May 162016
 

પ્રિય મિત્રો,

ગઈકાલે એક કાર જોઈ જેમાં ટ્રાવેલ્સનું નામ ‘JANHAVI TRAVELS’ લખ્યું હતું. વાંચતાં જ ધ્યાન ગયું કે કંઈક ભૂલ છે પણ આ ભૂલ અભણ ટ્રક ડ્રાઈવરો/માલિકો પોતાની ટ્રક પાછળ લખાણ લખાવે તેવી ભૂલ નહોતી લાગતી. ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં આ ટ્રાવેલ્સનું ફેસબૂક પેજ પણ મળી આવ્યું :

મને ટ્રાવેલ્સની આ જાન્હવીની જોડાણી મને ખોટી લાગતી હતી, પણ ફેસબુક પેજ વગેરે જોઈ મને શંકા થવા લાગી અને હું ભગવદગોમંડલની સાઈટ પર પહોંચ્યો.

અને જાણ્યું કે જાન્હવી ખોટી જોડણી છે, સાચી જોડણી છે – જાહ્નવી.

– વિનય ખત્રી

Mar 182015
 

આજકાલની જનરેશનને સાચી જોડણી નથી આવડતી, સાચું ગ્રામર નથી આવડતું, ક્રિયાપદો ખોટાં હોય છે, વિશેષણો ક્યારે વાપરવાં એની સમજ હોતી નથી, ટેક્સ્ટ મેસૅજ કરીને ગમે તે શબ્દના ટૂંકાક્ષરો બનાવતાં થઈ ગયાં છે – આવી ફરિયાદ ગુજરાતી વડીલોની જ નહીં અંગ્રેજી જેમની માતૃભાષા છે એમની પણ છે. છોકરાંઓને પ્રોપર ગુજરાતી કે પ્રોપર ઈંગ્લિશ લખતાં નથી આવડતું એ વાત શું સાચી છે?

ના. છોકરાંઓ એમ જ લખશે અને એ જ રીતે લખવા દો. એ બધાં કંઈ ભાષાના પ્રોફેસરો નથી કે પત્રકારો-લેખકો નથી. એમને એમની આગવી ભાષા છે, એમની ભાષાનો આગવો અંદાજ છે. એમના માટે સુંદર છોકરો ‘કૂલ’ પણ હોઈ શકે છે અને સુંદર છોકરી ‘હૉટ’ પણ હોઈ શકે છે. શબ્દોને નીતનવા કૉન્ટેક્સ્ટમાં વાપરીને તેઓ ભાષાની સમૃદ્ધિ વધારે છે.

બ્રિટનવાળાઓને લાગે છે કે અમે જે અંગ્રેજી બોલીએ-લખીએ છીએ તે પ્રોપર છે. અમેરિકાવાળા માને છે કે અમારી અંગ્રેજી પ્રોપર છે. અમદાવાદવાળા ગુજરાતીઓ કહેતા હોય છે કે મુંબઈના ગુજરાતીઓના ઉચ્ચાર વિચિત્ર હોય છે, મુંબઈવાળાઓને અમદાવાદની ગુજરાતી ઈમ્પ્રોપર લાગતી હોય છે. ભલે લાગે. જેમ પ્રોપર ઈંગ્લિશ જેવું કંઈ નથી એમ પ્રોપર ગુજરાતી જેવું પણ કંઈ નથી. સુરતી, ચરોતરી, હાલારી, કાઠિયાવાડીથી લઈને એન. આર. આઈઝની ગુજરાતી સુધીની વેરાઈટીઓ છે. અત્યાર સુધી માત્ર બોલવામાં હતી, હવે તો તમે ફેસબુક અને વૉટ્સઍપ પર જુઓ તો ‘બહુ’ને બદલે ‘બવ’, ‘લખાઈ ગયું’ને બદલે ‘લખાય ગયું’ અને ‘બેસાડી દેવા જોઈએ’ને બદલે ‘બેસાડી દેવા જોવે’ લખેલું વંચાશે. જોડણી અને અનુસ્વાર તો આડેધડ જેમ ફાવે તેમ. પણ વાંધો નથી. ગઈ કાલ સુધી જે લોકો લખતા જ નહોતા, તેઓ આજે લખતા થયા છે. આ બધા કંઈ પ્રોફેશનલ લેખકો નથી અને પ્રોફેશનલ લેખક બનવાના એમનાં સપનાં પણ નથી. એ બધા શૅર કરવા માગે છે, પોતાના વિચારો, પોતાના આક્રોશો, પોતાની રમૂજો.

