Oct 132015
 

બેસ્ટ* ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૫

પ્રિય મિત્રો,

બહુ જ લાંબા વિરામ બાદ બ્લૉગ અપડેટ કરી રહ્યો છું, સમય અને મુદ્દો હોય ત્યારે ફેસબુક અને ટ્વીટર પર અપડેટ મુકતો જ હોઉં છું. ગયા બે વર્ષોની જેમ (૨૦૧૩ અને ૨૦૧૪) આ વર્ષે પણ આ સર્વેક્ષણ થવા જઈ રહ્યું છે. આજે પહેલું નોરતું થયું, તેમજ દિવાળી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતી બ્લૉગ વિશ્વ માટે બહુ જ મહત્વનું પણ કડાકૂટ ભર્યું કાર્ય હાથમાં લીધું છે.

ગુજરાતી બ્લૉગ વિશ્વમાં બેસ્ટ કહી શકાય એવા બ્લોગ કેટલા અને કયા?

અહીં બેસ્ટ બ્લૉગ એટલે સૌથી વધુ નોમિનેશન મેળવનાર બ્લૉગ. અહીં કોઈ પ્રકારની સ્પર્ધા નથી, પણ આ એક સર્વેક્ષણ છે. સ્પર્ધામાં નિર્ણાયક હોય, સર્વેક્ષણમાં વાચકોની પસંદગી જ નિર્ણાયક બને. સર્વેક્ષણમાં દરેક વ્યક્તિ ભાગ લઈ શકે છે. સર્વેક્ષણ એ મતદાન નથી એટલે અહીં મતપત્રક નથી, જેમાંથી કોઈ એકને ચૂંટવાનો હોય. આ સર્વેક્ષણમાં મતદાતા પોતે જ ઉમેદવાર સૂચવે છે. સરવેક્ષણમાં ભાગ લેનાર એક કરતાં વધુ બ્લૉગ પણ સૂચવી શકે છે. બ્લૉગર પોતે પણ પોતાના બ્લોગને સૂચવી શકે છે.

કરવાનું શું છે?

અહીં નીચે આપેલા ફોર્મમાં તમારું નામ, તમારું ઈમેઈલ આઈડી અથવા (વૉટ્સએપ સુવિધાવાળો કે વૉટ્સએપ વગરનો) મોબાઈલ નંબર અને તમને ગમતા બ્લોગનાં સરનામાં યોગ્ય ખાનાંમાં લખવાનાં છે અને છેલ્લે ‘Submit’નું બટન દબાવવાનું છે એટલે આપનું નોમિનેશન નોંધાઈ જશે.

દા.ત.:

નામ: વિનય ખત્રી

ઈમેઈલ: funngyan@gmail.com

ગમતા બ્લૉગ:

૧) funngyan.com

૨) saurabh-shah.com

૩) readgujarati.com

[મત ગણતરી આવી રીતે થશે funngyan.com +૧, saurabh-shah.com +૧, readgujarati.com +૧]

એક વ્યક્તિ એક સમયે ગમે તેટલા બ્લોગ સૂચવી શકે છે. અહીં ફોર્મમાં એક સમયે દસ બ્લોગ સૂચવી શકાય છે, ૧૦થી વધુ બ્લોગ સૂચવવા માટે આ જ ફોર્મ ફરીથી ભરવું. એક વ્યક્તિ એક કરતાં વધુ વખત કોઈ એક બ્લોગને મત આપશે તો તે એક જ મત ગણાશે..

દા.ત.:

નામ: વિનય ખત્રી

ઈમેઈલ: funngyan@gmail.com

ગમતા બ્લૉગ:

૧) funngyan.com

૨) funngyan.com

૩) funngyan.com

[મત ગણતરી આવી રીતે થશે funngyan.com +૧]

સર્વેક્ષણમાં ભાગ લેવા માટે ઈમેઈલ આઈડી સાચું એટલે કે ચાલતું હોવું ફરજીયાત છે, કારણ કે ઈમેઈલ વેરીફાય કર્યા પછી જ મત ગણતરીમાં લેવાશે. ઈમેઈલ ન વાપરતા લોકો પોતાનો મોબાઈલ નંબર આપીને વેરીફાઈ કરાવી શકે છે.

