May 092011
 

પ્રિય મિત્રો,

કૉપી-પેસ્ટ પરથી થોડા સમય પહેલા મને એક વાર્તાનો ‘પ્લૉટ‘ સૂજ્યો હતો અને કૉમેન્ટમાં લખ્યો હતો, આજે ફરી એવું થયું છે!

વાર્તાનો પ્લૉટ આમ છે:

બાપ-દિકરીનું નાનું કુટુંબ… મા બાળકીને જન્મ આપીને ગુજરી ગઈ હોય છે… બાપ દિકરીને ઉછેરીને મોટી કરે છે. અંગ્રેજી માધ્યમમાં ભણતી દીકરી માતૃભાષાથી વિમુખ ન થઈ જાય તે માટે બાપ ગુજરાતી બ્લૉગ/વેબસાઈટ પરથી કવિતા વાંચીને દિકરીને સંભળાવે છે… એક દિવસ શહેરમાં આતંકવાદીઓનો  હુમલો… બાપ દિકરી અલગ… વર્ષો સુધી એકલા રહ્યા પછી એક જગ્યાએ બાપ દિકરી મળે છે… એક બીજાને ઓળખી શકતા નથી… દિકરીના લગ્ન થઈ ગયા હોય છે અને તેને એક દિકરી હોય છે… દિકરી પણ એન દિકરીને ગુજરાતી કવિતા ‘આઢડાને ધક્કો મારી નવડો કહેતો ખસ‘ ગાઈને સંભળાવતી હોય છે… બાપ સાંભળી જાય છે… વર્ષો પહેલા બ્લૉગરે કરેલી ટાઈપભૂલને કારણે બાપ-દિકરીનો મેળાપ. ખાધું પીધુંને રાજ કર્યું!

ટાઈપ ભૂલ એક સામાન્ય વાત છે પણ એક ટાઈપભૂલને કારણે બાપ-દિકરીનો મેળાપ થાય છે તે બહુ જ સારી વાત છે. આ પ્લૉટ પરથી એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ પણ બની શકે છે એ પણ એટલી જ સારી વાત છે પણ… કૉપી-પેસ્ટ સારી વાત નથી, નથી, નથી જ!

મૂળ વાત પર આવું તો, હમણાં એક બ્લોગ પર મેં વાસી અબ્બાસ અબ્દુલ અલી એટલે કે આપણાં મરીઝ સાહેબની રચના વાંચી:

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.

રચનાની ઉપરની પંક્તિઓ વાંચતાં થયું કે આમાં કંઈક ગરબડ છે, પ્રાસ મળતો નથી. સતવી શબ્દ ભગવદ્‍ગોમંડળમાં પણ મળ્યો નહીં! થોડું વિચારતાં લાગ્યું કે ટાઈપ ભૂલ હશે અને સતવી ને બદલે સતાવી હોવું જોઈએ. કવિ મિત્રોને મેઈલ કરીને આ બાબતની ખાતરી કરી જોઈ, ટાઈપ ભૂલ જ છે અને સતવીને બદલે સતાવી જ હોવું જોઈએ. Continue reading »

Apr 302011
 

પ્રિય મિત્રો,

સમયાંતર વર્ડપ્રેસ પોતાને અપ-ટુ-ડેટ રાખે છે તેને કારણે આપણે નવી નવી સુવિધાઓ વાપરવા મળે છે અને બ્લોગ ‘લખવા’નું કામ (બ્લોગિંગ) દિવસે ને દિવસે સરળ થતું જાય છે.

