Apr 222011
 

પ્રિય મિત્રો,

ઘણા સમય પછી બ્લૉગ અપડૅટ કરવા બેઠો છું. સર્વ કુશળ મંગળ છે, સમયને અભાવે બ્લૉગ અપડેટ કરી શક્યો નથી.

હમણાં એક રસપ્રદ સમાચાર વાંચવા મળ્યા: જેનીફર લોપેજ પોતાના વિડિયોમાં ભપ્પી લહેરીની બનાવેલી ધૂન વાપરી (વાંચો, તફડાવી)! મેં કહ્યું, વાહ! આને કહેવાય સમાચાર!

લેખ વાંચતા જાણવા મળ્યું કે જેનીફર લોપેજનો વિડિયો ઑન ધ ફ્લોરમાં ભપ્પી લહેરીએ ૧૯૯૦માં ઘાયલ ફિલ્મ માટે એક ગીત સંગીતબદ્ધ કર્યું હતું જેના શબ્દો હતા, સોચના ક્યા જોભી હોગા દેખા જાયેગા. આ ગીતની ધૂન જેનીફર લોપેજના ગીતમાં વાપરવામાં આવી છે અને ભપ્પી લહેરીએ તેની ક્રેડિટ દર્શાવવાનો દાવો જેનીફર લોપેજ પર કર્યો છે.

બ્લોગ જગતની જેમ ઉઠાંતરી ફિલ્મ જગતમાં બહુ જ વ્પાપેલી છે. પરિક્ષિતના બ્લોગ અસલી-નકલી પર આ બાબતની પુરાવા સહિત માહિતી મૂકવામાં આવી છે. (હાલ બ્લોગ પર અપડેટ થતો નથી, છેલ્લી પોસ્ટ મુન્ની બદનામ વિશેની છે.)

ભપ્પી લહેરીની એક ફિલ્મ ટૂંક સમયમાં આવવાની છે તેથી તેના પ્રચારના ભાગ રૂપે આ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે કે પછી ખરેખર વાતમાં વજુદ છે તે જાણવા માટે ઈન્ટરનેટ પર ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે ભપ્પી લહેરીની આ ધૂન સ્વરચિત નથી પણ ફ્રેન્ચ પોપ ગ્રુપ કાઓમાનું ૧૯૮૯માં રજુ થયેલું આલ્બમ લાંબાડાના ગીતની ધૂનની બેઠ્ઠી ઉઠાંતરી છે! આ ગીતનો વિડિયો યુટ્યુબ પર જોઈ શકો છો.

આજે વિશ્વ પૃથ્વી દિવસ છે. આ નિમિત્તે એક ચબરાકિયું રજુ કરું છું જે ગ્લોબલ વોર્મિંગ વિશેના એક પોસ્ટર પર વાંચ્યું હતું:

અર્થ (પૃથ્વી)નું કંઈક કરો નહિંતર અનર્થ (unearth) થઈ જશે!

આવતી કાલે વિશ્વ પુસ્તક અને કૉપીરાઈટ દિવસ છે તેની આગોતરી શુભેચ્છાઓ સાથે વિરમું છું.

Jun 122010
 

પ્રિય મિત્રો,

ચિત્રલેખાની લોકપ્રિય કૉલમ મુખવાસમાં આજે ચિરયુવાનીની ૧૯ ચાવી પ્રસિદ્ધ થઈ છે, ચાલો મમળાવીએ…

Continue reading »

Mar 262010
 

[નેટજગત માટે એક લેખ લખી આપો એવી વિજયભાઈની ઈચ્છાને માન આપીને આ લેખ લખું છું. લેખમાં ઉદાહરણ આપવાનો વિચાર હતો પણ પછી લેખ એડિટ કર્યો અને ઉદાહરણમાં કોઈ એક બે બ્લોગની જાહેરાત કરવાને બદલે એવા બ્લોગ માટે બ્લેક લિસ્ટનું પાનું મારા બ્લોગ પર ઉમેરવાનું નક્કી કર્યું છે. આપનું યથા શક્તિ યોગદાન આવકાર્ય છે.]

પ્રિય મિત્રો,

અહીં-તહીંથી નકલ કરી પોતાના બ્લોગ સમૄદ્ધ કરતા ‘પરોપજીવી’ બ્લોગરો ભયંકર ત્રાસ છે. થોડાક નકલખોર બ્લોગરોને કારણે ખરેખર મહેનત કરીને બ્લોગ લખનારોનું અપમાન થાય છે. કેટલાક નવા બ્લોગરોને એવી ગેરસમજ થઈ ગઈ છે કે બ્લોગ એટલે વર્ડપ્રેસ/બ્લોગરમાં રજીસ્ટર થવાનું, અન્ય ગમતા બ્લોગ પરથી લેખ કૉપી કરવાનો, પોતાના બ્લોગ પર પેસ્ટ કરવાનો અને પછી કોમેન્ટની પઠાણી ઉઘરાણી શરુ કરી દેવાની!