ભાષાની શુદ્ધિની જરૂર તમે છાપામાં લખતા હોય, સાહિત્યનું સર્જન કરતા હો, કે પછી સત્તાવાર દસ્તાવેજો અને સરકારી કાગળિયાં બનાવતા હો ત્યારે પડે. સાહિત્યમાં પણ જ્યારે તમે કોઈ એવા વાતાવરણની વાત કરતા હો ત્યારે ‘પ્રોપર ગુજરાતી’ને બદલે ‘ઈમ્પ્રોપર ગુજરાતી’ જાણી જોઈને વાપરતા હો છો અને ક્યારેક અનાયાસ એવા શબ્દો આવી જાય ત્યારે તમારી ભાષાની ફલેવરમાં એટલો ઉમેરો થતો હોય છે. ચંદ્રકાંત બક્ષી હંમેશાં ‘ઘરે જઉં છું’ની જગ્યાએ ‘ઘેર જઉં છું’ લખતા. અને કહેતા કે મને ખબર છે કે ‘ઘરે’ લખાય પણ ‘ઘેર’ મારા માટે સાહજિક છે. બક્ષીની કક્ષાએ પહોંચીને તમે ભાષા સાથે તમામ પ્રકારની છૂટછાટ લઈ શકો – વ્યાકરણમાં પણ. પરંતુ સાચું શું છે એની ખબર હોય તો આવી છૂટછાટ લઈ શકો. ઘણા કવિઓ છંદ ન આવડતા હોય એટલે કહે કે હું છંદનાં બંધનોમાં માનતો નથી એટલે અછાંદસ લખું છું. પણ ભઈલા તારા અછાંદસ કાવ્યોમાં જાન ત્યારે આવે જ્યારે તને છંદ આવડતા હોય છતાં તું એને ના વાપરે. આવડવા તો જોઈએ જ.

ઉમાશંકર જોશી, નિરંજન ભગત, સુરેશ જોષી, સુરેશ દલાલ, રાજેન્દ્ર શુકલ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર, રમેશ પારેખ અને આવા અનેક મહારથીઓએ ઉત્તમ અછાંદસ કાવ્યો લખ્યા અને આ દરેક કવિની છંદ પર ગજબની હથોટી.

પત્રકારત્વમાં પ્રવેશીને છાપા માટે લખતી વખતે જોડણી-ગ્રામર બધું પાક્કું જોઈએ. ટીવી ચૅનલ પર બોલવાની જવાબદારીવાળું કામ હોય તો ઉચ્ચારણ પણ શુદ્ધ જોઈએ. મહેસાણાનો લહેકો મીઠો લાગે – અંગત વાતચીતમાં બોલાય ત્યારે કે પછી નાટક-ફિલ્મમાં એવું પાત્ર હોય ત્યારે. ન્યૂઝ રીડરની જુબાનમાં ‘જીજે-ટુ’ની નંબર પ્લેટ ન આવવી જોઈએ.

અંગ્રેજી હોય કે ગુજરાતી પંરપરાથી ચાલતા આવેલા ભાષાના, ગ્રામરના નિયમો તૂટતા જ આવ્યા છે, નવા નિયમો સર્જાતા જ રહ્યા છે. જેમ કે સ્ટાન્ડર્ડ ઈંગ્લિશમાં એક વાક્યમાં બે નેગૅટિવ્સ ન આવે છતાં આજની તારીખે તમે ‘આય કાન્ટ ગેટ નો સેટિસ્ફેક્શન’ લખો કે બોલો તો તે સાચું ગણાય. ગુજરાતીમાં (અને અંગ્રેજીમાં પણ) ‘કારણ કે’ અથવા ‘અને’થી વાક્ય શરૂ ન કરાય એવી પ્રથા છે, નિયમ પણ છે. આમ છતાં આ શબ્દોથી વાક્યો જ નહીં, પૅરેગ્રાફ જ નહીં, પ્રકરણની શરૂઆત પણ થતી હોય છે જે ઈફેક્ટિવ હોય છે.

ભાષાની શુદ્ધતાની બાબતમાં કે જોડણીની ચોખ્ખાઈની બાબતમાં મારો મત સ્પષ્ટ છે: જેઓ પ્રોફેશનલ્સ નથી કે પ્રોફેશનલ્સ બનવા માગતા નથી કે પ્રોફેશનલ્સમાં પોતાની ગણના થાય એવાં જેમને હેવાં નથી એ બધા જ લખનારા-બોલનારા માટે ભાષાની કે ગ્રામરની કે ઉચ્ચારણની તમામ સો કૉલ્ડ અશુદ્ધિઓ માફ છે. માફ જ નહીં હું તો કહીશ કે એ બધું એમનામાં આવકાર્ય પણ છે કારણ કે એ વાંચી/સાંભળીને મને ખબર પડે છે કે એ ભાષાની સમૃદ્ધિ, એનો વ્યાપ કેટલો મોટો છે. પણ ભાષાના શિક્ષકો – અધ્યાપકો – પ્રાધ્યાપકો કે પછી છાપાં – મૅગેઝિનના ન્યૂઝ રૂમ સાથે સંકળાયેલા પત્રકારો – પ્રૂફ રીડરો કે પછી ન્યૂઝ ચૅનલના એડિટોરિયલ વિભાગની જવાબદારીઓ સંભાળનારાઓ, સરકારી કે બિનસરકારી સંસ્થાઓમાં પરિપત્રો, પત્ર વ્યવહાર સંભાળનારાઓ, કાયદાની લિખાપટ્ટીની પ્રક્રિયામાં સંકળાયેલાઓ અને જાહેરખબરના ક્ષેત્રમાં લેખનકાર્ય કરનારાઓને ખબર હોવી જોઈએ કે સાચી જોડણી કઈ છે. એમને ખબર હોવી જોઈએ કે સાચું ગ્રામર કોને કહેવાય (‘નરેન્દ્ર મોદી ભારતનો વિકાસ કરવાનું ‘સોચી’ રહ્યા છે એવું લખશો તો એક લપડાક પડશે.’) જ્યાં જાણી જોઈને મસ્તી કરવી હોય ત્યાં બધી જ તોડફોડ કરી શકાય. સાચી જોડણી લખવી અઘરી નથી એવું યશવંત દોશીનું કહેવું હતું. તમારે જો જોડણી વિશેના લેખમાં જોડણીના અટપટા નિયમો વગેરેની વાત કરીને લેખનું આવું મથાળું બાંધવું હોય તો છૂટ છે: સાચિ જોડણિ અઘરિ નથિ.

