીં હું તો કહીશ કે એ બધું એમનામાં આવકાર્ય પણ છે કારણ કે એ વાંચી/સાંભળીને મને ખબર પડે છે કે એ ભાષાની સમૃદ્ધિ, એનો વ્યાપ કેટલો મોટો છે. પણ ભાષાના શિક્ષકો – અધ્યાપકો – પ્રાધ્યાપકો કે પછી છાપાં – મૅગેઝિનના ન્યૂઝ રૂમ સાથે સંકળાયેલા પત્રકારો – પ્રૂફ રીડરો કે પછી ન્યૂઝ ચૅનલના એડિટોરિયલ વિભાગની જવાબદારીઓ સંભાળનારાઓ, સરકારી કે બિનસરકારી સંસ્થાઓમાં પરિપત્રો, પત્ર વ્યવહાર સંભાળનારાઓ, કાયદાની લિખાપટ્ટીની પ્રક્રિયામાં સંકળાયેલાઓ અને જાહેરખબરના ક્ષેત્રમાં લેખનકાર્ય કરનારાઓને ખબર હોવી જોઈએ કે સાચી જોડણી કઈ છે. એમને ખબર હોવી જોઈએ કે સાચું ગ્રામર કોને કહેવાય (‘નરેન્દ્ર મોદી ભારતનો વિકાસ કરવાનું ‘સોચી’ રહ્યા છે એવું લખશો તો એક લપડાક પડશે.’) જ્યાં જાણી જોઈને મસ્તી કરવી હોય ત્યાં બધી જ તોડફોડ કરી શકાય. સાચી જોડણી લખવી અઘરી નથી એવું યશવંત દોશીનું કહેવું હતું. તમારે જો જોડણી વિશેના લેખમાં જોડણીના અટપટા નિયમો વગેરેની વાત કરીને લેખનું આવું મથાળું બાંધવું હોય તો છૂટ છે: સાચિ જોડણિ અઘરિ નથિ.

બોલવામાં તમે તમારું ગ્રામર વાપરો, તમારા વતનની બોલીની ખુશ્બુ ઉમેરો, મઝા છે. પણ કોઈ જગ્યાએ આવી મઝાઓ ભારે પડતી હોય છે. અમારા એક મિત્ર ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા છે. એમના પ્રોડક્શનની ટીમ અમેરિકા જવાની હતી. વ્યવસ્થા સંભાળવા એમણે પણ જવાનું હતું. અમેરિકન ઍમ્બેસીમાં વિઝા લેવા ગયા. ઈન્ટરવ્યૂ શરૂ થયો. પાંચેક મિનિટ પછી ટેબલની પાછળ બેઠેલા અમેરિકન ઑફિસરે કહ્યું: આય થિન્ક લેટ્સ કૉલ એન ઈન્ટરપ્રીટર’. મારા મિત્રે કહ્યું, ‘આય ડોન્ટ નીડ ઈન્ટરપ્રીટર. આય નો ઈંગ્લિશ.’ અમેરિકને કહ્યું, ‘આય નીડ એન ઈન્ટરપ્રીટર ટુ અન્ડરસ્ટેન્ડ યૉર ઈંગ્લિશ.’

આજનો વિચાર

અંગ્રેજી ભાષામાં અનાથ અને વિધવા માટેના શબ્દો છે પણ જે માબાપે સંતાન ગુમાવ્યું છે એમના માટે કોઈ શબ્દ નથી.
– જેન વૅગ્નર

એક મિનિટ!

કિસીને મેરી નીંદ લૂટી
તો કિસીને મેરા ચૈન લૂટ લિયા
નીંદ મિલે તો આપ રખલેના
પર ચૈન મિલે તો પ્લીઝ મુઝે દે દેના…
… તીન તોલે કા હૈ, યાર.

(વૉટ્સઍપ પર વાંચેલું)

સૌરભ શાહ, ગુડ મોર્નિંગ, ‘મુંબઈ સમાચાર’, બુધવાર, ૧૮ માર્ચ ૨૦૧૫
લેખકનું ફેસબુક ફેન પેજ

Feb 072011
 

પ્રિય મિત્રો,

ઈચ્છા મૃત્યુ વિશે થોડા સમય પહેલાં સંજય લીલા ભણસાળીની એક ફિલ્મ આવી હતી, ગુજારીશ. ફિલ્મ જોઈને ઈચ્છા મૃત્યુ વિશે બ્લૉગ પર લખવાનો વિચાર આવ્યો. ઈચ્છા મૃત્યુ વિશે મારા વિચારો રજુ કરું તે પહેલાં, ચાલો, આજે આપણે જાણીતા લેખક અને પત્રકાર શ્રી સૌરભ શાહના વિચારો જાણીએ. આ લેખ તેમના પુસ્તક મનની બાયપાસ સર્જરીમાંથી (પરવાનગી સાથે) લેવામાં આવ્યો છે:

