Jun 012015
 

પ્રિય મિત્રો,

મારો આ પહેલાનો મોબાઈલ ગુજરાતી ફોન્ટ સપોર્ટ નહોતું કરતું. ગુજરાતી વેબસાઈટ કે બ્લોગ વાંચવા માટે ઓપેરા મિનિમાં ‘Use Bitmap Fonts for Complex Scrips’નું સેટિંગ કરી કામ ચલાવતો પણ વૉટ્સઍપમાં આવેલો ગુજરાતી મેસેજ ન વંચાય. આંખો હોવા છતાં આંધળા અને ભણેલા હોવા છતાં અગૂઠાછાપ. થર્ડપાર્ટી એપ્લિકેશન કે કોમ્પ્યુટરમાં ટ્ર્રાન્સફર કરી વાંચી લેતો, પણ મજા ન આવતી, જાણે જાપાની ભાષા વાંચવા જાપાની પાસે જવું પડે તેવી લાગણી થતી. વૉટ્સઍપનો વપરાશ વધવાથી આ સમસ્યા વકરી.

નવો મોબાઈલ લેવાનો સમય થયો ત્યારે પહેલી પ્રાયોરિટી હતી, વૉટ્સઍપમાં ગુજરાતી વંચાવું જ જોઈએ, પાંચ ઈંચ કે તેથી મોટું સ્કિન હોવું જોઈએ અને બેટરી આખો દિવસ ચાલવી જોઈએ. રીલાયન્સ ડિઝિટલ, ક્રોમા રીટેલ મૉલ વગેરે જગ્યાએ અલગ અલગ મોબાઈલ જોયા. તેમાં ગુજરાતી વંચાય છે કે નહીં તેની ખાતરી કરી. છેવટે જરૂરીયાત, બજેટ અને ગમા-અણગમાને ધ્યાનમાં લઈ એલજી જી પ્રો લાઈટ ડ્યુઅલ ફોન ખરીદ્યો.

આટલી પ્રસ્તાવના સાથે આ પોસ્ટ કરવાનું કારણ માહિતીની આપ-લે છે. મોબાઈલ ગુજરાતી ફોન્ટ સપોર્ટ ન કરતું હોય તો શું શું કરી શકાય તે છે.

૧) જૂનો મોબાઈલ કોઈને આપી/વેચી (ઓએલએક્સ/ક્વિકર તે માટે જ તો છે) નવો મોબાઈલ વસાવો.

૨) નવો મોબાઈલ લો ત્યાં સુધી થર્ડ પાર્ટી એપ્લિકેશનની કાખઘોડી વડે લંગડાતા કામ ચલાવો.

૩) ફોનને Root કરો અને ગુજરાતી ફોન્ટ ઉમેરો. ફોનની ગેરંટી જતી રહેશે. એક્સપર્ટ માટે ફક્ત.

૪) આ ઉપરાંત કોઈ ઉપાય હોય તો અહીં શેર કરો.

બીજું, કયા મોબાઈલમાં ગુજરાતી વંચાય છે અને કયા મોબાઈલમાં ગુજરાતી નથી વંચાતું તેની એક યાદી બનાવીએ. તે માટે તમારી પાસે કયો મોબાઈલ છે તેનો ચોક્ક્સ મોડેલ નંબર આપો અને તેમાં ગુજરાતી વંચાય છે કે કેમ તે જણાવો. અપડેટેડ યાદી અહીં જોઈ શકો છો.

ચાઈનામાં ચાયનિઝ વંચાય અને ગુજરાતમાં ગુજરાતી ન વંચાય એ કેવું? એ પણ એવા સમયે જ્યારે એક ગુજરાતી ભારતના વડાપ્રધાન પદે હોય! ભવિષ્યમાં ભારતમાં વેચતા દેરેક ફોનમાં ભારતિય ભાષાઓ વંચાય તેવી વ્યવસ્થા હોય તે માટે યોગ્ય પ્રચાર અને પ્રસાર કરીએ.

મોબાઈલ વિક્રેતા, મોબાઈલ ડિલર, મોબાઈલ કસ્ટમર કેર, મોબાઈલ કંપનીને આ બાબતની જાણ કરીએ. આ બહુ જ જરૂરી છે, નહિંતર તેઓ કહેશો જુઓ અમારા મોબાઈલમાં ગુજરાતી નથી વંચાતું છતાં ફ્લિપકાર્ટ પર આટલી સેક્ન્ડમાં આટલા હજાર ફોન વેચાઈ ગયા!

કોઈ ગુજરાતી છાપું/મેગેઝિન કે સાઈટ કોઈ ફોન/ટેબનો રીવ્યુ કરે તો તેણે તે ફોનમાં ગુજરાતી ફોન્ટ સપોર્ટ છે કે નહીં તે જણાવવું બહુ જ જરૂરી છે (ન જણાવ્યું હોય તો પૂછી લેવું) નહીંતર વાચક રીવ્યુથી દોરવાઈ તે ફોન ખરીદશે પણ પછી તે છાપું/મેગેઝિન/સાઈટ વાંચવા માટે જૂનો ફોન અથવા પીસી વાપરવું પડશે!

ગુજરાતી ન વંચાતું હોય તેવો ફોન ન લઈએ.

૯/૬/૧૫ અપડેટ – આ પોસ્ટ મૂક્યા પછી ઘણાં મિત્રોએ ફોન, મેસેજ, વૉટ્સઍપ, ફેસબુક, ટ્વિટર અને બ્લૉગ પર કોમેન્ટ કરી જણાવ્યું કે એપલ આઈફોન ૪ અને પછીના બધા મોડલમાં ગુજરાતી વંચાય છે. સેમસંગના મોટાભાગનાં (બધા નહીં) મોડલમાં ગુજરાતી વંચાય (અને લખાય પણ) છે. અન્ય કંપનીના મોબાઈલમાં એન્ડ્રોઈડનું નવું વર્ઝન લોલીપોપ (૫.૦) હોય તો ગુજરાતી વંચાય છે. લોલીપોપ પહેલાનું વર્જન હોય તો (દા.ત. કિટકેટ) મોબાઈલના મોડલ પર અવલંબે છે કે ગુજરાતી વંચાશે કે કેમ. (યાદી અહીં આપી છે).

ટૂંકમાં મોબાઈલમાં ગુજરાતી વંચાય તે માટે એન્ડ્રોઈડ ખરીદનારાઓએ લોલીપોપ કે તે પછીનું વર્જન હોય તો જ લેવું, જૂનો મોબાઈલ ધરાવનારાઓએ લોલીપોપ અપડેટની રાહ જોવી, જૂનું મોબાઈલ ખરીદનારાઓએ આ યાદી તપાસી લેવી.

– વિનય ખત્રી