Apr 062016
 

પ્રિય મિત્રો,

૯૭/૩૬૬

જે શબ્દના અંતે રુ ( કે રૂ, રું, રૂં) આવતું હોય એવા કેટલાક શબ્દો અહીં મૂક્યા છે (સૌજન્ય – ભગવદગોમંડળ). આમાંથી કયો શબ્દ તમને ખતરનાક લાગ્યો તે કહો…

ru_pos

મને તો આ શબ્દો બિચારા, કહ્યાગરા અને કબુતર કે બકરી જેવા ભીરુ અને ગભરુ લાગ્યા, કેટલાક શબ્દો ડાહ્યાડમરા, તો કેટલાક મગતરા જેવા તૂચ્છ લાગ્યા. એકેય શબ્દ ખતરનાક કે નેગેટિવ ન લાગ્યો. એટલું જ નહીં, ગુરુ, કુલગુરુ, રાજગુરુ, કલ્પતરુ, આબરુ, અનેરુ, ઉપાસરું જેવા ‘ઊંચેરા’ શબ્દો મળ્યા, બધા શબ્દો મને કામગરા લાગ્યા, કેટલાક તો વહાલેરા અને કેટલાક વ્યવહારુ લાગ્યા તો કેટલાક મને મધુરા પણ લાગ્યા.

મને લાગે છે જે જેણે આ નીચેનો મેસેજ બનાવ્યો, ફેરવ્યો, લાઈક કે ફોર્વર્ડ કે શેર કર્યો હશે તે નઠારા ગોબરાનું ગુજરાતીનું જ્ઞાન અધકચરું અને અધૂરું હશે.

bairu

તમારું શું કહેવું છે… કોમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે!

– વિનય ખત્રી

Feb 232016
 

પ્રિય મિત્રો,

૫૪/૩૬૬

ઈન્ટરનેટ પર એક ૯૦ વર્ષ જૂની ઝાંઝીબારની નોટ ફરે છે જેમાં ‘૧ રૂપિયો’ ગુજરાતીમાં લખ્યું છે :

1 Rs

આ વાત સાચી કે ખોટી અને આમાં ફોટોશોપનું કેટલું યોગદાન એ જાણવા ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં આ વાત સાચી છે એવું જાણવા મળ્યું. એટલું જ નહીં સાઉથ આફ્રિકાની નોટ પર પણ ગુજરાતીમાં ‘શીલીંગ’ એમ ગુજરાતીમાં લખ્યું છે.

20 sh

જ્યારે વિમાનો નહોતાં, ટેલિફોન (અને ઈન્ટરનેટ) નહોતાં ત્યારે પણ આપણાં સાહસિક ગુજરાતી ભાઈઓ આફ્રિકા અને બીજા દેશોમાં વ્યાપાર ધંધો કરતા એ વાતની મને ખબર હતી, પણ ત્યાંની નોટ પર ગુજરાતીમાં લખેલું હશે તે જાણી આનંદ અને ગર્વ થયો.

ફોટો અને માહિતી સ્ત્રોત – શીખ હેરીટેજ સાઈટ  અને નવોના ન્યુમિઝમટીશ (સિક્કા સંગ્રહ) બ્લોગ

– વિનય ખત્રી

Jan 282016
 

પ્રિય મિત્રો,

૨૮/૩૬૬

કચ્છી/ગુજરાતી જ્યારે મરાઠી શીખે ત્યારે… – શિર્ષક સાથેની પહેલી પોસ્ટ તમે વાંચી જ હશે. જેમાં નવરા, અપઘાત, ઘટસ્ફોટ, માકડ, વિચાર, આવડે, ડોક, ખાલી અને વર શબ્દના ગુજરાતી અર્થ કરતાં અલગ જ અર્થ મરાઠીમાં થાય છે.

આજે તેમાં થોડા શબ્દો ઉમેરીએ…

આ મકરસંક્રાંતિએ પત્ની શેરડી લેવા શાક માર્કેટમાં ગઈ, જવાબ મળ્યો શેરડી આ માર્કેટમાં નહીં મચ્છી માર્કેટમાં મળે. પત્ની અવાચક. થોડું વધુ પૂછતાં જાણવા મળ્યું કે ગુજરાતીમાં આપણે જેને શેરડી કહીએ છીએ તેને મરાઠીમાં ગન્ના કહે છે અને મરાઠીમાં શેરડીનો અર્થ બકરા થાય!