જે પોષતું તે મારતુંનો કુદરતી ક્રમ ખોરવાઈ જાય ત્યારે – સૌરભ શાહ

૧૯૮૦માં ભારતની સંસદમાં મર્સી કિલિંગ અંગેનો એક ખરડો રજૂ કરવામાં આવ્યો હતો. આ ખરડામાં એવું સૂચન હતું કે અસાધ્ય રોગથી પીડાતી કે સંપૂર્ણપણે પથારીવશ થઈ ગયેલી અત્યંત બીમાર વ્યક્તિ પોતાના મૃત્યુ માટે જિલ્લા સરકારી હૉસ્પિટલના સિવિલ સર્જ્યનને અરજી કરી શકે અથવા પોતાના સ્વજન દ્વારા કરાવી શકે. સિવિલ સર્જ્યન જે નિર્ણય આપે તે વિશે એક તબીબ બોર્ડ તપાસ કરે અને જિલ્લા મૅજિસ્ટ્રેટ સમક્ષ પોતાની દરખાસ્ત રજૂ કરે. મૅજિસ્ટ્રેટ હકીકતોની ચોકસાઈ કરી પરવાનગી આપે અને સિવિલ સર્જ્યન દર્દીની ઈચ્છા પ્રમાણે એને મોત બક્ષે.

તે વખતના કોંગ્રેસી સંસદસભ્ય મૂલચંદ બગ્ગાએ આ કાંતિકારી ખરડો લોકસભામાં રજૂ કર્યો ત્યારે બહુમતી એમની વિરુદ્ધ થઈ ગઈ. ખરડો કાયદો ન બની શક્યો. આપણી રૂઢિચુસ્તતા અને આપણા બંધિયાર દિમાગો આવા વિચારોનો સ્વીકાર ન કરે એમાં નવાઈ નથી. પશ્ચિમના દેશોમાં યુથેનેસિયા (કષ્ટ વિનાનું સ્વૈચ્છિક મૃત્યુ) સામાન્ય બની જશે ત્યારે આપણે આની પાછળની ભાવના સમજી શકીશું, તે પહેલાં નહીં. કૂવામાં રહેતો ભારતીય સમાજ બપોરે જ સૂરજ જોઈ શકે છે. એના માટે એ સૂર્યોદય હોય છે. Continue reading »

Apr 142010
 

જિંદગીના છેલ્લા ત્રીસ દિવસ બાકી હોય તો તમે શું કરો

આ જીવન તો રૈનબસેરા છે, એક રાતનો મુકામ છે અને આજે આવ્યા છીએ તો કાલે જવાનું જ છે એવી ફિલસૂફીઓ બહુ થઈ.

વિચાર કરો કે તમારા મોતની તારીખ નિશ્ચિત કરી નાખવાની હોય તો બાકીની આવરદામાં તમે શું કરો? હજુ કેટલાં વર્ષ જીવવું પસંદ કરો? દીકરી એસ.એસ.સી. થઈ જાય ત્યાં સુધી? દીકરો પરણી જાય ત્યાં સુધી? દીકરાને ત્યાં પારણું બંધાય ત્યાં સુધી? દીકરાને ભણવા માટે અમેરિકા મોકલવાનું સપનું હતું. ના જામ્યું. દીકરાનો દીકરો પ્રિન્સટન યુનિવર્સિટીમાં ભણીને ડિગ્રી લે ત્યારે એના કોન્વોકેશન ફંકશનમાં જવું છે.

ભગવાન ત્રાસી જાય ત્યાં સુધી તમે મૃત્યુને મુલતવી રાખવા માગો છો. એટલે હવે નક્કી એવું થયું છે કે જીવવા માટે તમારી પાસે પૂરા ત્રીસ દિવસ, રોકડા સાતસો વીસ કલાક બાકી છે. ત્રીસ દિવસ પછી છાપામાં તમારી છબી સાથે ફૂલ ગયું ફોરમ રહી ગઈવાળી જાહેરખબર આપવાનું તમારા ભાગ્યમાં લખાઈ ગયું છે. તો હવે આ ત્રીસ દિવસમાં તમે શું શું કરો?

જિંદગીના અંતિમ દિવસોમાં તમને કોને કોને મળી લેવાનું મન થાય? કોના કોનાથી છૂટા પડી જવાનું મન થાય? કયા દોસ્તો સાથે મેહાગની લાઉન્જના સોફામાં બેસીને એન્ટિક્વિટીના ચાર કડક પેગ પીવાનું પસંદ કરો? કોની જોડે ગંગોત્રી-યમુનોત્રીની યાત્રાએ જાવાનું મન થાય?

