Mar 262010
 

[નેટજગત માટે એક લેખ લખી આપો એવી વિજયભાઈની ઈચ્છાને માન આપીને આ લેખ લખું છું. લેખમાં ઉદાહરણ આપવાનો વિચાર હતો પણ પછી લેખ એડિટ કર્યો અને ઉદાહરણમાં કોઈ એક બે બ્લોગની જાહેરાત કરવાને બદલે એવા બ્લોગ માટે બ્લેક લિસ્ટનું પાનું મારા બ્લોગ પર ઉમેરવાનું નક્કી કર્યું છે. આપનું યથા શક્તિ યોગદાન આવકાર્ય છે.]

પ્રિય મિત્રો,

અહીં-તહીંથી નકલ કરી પોતાના બ્લોગ સમૄદ્ધ કરતા ‘પરોપજીવી’ બ્લોગરો ભયંકર ત્રાસ છે. થોડાક નકલખોર બ્લોગરોને કારણે ખરેખર મહેનત કરીને બ્લોગ લખનારોનું અપમાન થાય છે. કેટલાક નવા બ્લોગરોને એવી ગેરસમજ થઈ ગઈ છે કે બ્લોગ એટલે વર્ડપ્રેસ/બ્લોગરમાં રજીસ્ટર થવાનું, અન્ય ગમતા બ્લોગ પરથી લેખ કૉપી કરવાનો, પોતાના બ્લોગ પર પેસ્ટ કરવાનો અને પછી કોમેન્ટની પઠાણી ઉઘરાણી શરુ કરી દેવાની!

અમિતાભ બચ્ચનનો બ્લોગ છે, આમિર ખાનનો બ્લોગ છે અને હવે મારો પણ બ્લોગ છે! વાહ! સરસ. અભિનંદન! વર્ડપ્રેસ/બ્લોગરની મહેરબાનીથી કે ૫૦૦૦/- રૂપિયા ખર્ચીને બ્લોગ તો બનાવી લીધો હવે? બ્લોગ પર લખવા માટે વિચારો કઈ વેબસાઈટ પરથી મળે? એમ વિચારતો બ્લોગર વસુકી ગયેલા વિચારોનું વાજીકરણ કરવાને બદલે નકલખોરીના રવાડે ચડી જાય! પોતાની જાતને છેતરવી સૌથી સહેલી છે. આવા બ્લોગરનો પહેલો વિચાર હોય ‘કોને ખબર પડવાની છે?’ અને ‘ખબર પડશે તો શું કરી લેશે?’ એ એનો બીજો વિચાર.

આવા બ્લોગરને સ્ત્રોત બાબત પૂછપરછ કરીએ કે જાણ કરીએ તો પહેલા તો આપણી કોમેન્ટ/ઈમેઈલને અવગણે. કોમેન્ટ મોડરેટ ન કરે! બીજી ત્રીજી કોમેન્ટ પછી પ્રત્યુત્તર આપે પણ થયેલી ભૂલ બદલ માફી માગવાની કે સુધારી લેવાની વાત કરવાને બદલે સામી દલીલો કરે, તોછડાઈથી વર્તે અને ઉદ્ધત જવાબો આપે. ઉઠાંતરી કરનાર બ્લોગર પોતે પોતાનો બ્લોગ કોઈ દિવસે વાંચતો ન હોય અને બ્લોગે બ્લોગે જઈને કોમેન્ટ કરીને ટહેલ નાખી આવ્યો હોય ‘મારો બ્લોગ વાંચજો અને પ્રતિભાવ આપજો!’ Continue reading »

Apr 212009
 

પ્રિય મિત્રો,

બ્લોગ જગતમાં ઉઠાંતરીની નવાઈ નથી. અવારનવાર આવા કિસ્સા આવતા જ હોય છે. નવોદિતોથી લઈને ન્યુરોસર્જન સુધી આ રોગ વ્યાપેલો છે. અમિતાભનો બ્લોગ છે, આમિરનો બ્લોગ છે, (હવે) નરેન્દ્ર મોદીનો બ્લોગ છે અને મારો પણ બ્લોગ છે. દેખાદેખીની લાહ્યમાં અને વર્ડપ્રેસ/બ્લોગસ્પોટની મહેરબાનીથી બ્લોગ તો બનાવી દીધો પણ પછી લખવું શું? પ્રસિદ્ધિનો સરળ રસ્તો છે અન્યની રચના પોતાના નામે ચડાવી દેવાનો! આ ઉપાય ‘વરવા ગુજરાતી’થી લઈને ‘અપ્રાકૃતિક ટિપ્સ’ આપતા બ્લોગર પણ અજમાવી ચૂક્યા છે.