સર્વેક્ષણમાં ભાગ લેવાની છેલ્લી તારીખ છે ૧૨ નવેંબર રાત્રે ૧૨ વાગ્યા સુધી. એક વ્યક્તિ ગમે તેટલી વખત સર્વેક્ષણમાં ભાગ લઈ શકે છે. ઈમેઈલ આઈડી/મોબાઈલ વેરીફાય કરાવવું ફરજીયાત છે, વેરીફીકેશન મહિના દરમ્યાન ગમે ત્યારે કરાવી શકાય.

દા.ત. કોઇએ આજે બે બ્લોગ સૂચવ્યા, કાલે એક સૂચવ્યો એવી રીતે કરતાં ને ૧૪ દિવસમાં ધારોકે ૨૫ બ્લોગ સૂચવશે તો તે પણ ચાલશે.

એક વ્યક્તિ પોતાને ગમે તેટલા બ્લોગ સૂચવી શકે છે. તેણે સૂચવેલા બ્લોગ તેણે વાંચેલા અને ગમતા હોવા જોઇએ.

આ સર્વેક્ષણ વિશે બધાને જાણ થાય, ખાસ કરીને આપના બ્લૉગના વાચકોને જાણ થાય અને તેઓ આપના બ્લૉગને વોટ કરી શકે તે માટે આપના બ્લૉગ પર એક બેનર મૂકી શકો છો. બેનર પર ક્લિક કરી આપના બ્લોગનો વાચક મતદાન કરી શકે. વિજેટ માટે અહીં આપેલી ટેક્ષ્ટ ફાઈલ ડાઉનલોડ કરી તેમાં રહેલું લખાણ કૉપી કરી તમારા બ્લોગ પર એક ‘ટેક્ષ્ટ વિજેટ’ ઉમેરી તેમાં પેસ્ટ કરી દેશો એટલે પત્યું. તેવી જ રીતે તમે તમારા બ્લોગ પર એક પોસ્ટ કરી આ સર્વેક્ષણ વિશે જાણ કરી શકાય.

આ સર્વેક્ષણનાં લેખાં-જોખાં લાભ પાંચમ, ૧૬ નવેંબરના અહીં પ્રસિદ્ધ થશે.

નોંધ – ફોર્મ ભર્યા પછી છેલ્લે ‘Submit’નું બટન દબાવવાનું ભૂલતા નહીં.

આ સિવાય કંઈ પૂછવું હોય તો કૉમેન્ટ બોક્ષ ખુલ્લું છે. મતદાન અહીં નીચે ફોર્મમાં કરવાનું છે.

નોંધ અને ટિપ: આ બ્લૉગ પર રાઈટ ક્લિક ડિસેબલ કર્યું છે પણ તમને ગમતા બ્લોગનું સરનામું તમે એડ્રેસબારમાંથી કૉપી કરી અહીં ફોર્મમાં પેસ્ટ કરી શકો છો. અહીં પેસ્ટ કરવા માટે કંટ્રોલ(ctrl)ની કી દબાવી રાખી V પ્રેસ કરો.

નોમિનેશન લવાનું બંધ અને મત ગણતરી ચાલુ. તારણો ટૂંક સમયમાં…

તારણો આવી ગયા છે – બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ – તારણો

Feb 252013
 

પ્રિય મિત્રો,

લોકપ્રિય સામયિક ‘ચિત્રલેખા‘ આપનું પણ પ્રિય સામયિક હશે. એંસીના દસકામાં જ્યારે હરકિશન મહેતા સાહેબની નવલકથા તુલસી-ચિંતન, આઈ મીન, ‘જડ-ચેતન‘ હપ્તાવાર ચિત્રલેખામાં પ્રસિદ્ધ થતી હતી ત્યારથી હું નિયમિત ‘ચિત્રલેખા’ વાંચું છું. સામાન્ય રીતે ચિત્રલેખા વાંચવાની શરૂઆત ‘નારદજી’ના કાર્ટુનથી થતી પણ જ્યારે પ્રિય લેખકની બહુ પ્રિય એવી નવલકથા છપાતી હોય ત્યારે ચિત્રલેખા હાથમાં આવે એટલે પહેલા નવલકથા વંચાય.

