Jun 132016
 

પ્રિય મિત્રો,

અવાર-નવાર મોંઘવારી વિશે વાતો થતી હોય છે. કેટલાક મિત્રો આ અને આની પહેલાની સરકારે મોંઘવારી ઘટાડવાના વાયદા કર્યા હતા અને મોંઘવારી ઘટી નથી. હું કોઈ સરકારનો પક્ષ લેતો નથી પણ કેટલાક આંકડા રજુ કરું છું…

હાઉસફૂલ૩ – ૮૮ કરોડ

બાગી – ૭૬ કરોડ

ફેન – ૮૪ કરોડ

ધ જંગલ બૂક – ૧૮૨ કરોડ

કિ અને કા – ૫૨ કરોડ

કપૂર એન્ડ સન્સ – ૭૩ કરોડ

નીરજા – ૭૫ કરોડ

એરલિફ્ટ – ૧૨૮ કરોડ

આ બધા આંકડા બોલિવૂડ હંગામા પરથી લીધા છે. અહીં  ફક્ત ૨૦૧૬ની ૫૦ કરોડ અને તેથી વધુ વકરો કરનાર ફિલ્મોનો ઉલ્લેખ કર્યો છે.

આ બધા પૈસા કોના ખિસ્સામાંથી ગયા? તમે કે મેં આ ફિલ્મો કદાચ ન જોઈ હોય પણ કોઈકે તો જોઈ હશે ને? અને તેણે આ પૈસા આપણી પાસેથી કોઈને કોઈ વહેવારમાંથી કમાવ્યા હશે જ ને?

– વિનય ખત્રી

Jun 112016
 

પ્રિય મિત્રો,

મોદીના ભાષણનો વિડિયો મૂકીને મેં એક પોસ્ટ બનાવી હતી, જેનો હેતુ પોલિટિકલ નહોતો પણ મોટીવેશનલ હતો. – ‘પોતાના પર ભરોસો રાખી મહેનત કર્યે રાખે તો તે સફળતા પામે જ છે.‘ કેટલાય લોકોને આ વાત ન ગમી અને મને ‘મોદી ભક્ત’ ગણાવ્યો. મને તો ગમ્યું કેમ કે ‘ઘાગરાના ગુલામ’ ગણાવા કરતાં મોદી ભકત ગણાવું વધુ સારું.

મોંઘવારી વિશે વાતો થઈ અને મોદી વિરોધીઓની સમજ જુઓ. તેઓ પોતાના મોજશોખ માટે જાહેર સાધનોનો ઉપયોગ કરે અને જે તે રાજ્યની સરકાર તેના પર ટેક્ષ વસુલે તો તેમાં તેઓ મોદીનો વાંક ગણે છે!

મોંઘવારી એટલે શું? મોંઘવારી વધી કે સગવડો?

મારો જન્મ થયો ત્યારે મારા ઘરે લાઈટ જ નહોતી અને લાઈટ બીલ પેટે એક પણ પૈસો ખર્ચાતો નહીં, આજે હું મારી પહોંચ પ્રમાણેના ઉપકરણો વાપરું છું અને મારું લાઈટ બીલ ચાર આંકડામાં આવે છે તો મારું લાઈટબીલ ઝીરોથી હજારોમાં પહોંચ્યું તેને મોંઘવારી કહેવાય કે મારું જીવન ધોરણ ઊંચું ગયું તેની કિંમત?

હું માતાજીને પગે લાગવા પગથિયા ચડીને જતો અને આજે ‘રોપવે’નો ઉપયોગ કરું છું. પહેલા એક પણ રૂપિયો નહોતો ખર્ચતો અને હવે માથા દીઠ સો-બસ્સો-ચારસો રૂપિયા ચૂકવું છું. તો આને મોંઘવારી કહેવાય કે સગવડ વાપર્યાનો ચાર્જ?

નાનો હતો ત્યારે હું સાયકલ પર શાળાએ જતો અને એક પણ ટીપું પેટ્રોલનું વપરાતું નહીં, પેટ્રોલના ભાવની ખબર પણ નહોતી. આજે મારું પેટ્રોલ બીલ ચાર આંકડામાં આવે છે. આ મોંઘવારી કહેવાય કે ભૌતિક સગવડનો ખર્ચ?

