Dec 032010
 

પ્રિય મિત્રો,

કેમ છો?

ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળાની પાંચમી ઋતુ આજથી શરૂ થાય છે. ટીવી પર જાણીતા શોને બંધ કરી ફરી ચાલુ કરવામાં આવે તેને ‘સિઝન’ કહેવાય! તે પરથી અને માર્ચ ૦૭માં બ્લોગ શરુ કર્યા પછી વચ્ચે ચાર દીર્ઘ વિરામ લીધા હતા તે ધ્યાનમાં લઈને પોસ્ટનું મથાળું બનાવ્યું પાંચમી ઋતુ!

આટલી પ્રસ્તાવના પછી પોસ્ટની શરૂઆત એક લોકોક્તિથી કરીએ,

શેરી મિત્રો સો મળે તાળી મિત્ર અનેક,
સુખ દુઃખમાં સંગ રહે તે લાખોમાં એક!
(માવજીભાઈના સંગ્રહમાંથી સાભાર)

આ લોકોક્તિને આજના સંદર્ભમાં કહેવી હોય તો આમ કહી શકાય?

ટ્વિટર મિત્રો સો મળે, ફેસબુક મિત્ર અનેક,
નિયમિત બ્લોગની મુલાકાત લે તે લાખોમાં એક!

એટલું જ નહી પણ બ્લોગ અપડેટ થતો ન હોય તેમ છતાં પણ નિયમિત બ્લોગની મુલાકાત લેતા હોય એવા કરોડોમાં એક એવા મિત્રો મને બ્લોગ જગતમાં મળ્યા છે. જી હા! હું વાત કરું છું મિત્ર અમર દવેની જેમણે મારા બ્લોગ પર થયેલા હેકરના હુમલા અંગે ફોન કરીને જાણ કરી અને મયુર ગોધાણીની જેમણે આ બાબતની જાણ કરતી પોસ્ટ પોતાના બ્લોગ પર મૂકી.

હેકર નવોડિયો હોય એવું દેખાઈ આવે છે ૧) ઘણાં સમયથી અપડેટ થયો ન હોય એવા બ્લોગને નિશાન બનાવ્યો છે. ૨) ઈન્ડેક્ષ ફાઈલ ઉમેરવાથી વધારે કંઈ નુકશાન કર્યું નથી/ કરી શક્યો નથી. કદાચ વર્ડપ્રેસની પ્રણાલી બાબત અજાણ હોય! જો કે નિયમિત બેકઅપ લેવાની મારી આદતને કારણે આમેય મારે ખાસ કશું ગુમાવવું પડે તેમ નહોતું.

આ સમય દરમ્યાન ઘણા બનાવો બન્યા હશે, પણ સમયના અભાવે હું અપડેટ કરી શક્યો નથી. બ્લોગ જગતની વાત કરીએ તો, હાલમાં આપણાં બ્લોગર મિત્ર શ્રી અશોકભાઈ મોઢવડીયાના માતૃશ્રીનું દુઃખદ અવસાન થયું છે (સ્ત્રોત). પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.

મને છેલ્લા દોઢ બે મહિનાથી ડીપ વેઈન થ્રોમ્બોસિસ નામની વ્યાધીએ બહુ હેરાન કર્યો છે. દવા ચાલુ છે અને દર્દ પણ.

આજે આટલું, આવતી કાલથી આપણે નેટસેવિ, અદ્‌ભુતકળા, જ્ઞાન-ગમ્મત, મેનેજમેન્ટ સ્ટોરી અને બત્રીસ કોઠે દીવા વગેરે વિભાગ હેઠળ વર્ડપ્રેસ તરફથી ઉમેરાયેલા નવા થીમ, વર્ડપ્રેસની નવી અને ઉપયોગી સુવિધાઓ, ‘ગુજારીશ’ ફિલ્મનો વિષય ‘ઈચ્છામૃત્ય’, હરકિસન મહેતાની નવલકથા ‘જડચેતન’, તમારા બોસ અને તમારો બ્લોગ, થિમ પરિચય પખવાડિયું, ૧૦૦ બેસ્ટ ગુજરાતી બ્લોગ અને ૧૦૦૦થી વધારે બ્લોગની યાદી વગેરે વિષયો પર ચર્ચા કરશું અને હા, પ્લેજરીયાઓ કેમ ભૂલાય?

તો મળીએ આવતી કાલે સવારે સાત વાગ્યે (IST). ગુડ મોર્નિંગ! ગુડ ડે!