Jan 162012
 

સ્પેર વન મોબાઈલ

પ્રિય મિત્રો,

ગયા અઠવાડિયે દિવ્ય ભાસ્કરમાં એક લેખ હતો, આ મોબાઇલ ફોનની બેટરી ૧૫ વર્ષ ચાલશે!

મથાળું વાંચીને બહુ જ આશ્ચર્ય થયું. અંદર વાંચતા, પહેલું જ વાક્ય, ‘માનો કે ના માનો, આ તદન સાચી વાત છે’ જોઈને આશ્ચર્ય બેવડાયું, ‘સ્પેયર વનની બેટરી કમ સે કમ 15 વર્ષ લાઇફ વાળી છે, તેવો કંપનીનો દાવો છે. તેને તમે ચાર્જ ન પણ કરો તો પણ આ આટલા વર્ષ સુધી ચાલી શકે છે. આજે જ્યારે કેટલીય શાનદાર મોબાઇલ ફોનની બેટરીઓ અંદાજે બે દિવસમાં ખત્મ થઇ જાય છે, એવામાં આ બેટરી ધમાલ મચાવી દેશે.’

પંદર વર્ષ ચાલે તેવી બેટરી મોબાઈલમાં લગાડી ચાલતાં ચાલતાં વાતો કરવી હોય તો પાછળ હાથગાડીમાં બેટરીને લઈને ફરવું પડે! દાવો જરા વધારે પડતો લાગ્યો એટલે તરત જ સ્પેરવન કંપનીની સાઈટની મુલાકાત લઈ ખાતરી કરવાનું નક્કી કર્યું. કિટલી કરતાં ચાય ઠંડી હોય એ નિયમ પ્રમાણે સ્પેરવનની સાઈટ પર આ દાવા સાથે (હંમેશ પ્રમાણે) ફુલ્લીઓ જોવા મળી! બીજું સ્પેરવન કંપની બેટરીની સેલ્ફ લાઈફ પંદર વર્ષની કહે છે. સેલ્ફ લાઈફ એટલે એક વખત બેટરી ચાર્જ કર્યા પછી એમ ને એમ પડી રહે (મોબાઈલમાં નહીં) તો ૧૫ વર્ષ સુધી તેમાં ચાર્જ જળવાઈ રહે. ચોક્ક્સ કંપનીની ચોક્કસ મોડલની બેટરી વાપરો તો જ આ પરિણામ મળે! ટૉક ટાઈમ તો ૧૦ કલાકનો જ મળવાનો છે.

આમ કરતાંને મોબાઈલના એક નવા મોડલની ઓળખ થઈ જે પેન્સિલ સેલ વડે ચાલે છે. આ એક બહુ જ ઉપયોગી સુવિધા છે જ્યારે તમે ભારતના ગામડાઓમાં પ્રવાસ કરી રહ્યા હો અને તમારા મોબાઈલની બેટરી ઊતરી ગઈ હોય અને રીચાર્જ કરવા માટે તમારી પાસે ચાર્જર હોય પણ લાઈટ ન હોય! પેન્સિલ સેલ બધે (ગામડામાં પણ) મળી રહે અને વાતચિત ચાલતી રહે!

Aug 082011
 

પ્રિય મિત્રો,

આજે ફરી એક વાર એક સાથે ત્રણ વિષય લઈને હાજર થયો છું.

૧) અમદાવાદ મુલાકાત

ગયા અઠવાડિયે અમદાવાદ જઈ આવ્યો. પુણેથી અમદાવાદ જતી વખતે રસ્તામાં વહેલી સવારે ભરૂચ આવ્યું. બસે વિરામ લીધો. અડધી (કાચી) ઊંઘમાંથી ઊઠીને નીચે ઊતર્યો, છાપું લીધું: દિવ્ય ભાસ્કર (ભરૂચ આવૃતિ). છાપું જોતાં જ ત્રણ બાબતો એવી ધ્યાનમાં આવી કે ઊંઘ પૂરેપૂરી ઊડી ગઈ! કઈ હતી એ બાબતો?