તેવી જ રીતે મકરસંક્રાંતિએ મરાઠીમાં ‘તિલગુડ’ ખાઈને ‘ગોડ’ બોલવાનું કહેવામાં આવે છે. આ ગોડ એટલે (ખાવાનો) ગોડ નહીં પણ ગળ્યું/મીઠું બોલવાની અપેક્ષા રાખવામાં આવે છે.

તેવી જ રીતે ગુજરાતીમાં ખત્રી એટલે ક્ષત્રિયનું અપભ્રંસ, જ્યારે મરાઠીમાં ખત્રી એટલે ખતરનાક!

આવા તો કેટલાય ઘોટાળા (હા, મરાઠીમાં પણ એ જ અર્થમાં) કર્યા પછી મરાઠી શીખી રહ્યો છું…

– વિનય ખત્રી

Oct 132015
 

બેસ્ટ* ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૫

પ્રિય મિત્રો,

બહુ જ લાંબા વિરામ બાદ બ્લૉગ અપડેટ કરી રહ્યો છું, સમય અને મુદ્દો હોય ત્યારે ફેસબુક અને ટ્વીટર પર અપડેટ મુકતો જ હોઉં છું. ગયા બે વર્ષોની જેમ (૨૦૧૩ અને ૨૦૧૪) આ વર્ષે પણ આ સર્વેક્ષણ થવા જઈ રહ્યું છે. આજે પહેલું નોરતું થયું, તેમજ દિવાળી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતી બ્લૉગ વિશ્વ માટે બહુ જ મહત્વનું પણ કડાકૂટ ભર્યું કાર્ય હાથમાં લીધું છે.

ગુજરાતી બ્લૉગ વિશ્વમાં બેસ્ટ કહી શકાય એવા બ્લોગ કેટલા અને કયા?

અહીં બેસ્ટ બ્લૉગ એટલે સૌથી વધુ નોમિનેશન મેળવનાર બ્લૉગ. અહીં કોઈ પ્રકારની સ્પર્ધા નથી, પણ આ એક સર્વેક્ષણ છે. સ્પર્ધામાં નિર્ણાયક હોય, સર્વેક્ષણમાં વાચકોની પસંદગી જ નિર્ણાયક બને. સર્વેક્ષણમાં દરેક વ્યક્તિ ભાગ લઈ શકે છે. સર્વેક્ષણ એ મતદાન નથી એટલે અહીં મતપત્રક નથી, જેમાંથી કોઈ એકને ચૂંટવાનો હોય. આ સર્વેક્ષણમાં મતદાતા પોતે જ ઉમેદવાર સૂચવે છે. સરવેક્ષણમાં ભાગ લેનાર એક કરતાં વધુ બ્લૉગ પણ સૂચવી શકે છે. બ્લૉગર પોતે પણ પોતાના બ્લોગને સૂચવી શકે છે.

કરવાનું શું છે?

અહીં નીચે આપેલા ફોર્મમાં તમારું નામ, તમારું ઈમેઈલ આઈડી અથવા (વૉટ્સએપ સુવિધાવાળો કે વૉટ્સએપ વગરનો) મોબાઈલ નંબર અને તમને ગમતા બ્લોગનાં સરનામાં યોગ્ય ખાનાંમાં લખવાનાં છે અને છેલ્લે ‘Submit’નું બટન દબાવવાનું છે એટલે આપનું નોમિનેશન નોંધાઈ જશે.

દા.ત.:

નામ: વિનય ખત્રી

ઈમેઈલ: funngyan@gmail.com

ગમતા બ્લૉગ:

૧) funngyan.com

૨) saurabh-shah.com

૩) readgujarati.com

[મત ગણતરી આવી રીતે થશે funngyan.com +૧, saurabh-shah.com +૧, readgujarati.com +૧]

એક વ્યક્તિ એક સમયે ગમે તેટલા બ્લોગ સૂચવી શકે છે. અહીં ફોર્મમાં એક સમયે દસ બ્લોગ સૂચવી શકાય છે, ૧૦થી વધુ બ્લોગ સૂચવવા માટે આ જ ફોર્મ ફરીથી ભરવું. એક વ્યક્તિ એક કરતાં વધુ વખત કોઈ એક બ્લોગને મત આપશે તો તે એક જ મત ગણાશે..