બોલવામાં તમે તમારું ગ્રામર વાપરો, તમારા વતનની બોલીની ખુશ્બુ ઉમેરો, મઝા છે. પણ કોઈ જગ્યાએ આવી મઝાઓ ભારે પડતી હોય છે. અમારા એક મિત્ર ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા છે. એમના પ્રોડક્શનની ટીમ અમેરિકા જવાની હતી. વ્યવસ્થા સંભાળવા એમણે પણ જવાનું હતું. અમેરિકન ઍમ્બેસીમાં વિઝા લેવા ગયા. ઈન્ટરવ્યૂ શરૂ થયો. પાંચેક મિનિટ પછી ટેબલની પાછળ બેઠેલા અમેરિકન ઑફિસરે કહ્યું: આય થિન્ક લેટ્સ કૉલ એન ઈન્ટરપ્રીટર’. મારા મિત્રે કહ્યું, ‘આય ડોન્ટ નીડ ઈન્ટરપ્રીટર. આય નો ઈંગ્લિશ.’ અમેરિકને કહ્યું, ‘આય નીડ એન ઈન્ટરપ્રીટર ટુ અન્ડરસ્ટેન્ડ યૉર ઈંગ્લિશ.’

આજનો વિચાર

અંગ્રેજી ભાષામાં અનાથ અને વિધવા માટેના શબ્દો છે પણ જે માબાપે સંતાન ગુમાવ્યું છે એમના માટે કોઈ શબ્દ નથી.
– જેન વૅગ્નર

એક મિનિટ!

કિસીને મેરી નીંદ લૂટી
તો કિસીને મેરા ચૈન લૂટ લિયા
નીંદ મિલે તો આપ રખલેના
પર ચૈન મિલે તો પ્લીઝ મુઝે દે દેના…
… તીન તોલે કા હૈ, યાર.

(વૉટ્સઍપ પર વાંચેલું)

સૌરભ શાહ, ગુડ મોર્નિંગ, ‘મુંબઈ સમાચાર’, બુધવાર, ૧૮ માર્ચ ૨૦૧૫
લેખકનું ફેસબુક ફેન પેજ

Jun 052008
 

પ્રિય મિત્રો,

ફરી લાંબા પ્રવાસોને કારણે નિયમિત પોસ્ટ મૂકી શકતો નથી તે માટે દિલગીરી વ્યક્ત કરીને મૂળ વાત પર આવું.

આ બ્લોગ પર જ્યારે ૧૧,૦૦૦ વાચકોની સંખ્યા થઇ હતી ત્યારે એક લેખ લખ્યો હતો જેમાં કેટલીક ઈચ્છાઓ પ્રગટ કરી હતી.

૧. જોડણી ભૂલો સુધારી લેવી છે.
૨. કોમેન્ટમાં ગુજરાતીમાં લખી શકાય તેવી સગવડ કરવી છે.
૩. પોતાનું ડોમેઈન નેમ લઈ લેવું છે.

જેમાંથી ત્રીજા ક્રમાંકની ઇચ્છા તો ક્યારની પુરી થઈ ગઈ છે અને બીજા નંબરની ઈચ્છા પણ એકાદ અઠવાડિયામાં પુરી થઈ જશે. હોસ્ટીંગ લઈ લીધું છે. હવે આ બ્લોગને વર્ડપ્રેસ પરથી ખસેડીને ‘પોતાના’/પેઈડ સર્વર લઈ જવાનું બાકી છે. આ ગોઠવણ કરવાથી કોમેન્ટ બોક્ષમાં સીધું ગુજરાતીમાં લખી શકાશે. (અને બીજા પણ ફાયદા છે જે વિશે પછી ક્યારેક, નેટસૅવિમા!) Continue reading »