કયાં ત્રણ પુસ્તકો ફરીથી વાંચી લેવાનું મન થાય? જિંદગીમાં ક્યારેય ન વાંચ્યાં હોય પણ વાંચવાની વારંવાર ઈચ્છા થઈ હોય એવાં કયાં ત્રણ પુસ્તકો વાંચી લેવાનું મન થાય? જિંદગીની છેલ્લી કઈ ચાર ફિલ્મો જોઈ લેવાની લાલચ થાય? છેલ્લા મહિનામાં કેટલી વાર બાબુલનાથની પાણીપૂરી ખાવા જાઓ? પાણીપૂરીવાળાને તમારું ખાતું બંધ કરવાનું કહીને બાકી નીકળતી રકમ રોકડી ચૂકવી દેતાં મનમાં સહેજ ચુભન થાય? પાણીપૂરીવાળો તમારી પાસે ખાતું બંધ કરવાનું કારણ પૂછે તો તમે શું કારણ આપો? સાચેસાચું કહી દો? મરતાં પહેલાં કિસી રાહ મેં કિસી મોડ પર કહીં ચલ ના દેના તૂ છોડકર અને વો ભૂલી દાસ્તાં લો ફીર આ ગઈ કેટલી વખત સાંભળી લો? લાકડાથી બળવું છે કે વિદ્યુત ભઠ્ઠીમાં એનો વિકલ્પ નક્કી કર્યા પછી ભૂંજેલી બદામનો આઈસક્રીમ ખાઓ કે અંજીરનો? Continue reading »

Apr 142010
 

પ્રિય મિત્રો,

આજે મારા પ્રિય લેખક અને મિત્ર એવા સૌરભભાઈ શાહનો જન્મદિવસ છે. તેમને જન્મદિવસની વધામણી સાથે તેમનો આ લેખ (તેમની પરવાનગી સાથે) અહીં મૂકું છું. આ લેખ તેમના પુસ્તક ‘એકત્રીસ સુવર્ણમુદ્રાઓ‘માંથી લીધો છે.

બીજો લેખ સાંજે સાત વાગે પ્રસિદ્ધ થશે.

ઓવર ટુ, સૌરભ શાહ…

-વિનય ખત્રી

ઍન્થની અને અમૂલખચંદનાં નામ વચ્ચે શું સામ્ય છે?

ચુનીભાઈ પટેલ અમેરિકા જઈને પોતાનું નામ ચાર્લી રાખી લે કે જીવાભાઈ જોર્જ બની જાય ત્યારે ભારતમાં વસતા તેમના ભાઈઓને મજા પડે છે. દેશી ભાઈઓને ખબર નથી હોતી કે ચાર્લી, જોર્જ, રૉબર્ટ અને રીટા જેવાં નામોમાં પણ ઢંગ હોય છે, ધડો હોય છે અને ખૂબસૂરત અર્થ પણ હોય છે.

કીર્તિભાઈ, અમૂલખચંદ, શાંતિલાલ અને હસમુખભાઈએ અમેરિકા જઈને નામ બદલી નાખવાં હોય તો ક્યાં નામ રાખી શકે? કીર્તિભાઈનું નામ રૉબર્ટ હોય તો ચાલે. ટ્યુટોનિક ભાષાના આ રૉબર્ટ શબ્દનો અર્થ થાય છે – પ્રસિદ્ધિથી પ્રકાશિત થનાર. અમૂલખચંદ ઍન્થની બની શકે. લૅટિન ભાષામાં અમૂલ્ય એટલે ઍન્થની. હિબ્રુ શબ્દ સોલોમનનો અર્થ થાય છે શાંત અને હિબ્રુનો જ એક બીજો શબ્દ છે આઇઝેક જેને ન્યુટન અટકવાળા વિજ્ઞાનીએ જગવિખ્યાત બનાવી દીધો. આ આઇઝેક નો મતલબ છે હાસ્ય.

અમેરિકી અને યુરોપીય પ્રજાઓમાં મોટા ભાગનાં નામ હિબ્રુ, લૅટિન, ગ્રીક, ટ્યુટોનિક, ઍન્ગ્લો-સેકસન અને કૅલ્ટિક જેવી લાંબો ઈતિહાસ ધરાવતી ભાષાઓમાંથી આવે છે. આ વ્યક્તિવાચક નામના અર્થ પણ આપણી ભાષામાં પ્રચલિત એવા સંસ્કૃતમાંથી ઊતરી આવેલાં નામ જેટલા જ રસિક છે. આપણા પ્રીતમલાલ તે હિબ્રુના ડેવિડભાઈ. ડેવિડ એટલે પ્રિય. નાનાલાલ એટલે લૅટિનમાં પૉલ અર્થાત નાનું. કાલિદાસ એટલે? લૅટિનમાં મૉરિસનો અર્થ થાય છે ઘેરા રંગનું. આપણા નામ સાથેની સરખામણી છોડી દઈએ તોય વિદેશી નામના અર્થ મઝા આવે એવા છે. ચાર્લી નામ જેના પરથી આવ્યું તે ચાર્લ્સ એટલે મજબૂત અથવા પુરુષાતનભર્યો. જિઓ (Geo) એટલે જમીન જેના પરથી આવેલા નામ જોર્જનો ગ્રીક ભાષામાં મતલબ થાય જમીનદાર. Continue reading »