May 192016
 

પ્રિય મિત્રો,

લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરતા નથી આ ગુજરાતી કહેવતની અને તેના અર્થની ખબર હોય તો જ આગળ વાંચજો.

ફ્રીડમ૨૫૧ના થયેલા રકાશ પછી ૯૯ રૂપિયામાં સ્માર્ટ ફોનની ઓફર લઈને બેંગ્લોરથી માધવ રેડ્ડી આવ્યા છે એવી જાહેરાત જાણીતા દરેક ન્યૂઝપેપરે કરી છે.

ટાઈમ્સ ઑફ ઈન્ડિયા

ગુજરાતીમાં પણ આ સમાચાર છપાયા છે જેમાંથી કેટલીક લિન્ક્સ…

પણ ફોન બૂક કરવા માટે કે વધુ વિગતો જાણવા માટે આપેલી વેબસાઈટ પર ક્લિક કરતાં ખૂલતી નથી. ૧) https://namotel.com અથવા https://namotel.in અથવા http://bemybanker.com

બે અઢી હજારનો મોબાઈલ ૯૯ રૂપિયામાં આપી શકાય. જેવી રીતે એક સમયે ૩૨ રુપિયામાં પડતું ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અખબાર ૨ રૂપિયામાં વાચકને મળતું હતું તેવી રીતે. જાહેરખબર દ્વારા કમાણી કરીને. મોબાઈલમાં તે માટે સોફ્ટવેર જોઈએ. જાહેરાતો માટેનું માળખું બનાવવું પડે. સોફ્ટવેર બદલાવીને મોબાઈલ વાપરી ન શકાય તે માટેની ગોઠવણ કરવી પડે. તે પછી જ આવી જાહેરખબર છપાવી શકાય, નહીંતર કિરીટભાઈ સોમૈયા તેને પોન્જી સ્કિમ કહી શકે છે.

– વિનય ખત્રી

Feb 102016
 

પ્રિય મિત્રો,

૪૧/૩૬૬

આપણે ફ્રીજનું કવર, મોબાઈલનું કવર, ટીવીનું કવર અને કોમ્પ્યુટરનું કવર લેતા હોઈએ છીએ જેથી જે તે વસ્તુઓ ખરાબ ન થાય અને વધુ ટકે. આ તો કિંમતી વસ્તુઓ થઈ, માણસો તારીખિયું (કેલેન્ડર) જેવી નજીવી કિંમતની વસ્તુઓનું કવર પણ લેતા હોય છે. માનવામાં ન આવતું હોય તો એમેઝોન પર જઈને જાત જોઈ લો!

પણ પોતાના માથાનું કવર (હેલ્મેટ) લેતા કે વાપરતા નથી હોતા.

ખેર, આપણે આજે વાત કરવાની છે મોબાઈલ કવર વિશે.

ઈન્ટરનેટ પર જાત જાતની વાતો ફરતી હોય છે. હમણાં એવી વાતો ફરે છે કે ચળકતા મોબાઈલ કવરને કારણે ચામડીમાં ચાંઠા પડે છે.

ચળકતા મોબાઈલ કવરમાં વપરાતા રસાયણોને કારણે ચામડી બળી જાય છે અને ચાંઠાં પડે છે. જુઓ ઉપરનો ફોટો (સૌ. સ્નોપ્સ)

આ વાત સાચી કે ખોટી તે જાણવા ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કર્યા અને સ્નોપ્સ સાઈટ પર માહિતી મળી કે આ વાત સાચી કે ખોટી એવી કોઈ માહિતી મળી નથી.

– વિનય ખત્રી

Jun 012015
 

પ્રિય મિત્રો,

મારો આ પહેલાનો મોબાઈલ ગુજરાતી ફોન્ટ સપોર્ટ નહોતું કરતું. ગુજરાતી વેબસાઈટ કે બ્લોગ વાંચવા માટે ઓપેરા મિનિમાં ‘Use Bitmap Fonts for Complex Scrips’નું સેટિંગ કરી કામ ચલાવતો પણ વૉટ્સઍપમાં આવેલો ગુજરાતી મેસેજ ન વંચાય. આંખો હોવા છતાં આંધળા અને ભણેલા હોવા છતાં અગૂઠાછાપ. થર્ડપાર્ટી એપ્લિકેશન કે કોમ્પ્યુટરમાં ટ્ર્રાન્સફર કરી વાંચી લેતો, પણ મજા ન આવતી, જાણે જાપાની ભાષા વાંચવા જાપાની પાસે જવું પડે તેવી લાગણી થતી. વૉટ્સઍપનો વપરાશ વધવાથી આ સમસ્યા વકરી.