અમિતાભ બચ્ચનનો બ્લોગ છે, આમિર ખાનનો બ્લોગ છે અને હવે મારો પણ બ્લોગ છે! વાહ! સરસ. અભિનંદન! વર્ડપ્રેસ/બ્લોગરની મહેરબાનીથી કે ૫૦૦૦/- રૂપિયા ખર્ચીને બ્લોગ તો બનાવી લીધો હવે? બ્લોગ પર લખવા માટે વિચારો કઈ વેબસાઈટ પરથી મળે? એમ વિચારતો બ્લોગર વસુકી ગયેલા વિચારોનું વાજીકરણ કરવાને બદલે નકલખોરીના રવાડે ચડી જાય! પોતાની જાતને છેતરવી સૌથી સહેલી છે. આવા બ્લોગરનો પહેલો વિચાર હોય ‘કોને ખબર પડવાની છે?’ અને ‘ખબર પડશે તો શું કરી લેશે?’ એ એનો બીજો વિચાર.

આવા બ્લોગરને સ્ત્રોત બાબત પૂછપરછ કરીએ કે જાણ કરીએ તો પહેલા તો આપણી કોમેન્ટ/ઈમેઈલને અવગણે. કોમેન્ટ મોડરેટ ન કરે! બીજી ત્રીજી કોમેન્ટ પછી પ્રત્યુત્તર આપે પણ થયેલી ભૂલ બદલ માફી માગવાની કે સુધારી લેવાની વાત કરવાને બદલે સામી દલીલો કરે, તોછડાઈથી વર્તે અને ઉદ્ધત જવાબો આપે. ઉઠાંતરી કરનાર બ્લોગર પોતે પોતાનો બ્લોગ કોઈ દિવસે વાંચતો ન હોય અને બ્લોગે બ્લોગે જઈને કોમેન્ટ કરીને ટહેલ નાખી આવ્યો હોય ‘મારો બ્લોગ વાંચજો અને પ્રતિભાવ આપજો!’ Continue reading »

Aug 032009
 

પ્રિય મિત્રો,

ગઈ કાલે આપણે ગુજબ્લોગ અને ગુજરાતી પોયટ્રી કોર્નર ગ્રુપમાં સ્નેહા પટેલ (અક્ષિતારક)ના કાવ્ય અને નકલ કરવાના આક્ષેપ વિશે વાંચ્યું. પહેલા તો મને સમજાયું નહીં કે આમા નકલ ક્યાં છે? પછી થયું કે કદાચ હોબાળો થયા પછી બ્લોગરે રચના હટાવી લીધી હશે. રાત્રે ફરી આ બંને રચનાઓ વાંચી ત્યારે સમજાયું કે આ તો કાવ્ય, પ્રતિકાવ્ય અને ઉઠાંતરીના આક્ષેપની વાત છે. કેટલાક લોકોએ સમજ્યા વગર તરફેણમાં કે વિરુદ્ધમાં કોમેન્ટ પણ કરી છે!

સ્નેહાબહેન સરસ કાવ્યો લખે છે તેમના કાવ્યો ઓર્કુટમાં ઘણા બધા પ્રોફાઈલ પર નામ  સાથે/વગર દેખાય છે, અન્ય બ્લોગ પર ક્યારેક નજરે ચડે છે.

‘તારી બાધા લઈ લઉં’ કાવ્યની વાતમાં સ્નેહાબેન કદાચ પ્રતિકાવ્યને સમજ્યા વગર નકલનો આક્ષેપ કર્યો છે.

એક કાવ્ય પરથી બીજું કાવ્ય સ્ફૂરે તેને પ્રતિકાવ્ય કહેવાય છે, બ્લોગ જગતમાં નિર્મિશ ઠાકરના પ્રતિકાવ્યો જાણીતાં છે અને મેં તે લયસ્તરો/ફોરએસવી/વેબમહેફિલ વગેરે બ્લોગ પર વાંચ્યા પણ છે, લો તમે પણ માણો.

૧. ‘કલાપી’નું એ પંખીની ઉપર પથરો… નું પ્રતિકાવ્ય નિર્મિશ ઠાકર દ્વારા: તે પંથીની ઉપર કચરો ફેંકતા ફેંકી દીધો

૨. હરીન્દ્ર દવેનું ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’નું પ્રતિકાવ્ય નિર્મિશ ઠાકર દ્વારા: લાઘવ ક્યાંય નથી કવનમાં

૩. હરિહર ભટ્ટના ‘એક જ દે ચિનગારી’ પરથી ન. પ્ર. બુચનું પ્રતિકાવ્ય યાચે શું ચિનગારી?

અપડેટ્સ…

૪. દુનિયા ફરી ગઇ (અમૃત ઘાયલ)ની પ્રતિકૃતિ રસ્તો જડી ગયો, તો – નિર્મિશ ઠાકર

૫. ઝવેરચંદ મેઘાણીનાં કાવ્ય “તલવારનો વારસદાર” નું પ્રતિકાવ્ય મોબાઈલનો વારસદાર – રતિલાલભાઈ બોરીસાગર

૬. આદિલ મન્સૂરીની અમર કૃતિ ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ નું પ્રતિકાવ્ય નડીની રેલમાં ટરટું નગર – નિર્મિશ ઠાકર

૭. વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો (વિવેક ટેલર) પરથી પ્રતિકાવ્ય કાં સતત તરતો રહે ત્રીજો કિનારો? – ચેતન ફ્રેમવાલા.