આજે આપણે જે બ્લોગરની વાત કરવાના છીએ તે છે – છેલછબીલો ગુજરાતી™ સુરોનો સોદાગર… માનવ(જીજ્ઞેશ પારેખ)નું વિશ્વ. સૌપ્રથમ આપણે તેમની એક રચના જોઇએ…

બે-ચાર વાત થઇ અને એક-બે મુલાકાત થઇ
અમે વિચારતા રહ્યા અને શ્વાસો કોઇની સૌગાત થઇ

૧૬/૪/૨૦૦૯, રાત્રે ૨.૪૫, “માનવ” 

હવે આ જુઓ – પહેલી નજરનો પ્રેમ – વિશાલ મોણપરા  Continue reading »

Mar 092009
 

પ્રિય મિત્રો,

આજે વાંચો પ્લેજરીઝમ વિશે હરનિશભાઈ જાનીના વિચારો:

ચોરી ચોરી ચૂપકે ચૂપકે – હરનિશ જાની

મને એક મિત્રએ કહ્યું કે “તમે ફલાણા મેગેઝિનનો દિવાળી અંક જોયો? તેમાં તમારા પુસ્તક “સુધન”માંથી એક ટુચકાની ઊઠાંતરી કરીને છાપી છે.” આપણે કહ્યું કે “તે તો સારી વાત કહેવાય. આપણું લખાણ એટલું સારું કે બીજીવાર છપાયું.” પેલા મિત્ર કહે કે “ઊઠાંતરીની વાત કરું છું. તમારું લખાણ બીજાના નામે છપાયું છે.” ત્યારે મારે કહેવું પડ્યું કે “કોઈક બીજાએ પોતાના નામે મારું લખાણ ચોરીને છપાવ્યું છે એમને!” તે કહે કે “હા, તેમ જ થયું છે.” જીવનમાં, મને પહેલીવાર લેખક હોવાનું ગૌરવ થયું.

મારા લેખ ચોરાય છે અથવા તો એમ કહો કે મારા લેખ ચોરવાને લાયક છે. અથવાતો એમ કહી શકાય કે આટલા બધાં લેખો લખાય છે તેમાં આપણાં લેખે કોઈક વાચકનું ધ્યાન ખેંચ્યું અને એને ચોરી કરવા મજબુર કરી દીધો. આજે મારા લેખક હોવાપણાનો મને સંતોષ થયો. આમ જુઓ તો આ નાની સુની વાત નહોતી. મારા માટે સાહિત્ય પરિષદના ઍવોર્ડ કરતાં મોટું સન્માન હતું. કોઈકે મારા લખાણને ચોરવા યોગ્ય તો માન્યું! મુંબઈમાં ગજવું કપાય ત્યારે જેટલો આનંદ થાય એટલો આનંદ થયો. મુંબઈમાં શેઠિયાઓના ગજવાં કપાય કાંઈ ભિખારીઓના ગજવાં થોડી કપાય છે? એટલે જેનાં ગજવા કપાય તેનમે એટલી તો ખાતરી થઈ કે આપણે ભિખારી તો નથી જ. તમારો લેખ કોઈક ચોરવા યોગ્ય માને તેનાથી મોટું ગૌરવ કયું? કાંઈક દરેકના લેખ ચોરાતા નથી. અરે! અમુકના લેખ તો વંચાતા સુધ્ધાં નથી. તો પછી ગમવાની વાત જ ક્યાં? અને જ્યારે કોઈ વસ્તુ અનહદ ગમે તો જ તે વસ્તુ પચાવી પાડવાની તીવ્ર ઈચ્છા થાય ને. એટલે મને એટલો તો આનંદ થયો કે આપણાં લેખની કોઈક ઊપર અદ્ભુત અસર થઈ કે એની દાનત બગડી. અથવા તો એમ કહો કે અમને હ્રદયમાં એટલી વધી આત્મીયતા પ્રગટીકે સંમતિ લેવા રોકાયા પણ નહીં. Continue reading »

Mar 072009
 

પ્રિય મિત્રો,

પ્લેજરીઝમ અને તેના ઉપાય વિશે વાત કરીએ તો સૌપ્રથમ આપણે તે જાણવું જોઇએ કે આપણું કયું લખાણ ક્યાં કૉપી થયું છે. તે માટે કૉપીસ્કેપ જેવી સાઈટની સેવા (મફત નથી) લઈ શકાય. મફતમાં કામ ચલાવવું હોય તો ગુગલ અલર્ટ એક સારો વિકલ્પ છે. આપણાં લખાણના ચાવીરૂપ વાક્યોને ગુગલ અલર્ટમાં મૂકી દેવાના જેથી તે વાક્ય બીજી કોઈ જગ્યાએ વપરાય અને જેવી ગુગલને જાણ થાય તેવી ગુગલ આપણને જાણ કરે! ગુગલ અલર્ટ વિશેનો લેખ (નેટસૅવિ વિભાગમાં) વાંચવા માટે અહીં ક્લિક કરો.

પ્લેજરીઝમ એક ગંભીર ગુનો છે અને તે માટે કાયદાકીય સલાહ એક સારો વકીલ આપી શકે. આપણાં બ્લોગ જગતમાં એન્જિનિયર અને ડોક્ટર્સ ઘણાં છે પણ વકીલ નથી! કાયદાનું કામ સારો એવો સમય માંગી લે છે. સૌપ્રથમ રચના આપણી છે તે પુરવાર કરવું પડે પછી જ વાત આગળ વધે.

પ્લેજરીઝમ રોકવાના સરળ અને આપણાંથી થઈ શકે તેવા ઉપાયો અને તેની સફળતા વિશે ટૂંકમાં જાણીએ: Continue reading »