દા.ત.:

નામ: વિનય ખત્રી

ઈમેઈલ: funngyan@gmail.com

ગમતા બ્લૉગ:

૧) funngyan.com

૨) funngyan.com

૩) funngyan.com

[મત ગણતરી આવી રીતે થશે funngyan.com +૧]

સર્વેક્ષણમાં ભાગ લેવા માટે ઈમેઈલ આઈડી સાચું એટલે કે ચાલતું હોવું ફરજીયાત છે, કારણ કે ઈમેઈલ વેરીફાય કર્યા પછી જ મત ગણતરીમાં લેવાશે. ઈમેઈલ ન વાપરતા લોકો પોતાનો મોબાઈલ નંબર આપીને વેરીફાઈ કરાવી શકે છે.

સર્વેક્ષણમાં ભાગ લેવાની છેલ્લી તારીખ છે ૧૨ નવેંબર રાત્રે ૧૨ વાગ્યા સુધી. એક વ્યક્તિ ગમે તેટલી વખત સર્વેક્ષણમાં ભાગ લઈ શકે છે. ઈમેઈલ આઈડી/મોબાઈલ વેરીફાય કરાવવું ફરજીયાત છે, વેરીફીકેશન મહિના દરમ્યાન ગમે ત્યારે કરાવી શકાય.

દા.ત. કોઇએ આજે બે બ્લોગ સૂચવ્યા, કાલે એક સૂચવ્યો એવી રીતે કરતાં ને ૧૪ દિવસમાં ધારોકે ૨૫ બ્લોગ સૂચવશે તો તે પણ ચાલશે.

એક વ્યક્તિ પોતાને ગમે તેટલા બ્લોગ સૂચવી શકે છે. તેણે સૂચવેલા બ્લોગ તેણે વાંચેલા અને ગમતા હોવા જોઇએ.

આ સર્વેક્ષણ વિશે બધાને જાણ થાય, ખાસ કરીને આપના બ્લૉગના વાચકોને જાણ થાય અને તેઓ આપના બ્લૉગને વોટ કરી શકે તે માટે આપના બ્લૉગ પર એક બેનર મૂકી શકો છો. બેનર પર ક્લિક કરી આપના બ્લોગનો વાચક મતદાન કરી શકે. વિજેટ માટે અહીં આપેલી ટેક્ષ્ટ ફાઈલ ડાઉનલોડ કરી તેમાં રહેલું લખાણ કૉપી કરી તમારા બ્લોગ પર એક ‘ટેક્ષ્ટ વિજેટ’ ઉમેરી તેમાં પેસ્ટ કરી દેશો એટલે પત્યું. તેવી જ રીતે તમે તમારા બ્લોગ પર એક પોસ્ટ કરી આ સર્વેક્ષણ વિશે જાણ કરી શકાય.

આ સર્વેક્ષણનાં લેખાં-જોખાં લાભ પાંચમ, ૧૬ નવેંબરના અહીં પ્રસિદ્ધ થશે.

નોંધ – ફોર્મ ભર્યા પછી છેલ્લે ‘Submit’નું બટન દબાવવાનું ભૂલતા નહીં.

આ સિવાય કંઈ પૂછવું હોય તો કૉમેન્ટ બોક્ષ ખુલ્લું છે. મતદાન અહીં નીચે ફોર્મમાં કરવાનું છે.

નોંધ અને ટિપ: આ બ્લૉગ પર રાઈટ ક્લિક ડિસેબલ કર્યું છે પણ તમને ગમતા બ્લોગનું સરનામું તમે એડ્રેસબારમાંથી કૉપી કરી અહીં ફોર્મમાં પેસ્ટ કરી શકો છો. અહીં પેસ્ટ કરવા માટે કંટ્રોલ(ctrl)ની કી દબાવી રાખી V પ્રેસ કરો.

નોમિનેશન લવાનું બંધ અને મત ગણતરી ચાલુ. તારણો ટૂંક સમયમાં…

તારણો આવી ગયા છે – બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ – તારણો