May 092011
 

પ્રિય મિત્રો,

કૉપી-પેસ્ટ પરથી થોડા સમય પહેલા મને એક વાર્તાનો ‘પ્લૉટ‘ સૂજ્યો હતો અને કૉમેન્ટમાં લખ્યો હતો, આજે ફરી એવું થયું છે!

વાર્તાનો પ્લૉટ આમ છે:

બાપ-દિકરીનું નાનું કુટુંબ… મા બાળકીને જન્મ આપીને ગુજરી ગઈ હોય છે… બાપ દિકરીને ઉછેરીને મોટી કરે છે. અંગ્રેજી માધ્યમમાં ભણતી દીકરી માતૃભાષાથી વિમુખ ન થઈ જાય તે માટે બાપ ગુજરાતી બ્લૉગ/વેબસાઈટ પરથી કવિતા વાંચીને દિકરીને સંભળાવે છે… એક દિવસ શહેરમાં આતંકવાદીઓનો  હુમલો… બાપ દિકરી અલગ… વર્ષો સુધી એકલા રહ્યા પછી એક જગ્યાએ બાપ દિકરી મળે છે… એક બીજાને ઓળખી શકતા નથી… દિકરીના લગ્ન થઈ ગયા હોય છે અને તેને એક દિકરી હોય છે… દિકરી પણ એન દિકરીને ગુજરાતી કવિતા ‘આઢડાને ધક્કો મારી નવડો કહેતો ખસ‘ ગાઈને સંભળાવતી હોય છે… બાપ સાંભળી જાય છે… વર્ષો પહેલા બ્લૉગરે કરેલી ટાઈપભૂલને કારણે બાપ-દિકરીનો મેળાપ. ખાધું પીધુંને રાજ કર્યું!

ટાઈપ ભૂલ એક સામાન્ય વાત છે પણ એક ટાઈપભૂલને કારણે બાપ-દિકરીનો મેળાપ થાય છે તે બહુ જ સારી વાત છે. આ પ્લૉટ પરથી એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ પણ બની શકે છે એ પણ એટલી જ સારી વાત છે પણ… કૉપી-પેસ્ટ સારી વાત નથી, નથી, નથી જ!

મૂળ વાત પર આવું તો, હમણાં એક બ્લોગ પર મેં વાસી અબ્બાસ અબ્દુલ અલી એટલે કે આપણાં મરીઝ સાહેબની રચના વાંચી:

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.

રચનાની ઉપરની પંક્તિઓ વાંચતાં થયું કે આમાં કંઈક ગરબડ છે, પ્રાસ મળતો નથી. સતવી શબ્દ ભગવદ્‍ગોમંડળમાં પણ મળ્યો નહીં! થોડું વિચારતાં લાગ્યું કે ટાઈપ ભૂલ હશે અને સતવી ને બદલે સતાવી હોવું જોઈએ. કવિ મિત્રોને મેઈલ કરીને આ બાબતની ખાતરી કરી જોઈ, ટાઈપ ભૂલ જ છે અને સતવીને બદલે સતાવી જ હોવું જોઈએ. Continue reading »

Mar 262010
 

[નેટજગત માટે એક લેખ લખી આપો એવી વિજયભાઈની ઈચ્છાને માન આપીને આ લેખ લખું છું. લેખમાં ઉદાહરણ આપવાનો વિચાર હતો પણ પછી લેખ એડિટ કર્યો અને ઉદાહરણમાં કોઈ એક બે બ્લોગની જાહેરાત કરવાને બદલે એવા બ્લોગ માટે બ્લેક લિસ્ટનું પાનું મારા બ્લોગ પર ઉમેરવાનું નક્કી કર્યું છે. આપનું યથા શક્તિ યોગદાન આવકાર્ય છે.]

પ્રિય મિત્રો,

અહીં-તહીંથી નકલ કરી પોતાના બ્લોગ સમૄદ્ધ કરતા ‘પરોપજીવી’ બ્લોગરો ભયંકર ત્રાસ છે. થોડાક નકલખોર બ્લોગરોને કારણે ખરેખર મહેનત કરીને બ્લોગ લખનારોનું અપમાન થાય છે. કેટલાક નવા બ્લોગરોને એવી ગેરસમજ થઈ ગઈ છે કે બ્લોગ એટલે વર્ડપ્રેસ/બ્લોગરમાં રજીસ્ટર થવાનું, અન્ય ગમતા બ્લોગ પરથી લેખ કૉપી કરવાનો, પોતાના બ્લોગ પર પેસ્ટ કરવાનો અને પછી કોમેન્ટની પઠાણી ઉઘરાણી શરુ કરી દેવાની!

અમિતાભ બચ્ચનનો બ્લોગ છે, આમિર ખાનનો બ્લોગ છે અને હવે મારો પણ બ્લોગ છે! વાહ! સરસ. અભિનંદન! વર્ડપ્રેસ/બ્લોગરની મહેરબાનીથી કે ૫૦૦૦/- રૂપિયા ખર્ચીને બ્લોગ તો બનાવી લીધો હવે? બ્લોગ પર લખવા માટે વિચારો કઈ વેબસાઈટ પરથી મળે? એમ વિચારતો બ્લોગર વસુકી ગયેલા વિચારોનું વાજીકરણ કરવાને બદલે નકલખોરીના રવાડે ચડી જાય! પોતાની જાતને છેતરવી સૌથી સહેલી છે. આવા બ્લોગરનો પહેલો વિચાર હોય ‘કોને ખબર પડવાની છે?’ અને ‘ખબર પડશે તો શું કરી લેશે?’ એ એનો બીજો વિચાર.

આવા બ્લોગરને સ્ત્રોત બાબત પૂછપરછ કરીએ કે જાણ કરીએ તો પહેલા તો આપણી કોમેન્ટ/ઈમેઈલને અવગણે. કોમેન્ટ મોડરેટ ન કરે! બીજી ત્રીજી કોમેન્ટ પછી પ્રત્યુત્તર આપે પણ થયેલી ભૂલ બદલ માફી માગવાની કે સુધારી લેવાની વાત કરવાને બદલે સામી દલીલો કરે, તોછડાઈથી વર્તે અને ઉદ્ધત જવાબો આપે. ઉઠાંતરી કરનાર બ્લોગર પોતે પોતાનો બ્લોગ કોઈ દિવસે વાંચતો ન હોય અને બ્લોગે બ્લોગે જઈને કોમેન્ટ કરીને ટહેલ નાખી આવ્યો હોય ‘મારો બ્લોગ વાંચજો અને પ્રતિભાવ આપજો!’ Continue reading »