નવો મોબાઈલ લેવાનો સમય થયો ત્યારે પહેલી પ્રાયોરિટી હતી, વૉટ્સઍપમાં ગુજરાતી વંચાવું જ જોઈએ, પાંચ ઈંચ કે તેથી મોટું સ્કિન હોવું જોઈએ અને બેટરી આખો દિવસ ચાલવી જોઈએ. રીલાયન્સ ડિઝિટલ, ક્રોમા રીટેલ મૉલ વગેરે જગ્યાએ અલગ અલગ મોબાઈલ જોયા. તેમાં ગુજરાતી વંચાય છે કે નહીં તેની ખાતરી કરી. છેવટે જરૂરીયાત, બજેટ અને ગમા-અણગમાને ધ્યાનમાં લઈ એલજી જી પ્રો લાઈટ ડ્યુઅલ ફોન ખરીદ્યો.

આટલી પ્રસ્તાવના સાથે આ પોસ્ટ કરવાનું કારણ માહિતીની આપ-લે છે. મોબાઈલ ગુજરાતી ફોન્ટ સપોર્ટ ન કરતું હોય તો શું શું કરી શકાય તે છે.

૧) જૂનો મોબાઈલ કોઈને આપી/વેચી (ઓએલએક્સ/ક્વિકર તે માટે જ તો છે) નવો મોબાઈલ વસાવો.

૨) નવો મોબાઈલ લો ત્યાં સુધી થર્ડ પાર્ટી એપ્લિકેશનની કાખઘોડી વડે લંગડાતા કામ ચલાવો.

૩) ફોનને Root કરો અને ગુજરાતી ફોન્ટ ઉમેરો. ફોનની ગેરંટી જતી રહેશે. એક્સપર્ટ માટે ફક્ત.

૪) આ ઉપરાંત કોઈ ઉપાય હોય તો અહીં શેર કરો.

બીજું, કયા મોબાઈલમાં ગુજરાતી વંચાય છે અને કયા મોબાઈલમાં ગુજરાતી નથી વંચાતું તેની એક યાદી બનાવીએ. તે માટે તમારી પાસે કયો મોબાઈલ છે તેનો ચોક્ક્સ મોડેલ નંબર આપો અને તેમાં ગુજરાતી વંચાય છે કે કેમ તે જણાવો. અપડેટેડ યાદી અહીં જોઈ શકો છો.

ચાઈનામાં ચાયનિઝ વંચાય અને ગુજરાતમાં ગુજરાતી ન વંચાય એ કેવું? એ પણ એવા સમયે જ્યારે એક ગુજરાતી ભારતના વડાપ્રધાન પદે હોય! ભવિષ્યમાં ભારતમાં વેચતા દેરેક ફોનમાં ભારતિય ભાષાઓ વંચાય તેવી વ્યવસ્થા હોય તે માટે યોગ્ય પ્રચાર અને પ્રસાર કરીએ.

મોબાઈલ વિક્રેતા, મોબાઈલ ડિલર, મોબાઈલ કસ્ટમર કેર, મોબાઈલ કંપનીને આ બાબતની જાણ કરીએ. આ બહુ જ જરૂરી છે, નહિંતર તેઓ કહેશો જુઓ અમારા મોબાઈલમાં ગુજરાતી નથી વંચાતું છતાં ફ્લિપકાર્ટ પર આટલી સેક્ન્ડમાં આટલા હજાર ફોન વેચાઈ ગયા!

કોઈ ગુજરાતી છાપું/મેગેઝિન કે સાઈટ કોઈ ફોન/ટેબનો રીવ્યુ કરે તો તેણે તે ફોનમાં ગુજરાતી ફોન્ટ સપોર્ટ છે કે નહીં તે જણાવવું બહુ જ જરૂરી છે (ન જણાવ્યું હોય તો પૂછી લેવું) નહીંતર વાચક રીવ્યુથી દોરવાઈ તે ફોન ખરીદશે પણ પછી તે છાપું/મેગેઝિન/સાઈટ વાંચવા માટે જૂનો ફોન અથવા પીસી વાપરવું પડશે!

ગુજરાતી ન વંચાતું હોય તેવો ફોન ન લઈએ.