  1. છાપાની કિંમત રૂ. ૨.૨૫ (સવા બે)! પાવલી ક્યારની ચલણમાંથી બંધ થઈ ગઈ છે અને હવે સત્તાવાર રીતે ૧લી જુલાઈથી પાછી ખેંચી લેવાઈ છે એવો અહેવાલ પ્રસિદ્ધ કરનાર દિવ્ય ભાસ્કરને આ બાબતની ખબર નથી કે શું? છાપાવાળાને અઢી રૂપિયા આપ્યા પછી ૨૫ પૈસા પાછા કેમ લેવા? અથવા બે રૂપિયા આપીને ઉપરના પચીસ પૈસા કેમ આપવા? ઊંઘ ઊડવાનું પહેલું કારણ!
  2. છાપું વચ્ચેથી ચોક્ક્સ માપનું કપાયેલું હતું! પહેલા આશ્ચર્ય થયું પછી યાદ આવ્યું કે છાપાવેચનારાએ ઈનામી કૂપન કાપી લીધું છે. ઊંઘ ઊડી જવાનું બીજું કારણ, દિવ્ય ભાસ્કર આ ઈનામી યોજના દ્વારા ખરેખર કોને ખુશ કરવા માગે છે છાપું વાચનારને કે પછી છાપું વેચનારને?
  3. ત્રીજું કારણ બહુ જ મજાનું છે. પહેલા પાને મુખ્ય સમાચાર વાંચવા મળ્યા, આવકવેરો ભરવામાં મુંબઈ-દિલ્લી માઈનસમાં, ગુજરાત નંબર વન! ખુશી થઈ. ગુડ. Continue reading »
May 132010
 

પ્રિય મિત્રો,

લેખની શરૂઆત એક ઉગતા નવોદિત કવિની  ‘સ્વરચિત’ રચનાના એક શેરથી કરીએ તો?

શું જાણે મારા દિલને શું થયું?
હજી તો અહીં એ હતું ક્યાં ગયું?

શેર જોઈને વાહ! તો કહ્યું અને પછી છંદમેળ બરાબર છે કે નહીં તે ચકાશી લેવાનું કહેતો હતો ત્યાં જ બત્તી થઈ! મેં પૂછ્યું તમે યશરાજ ચોપરાની ફિલ્મો જુઓ છો? હા, કવિ ઉવાચ, દિલવાલે દુલ્હનિયા જોઈ’તી? ૩૦ વખત, કવિ બોલ્યા! મેં કહ્યું આને સ્વરચિત કવિતા ન કહેવાય આને પ્લેજરિઝમ કહેવાય! પ્લેજરીઝમ એટલે બીજાના વિચારને પોતાના નામે રજૂ કરવા તે. સાદી ભાષામાં કહીએ તો ચોરી, ઉઠાંતરી, તફડંચી. બ્લૉગ જગતમાં આ સમસ્યા બહુ જ વ્યાપક છે.

બીજો મુદ્દો છે તે લખાણ કૉપી-પેસ્ટનો. કોઈએ મહેનત કરીને લેખ શોધીને તેને ટાઈપ કરી, ભૂલો સુધારી બ્લૉગ પર મૂક્યું હોય અને બીજો બ્લૉગર એ રચના કૉપી કરી પોતાના બ્લૉગ પર મૂકી દે! લખાણ માટે સૌજન્ય ન દાખવે. આ સમસ્યા પણ એટલી જ વ્યાપક છે.

ત્રીજો મુદ્દો છે પ્રેરણાનો. કોઈની રચનામાંથી પ્રેરણા લઈને એક નવી મૌલિક રચના બનાવવામાં આવી હોય. રચનાની શરૂઆતમાં જ મૂળ રચનાનો ઉલ્લેખ કર્યો હોવો જોઈએ નહીં તો તે રચના પ્લેજરિઝમમાં ગણાઈ જવાનો ડર રહે! દા.ત. ગિરિજા માથુરની જાણીતી રચના ‘હમ હોંગે કામયાબ’ એ  ‘વી શેલ ઓવર કમ’માંથી પ્રરણા લઈને લખવામાં આવી છે.