એક સમય એવો પણ આવ્યો કે ચિત્રલેખા વાંચવાની શરૂઆત પહેલે પાનેથી નહીં પણ છેલ્લે પાનેથી થવા લાગી. ‘મુખવાસ’ અને તેમાંય ખાસ કરીને ‘એલચી’ વાંચીને.

‘તારક મહેતાના ઊંધા ચશ્મા’ નિયમિત વંચાય પણ નિરાંતે વંચાય, ખાસ કરીને બસ-ટ્રેનની મુસાફરી દરમ્યાન. તારક મહેતાનો હાસ્ય લેખ વાંચતાને ક્યારેક હસવું પણ આવી જતું અને સહપ્રવાસી આપણી તરફ જરા ધ્યાનથી જોતા પણ ખરા!

આજકાલ ચિત્રલેખા વાંચવાની શરૂઆત વચ્ચેથી થાય છે અને તે પણ એક જાહેરખબરથી! ટુબી મોર પ્રિસાઈઝ, ‘કેસરી ટૂર્સ‘ની જાહેરખબરથી. નવાઈ લાગે છે ને? જાહેરખબર તે કોઈ દિવસ વંચાતી’ હશે? નીચે એ જાહેર ખબરનો ફોટો મૂક્યો છે, જાતેજોઈ લો: Continue reading »

Sep 302011
 

પ્રિય મિત્રો,

સરખામણી લેખમાળાના પાંચમાં લેખમાં આપણે ચર્ચા કરીશું કે બ્લૉગ કે સાહિત્યની પરબ?

બ્લૉગ શબ્દનો અર્થ આપણને ખબર છે તે વેબલોગને ટૂંકાવીને બન્યો છે. વેબ એટલે ઈન્ટરનેટનું જાળું અને લૉગ એટલે પ્રગતિ અથવા કાર્યની વિગતવાર નોંધ. તેવી જ રીતે આપણને ખબર છે કે પરબ એટલે વટેમાર્ગુ માટે મફત પાણીની વ્યવસ્થા, સેવાનું કાર્ય. શાસ્ત્રોમાં એમ કહેવાયું છે કે જે મનુષ્ય વૈશાખ મહિનામાં પરબ લગાવે છે તે વિષ્ણુલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે.

બ્લૉગ જગતના કેટલાક બ્લૉગ પ્રગતિ અથવા કાર્યની વિગતવાર નોંધને બદલે એક નવી ઓળખ સાહિત્યની પરબ મેળવી છે તે ખરેખર સરાહનીય કાર્ય છે. મુંબઈવાળા માવજીભાઈ પોતાની વેબસાઈટને પરબ ગણાવતાં કહે છે કે ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે અને તેમની આ વાત સો ટકા સાચી છે. પાણીની પરબ જેમ વટેમાર્ગુને મફત પાણી પીવડાવીને તૃષા તૃપ્તિ કરે છે તેમ બ્લૉગર બ્લૉગ દ્વારા વાચકને મફત સાહિત્ય રસનું પાન કરાવીને જ્ઞાન પિપાષા તૃપ્ત કરાવે છે.

ગુજરાતી બ્લૉગ જગતના શરુઆતના વર્ષોમાં મોટાભાગના બ્લૉગ સાહિત્ય રસનું પાન કરાવતી પરબ સમાન જ હતા, બહુ જ ઓછા બ્લૉગ હતા જે બ્લૉગના ખરા અર્થને અનુસરતા હતા, જેમાંથી એક નોંધનીય/અનુકરણીય બ્લૉગ કાર્તિકભાઈનો બ્લૉગ કહી શકાય.

વચ્ચે એક એવો સમય આવ્યો જ્યારે જાણીતી વ્યક્તિઓના બ્લૉગ પ્રસિદ્ધીની ઊંચાઈઓ આંબવા લાગ્યા. લોકોને બ્લૉગની સમજ પડવા લાગી કે બ્લોગ પર પોસ્ટ મૂકવી ઈમેઈલ કરવા જેટલી સરળ બાબત છે. પોતાના આકાર અને સાઈઝના પ્રાણીઓને બ્લૉગિંગ કરતા જોઈને કેટલીક ઘેટા પ્રકૃતિની વ્યક્તિઓ, જેમને ગુજરાતીમાં પોતાનું નામ લખતાં આવડતું નહોતું તેઓ દેખાદેખીમાં પોતાનો બ્લૉગ બનાવીને બેસી ગઈ! બ્લૉગ બનાવ્યો તેનો વાંધો નહીં પણ ગુજરાતી લખતાં/પોતાના વિચાર વ્યક્ત કરતાં/પોતાના અનુભવ શેર કરતાં શીખવાને બદલે અન્ય સમૃદ્ધ બ્લૉગ પરથી લખાણ કૉપી કરી પોતાના બ્લૉગ પર પેસ્ટ કરી કૉમેન્ટ ઊઘરાવવા લાગી ગઈ. એટલું જ નહીં આ કાર્યને ગુજરાતીની સેવા ગણાવા લાગી અને બ્લૉગને સાહિત્યની પરબ!

Continue reading »

Sep 282011
 

પ્રિય મિત્રો,

અઠવાડિયાના એક નાનકડા અવકાશ બાદ આજે આપણે સરખામણીની આ લેખમાળા આગળ વધારીએ તે પહેલાં એક મહત્વની વાત. આજથી નવરાત્રિ પ્રારંભ થાય છે, ફનએનગ્યાન.કોમના બધા વાચકો અને બ્લૉગર મિત્રોને આદ્યશક્તિની આરાધનાના નવલા નવ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આજનો વિષય છે બ્લૉગ માટેની માનીતી અને જાણીતી સેવાઓ ઓટોમેટિકની વર્ડપ્રેસ બ્લૉગ અને ગૂગલની બ્લૉગર (બ્લૉગસ્પોટ) બ્લૉગની સરખામણી, તો શરૂ કરીએ?

  1. વર્ડપ્રેસ અને બ્લૉગર બંને બ્લૉગ સેવાઓ મફત છે. બંને સેવાઓ બ્લૉગ માટેની જરૂરી એવી માળખાગત સુવિધા પુરી પાડે છે.
  2. વર્ડપ્રેસ બ્લૉગ પર જાહેરાતો દર્શાવી શકે છે, જાહેરાતો હટાવવી હોય તો પૈસા ચૂકવવા પડે. બ્લોગર બ્લોગ પર જાહેરાતો દર્શાવતું નથી (મારા ખ્યાલ પ્રમાણે, મારી ભૂલ થતી હોયતો સુધારજો, બ્લોગરનો મને બહુ અનુભવ નથી, વર્ડપ્રેસની સરખામણીમાં!)
  3. વર્ડપ્રેસ ત્રણ જીબી જેટલી જગ્યા આપે છે, બ્લૉગર એક જીબી જેટલી.
  4. વર્ડપ્રેસ બ્લૉગ સાથે  ‘અકિસ્મેટ’ નામની સ્પામ બ્લૉક સેવા હાજર છે, બ્લૉગર બ્લૉગ સાથે એવી કોઈ સેવા નથી.
  5. વર્ડપ્રેસ ઓપન સોર્સ સોફ્ટવેર ધરાવે છે, બ્લૉગરનો સોફ્ટવેર ઓપન સોર્સ નથી.
  6. વર્ડપ્રેસ બ્લૉગ કે બ્લૉગર બ્લૉગ જેમ છે તેમ વાપરવા માટે કોઈ પણ જાતની ટેક્નિકલ જાણકારી હોવી જરૂરી નથી. બ્લૉગરમાં થીમ (ટેમ્પલેટ), વિજેટ વગેરેમાં ફેરફાર કરી શકાય છે. ફેરફાર કરવા માટે એચટીએમએલની જાણકારી હોવી જરૂરી છે.
  7. વર્ડપ્રેસ બ્લૉગ પર બ્લૉગ પોસ્ટ ઉપરાંત પાનાંઓ બનાવી શકાય છે, બ્લૉગર પર આ સુવિધા બહુ પાછળથી ઉમેરવામાં આવી.
  8. વર્ડપ્રેસ નિયમિત સુધારા વધારા કરતું રહે છે, નવા થીમ ઉમેરતું રહે છે, બ્લૉગર અપડેટ કરવામાં ધીમું છે. Continue reading »