૯/૬/૧૫ અપડેટ – આ પોસ્ટ મૂક્યા પછી ઘણાં મિત્રોએ ફોન, મેસેજ, વૉટ્સઍપ, ફેસબુક, ટ્વિટર અને બ્લૉગ પર કોમેન્ટ કરી જણાવ્યું કે એપલ આઈફોન ૪ અને પછીના બધા મોડલમાં ગુજરાતી વંચાય છે. સેમસંગના મોટાભાગનાં (બધા નહીં) મોડલમાં ગુજરાતી વંચાય (અને લખાય પણ) છે. અન્ય કંપનીના મોબાઈલમાં એન્ડ્રોઈડનું નવું વર્ઝન લોલીપોપ (૫.૦) હોય તો ગુજરાતી વંચાય છે. લોલીપોપ પહેલાનું વર્જન હોય તો (દા.ત. કિટકેટ) મોબાઈલના મોડલ પર અવલંબે છે કે ગુજરાતી વંચાશે કે કેમ. (યાદી અહીં આપી છે).

ટૂંકમાં મોબાઈલમાં ગુજરાતી વંચાય તે માટે એન્ડ્રોઈડ ખરીદનારાઓએ લોલીપોપ કે તે પછીનું વર્જન હોય તો જ લેવું, જૂનો મોબાઈલ ધરાવનારાઓએ લોલીપોપ અપડેટની રાહ જોવી, જૂનું મોબાઈલ ખરીદનારાઓએ આ યાદી તપાસી લેવી.

– વિનય ખત્રી

Mar 262015
 

પ્રિય મિત્રો,

થોડા સમય પહેલા આપણે એક લેખ “સોસિયલ મિડિયા કે અફવા બજાર” દ્વારા જાણ્યું કે અન્ય અકસ્માતમાં ઈજા પામેલી વ્યક્તિને મોબાઈલની બેટરી ફાટવાની ઘટના સાથે સાંકળીને કેવી રીતે (ચોક્ક્સ કંપનીના ચોક્ક્સ મોડલના) મોબાઈલ વિશે ગભરામણ (પેનિક) ફેલાવવાનો પ્રયત્ન થયો હતો.

ઘટના ભલે બેટરી ફાટવાને કારણે નહોતી ઘટી, પણ સવાલો ઊભા કરતી ગઈ છે: બેટરી કયા સંજોગોમાં ફાટે? શું સાવધાની લેવી જોઈએ?

કન્ઝ્યુમર પ્રોડક્ટ સેફ્ટી કમિશન (CPSC) અને અંડરરાઈટર લેબોરેટરી (UL) ખાતરી સાથે કહે છે કે મોબાઈલમાં વપરાતી બેટરી સલામત છે. મોબાઈલ કંપનીઓ પણ જાણે છે કે વપરાશ કર્તા મોબાઈલ ફોન કાન પાસે, ખિસ્સામાં કે હાથમાં રાખવાનો છે તેથી તેની સલામતિ બાબત કડક પરિક્ષણો કર્યા પછી જ માર્કેટમાં મૂકવામાં આવે છે, તેમ છતાં ક્યારેક કોઈ શરતચૂક ધ્યાનમાં આવે તો જે તે મોડલ માર્કેટમાંથી પાછો ખેંચી લેવામાં આવ્યો હોય તેવા દાખલા પણ છે.

તેમ છતાં ક્યારેક બેટરી ફાટવાની ઘટના નોંધાય છે, પણ તેની સંખ્યા નહિંવત. વિશ્વભરમાં જેટલી સંખ્યામાં મોબાઈલ વપરાશમાં છે, તેના પ્રમાણમાં નગણ્ય (રેર) કહેવાય તેટલી બેટરી ફાટવાની ઘટના નોંધાઈ છે. પ્રેસર કૂકર કે ગેસના બાટલા જેવી ખતરનાક વસ્તુઓ આપણે ઘરમાં વાપરતા જ હોઈએ છીએ, મોબાઈલ બેટરી તેનાથી ઓછી ખતરનાક છે. એટલે ગભરાવાનું કોઈ કારણ નથી, પણ સાવધાની રાખવી સારી.

મોબાઈલ બેટરી મુખ્યત્વે લિથિયમ આયન કે લિથિયમ પોલિમરની બનેલી હોય છે. સામાન્ય રીતે અન્ય બેટરી કરતાં વધારે સલામત ગણાતી આ બેટરી કયા કારણસર બેટરી ફાટી શકે તે જોઈએ:

૧) ઉત્પાદન સમયે થયેલી ભૂલ Manufacturing Defect

જાણીતી કંપનીઓ ગ્રાહકની સલામતીને ધ્યાનમાં રાખીને (કન્ઝ્યુમર કોર્ટનો ડર પણ ખરો) બેટરીની પસંદગી ગહન સંશોધન અને આંતરરાષ્ટ્રિય ખ્યાતી પ્રાપ્ત લેબેરેટરીના સઘન પરિક્ષણ બાદ જ કરે છે એટલે મેન્યુફેક્ચરીંગ ડિફેક્ટ હોવાની શક્યતા બહુ જ ઓછી. હલકી ગુણવત્તાના મોબાઈલથી બચવું, પૈસા બચાવવા કંપનીએ ચકાસણીના ધોરણોમાં બાંધછોડ કરી હોઈ શકે.

મોબાઈલ બેટરી૨) બેટરી ગરમ થવી Over Heating

આમ તો દરેક મોબાઈલમાં આ બાબતને લગતી સલામતી ધ્યાનમાં લીધેલી હોય જ છે. સામાન્ય બેટરીને બે કોન્ટેક હોય છે: પોઝિટિવ અને નેગેટિવ, મોબાઈલની બેટરીને ત્રણ કે ચાર કોન્ટેક્ટ હોય છે. (જુઓ જમણીબાજુનું ચિત્ર) વધારાના કોન્ટેક્ટ બેટરીની અંદરનું તાપમાન જાણી સલામતીને લગતા નિર્ણયો કરવા માટે હોય છે. સલામતી માટે મોબાઈલમાં ઓરિજિનલ બેટરી વાપરવી અને તેનો ઓરિજિનલ ચાર્જર વાપરવો. હલકી ગુણવત્તાના ચાર્જર કે બેટરીથી બચવું. ઘરમાં કોઈ ન હોય ત્યારે મોબાઈલ ચાર્જિંગ કરવું હિતાવહ નથી. હવા-ઊજાસવાળી જગ્યાએ મોબાઈલ ચાર્જ કરવો, બંધિયાર જગ્યાએ કે કબાટમાં મૂકી ફોન ચાર્જ કરવો હિતાવહ નથી. બહુ ગરમ જગ્યાએ (દા.ત ઓવનની નજીક) કે તડકામાં મોબાઈલ ચાર્જ કરવો હિતાવહ નથી. મોબાઈલ ચાર્જિંગમાં હોય ત્યારે વાત કરવાનું ટાળવું, જરૂર હોય તો ચાર્જર કાઢી વાત કરવી અને વાત કર્યા પછી પાછું ચાર્જિંગમાં મુકવું. મોબાઈલની બેટરી કે મોબાઈલ સામાન્ય કરતાં વધુ ગરમ થઈ જણાય તો વાપરવાનું ટાળવું. નિષ્ણાંતનો સંપર્ક કરવો.

૪) મોબાઈલ/બેટરી પર દબાણ Pressure

કોઈ કારણસર મોબાઈલ કે તેની અંદરની બેટરી પર વધુ પડતું દબાણ આવી જાય. ફોન પડી ગયો કે ફોન પાછળનાં ખિસ્સામાં રાખ્યો હોય અને આપણે બેસી ગયા હોઈએ તેનાથી ફોન પર બહુ જ દબાણ આવે અને બેટરીની અંદર સોર્ટ સર્કિટ થઈ શકે. તેને કારણે પણ બેટરી ગરમ થાય અને ફૂલી શકે છે. આ કે કોઈ પણ કારણે બેટરી ફૂલી ગઈ હોય કે ઉપસી આવી હોય તો સાવધાન.

૫) મોબાઈલ પાણીમાં પડી જવો

વોટરપ્રૂફ ન હોય તેવો મોબાઈલ પાણીમાં પડી જાય એટલે તરત જ પાણીમાંથી બહાર કાઢી, તેમાંથી બેટરી કાઢી લેવી. બેટરીને સ્વચ્છ સુતરાઉ કપડા વડે કોરી કરી લેવી. બેટરી કે મોબાઈલને કોરા કરવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરવો હિતાવહ નથી.

મને લાગે છે, આટલી માહિતી અને સાવધાની પુરતી છે.