તાજેતરમાં જે સુવિધા ઉમેરવામાં આવી છે તે છે રાઈટિંગ હેલ્પર

આ સુવિધા પોસ્ટ એડિટરની (જ્યાં આપણે પોસ્ટ લખીએ તેની) નીચે આવેલી છે. (જુઓ ચિત્ર)

આ સુવિધા અંતર્ગત કૉપી અ પોસ્ટ અને રીક્વેસ્ટ ફીડબેક એમ બે સુવિધાઓ છે, ચાલો એક એક કરીને સમજીએ…

સૌપ્રથમ કૉપી-અ-પોસ્ટ: નામ વાંચી ગેરસમજ ન કરતા. ના, આ સુવિધા અન્ય બ્લોગ/વેબસાઈટ પરથી લખાણ તફડાવીને પોતાના બ્લૉગ સમૃદ્ધ કરતા કૉપી-પેસ્ટીયાઓ માટે નથી. આ સુવિધા જે બ્લોગરને પોતાની અગાઉ પ્રસિદ્ધ થયેલી પોસ્ટનું લખાણ કૉપી-પેસ્ટ કરી નવી પોસ્ટ બનાવવી છે તેમના માટે છે. આ સુવિધા વડે પોસ્ટ કૉપી કરીએ તો પોસ્ટના લખાણની સાથે પોસ્ટનું મથાળું, ટેગ્સ (લટકણીયા), વિભાગ (કેટેગરી) વગેરે પણ કૉપી થાય છે જેથી આપણે એટલો સમય બચે છે.

હવે જોઇએ રીક્વેસ્ટ અ ફીડબેક: આ સુવિધા વડે તમે તમારા મિત્ર/માર્ગદર્શક પાસેથી પોસ્ટ પ્રસિદ્ધ કર્યા પહેલા પ્રતિક્રિયા મેળવી શકો છો. તેઓ લખાણમાં રહેલી જોડણી ભૂલો, માહિતી દોષ, વધુ સારી રીતે રજુ કરવાના સૂચન વગેરે આપી શકે છે અને તમે પોસ્ટને વધારે સારી રીતે રજુ કરી શકો છો. રીક્વેસ્ટ અ ફીડબેક ક્લિક કરશો એટલે એક બોક્સ ખુલશે જેમાં તમે તમને મદદ કરે તેવા મિત્રોના ઈમેઈલ એડ્રેસ લખી દો. તેમને એક ખાસ ખાનગી લિન્ક મળશે જેને ક્લિક કરીને તેઓ તમારું લખાણ વાંચી શકશે. તેઓએ આપેલી પ્રતિક્રિયા પોસ્ટ રીક્વેસ્ટ ફીડબેક વિસ્તારમાં દેખાશે જેને અનુસરીને તમે તમારું લખાણ મઠારી શકો છો.

આવતી કાલે ગુજરાત દિવસ છે, સાથે સાથે મહારાષ્ટ્ર દિવસ પણ છે! લેબર ડે પણ ખરો, પણ હોલી ડે (રજા) નથી, કારણ કે રવિવાર છે!

આગોતરી શુભેચ્છાઓ.

Jun 022010
 

પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ તરફથી આજે એક મસ્ત મજાની સગવડ ઉમેરવામાં આવી છે, * લાઈક! (ગમી!)

વર્ડપ્રેસને તેના વપરાશકારોની એકની એક રચના ફરી પ્રસિદ્ધ કરવાની આદતની ખબર છે તેથી તેના ઉપાય રૂપે ‘રીબ્લોગ’ નામની સુવિધા આજથી ઉમેરવામાં આવી છે. આ વાતની જાણ મને અશોકભાઈ મોઢવાડીયાની ગુજબ્લોગમાં મોકલાવેલી ઈમેઈલ દ્વારા થઈ. તે પછી કુણાલભાઈએ પણ આજ થેર્ડને આગળ ધપાવતી પોસ્ટ કરી.