આજે પણ હું સાયકલ પર ઓફિસે જઈ શકું છું અને પેટ્રોલનો અને જીમનો ખર્ચ બચાવી શકું છું. આજે પણ હું લાઈટ વગર (કે ઓછા ઉપકરણો વાપરીને) પૈસા બચાવી શકું છું. આજે ય હું પગથિયા ચડીને પૈસા બચાવી શકું છું. કોઈ મોંઘવારી, ભાવ વધારો કે ટેક્સ મને નડવાના નથી.

મને લાગે છે કદાચ આ ગેરસમજ, ‘મોંઘવારી વધી કે સગવડો‘ને કારણે જ આ અને આની પહેલાની સરકાર ચૂંટણી પહેલા વાયદાઓ કર્યા હોવા છતાં મોંઘવારી ઘટાડી શકી નથી. લોકો પોતાની સગવડો વધારતા ગયા છે, સાયકલ પર જવા વાળા આજે બાઈક પર જાય છે, બાઈક વાળાના ઘરે ગાડીઓ આવી ગઈ છે. ગાડીઓવાળા જે પહેલા ટ્રેનની મુસાફરી કરતા તે હવે વિમાનમાં ઊડવા લાગ્યા છે.

સરકારનો વાંક હશે તેનો હું બચાવ નથી કરતો પણ અહીં હું મોંઘવારી એટલે શું તે વિશે મારી સમજ રજુ કરું છું અને તમારા વિચારો જાણવા માગું છું.

બીજું, જેમ આપણી સગવડો વધી છે અને તેના કારણે આપણાં ખર્ચા વધ્યા છે તેવી જ રીતે બીજા બધાના જીવનમાં પણ સગવડો વધી છે અને તેમના ખર્ચા પણ વધ્યા છે અને તેથી જ દરેકે દરેક વસ્તુ તેમજ સેવાના ભાવ વધ્યા છે. આવું જ સરકારનું પણ થયું છે અને એટલે જ ટેક્સ પણ વધ્યા છે.

બાકી વાંક દેખાઓને તો ‘બસનો ડ્રાયવર બસ બરાબર ચલાવતો નથી’થી લઈને પોતાનો દિકરો કે પોતાનો સગા બાપ સામે પણ કંઈને કંઈ વાંધાઓ હોવાના જ. એટલે મોદી વિશે કે મોદી સરકાર વિશે વાંધા હોય તો તે સ્વાભાવિક છે.

મોદીનો વિરોધ કરનારોને પૂછીએ કે ચાલો, મોદી તમારી યોગ્ય પસંદ નથી તો તમારા મતે યોગ્ય ઉમેદવાર કોણ? તો જવાબ મળતો નથી. કદાચ રાહુલના લગ્ન થાય અને તેને ઘરે પારણું બંધાય અને તે બાળક મોટું થાય તેની રાહ જોતા હશે?

ગઈકાલના ફેસબુક સ્ટેટસ પરથી

મોંઘવારી આજકાલની નથી વધી, એક તોલા સોનાનો ભાવ જ્યારે બસ્સો રૂપિયા થયો ત્યારે વડીલોને ‘મોંઘવારીએ માજા મૂકી છે‘ એમ બોલતા સાંભળ્યા છે.

નાનો હતો ત્યારે ટેલિફોન, મોબાઈલ, ઈન્ટરનેટ નહોતા. સગા/મિત્રોને ફેસ ટુ ફેસ મળવાનું થતું. આજે મારું ઈન્ટરનેટનું બીલ પણ ચાર આંકડામાં આવે છે. આને પણ મોંઘવારી કહેશું?

બધાને સગવડમાં વધારો જોઈએ છે, એટલે મોંઘવારી વધવાની જ છે. મોંઘવારી વધવાની ચિંતા છોડો અને આવક કેવી રીતે વધે તેનું વિચારીએ. ફેસબુક આપણને લાઈક/શેર/કોમેન્ટના આજની મોંઘવારીના પ્રમાણમાં પૈસા ન આપે ત્યાં સુધી ફેસબુક વાપરવાનું બંધ કરીને ઈન્ટરનેટનું બીલ ઘટાડી પૈસા અને સમય બચાવી શકાય. અંગ્રેજીમાં કહે છે ને, ટાઈમ ઈઝ મની અને મની સેવ્ડ ઈઝ મની અર્ન!

– વિનય ખત્રી