હવે આ ત્રણેય મુદ્દાનો સંગમ આજે મારા ધ્યાનમાં આવ્યો છે. ઈન્ટરનેટ પર ઘણાં સમયથી ફરતો મૂળ અંગ્રેજી સંવાદ ચૅટિંગ વીથ ગોડમાંથી પ્રેરણા લઈ ગોવિંદભાઈ શાહએ એક લેખ લખ્યો, ઈશ્વર સાથે ઑનલાઈન અને તે રીડગુજરાતી પર ૨૧ ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થયો. લેખની શરૂઆતમાં જ પ્રેરણા બાબત યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવી છે. આમ ગોવિંદભાઈએ પ્રામાણિકતાથી પોતાના વિચારો રજુ કર્યા છે.

પહેલી એપ્રિલના આ જ લેખ કેતન દવેના નામે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો. આ જુઓ તેનો સ્ક્રિન શૉટ: Continue reading »

Mar 062009
 

પ્રિય મિત્રો,

આજે પ્લેજરીઝમના ઉપાયો વિશે લખવાનું હતું પણ કેટલાક કારણોથી આવતી કાલ પર મુલ્તવી રાખ્યું છે.

બીજું વચ્ચેનો કેટલોક સમય હું બ્લોગ જગતથી દૂર રહ્યો. તે સમય દરમ્યાન ફક્ત ઈમેઈલ ચેક કરતો હતો પણ નેટ સર્ફીંગ અને બ્લોગીંગ નહોતો કરી શક્યો. તે સમય દરમ્યાન બનેલા કેટલાક બનાવો મને લાગે છે કે આપની સાથે શેર કરવા જોઇએ.

૧. રણકાર વાળા નીરજ શાહના લગ્ન થયા, નવદંપતીને અભિનંદન!

૨. ફન-એન-ગ્યાન ટૂલબાર પર ટ્રોઝનનો હુમલો થયો જેની જાણ થતાં જ સુધારી લેવામાં આવ્યું. રણકાર.કોમ સાઈટના RSS ફીડમાંથી હતું જે રણકાર.કોમની ફીડ હટાવી લેવાથી સુધારી શકાયું અને હવે નીરજભાઈ શાહ આવીને રણકારને ફરી રણકતો કરી દીધો છે.

૩. દિવ્ય ભાસ્કરની કળસ પૂર્તિમાં સાયબર સફર કોલમના લેખક હિમાંશુ કિકાણીએ સરસ મજાની સાઈટ લોંચ કરી: સાયબરસફર.કોમ

૪. ભગવદ્ગોમંડળ ઓનલાઈન પછી હવે ગુજરાતી લેક્ષિકોન દ્વારા ભગવદ્ગોમંડલ.કોમની ભેટ.

૫. મારા ગુગલ રીડરમાં શેર કરેલા ગુજરતી બ્લોગ જગતની ફીડ કોઈ કારણ સર ચાલતી બંધ થઈ ગઈ છે, કંઈક કરવું પડશે.

૬. રિડિફ.કોમનો ગુજરાતી વિભાગ ફરી શરુ થશે એવું સાંભળ્યું!

૭. દિવ્ય ભાસ્કરનો દિવ્ય પ્રુફ રીડર વિભાગ અને દિવ્ય વેબટીમ વોહી રફતાર બેઢંગી… ચલાવ્યે રાખે છે. કોઈ સુધારો દેખાતો નથી. થોડીઘણી આશા હતી સુધારાની, હવે તે પણ છોડી દીધી છે.

આ સિવાય કંઈ નવાજુની હોય તો જરૂરથી જણાવજો…