Mar 262015
 

પ્રિય મિત્રો,

થોડા સમય પહેલા આપણે એક લેખ “સોસિયલ મિડિયા કે અફવા બજાર” દ્વારા જાણ્યું કે અન્ય અકસ્માતમાં ઈજા પામેલી વ્યક્તિને મોબાઈલની બેટરી ફાટવાની ઘટના સાથે સાંકળીને કેવી રીતે (ચોક્ક્સ કંપનીના ચોક્ક્સ મોડલના) મોબાઈલ વિશે ગભરામણ (પેનિક) ફેલાવવાનો પ્રયત્ન થયો હતો.

ઘટના ભલે બેટરી ફાટવાને કારણે નહોતી ઘટી, પણ સવાલો ઊભા કરતી ગઈ છે: બેટરી કયા સંજોગોમાં ફાટે? શું સાવધાની લેવી જોઈએ?

કન્ઝ્યુમર પ્રોડક્ટ સેફ્ટી કમિશન (CPSC) અને અંડરરાઈટર લેબોરેટરી (UL) ખાતરી સાથે કહે છે કે મોબાઈલમાં વપરાતી બેટરી સલામત છે. મોબાઈલ કંપનીઓ પણ જાણે છે કે વપરાશ કર્તા મોબાઈલ ફોન કાન પાસે, ખિસ્સામાં કે હાથમાં રાખવાનો છે તેથી તેની સલામતિ બાબત કડક પરિક્ષણો કર્યા પછી જ માર્કેટમાં મૂકવામાં આવે છે, તેમ છતાં ક્યારેક કોઈ શરતચૂક ધ્યાનમાં આવે તો જે તે મોડલ માર્કેટમાંથી પાછો ખેંચી લેવામાં આવ્યો હોય તેવા દાખલા પણ છે.

તેમ છતાં ક્યારેક બેટરી ફાટવાની ઘટના નોંધાય છે, પણ તેની સંખ્યા નહિંવત. વિશ્વભરમાં જેટલી સંખ્યામાં મોબાઈલ વપરાશમાં છે, તેના પ્રમાણમાં નગણ્ય (રેર) કહેવાય તેટલી બેટરી ફાટવાની ઘટના નોંધાઈ છે. પ્રેસર કૂકર કે ગેસના બાટલા જેવી ખતરનાક વસ્તુઓ આપણે ઘરમાં વાપરતા જ હોઈએ છીએ, મોબાઈલ બેટરી તેનાથી ઓછી ખતરનાક છે. એટલે ગભરાવાનું કોઈ કારણ નથી, પણ સાવધાની રાખવી સારી.

મોબાઈલ બેટરી મુખ્યત્વે લિથિયમ આયન કે લિથિયમ પોલિમરની બનેલી હોય છે. સામાન્ય રીતે અન્ય બેટરી કરતાં વધારે સલામત ગણાતી આ બેટરી કયા કારણસર બેટરી ફાટી શકે તે જોઈએ:

૧) ઉત્પાદન સમયે થયેલી ભૂલ Manufacturing Defect

જાણીતી કંપનીઓ ગ્રાહકની સલામતીને ધ્યાનમાં રાખીને (કન્ઝ્યુમર કોર્ટનો ડર પણ ખરો) બેટરીની પસંદગી ગહન સંશોધન અને આંતરરાષ્ટ્રિય ખ્યાતી પ્રાપ્ત લેબેરેટરીના સઘન પરિક્ષણ બાદ જ કરે છે એટલે મેન્યુફેક્ચરીંગ ડિફેક્ટ હોવાની શક્યતા બહુ જ ઓછી. હલકી ગુણવત્તાના મોબાઈલથી બચવું, પૈસા બચાવવા કંપનીએ ચકાસણીના ધોરણોમાં બાંધછોડ કરી હોઈ શકે.

મોબાઈલ બેટરી૨) બેટરી ગરમ થવી Over Heating

આમ તો દરેક મોબાઈલમાં આ બાબતને લગતી સલામતી ધ્યાનમાં લીધેલી હોય જ છે. સામાન્ય બેટરીને બે કોન્ટેક હોય છે: પોઝિટિવ અને નેગેટિવ, મોબાઈલની બેટરીને ત્રણ કે ચાર કોન્ટેક્ટ હોય છે. (જુઓ જમણીબાજુનું ચિત્ર) વધારાના કોન્ટેક્ટ બેટરીની અંદરનું તાપમાન જાણી સલામતીને લગતા નિર્ણયો કરવા માટે હોય છે. સલામતી માટે મોબાઈલમાં ઓરિજિનલ બેટરી વાપરવી અને તેનો ઓરિજિનલ ચાર્જર વાપરવો. હલકી ગુણવત્તાના ચાર્જર કે બેટરીથી બચવું. ઘરમાં કોઈ ન હોય ત્યારે મોબાઈલ ચાર્જિંગ કરવું હિતાવહ નથી. હવા-ઊજાસવાળી જગ્યાએ મોબાઈલ ચાર્જ કરવો, બંધિયાર જગ્યાએ કે કબાટમાં મૂકી ફોન ચાર્જ કરવો હિતાવહ નથી. બહુ ગરમ જગ્યાએ (દા.ત ઓવનની નજીક) કે તડકામાં મોબાઈલ ચાર્જ કરવો હિતાવહ નથી. મોબાઈલ ચાર્જિંગમાં હોય ત્યારે વાત કરવાનું ટાળવું, જરૂર હોય તો ચાર્જર કાઢી વાત કરવી અને વાત કર્યા પછી પાછું ચાર્જિંગમાં મુકવું. મોબાઈલની બેટરી કે મોબાઈલ સામાન્ય કરતાં વધુ ગરમ થઈ જણાય તો વાપરવાનું ટાળવું. નિષ્ણાંતનો સંપર્ક કરવો.

૪) મોબાઈલ/બેટરી પર દબાણ Pressure

કોઈ કારણસર મોબાઈલ કે તેની અંદરની બેટરી પર વધુ પડતું દબાણ આવી જાય. ફોન પડી ગયો કે ફોન પાછળનાં ખિસ્સામાં રાખ્યો હોય અને આપણે બેસી ગયા હોઈએ તેનાથી ફોન પર બહુ જ દબાણ આવે અને બેટરીની અંદર સોર્ટ સર્કિટ થઈ શકે. તેને કારણે પણ બેટરી ગરમ થાય અને ફૂલી શકે છે. આ કે કોઈ પણ કારણે બેટરી ફૂલી ગઈ હોય કે ઉપસી આવી હોય તો સાવધાન.

૫) મોબાઈલ પાણીમાં પડી જવો

વોટરપ્રૂફ ન હોય તેવો મોબાઈલ પાણીમાં પડી જાય એટલે તરત જ પાણીમાંથી બહાર કાઢી, તેમાંથી બેટરી કાઢી લેવી. બેટરીને સ્વચ્છ સુતરાઉ કપડા વડે કોરી કરી લેવી. બેટરી કે મોબાઈલને કોરા કરવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરવો હિતાવહ નથી.

મને લાગે છે, આટલી માહિતી અને સાવધાની પુરતી છે.