Sep 302011
 

પ્રિય મિત્રો,

સરખામણી લેખમાળાના પાંચમાં લેખમાં આપણે ચર્ચા કરીશું કે બ્લૉગ કે સાહિત્યની પરબ?

બ્લૉગ શબ્દનો અર્થ આપણને ખબર છે તે વેબલોગને ટૂંકાવીને બન્યો છે. વેબ એટલે ઈન્ટરનેટનું જાળું અને લૉગ એટલે પ્રગતિ અથવા કાર્યની વિગતવાર નોંધ. તેવી જ રીતે આપણને ખબર છે કે પરબ એટલે વટેમાર્ગુ માટે મફત પાણીની વ્યવસ્થા, સેવાનું કાર્ય. શાસ્ત્રોમાં એમ કહેવાયું છે કે જે મનુષ્ય વૈશાખ મહિનામાં પરબ લગાવે છે તે વિષ્ણુલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે.

બ્લૉગ જગતના કેટલાક બ્લૉગ પ્રગતિ અથવા કાર્યની વિગતવાર નોંધને બદલે એક નવી ઓળખ સાહિત્યની પરબ મેળવી છે તે ખરેખર સરાહનીય કાર્ય છે. મુંબઈવાળા માવજીભાઈ પોતાની વેબસાઈટને પરબ ગણાવતાં કહે છે કે ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે અને તેમની આ વાત સો ટકા સાચી છે. પાણીની પરબ જેમ વટેમાર્ગુને મફત પાણી પીવડાવીને તૃષા તૃપ્તિ કરે છે તેમ બ્લૉગર બ્લૉગ દ્વારા વાચકને મફત સાહિત્ય રસનું પાન કરાવીને જ્ઞાન પિપાષા તૃપ્ત કરાવે છે.

ગુજરાતી બ્લૉગ જગતના શરુઆતના વર્ષોમાં મોટાભાગના બ્લૉગ સાહિત્ય રસનું પાન કરાવતી પરબ સમાન જ હતા, બહુ જ ઓછા બ્લૉગ હતા જે બ્લૉગના ખરા અર્થને અનુસરતા હતા, જેમાંથી એક નોંધનીય/અનુકરણીય બ્લૉગ કાર્તિકભાઈનો બ્લૉગ કહી શકાય.

વચ્ચે એક એવો સમય આવ્યો જ્યારે જાણીતી વ્યક્તિઓના બ્લૉગ પ્રસિદ્ધીની ઊંચાઈઓ આંબવા લાગ્યા. લોકોને બ્લૉગની સમજ પડવા લાગી કે બ્લોગ પર પોસ્ટ મૂકવી ઈમેઈલ કરવા જેટલી સરળ બાબત છે. પોતાના આકાર અને સાઈઝના પ્રાણીઓને બ્લૉગિંગ કરતા જોઈને કેટલીક ઘેટા પ્રકૃતિની વ્યક્તિઓ, જેમને ગુજરાતીમાં પોતાનું નામ લખતાં આવડતું નહોતું તેઓ દેખાદેખીમાં પોતાનો બ્લૉગ બનાવીને બેસી ગઈ! બ્લૉગ બનાવ્યો તેનો વાંધો નહીં પણ ગુજરાતી લખતાં/પોતાના વિચાર વ્યક્ત કરતાં/પોતાના અનુભવ શેર કરતાં શીખવાને બદલે અન્ય સમૃદ્ધ બ્લૉગ પરથી લખાણ કૉપી કરી પોતાના બ્લૉગ પર પેસ્ટ કરી કૉમેન્ટ ઊઘરાવવા લાગી ગઈ. એટલું જ નહીં આ કાર્યને ગુજરાતીની સેવા ગણાવા લાગી અને બ્લૉગને સાહિત્યની પરબ!

Continue reading »

Apr 262011
 

પ્રિય મિત્રો,

આજે ૨૬મી એપ્રિલ. આજે વિશ્વ બૌધિક સંપતિ દિવસ છે.