* Likeની આ સુવિધા શું છે અને કેવી રીતે ઉપયોગી છે પહેલા સમજી લઈએ…

જ્યારે તમે વર્ડપ્રેસમાં લોગઈન થયેલા હશો અને તમને ગમતા બ્લોગ પર પોસ્ટ વાંચતા હશો ત્યારે ઉપર વર્ડપ્રેસ સંચાલનની પટ્ટીમાં ઉપર દર્શાવ્યા પ્રમાણે * Likeનું બટન મેનુમાં ઉમેરાયેલું દેખાશે. જે તમને ગમતી પોસ્ટને ‘ગમી, Like’ માર્ક કરવા માટે છે. એક વખત ‘ગમી’ માર્ક કર્યા પછી તે ‘you like this’ વંચાશે. તેવી જ રીતે આ પોસ્ટ અન્ય વાચકોને પણ ગમી હશે અને તેમણે તેને Like તરીકે માર્ક કરી હશે તો કેટલા વાચકોને આ પોસ્ટ ગમી તેનો આંકડો પણ દર્શાવશે! (નીચેના ચિત્રમાં તીરની નિશાની વડે દર્શાવ્યું છે) Continue reading »

May 132010
 

પ્રિય મિત્રો,

લેખની શરૂઆત એક ઉગતા નવોદિત કવિની  ‘સ્વરચિત’ રચનાના એક શેરથી કરીએ તો?

શું જાણે મારા દિલને શું થયું?
હજી તો અહીં એ હતું ક્યાં ગયું?

શેર જોઈને વાહ! તો કહ્યું અને પછી છંદમેળ બરાબર છે કે નહીં તે ચકાશી લેવાનું કહેતો હતો ત્યાં જ બત્તી થઈ! મેં પૂછ્યું તમે યશરાજ ચોપરાની ફિલ્મો જુઓ છો? હા, કવિ ઉવાચ, દિલવાલે દુલ્હનિયા જોઈ’તી? ૩૦ વખત, કવિ બોલ્યા! મેં કહ્યું આને સ્વરચિત કવિતા ન કહેવાય આને પ્લેજરિઝમ કહેવાય! પ્લેજરીઝમ એટલે બીજાના વિચારને પોતાના નામે રજૂ કરવા તે. સાદી ભાષામાં કહીએ તો ચોરી, ઉઠાંતરી, તફડંચી. બ્લૉગ જગતમાં આ સમસ્યા બહુ જ વ્યાપક છે.

બીજો મુદ્દો છે તે લખાણ કૉપી-પેસ્ટનો. કોઈએ મહેનત કરીને લેખ શોધીને તેને ટાઈપ કરી, ભૂલો સુધારી બ્લૉગ પર મૂક્યું હોય અને બીજો બ્લૉગર એ રચના કૉપી કરી પોતાના બ્લૉગ પર મૂકી દે! લખાણ માટે સૌજન્ય ન દાખવે. આ સમસ્યા પણ એટલી જ વ્યાપક છે.

ત્રીજો મુદ્દો છે પ્રેરણાનો. કોઈની રચનામાંથી પ્રેરણા લઈને એક નવી મૌલિક રચના બનાવવામાં આવી હોય. રચનાની શરૂઆતમાં જ મૂળ રચનાનો ઉલ્લેખ કર્યો હોવો જોઈએ નહીં તો તે રચના પ્લેજરિઝમમાં ગણાઈ જવાનો ડર રહે! દા.ત. ગિરિજા માથુરની જાણીતી રચના ‘હમ હોંગે કામયાબ’ એ  ‘વી શેલ ઓવર કમ’માંથી પ્રરણા લઈને લખવામાં આવી છે.

હવે આ ત્રણેય મુદ્દાનો સંગમ આજે મારા ધ્યાનમાં આવ્યો છે. ઈન્ટરનેટ પર ઘણાં સમયથી ફરતો મૂળ અંગ્રેજી સંવાદ ચૅટિંગ વીથ ગોડમાંથી પ્રેરણા લઈ ગોવિંદભાઈ શાહએ એક લેખ લખ્યો, ઈશ્વર સાથે ઑનલાઈન અને તે રીડગુજરાતી પર ૨૧ ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થયો. લેખની શરૂઆતમાં જ પ્રેરણા બાબત યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવી છે. આમ ગોવિંદભાઈએ પ્રામાણિકતાથી પોતાના વિચારો રજુ કર્યા છે.

પહેલી એપ્રિલના આ જ લેખ કેતન દવેના નામે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો. આ જુઓ તેનો સ્ક્રિન શૉટ: Continue reading »