બીજું, ગયા રવિવારે અમારા વિસ્તારના રહેવાસીઓ મળીને એક પૂણ્યનું કામ કરવાનો નિર્ણય કર્યો હતો અને તે માટે મિટિંગ બોલાવી હતી. હું એક કૌટુંબિક પ્રસંગમાં હાજરી આપવા મુંબઈ ગયો હતો તેથી આ મિટિંગમાં હાજર રહી શક્યો નહોતો. સોમવારે મુંબઈથી આવીને પડોસીઓ પાસેથી મિટિંગનો અહેવાલ મેળવ્યો અને તેમાં કલ્પનાના રંગો ઉમેરીને અહીં એક કટાક્ષ કથા તરીકે રજુ કરું છું આશા છે આપને મારો આ પ્રયાસ પસંદ પડશે:

પાણી પીવડાવવાનું પૂણ્ય અને પીવાના પાણીની સમસ્યા

ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે અને થર્મોમિટરનો પારો ઊંચેને ઊંચે જઈ રહ્યો છે. આવી કાળઝાળ ગરમીમાં વટેમાર્ગુની તૃષાતૃપ્તિ માટે પાણીની પરબ બનાવવી એવો પ્રસ્તાવ સિનિયર સિટિઝન તરફથી આવ્યો અને બધાએ મળીને આ પરોપકાર્ય કરી પૂણ્ય કમાવવાના પ્રસ્તાવને વધાવી લીધો.

પરબ માટે દરેક રહેવાસીએ પોતાના તરફથી યથાશક્તિ યોગદાન આપવાની અપીલ થઈ અને જોત જોતામાં પાણીના માટલા અને પ્યાલા માટેનું યોગદાન આપવા માટે રહેવાશીઓ આગળ આવ્યા અને અમારી બિલ્ડિંગની બી વિંગમાં ચોથા માળે રહેતા એક ભાઈએ માટલું અને બે પ્યાલાનું યોગદાન આપીને શુભ કાર્યની શરૂઆત કરી. તેમને જોઈને ડી વિંગમાં પહેલા માળે રહેતા ભાઈએ પણ પોતાના તરફથી એક માટલું અને બે પ્યાલા નોંધાવ્યા. આમ માટલા અને પ્યાલાની વ્યવસ્થા થઈ ગઈ.

આટલું થયું એટલે કોઈ બોલ્યું કે ૫૦ ટકા કામ પત્યું. પછી વાત આવી પરબ માટે જગ્યાની. તે માટે બધાની નજર અમારા વિસ્તારના રાજકી કાર્યકર તરફ ફરી અને તેમણે આ જવાબદારી પોતાના પર લઈ લીધી. છેલ્લે વાત આવી પાણીની. અમારા વિસ્તારમા પીવાના પાણીની બહુ જ સમસ્યા છે અને બોરવેલનું પાણી પીવા માટે યોગ્ય ગણવામાં આવતું નથી. નગરપાલિકા તરફથી આપાતું પીવાનું પાણી બહુ ઓછા સમય માટે અને અમુક બિલ્ડિંગમાં જ આવે છે.

એટલે (પીવાના) પાણીની ગંભીર સમસ્યા છે. હવે આનો ઉકેલ કેમ લાવવો તે માટે બહુ લાંબી ચર્ચા થઈ. રહેવાસીએ પોતાની રીતે અલગ અલગ ઉપાય સૂચવ્યા. તેમાંથી એક ઉપાય મને રસપ્રદ લાગ્યો તે એ હતો કે પાણી આપણે મીઠા પાણીથી છલોછલ ભરેલી અન્ય પરબમાંથી પાણી લઈ આવીને આપણી પરબના માટલામા રેડી દેશું! સિદ્ધાંતવાદી વડિલોએ આ પ્રસ્તાવ સખત રીતે વખોડી કાઢ્યો અને પાણીની વ્યવસ્થા ન થાય તો પરબનો વિચાર માંડીવાળવાનું કહ્યું. વ્યવહારીક વ્યક્તિઓનું કહેવું એમ હતું કે ઘી ક્યાંથી આવ્યું તે જોવાનું ન હોય, પરોપકારનો દિવડો સળગતો રહેવો જોઈએ.

આપનું શું કહેવું છે! પીવાના પાણીની સમસ્યા છે તો શું પાણી પીવડાવવાની પરબ બનાવવી જોઈએ કે નહીં? કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે!