Feb 062012
 

પ્રિય મિત્રો,

ગઈકાલના ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં સ્પેકટ્રોમિટર કૉલમમાં જયભાઈ વસાવડાનો સરસ મજાનો લેખ વાંચ્યો, અને તેમની પરવાનગી લઈને અહીં રજુ કરું છું, લો તમે પણ વાંચો…!

સ્વીડનમાં એક નવો ‘ધર્મ'(?) ઉભો થયો છે, જેનો ધંધો ભારતમાં પૂરબહારમાં ચાલે છે! કોપી એન્ડ પેસ્ટ.

તફડંચી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે?!

કૉપી-પેસ્ટસૌ: ગુ.સ.

સેડ સત્ય. પરદેશી ફિલ્મ કંપનીઓએ ઉઠાંતરીના મામલે કડક કેસ કરવાના દાખલ કર્યા ત્યારથી બોલીવૂડ ફિલ્મોની સ્ક્રિપ્ટ અને સંગીત ઓવરઓલ ખાસ્સા ફિક્કા થઇ ગયા, એ આંખ-કાન સામેની હકીકત છે! પહેલાં તો બહારના મસાલાનો છુટે હાથે વઘાર થઇ શકતો હોઇ, રસોઇ એકદમ સ્વાદિષ્ટ લાગતી. હવે દિમાગ પર જોર નાખીને જાતે વિચારવુ પડે છે, જેની આપણને આદત નથી!

સ્વીડનમાં તાજેતરમાં એક નવું ચર્ચ રજીસ્ટર્ડ થયું છે. ના રે, એમાં કોઇ વિધિવિધાન નથી. પૂજાપાઠ પણ નથી. શ્રદ્ધાની સાબિતીની કોઇ કસોટીઓ નથી. ધર્મ અંગીકાર કરવાની, સ્વીકારવાની કોઇ ચોક્કસ પદ્ધતિ પણ નથી! ઇનફેકટ, જયાં ભકતજનો ભેગા થાય, એવી કોઇ ચર્ચની ઇમારતનું જ અસ્તિત્વ નથી!

માત્ર વીસ વરસના ફિલોસોફીના સ્ટુડન્ટ એવા ગેરસન ઇસાકે (જે સ્વીડિશ પોલિટિકલ પાર્ટી પાઇરેટ પાર્ટીનો સભ્ય છે) પોતાના નામે એક નવો ધર્મ રજીસ્ટર્ડ કરાવ્યો છે. જેનું નામ છે ‘કોપીમિઝમ’! જેનો મૂળ મંત્ર છેઃ રાઇટ ટુ કોપી ઇન્ફોર્મેશન! અહાહાહા, આપણા અઘ્યાપકો, લેખકો, ફિલ્મી સંગીતકારો, પૂજયવર ધઘૂપપૂઓ વગેરે માટે કેવી મનલુભાવ વાત છે! પણ કોપીમિઝમની ભારતીય ‘ફ્રેન્ચાઇઝી’ (બીજું શું કહીએ) લેનાર અન્ય એક વિદ્યાર્થી અક્ષય ત્યાગીની સાઇટ પર ગણીને માંડ ૨૫-૩૦ મેમ્બર્સ જ જોડાયા છે.

સિમ્પલ એન્ડ નેચરલ. જે બાબતની પ્રેકટિસમાં કોઇ પણ નીતિ નિયમ વિના જ બધા પાવરધા હોય, એવા દેશમાં એ માટે રજીસ્ટર્ડ થવાની લમણાઝીંક કોણ કરે? એવો વધારાનો સમય બગાડવો હોય તો નકલ જ શા માટે કરીએ? જે હોલની દીવાલો જ પાડી નાખવામાં આવી હોય, એમાં વળી દાખલ થવા માટે દરવાજો શોધવાની શી જરૂર? ખીખીખી.

‘માહિતીમાત્ર પવિત્ર છે, માટે નકલ પણ પવિત્ર છે!’ એવી ચક્રમચતુર ફિલસૂફી સાથે ઇસાકભાઇએ તો ‘કોપીમિઝમ’ના બે સિમ્બોલ પણ બનાવડાવ્યા છે. એકમાં ચાઇનીઝ યિન-યાંગની આકૃતિમાં વર્તુળના બ્લેક એન્ડ વ્હાઇટ હિસ્સાઓમાં ‘કન્ટ્રોલ-સી’ અને ‘કન્ટ્રોલ વી’ (કોપી- પેસ્ટના કોમ્પ્યુટર કમાન્ડસ) લખાયેલા છે. કોપીરાઇટનો સિમ્બોલ અંગ્રેજી અક્ષર ‘સી’ હોવાને લીધે, એનાથી અવળા ચાલવા કોપીમિઝમનો સ્પેલિંગ ‘કે’થી શરૂ કરવામાં આવ્યો છે. (કપૂરો-જોહરો સાંભળો છોને!) એટલે બીજા સિમ્બોલમાં એક પિરામીડ બનાવી એની ટોચ પર ‘કે’ લખવામાં આવ્યો છે! (આ સિમ્બોલના રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક તરીકે કોપીરાઇટ લીધા છે? એવું નહીં પૂછવાનું!) આ સિમ્બોલ કોઇ સાઇટ કે પ્રિન્ટેડ મટીરિયલ સાથે મૂકવાના, એટલે ત્યાં રહેલી માહિતી કોપી કરી ફેલાવવા માટે અપીલ કરવામાં આવે છે, એવું સમજવું!

લાગે છે ઇસાકને સ્કૂલમાં અપાયેલો કોઇ હોમવર્ક પ્રોજેકટ ઇન્ટરનેટ પરથી ધાપ મારીને પૂરો કરવાની સ્ટુડન્ટસહજ આદત હશે! એટલે ત્યારે કોઇ જાગૃત ટીચરે આપેલા ઠપકાની એણે દાઝ કાઢી છે! જો કે, એ વળી ઠાવકું ડહાપણ ડહોળે છે. ‘જ્ઞાન બહુ જ દિવ્ય બાબત છે. માટે જ જ્ઞાનની ખોજને પવિત્ર માનવામાં આવી છે! અને જ્ઞાનનો મફત પ્રચારપ્રસાર એટલે જ દિવ્ય અને પવિત્ર ક્રિયા છે!’ (બહોત અચ્છે, બહોત અચ્છેનો સ્વદેશી ગુંજારવ સંભળાયો કે નહીં?)

ઓકે. સિરિયસલી આ ભારતીય અઘ્યાત્મનું એક દર્શન છે. ‘આ ન તુ ભદ્રાઃ’ જેવા સૂત્રોમાં બધી દિશાઓથી સારા વિચારો પ્રાપ્ત થાઓની પ્રાર્થના કરવામાં આવી છે. વિચારકોના નામ આપતા જવાનો અનુરોધ કરવામાં આવ્યો નથી! માટે દલા તરવાડી આપણા આદર્શ છે. વશરામ ભુવાને બદલે મનોમન એમની વાડીને જ પૂછીને ‘રીંગણા લઉં બે-ચાર?’ ‘લ્યો ને, દસ-બાર!’ કરીને પરબારી (ડાયરેકટ, યુસી!) સર્જનાત્મક બાબતો ઉઠાવી લેવાની આપણને ટેવ પડી ગઇ છે.

અલબત્ત, ૠષિઓનો અભિગમ ‘વિદ્યાદાન’નો હતો. જ્ઞાન કોઇ એક વ્યકિતની નહંિ પણ સમાજની માલિકીનું જ હોવું જોઇએ, એમ માનીને એને (ઘણી વાર તો સર્જકના નામોલ્લેખ સુદ્ધાં કર્યા વિના!) એને મુક્ત કરી વહેંચવામાં આવ્યું. માટે પેટન્ટ જેવો શબ્દ આજે ય ભારતની રૂઢ થઇ ગયેલી માનસિકતાને ગળે ઉતરતો નથી!

પણ આમાં ઇરાદો સમાજનું કલ્યાણ કરવાનો હશે, પણ વાસ્તવમાં એને લીધે ક્રિએટિવ પીપલનો વગર મર્યે મોક્ષ થઇ ગયો- એ ય એક વરવી વાસ્તવિકતા છે! વિદ્યાના પ્રચાર- પ્રસારના નામે સ્વયંમ્‌ વિદ્યાના મૂળ અને કૂળનું જ ગળું ઘોંટી દેવાય, એમાં ‘વિદ્યાર્થી’ કેવળ ‘ધંધાર્થી’ જ બને ને!

* * *

‘ઇનોવેટિવ ઇન્ડિયા’ના સંદર્ભે એકવાર રમૂજમાં લખેલું કે ‘કોપી પેસ્ટ- ઝેરોકસ (મૂળ શબ્દઃ ફોટોકોપી) જેવી શોધખોળોની પેટન્ટ ભારતને સત્તાવાર રીતે ગિફટમાં પશ્ચિમે આપવી જોઇએ, કારણ કે એનો ઉપયોગ કરીને પારકી ચીજ પર ‘મેઇડ ઇન ઇન્ડિયા’નું સ્ટિકર ચોંટાડી દેવામાં આપણે પાવરધા છીએ!

સેડ સત્ય. પરદેશી ફિલ્મ કંપનીઓએ ઉઠાંતરીના મામલે કડક કેસ કરવાના દાખલ કર્યા ત્યારથી બોલીવૂડ ફિલ્મોની સ્ક્રિપ્ટ અને સંગીત ઓવરઓલ ખાસ્સા ફિક્કા થઇ ગયા, એ આંખ-કાન સામેની હકીકત છે! પહેલાં તો બહારના મસાલાનો છુટે હાથે વઘાર થઇ શકતો હોઇ, રસોઇ એકદમ સ્વાદિષ્ટ લાગતી. હવે દિમાગ પર જોર નાખીને જાતે વિચારવુ પડે છે, જેની આપણને આદત નથી! બાકી ચોરીઉધારીના માલ પર પણ ગળું ફુલાવીને ગૌરવનું ‘કૂક રે કૂક’ ચિલ્લાવાનો સગવડિયો ધરમ આપણો ઓરીજીનાલિટી છે! અગાઉ ‘થમ્મા થમ્મા નોરે’ ગીતની વઘુ સારી ઉઠાંતરી કે પહેલી ઉઠાંતરી કોણે કરી એ મામલે જુમ્મા ચુમ્માવાળા લક્ષ્મી-પ્યારે અને ‘તમા તમા’વાળા ભપ્પી લાહિરી ઝગડી પડેલા, એ યાદ છે! ફિલ્મી પીપલ આર સો ફની!

એકચ્યુઅલી, ફિલ્મની જ વાત નથી. ટ્રેજેડી એ છે કે ભારતની આખી એજયુકેશનલ સીસ્ટમ ‘કોપીમિઝમ’ પર ચાલે છે. મૌલિક જવાબોના નહિ ગોખેલા જવાબોના માર્કસ મળે છે. પ્રાઘ્યાપકો જરીપુરાણા પુસ્તકોમાંથી સીધી નકલો મારીને નવા સંશોધનનો ઝાકળિયો સંતોષ લઇને પીએચડી થઇ જાય છે! અને પછી નવા રંગરૂટોને (મિસ)ગાઇડ પણ વટભેર કરે છે! લગભગ બધા જ હાયર એજયુકેશનના સિલેબસમાં આવતા સ્વદેશી પુસ્તકો પણ જરાતરા ફેરફાર સાથે વિદેશી પુસ્તકોની સીધી નકલ જ હોય છે! મેનેજમેન્ટથી મેડિકલ સુધી! ખુદ ભારતનું બંધારણ જ કોપી-પેસ્ટનો નમૂનો હોય, ત્યાં બીજી તો વાત શું કરવી!

મૂળ તો એમાં આપણી પ્રજાની મફતિયા મેન્ટાલીટી પણ જવાબદાર છે મોટાભાગના પ્રાદેશિક પ્રિન્ટ મિડિયામાં મોટાભાગના લખાણો સંઘેડાઉતાર (મીન્સ, બેઠ્ઠી કોપી) નકલ જ હોય છે. કોઇ સ્વતંત્ર શૈલીના પણ નવા વસ્ત્રો પહેરાવાયા વિનાની! પબ્લિક તો વળી એનાથી રાજી છે કે સેવમમરાના ભાવમાં એમને ઘેર બેઠા જાતભાતની અવનવી વિગતો મળી જાય છે! મોહનદાસ ગાંધીજીની સાધનશુદ્ધિની કે મનમોહન કૃષ્ણની કર્મશુદ્ધિની સુક્ષ્મદ્રષ્ટિ ભારતવર્ષમાં ખાસ કોઇની કેળવાઇ હોય એવું લાગતું નથી!

એ ખરૂં કે સાયન્સ હિસ્ટ્રીના લેખો ભારતીય ભાષાઓમાં લખાય, એમાં લેખક પણ માહિતી માટે મજબૂર હોય છે. રિસર્ચ માટેનું બજેટ એની પાસે એવું હોતું નથી કે સાયન્ટિફિક અમેરિકન, ઇકોનોમિસ્ટ વગેરેના રાઇટર્સની માફક ફર્સ્ટ હેન્ડ ડેટા મેળવવા દુનિયા ખુંદી વળે! પ્રેકટિકલી એ શકય પણ નથી હોતું, ત્યારે ફરજીયાતપણે એણે અન્ય સોર્સીઝ પર આધાર રાખવો પડે છે. એવું જ ભૂતકાળથી ઉલ્ટું આજે સદંતર ‘નોન આર્ટિસ્ટિક’ માહોલ ધરાવતા આપણા દેશમાં ચિત્રો કે તસ્વીરોની શોધનું છે. લાચારીથી એમાંય રેડીમેઇડ સોર્સીઝ પર આધાર રાખવો પડે છે.

પરંતુ, મામલો એટિટયુડનો છે. ‘હું કયાં કહું છું આપની હા હોવી જોઇએ, પણ ના કહો એમાં વ્યથા હોવી જોઇએ!’ની માફક પોતાના સ્ત્રોત કે પ્રેરણાના ૠણસ્વીકાર કે આધારની કબૂલાતને બદલે કોર્ટમાં હોસ્ટાઇલ થતાં સાક્ષીઓની માફક નામુક્કર જવાની કુટેવ વઘુ છે. અંગ્રેજી ટીવી સિરિયલના એપિસોડમાંથી ફકત પરિવેશ બદલાવી ગુજરાતી વાર્તા લખવામાં આવે છે. પરદેશી વનલાઇનર્સ કે હાસ્યલેખો પોતાના નામે ચડાવીને દેશી ઢબછબમાં પીરસી દેવાય છે. સતત વિદેશી સામયિકોના લેખોના કોઇ જ સંદર્ભના ઉલ્લેખ વિના ગુજરાતી વાચકોને અનુવાદ આપનાર નોલેજ મેગેઝીન્સ પાછું ઉછળી ઉછળીને પશ્ચિમની સંસ્કૃતિની ટીકા કરી ભારતીય સંસ્કૃતિના વખાણ કરે, ત્યારે જરૂર થાય કે શું ‘ચોરી મેરા કામ’ એ જ ઇન્ડિયન કલ્ચર હશે?

મહાન સાઘુસંતોના બેનરમાં નેટ પરથી ગુપચાવાયેલી તસ્વીર ઠંડા કલેજે ચોંટાડીને સત્યનો જયજયકાર બોલાવાય છે! ફિલ્મી ગીતોના ઢાળમાં ભજન કમ્પોઝ કરીને ધર્મસિદ્ધાંતની વાહવાહી ઉઘરાવાય છે! કોપીમિઝમ એ આપણું નેશનલ મેનરિઝમ છે. આંખો પટપટાવવા જેવી સાહજીક ક્રિયા-પ્રતિક્રિયા છે!

* * *

કોપીમિઝમનો ભારતીય ‘આદર્શ’(?) રમતો મુકનાર ઇસાક પણ અંતે તો પાશ્ચાત્ય જીન્સ ધરાવતો હોઇને સાવ નફફટ કે કાનુનભંજક થઇ શકતો નથી. એ ય કહે છે ‘સ્પ્રેડ ધ ઇન્ફોર્મેશન. કોપી, પેસ્ટ એન્ડ રેફરન્સ!’

યસ, રેફરન્સ. યાને સંદર્ભ. સંદર્ભો ટાંકવા અને નકલ મારવી, એ બે વચ્ચે પાતળી નહંિ, જાડીભમ ભેદરેખા છે. સંદર્ભો ટમેટાના સૂપમાં પડતા ડુંગળી- લસણ- મરચાં જેવા છે. એ સૂપને ચટાકેદાર અને ગુણકારી બનાવે છે. પણ સુપ ટમેટાનો હોવો જોઇએ, ડુંગળી- લસણ- મરચાનો નહંિ! મુદ્દો પ્રમાણભાનનો તો છે જ. ઘડીએ ઘડીએ પારકા કવોટસ જ ટાંકનાર લેખક-વકતા પોતાને શું કહેવાનું છે, એ ગુપચાવી દે એમ ન ચાલ. એણે જે કહેવાનું છે, એને વઘુ અસરકારક અને મજબૂત બનાવવા માટે ટૂચકા- વાર્તા- શેર- કાવ્ય- કવોટ- ઉદાહરણો આપવાના છે. પણ મુદ્દો એ ય છે કે કેવળ રેફરન્સથી ક્રિએશન ના થાય. મૂળ નિરીક્ષણ કે વિચારની દીવાલ પર સંદર્ભોની બારી હોવી જોઇએ. પણ બારી દીવાલની જગ્યા લઇ લે, તો પછી ન બારી રહે, ન દીવાલ! પોતાની આગવી રસાળતામાં બોળેલા તારણોને પોલિશ્ડ કરીને ચમકાવવા રેફરન્સ છે ઢાંકવા માટે નહીં!

પ્રવાસવર્ણન કરતા હોઇએ તો કેટલીક અફર માહિતી આવે. સૂર્યમાળાની વાત કરો તો ગ્રહોના નામ તો એના પર રૂબરૂ ગયા વિના પણ ટાંકવા જ પડેને! મૌલિકતાના કે નમ્રતાના અંચળા હેઠળ કંઇ ખોટી વાત થોડી લખાય! પણ સંદર્ભ કયાં પૂરો થાય છે અને નકલ કયાં શરૂ થાય છે, એનો વિવેક રાખવો પડે. કયારેક એવું ય બનતું હોય છે કે એકબીજાથી અજાણ એવા બે જણને એકસરખો લાગતો વિચાર મનમાં આવી શકે. જેમાં કોપીનો ઇરાદો ય ન હોય, છતાં દૂર બેસીને જોનારને છાપ કોપીની પડે.

પણ વિચારનું કંકાલ જ નહંિ, અંત- શરૂઆત- રૂપ- સ્વરૂપના માંસ- મજ્જા- ચેતા- ત્વચા બઘું જ સરખું લાગે, ત્યારે એ કેવળ પ્રેરણા કે યોગાનુયોગનો મામલો રહેતો નથી. મૂળ તો વિભા-ઇતિહાસ જેવા માહિતીલેખોમાં રેફરન્સ આવે અને વાર્તા, કવિ સ્ક્રિપ્ટ જેવા ‘ફિકશનલ’ સાહિત્યમાં રેફરન્સ આવે એ બાબતમાં બુનિયાદી ફર્ક છે. પહેલામાં સંદર્ભ અનિવાર્ય જરૂરિયાત છે. પણ બીજામાં કોઇની વાર્તા- કવિતા પોતાના નામે ચડાવી લેવી એ લીગલ એન્ડ મોરલ ક્રાઇમ છે. જરૂર દરેકને કયાંકથી પ્રેરણા મળતી હોય છે, પણ પ્રેરણાનું સ્થાન ગર્ભાધાનમાં શુક્રકોષ જેવું અને જેટલું હોય, જેનાથી પિંડ રચાય- પણ આખો દેહ એનો જ બનેલો ન હોય!

ઓ હેનરીની એક વાર્તાના આધાર પરથી ‘રેઇનકોટ’ ફિલ્મી બનેલી, એવું નિર્દેશક રૂતપર્ણોએ એન્ડ ક્રેડિટસમાં જણાવ્યું છે. આ ખરી પ્રેરણા છે, કારણ કે એ કહે તો માવજત એટલી વેગળી અને મૌલિક છે કે વાર્તા વાંચ્યા પછી તરત ફિલ્મ જુઓ તો યે ખ્યાલ ન આવે! માટે કોઇ મેજર ઇન્ફોર્મેશનને ઓર્થેન્ટિક રીતે રજૂ કરવા અચૂકપણે એને સંદર્ભ/સોર્સ ટાંકવો જોઇએ. એ વારંવાર રસભંગ કરશે એવું લાગે, તો ‘ડિસ્કલેઇમર’ પ્રકારે આગોતરી કે પાછોતરી જાહેરાત કરીને એ રેફરન્સને ક્રેડિટ/આભાર અપાવા જોઇએ.

આવું ન થાય તો? તો ૠષિઓએ ભલે ભલાઇના ઇરાદાથી જ્ઞાન નીચે સહી કરવાની ના પાડી, પણ એના પરિણામ એ આવ્યા કે સંશોધકો- સર્જકોની કદર અને એમને મળતાં વળતરનો જ છેદ ઉડી ગયો. પરિણામે વિજ્ઞાન અને કળા બંનેમાં ભારત તકલાદી નકલખોર બની ગયું. અને શ્રેષ્ઠ સર્જકો- સંશોધકો કાં દેશ છોડતા ગયા, કાં કંટાળીને- કંગાલ બનીને પોતાનું ક્ષેત્ર જ છોડતા ગયા. પશ્ચિમે કોપીરાઇટને ‘રાઇટ ટુ કોપી’ ન બનવા દેવા પર સજજડ ઘ્યાન આપ્યું, એટલે ત્યાં મૌલિક સર્જકતા- સંશોધન- વિજ્ઞાન- સાહિત્ય- કળાને પડકાર મળતાં એ વઘુ તેજ બની, અને પ્રોત્સાહન મળતાં એ વઘુ વિસ્તરી. એડવાન્ટેજ: ક્રિએટર એન્ડ યુઝર બોથ!

જો કે, ફોરેન કોપીરાઇટ એકટસ કયારેક અવ્યવહારૂ બની જાય એટલા જડ અને કડક છે. આપણે નકલખોરીના છેડે છીએ તો એ વઘુ પડતા પ્રોટેકશનના અંતિમે ઉભા છે. જેના નિયમોની જફા કે શિસ્તના આગ્રહોથી મેંગો પીપલ થાકી જાય, અને બળવો કરવા પ્રેરાય! આમ પણ, ઇન્ટરનેટના યુગમાં કોઇપણ તસ્વીર કે લેખ ઓનલાઇન મૂકવી અને પછી એનો કોઇ ઉપયોગ કયાંય પૂર્વમંજુરી વિના કરે જ નહંિ એવા ફેન્ટેસી ડ્રીમ્સ જોવા- એ જાણે જંગલી અને ભૂખ્યા વાઘ- દીપડા-સિંહથી ઉભરાતા જંગલની વચ્ચે ઉભા રહી, એ શાકાહારી હશે એવા જૂઠા ખ્વાબ જોવા બરાબર છે! જો બહુ વ્હાલું હોય, તો એવી ચીજ ઓનલાઇન મૂકવી જ નહંિ, અને મૂકો તો એના જોખમો સસ્મિત સ્વીકારી લેવા અને સતત કાળો કકળાટ ન કરવો.

જો કે કકળાટિયા શેરબકોરિયા થનગનભૂષણો બે અવતરચિન્હોની વચ્ચે જ લેખ લખતા(!) હોય, એવું ક્યારેક લાગે. હરખપદૂડાઓ વળી ‘આ બઘુ તો ગૂગલિંગ છે’ એવા સેલ્ફ મેઇડ ચૂકાદા આપે. વાસ્તવમાં એ ખુદ એટલા ‘નેટાધારિત’ હોય છે કે એમને એમ લાગે છે કે બધા પોતાના જેવા ઉઠાવગીર હશે! એલ.ઓ.એલ. મૂળ તો, ગૂગલિંગ કોઇ ખરેખર કરે તો ખબર પડે કે બઘું કંઇ એમ ઇન્ટરનેટ પર હોતું નથી, ને હોય છે એની નકલ ખરેખર થતી નથી! રિયલ કન્ટેન્ટ પણ આજના સાઇબરયુગમાં શક્ય છે.

મોટેભાગે દરેક સર્જનાત્મક ઇન્સાન કોઇની અજાણતા પણ પ્રેરણા કે નકલ લઇને આરંભ કરતો હોય છે. કિશોરકુમાર સાયગલના અવાજમાં ગાતો, માઘુરી અંગપ્રદર્શન કરીને આઇટેમ ડાન્સ કરતી. પણ પછી ‘ગ્રોથ’ યાને વિકાસ, ઉત્ક્રાંતિ થતાં એને અંદર છુપાયેલો પોતાની ટેલન્ટ, પોતાનો અવાજ મળે છે. કમનસીબે, ઘણાંને એ આખી જીંદગી જડતો નથી કારણ કે, પારકા અવાજોના ઢગલાની નીચે એ દબાઇ જતો હોય છે! અને સમાજ કોપીમિઝમથી લાજવાને બદલે ગાજયા લાગે છે! ઓરિજીનાલિટી કમ ફ્રોમ ઓનેસ્ટી!

ફાસ્ટ ફોરવર્ડ

‘મોટાભાગના લોકો ‘બીજા’ની જીંદગી જીવે છે, એમને વિચારો કોઇના અભિપ્રાયો હોય છે. એમની જીંદગી મિમિક્રી હોય છે, અને એમનું પેશન કોઇનું કવોટેશન હોય છે!’ – ઓસ્કાર વાઇલ્ડ

જય વસાવડા

  40 Responses to “તફડંચી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે?! – જય વસાવડા”

 1. કોપી પેસ્ટ થાય છે, વાત સાચી અને તે ન થવું જોઈએ તેમાં પણ સહમત – બાકી બધું … ચાલો જવા દો ગુજરાતના સર્વાધિક લોકપ્રિય લેખકને એ નહિ ગમે.

  • ઓહો એમ ? ત્યારે તમે તો મારાં વિષે મારાથી વધુ જાણતા લાગો છો બંધુ ! 😉

   • જયભાઈ, આપણી પ્રત્યેક વાતમાં હાજી હા અને વખાણ જ કરનારા કાં તો આપણી વાત સમજ્યાજ નથી અથવા તેઓ પૂરી વાત ધ્યાનથી સાંભળતા નથી એવું મને લાગે છે. કારણકે એક જ વ્યક્તિના પ્રત્યેક વિચારોથી સહમત થઈ શકાય નહીં એવું હું માનું છું અને તમારા બ્લોગ ઉપર… ક્રમશઃ

    • અને તમારા બ્લોગ પર માત્ર તમારા વખાણ કરતી ટિપ્પણીઓનો ઢગલો જોઉં છું ત્યારે આશ્ચર્ય થાય છે.
     મત ભીન્નાતાનો આદર થવો થવો જોઈએ, હું તમારી લેખન કળાનો પ્રશંસક છું વિચારોનો નહિ. કોણ સૌથી વધુ લોકપ્રિય છે એ સાબિત કરવું ઘણું અઘરું છે. ઘણું સારું લખનારા સ્પ્રીડ ન કરી શકતા હોય એવું પણ બને.
     મારી ઉપરોક્ત ટિપ્પણીમાં એવું ક્યાય નથી કે હું તમારા વિષે તમાર કરતા પણ વધારે જાણું છું! હું તમને જાણનારો કોણ? મેં તમને એકજ વખત જોયા છે શ્રી ચંદ્રકાંત બક્ષીના બેસણામાં, હું તમારી બાજુની ખુરસીમાજ બેઠો હતો અને વગર ઓળખાણે મને સંબોધીને બક્ષી વિષે આ શબ્દો કહ્યા હતા : ‘ તેમણે ઈચ્છ્યું હતું એ જ રીતે તેમનું મૃત્યુ થયું.’ ઓળખાણ કરવાનો એ સમય ન હતો. અને એ પહેલા એક વખત મુંબઈમાં મુલાકાત થતા થતા રહી ગઈ હતી. આપણે બંનેને એકજ વ્યક્તિએ એકજ હોટેલમાં ઉતારો આપ્યો હતો, હું તમારી મુલાકાત કરવા આવું તે પહેલા તમે મુંબઈની મુલાકાતે ઉપડી ગયા હતા.
     હું તો એમને પણ ઓળખી શક્યો નથી જેમની સાથે ચાર વર્ષ કામ કર્યું. વિચારોની ધારાઓ ક્યાય વિલુપ્ત થઇ ગઈ.

     • વિરલભાઈ, મને શું ગમે અને શું ના ગમે એ અંગે તમે અગાઉથી જ નિર્ણય પર આવી જતા હો તો મારે એમ જ કહેવું પડે ને કે તમે મારાં વિષે યાને મને શું પસંદ પડશે કે નહિ પડે એ અંગે મારાથી ઝાઝું જાણો છો ! 😉 હવે આટલી સાદી રમૂજ તમને ના સમજાઈ તો મેં લખેલું ઘણું ના સમજાય એ બનવાજોગ છે. (અહીં હું ચુકાદા નહિ, શક્યતાની ભાષા વાપરું છું- એ સુક્ષ્મ્ ફરક છે :P)

      • એ તો માત્ર તમને અહી સુધી ખેચી લાવવાનો કીમિયો હતો અને એ સિદ્ધ થયો નહીતર આટલી વાત આગળ ન વધી શકી હોત કદાચ. હવે એમ ન કહેતા કે અન્ય રીતે પણ વાત ચિત થઇ શકી હોત! અને વાત રહી સમજણ અને નિર્ણયની તો હું એટલું જ કહીશ કે આ જગતમાં છેલ્લું સત્ય કઈ નથી બધું જ શક્ય છે.
       બાય ધ વે તમે મારો હિન્દી બ્લોગ જોઈ શકો છો. મારા પત્રકારત્વના અનુભવો લખી રહ્યો છું. ત્યાં મારી ભૂલો અને મારા ખોટા નિર્ણયો તેમજ મારી અણ – સમજદારી પર શબ્દોના તીર છોડી શકો છો.

       • વાહ વિરલભાઈ,
        ખરા ‘બુદ્ધિશાળી’ છો! જયભાઈને બીજાના બ્લોગ પર તમારી સાથે વાત કરવા ખેંચી લાવવા તમે ‘કીમિયો’ વાપર્યો ?!!! હા હા હા…!
        તે એમના પોતાના કે તમારા પોતાના બ્લોગ પર ખેંચી લાવવા કીમિયો કરતા નાં આવડ્યો 😉
        દક્ષેશ

        • હજુ ક્યા જિવવનનો અન્ત આવ્યો – આગે આગે દેખો હોતા હે ક્યા?
         દલિલો નો કોઇ અન્ત નથી અને હુ તે કરતો પણ નથી

         • વિરલભાઈ,
          પહેલા વાક્યમાં દલીલ કરો છો અને બીજા વાક્ય માં કહો છો કે તમે દલીલ કરતા નથી! જયભાઈ, કે બીજા કોઈ પણ ને, ત્રીજા જ કોઈના બ્લોગ પર બોલાવવા ‘કીમિયો’ કર્યો તેનું કારણ ખરું? આ બ્લોગનાં વાચકને કે બ્લોગર ખુદને કોઈ ફાયદો થયો, કે કઈ નવું જાણવા મળ્યું? તમે ફક્ત એક જાણીતા લેખકે તમારી કોમેન્ટનો જવાબ આપ્યો એવો અધૂરિયો ફાંકો રાખી શકો. પણ એક રીતે સારું થયું. તમારું જ્ઞાન/બુદ્ધિ નું પ્રદર્શન અહી કરી દીધું એટલે હવે તમારા બ્લોગ પર જવાની અને સમય બગડવાની જરૂરત નહિ.
          દક્ષેશ

          • આ દક્ષેશ કોણ છે?
           તમને તો ભાઈ બહુ લાગી આવ્યું, તમને મારી ટીપ્પણીઓથી વાંધો હોય તો વિનયભાઈને તે હટાવી લેવાનું કહી શકો છો. અને બીજા જાણીતા, માનીતા, ચહિતા લેખકોને પણ તેમ કરવા કહો – અથવા ચાલો મારી સાથે, હજુ ઘણી જગ્યાએ કોમેન્ટ કરવાની છે. ફાંકો, બુદ્ધિનું પ્રદર્શન આવા કોઈ શબ્દો મારી કોમેન્ટમાં તો નથી કે નથી મેં ઓળખ છુપાવી, લિંક તો મૂકી જ છે અને આ લો વધારે-
           વિરલ ત્રિવેદી
           ૧૧ હરિદર્શન, પાટણ, ઉ.ગુ
           હાલ શિહોરી, બનાસકાંઠા
           આઠ વર્ષનો પત્રકારત્વનો અનુભવ, વર્તમાનમાં મારો પોતાનો ધંધો જમાવી રહ્યો છું.
           મોબાઈલ – ૮૬૭૧૯૦૯૩૧૫

        • @Daxesh, 🙂 Like it 🙂

         • નમનભાઈ,
          આભાર. વિનયભાઈનો બ્લોગ હું ઘણા સમયથી વાંચું છું. એમના બ્લોગનું જ નહિ પણ એમાં થતી કોમેન્ટ્સનું સ્તર પણ ખુબ મચ્યોર હોય છે. પણ ઘણીવાર વિરલ ત્રિવેદી જેવા ઈમેચ્યોર કોમેન્ટ્સ લખવા વાળા આવી જતા હોય છે. મને વિરલ ત્રિવેદીની કોમેન્ટ્સ વાંચીને સિંગિંગ અને ડાન્સિંગના reality shows ના ઓડીશનમાં આવતા ઘણા ઉત્સાહી લોકો યાદ આવી ગયા. ઘરમાં કે પડોશમાં કોઈએ કોઈનેય આખી જિંદગીમાં નાચતા નાં જોયા હોય અને એમાં કોઈ છોકરું થોડાઘણા પગ હલાવતું હોય એને ડાન્સિંગ સુપરસ્ટાર માની લે. એ છોકરુંય પોતાને ઉચ્ચ કક્ષાનો ડાન્સર માની લે. પણ જયારે સારા ડાન્સરજજ ની સામે જાય ત્યારે ખબર પડે કે આ તો વાહિયાત ડાન્સ કરે છે. ઘણા તોય પોતે મહાન ડાન્સર છે એમ ઝીંકે રાખતા હોય તો જજે એને ચોક્ખી ભાષામાં જણાવી દેવું પડે છે કે એ કેટલો ખરાબ ડાન્સર છે.
          આ જ વસ્તુ દરેક ક્ષેત્રમાં થતી હોય છે. પત્રકારત્વના ક્ષેત્રમાં પણ 😉
          દક્ષેશ

          • અરે દોસ્ત મેં ક્યારનુંય પૂર્ણવિરામ મૂકી દીધું મારી વાત પર, સમાજનારા સમજી પણ ગયા અને તમે વ્યક્તિગત બદનક્ષી પર ઉતરી આવ્યા. એક રીતે સારું થયું તમે યાદ કરાવ્યું મારે ‘બીજાના’ બ્લોગ પર કોમેન્ટ કરવા કરતા મારા પોતાના બ્લોગ પર ધ્યાન આપવું જોઈએ કારણકે અહી તમારા જેવા પૂર્વગ્રહપીડિત બની બેઠેલા ઠેકેદારો કોઈ પણ ને ઉતારી પાડવા અને ફટ દઈ નિર્ણય પર આવી જવા તૈયાર જ બેઠા છે, તમે જ કેમ આ જગત તમારા જેવાથી ઉભરાય છે. તમે મને રસ્તો બતાવનાર કોણ? શું તમને એ ખબર નથી કે કઈ પણ વાંધાજનક હોય તો બ્લોગ માલિક એ કોમેન્ટ ને અપૃવ જ ન કરે?

           આજ સુધી એવું ક્યારેય બન્યું નથી કે મેં કોઈ મેટર લખી હોય અને તે મારા તંત્રી એ છાપી ન હોય. અરે દોસ્ત કૈક જાણીતા, અજાણીતા, ચહિતા, માનીતા લેખકોની મેટર હું ખુદ એડિટ કરી ચુક્યો છું. @’વિચારધારા’ as an assistant editor

           અત્યારે હું એક્ટીવ જર્નલિજ્મમાં નથી તેના અસંખ્ય કારણો છે.

           બ્લોગ લેખનમાં નવો છું લેખનમાં નહિ, અને મારો બ્લોગ અને લખાણ તમારા જેવા અધૂરા ચણા વાગતા ઘણાની વાહ વાહીનો મોહતાજ નથી. મારો હિન્દી બ્લોગ ગુજરાતના સીમાડા ઓળંગી ચુક્યો છે એ પણ એક જ મહિનામાં.

    • I also believe…
     .
     ભઇ, એક વાત તો ૧૦૦% સાચી છે કે Indian Cricket team જ્યારે ૪-૦ થી સીરીઝ હારતી હોય ત્યારે કોઇ તેના વખાણ કરવા તો ન જ બેસે…… (બની શકે કદાચ આમાં પણ exceptions હોય.!),,, તેવી જ રીતે મૌલીક creations ની એક લીમીટ હોય છે, જ્યારે ‘inspired’ content ના followers વધારે હોય છે (with exceptions) (This is my personal belief)…….
     .
     એટલે જ મેં કહ્યું ને કે ઓસ્કાર વાઇલ્ડનું આ વિચાર-પ્રેરક વાક્ય મને બહુ ગમ્યું.:
     “મોટાભાગના લોકો ’બીજા’ની જીંદગી જીવે છે, એમના વિચારો કોઇના અભિપ્રાયો હોય છે. એમની જીંદગી મિમિક્રી હોય છે, અને એમનું પેશન કોઇનું ક્વોટેશન હોય છે!” — ઓસ્કાર વાઇલ્ડ.

 2. વિનયભાઈ,

  આ લેખ મૂકવા બદલ આભાર. ખૂબ જ તટસ્થતાપૂર્વક લખાયેલો લેખ. જય વસાવડાને પણ ધન્યવાદ.

 3. વિનયભાઈ, ઉપર આપેલા ચિત્રો ક્યાંથી લીધા છે એનો સોર્સ નથી આપ્યો 😉

  • કાર્તિકભાઈ, ચિત્રો અંગે નો જવાબ તમને તો વિસ્તૃત આપ્યો છે અને ધ્યાનથી વાંચો તો લેખમાં ય એના વિષે સ્પષ્ટ રોકડું લખેલું જ છે 😀 મારાં બ્લોગ પર પહેલેથી જ મારાં એબાઉટજેવીમાં એ અંગેનું ડીસ્ક્લેઈમર પણ છે જ ! 😛

   • જે.વી.જી, ખરી હિંમત તો એમાં છે કે જ્યારે તમે તમારું લખાણ કોપી-પેસ્ટ થવા દો અથવા તો એને લિબરલ લાયસન્સ (Creative Commons etc) હેઠળ મૂકો. કોરી ડોક્ટરોવ એનો જીવતો દાખલો છે. અનુસરવા જેવું ખરું.. 🙂

    http://en.wikipedia.org/wiki/Cory_Doctorow

    ટૂંકમાં, જો તમે લેતા હોવ તો, દેવું પણ જોઈએ (પેલું ઘી પીને દેવા કરવા વાળું નહી, દેવું = આપવું).

    • કાર્તિકભાઈ, મારા બ્લોગમાં વળી વિનયભાઈએ સુચન કર્યું હોવા છતાં પણ મેં રાઈટ ક્લિક ડિસેબલ કરી નથી. ટેકનીકલ બાબતો હું જાણતો નથી, પણ ચોખલિયાવેડાથી વાચકો મળતા નહિ, ભાગતા હોય છે. હું મારી પાડેલી સેંકડો તસવીરો મારાં બ્લોગ પર ખુલ્લી જ રાખું છું અને મારો કોઈ સાત પેઢીનો ગરાસ હોય એમ પ્રોટેક્ટ કરીને રાખતો નથી. એટલે લેવા સામે આપવાની વાટ તમે રમૂજમાં પણ કરતા હો તો એ સાચેસાચ થાય છે. પ્રકાશકો સાથેના કરાર જેવું પણ કંઇક હોય છે મારે. જે અન્ય બ્લોગરોને ભાગ્યે જ અનુભવવાનું હોય છે, કારણ કે એમનું પુસ્તક ભાગ્યે જ થતું હોય છે, અને થાય તો ભાગ્યે જ વેંચાતું હોય છે. આ કોઈ આપવડાઈ નહિ , પણ નરી વાસ્તવિકતા છે. મૂળ તો અનેક બ્લોગર્સમાં વિઝ્યુઅલ સેન્સ જ નથી હોતી, એટલે મફત મળતા ખજાનાનો ય ઉપયોગ કરતા એમણે ફાવતું નથી. અને હું અગાઉ પણ કહી ચુક્યો છું – તમને આપેલા પેલા વિસ્તૃત જવાબમાં કે હું નવરા બેઠાં ટાઈમપાસ કરવા લખતો નથી…પણ અઢળક કામ અને વ્યસ્તતા વચ્ચે પબ્લિક ડિમાંડ વચ્ચે લખું છું. જેમાં કારકુની કામ કરવાની ફુરસદ ના રહેતા જ પેલું ડિસ્ક્લેમર નેક ઈરાદાથી મુક્યું છે. એમ તો હું જે પ્રવચનો કરું છું, એમાંથી નિબંધો / વક્તૃત્વ સ્પર્ધાનું કન્ટેન્ટ બનાવી જીતનારા કેટલાય વિદ્યાર્થીઓ પણ છે. માટે સમાજને આપ્બ્વાની બાબતમાં નેટ સિવાય પણ ઘણું અપાતું જ હોય છે. 🙂

     • સવિસ્તાર જવાબ મુદ્દા દ્વારા 🙂

      ૧. રાઈટ ક્લિક ડિસેબલ કરવું એ મજાક છે. જાવાસ્ક્રિપ્ટ ડિસેબલ કરી તેમાંથી છુટકારો મેળવી શકાય છે. આમેય વર્ડપ્રેસ.કોમના બ્લોગમાં તે શક્ય નથી.
      ૨. પ્રકાશકો સાથે કરાર હોય એ સમજી શકાય તેવી વાત છે, પણ મારો પોઈન્ટ એ હતો કે તમે તમારું લખાણ પ્રકાશકો સાથે વાત કરી લિબરલ લાયસન્સમાં મૂકી શકો છો. ગુજરાતી સાહિત્યમાં કદાચ આવું થયું નથી – કારણ કે, હજી કોઈએ તેને સમજવાનો પ્રયત્ન નથી કર્યો. તમારા જેવા વિચારવંત લેખકથી શરુઆત થાય એથી વધુ સારું શું?
      ૩. બ્લોગર્સ પણ નવરા નથી હોતા. વિનયભાઈ કે મને પૂછો 🙂
      ૪. વિઝ્યઅલ સેન્સની વાત તદ્ન ખોટી છે. મારા મતે લેખકોમાં એ સેન્સ નથી હોતી કે કોપીરાઈટ કોને કહેવાય. બે-ચાર જગ્યાથી લખાણ ભેગું કરી લેખ પોતાની લખવાની ક્ષમતા વડે લખવો એ મોટાભાગ ના કટારલેખકો અને આજકાલ ફૂટી નીકળેલા આર એન ડી લેખકોનું કામ છે. બ્લોગર બિચારો છે, પણ લેખક કરતાં વધુ તાકાતવાળો છે.
      ૫. પરોપજીવી લોકોનો પાર નથી. સો ટકા સત્ય. પણ, ઈકોસિસ્ટમનું એ કડવું સત્ય છે કે તમારે પણ બીજા પર આધાર રાખવો જ પડે છે ને 😉

      • (૪) સહમત ૧૦૦%

      • મુક્ત બજારની તરફેણ કરનારા કેટલાક વિદ્વાનો એવું સંન્નિષ્ઠપણે માને છે કે IPR એ કોઇની બહુ જ કિંમતિ મહેનત કે રોકાણનાં વળતરને રક્ષણ આપવા સારૂ પણ રાખવાથી ખરા અર્થમાં તો કોઇ જ હેતુ સિધ્ધ નથી થતો.
       તેમાં પણ એક વાર પોતાની કૃતિને, નાણાંના વળતરની અવેજ માં કે અવેતનીક સ્તરે, પ્રસિધ્ધ કર્યા બાદ, તે તો ઉપયોગ માટે ખુલ્લું થઇ જાય છે.વધારે પ્રસિધ્ધિ જ જેનો આશય છે તે કૃતિને કોઇ કોઇ પણ રીતે આગળ પ્રસિધ્ધ કરે તે તો તેને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દેવાને બદલે આનંદ પામવો જોઇએ અને માઇક્રોસૉફ્ટનાં ઉદાહરણ મુજબ તેનો વ્યૂહાત્મક સરસાઇમાં ફેરવવાનો ભરપેટ લાભ ઉઠાવવાની આવડત પેદા કરવાની રચનાત્મકતા કેળવવી જોઇએ. અથવા તો તમારૂ કામ એટલું મહત્વનું હોવું જોઇએ કે IPR કે ન IPR , તમારી ક્રેડીટ તમારી જ રહે.૧૮મી અને ૧૯મી સદીમાં એવી કેટલીયે વૈજ્ઞાનિક શોધો છે જે જેના નામથી ઓળખાય છે, પરંતુ તેનું સ્વિકૃત સ્વરૂપ તે વૈજ્ઞાનિકના મૃત્યુ પછી પ્રસિધ્ધ થયું હોય.
       રેતીમાં મોઢું સંતાડી દેવાથી રેતીનું તોફાન શાંત નથી થઇ જતું.

      • કાર્તિકભાઈ, અહીની કોમેન્ટ વાંચ્યા બાદ બ્રાઉઝર પ્રોબ્લેમમાં અટવાયો એમાં મોડું થયું દોસ્ત. વ્યસ્તતાની વાત મે મારાં પૂરતી જ લખી છે, એ ય અગાઉ મારાં બ્લોગ પર થયેલી ચર્ચામાં તસવીરના સોર્સની શોધખોળના સંદર્ભે. બીજાઓ નવરા છે એવું સિદ્ધ કરવા નહિ. જેમ તમને મોટા ભાગના કટારલેખકો બે-ચાર જગ્યાએથી લખાણ ભેગું કરનારા લાગે છે, તેમ મને અનેક બ્લોગર્સ વિઝ્યુઅલ સેન્સ વિનાના લાગે છે. 🙂 બાકી, તમે જે મુદ્દા ઉઠાવ્યા તેનો જવાબ ફોટોગ્રાફ્સના મુદ્દા સહિત મારાં અહીં વિનયભાઈએ મુકેલા લેખમાં જ સ્પષ્ટ આવી ગયો છે. 😛

       • ઓકે, તમે ‘અનેક’ શબ્દ વાપર્યો છે, એ હું ભૂલી ગયો, એમ અનેક લેખકો માટે પણ કહી શકાય.

        તમે મુદ્દા નંબર ૨ પર કોઈક વાર વિચાર કરજો. કદાચ રુબરુ મળ્યે સારી રીતે વાત કરી શકાશે. અને, દુર્ભાગ્યે – ડિસ્કેલમર રાખવાથી પણ તમે Copyright ચિત્રોનો ઉપયોગ કરી શકતા નથી. જો પરવાનગી ન હોય તો એવા ચિત્રો ન વાપરવા સારા. ટ્વિટરમાં તમે ક્યાંક રિટ્વિટ કરેલ છે તેમ – “Dear Internet Users, Someday, you’re going to regret not reading me… Sincerely, Terms & Conditions.”

        🙂

     • “… , પણ નરી વાસ્તવિક્તા છે. મૂળ તો અનેક બ્લોગર્સમાં વિઝ્યુઅલ સેન્સ જ નથી હોતી, એટલે મફત મળતા ખજાનાનો ય ઉપયોગ કરતા એમને ફાવતું નથી….” –જે.વી.જી
      .
      ‍^
      Does it mean, you support ‘Kopimism’.!?

      • lekh vaancho dost, fakt comment nahi. ema plus-minus ne mara stand ni vistrut chokhvat chhe ane tasveero vali vat ange maru stand pan 🙂 je mara blogma disclaimer swarupe y chhe j.

 4. […] જય વસાવડા એ (અને વિનયભાઈ એ એ લેખ share કરીને) પાયરસી વત્તા કોપી-પેસ્ટ વિશે પોતાના […]

 5. “Spread the information. Copy, Paste & Reference!”
  .
  જો વાત reference આપીને information share કરવાની હોય તો I am with Kopimism*
  .
  “માહિતી માત્ર પવિત્ર છે, માટે નકલ પણ પવિત્ર છે!” — લેખમાં નોંધેલું આ વિધાન ’કંઇક’ અંશે યોગ્ય ! — but with ‘reference’ ! 🙂
  .
  હમણાં જ FB પર થી આ content લિધી:

  એક ખુબ જ મહત્વની માહિતી :

  જો તમને નીચેના મહત્વના ડોક્યુમેન્ટ્સ જેવા કે….

  … ડ્રાઈવિંગ લાઈસન્સ, રેશન કાર્ડ, પાસ પોર્ટ, બેંક પાસબૂક, વોટર કાર્ડ (Voter’s Card)
  વગેરે જો ક્યાંયથી મળે તો.

  તેને તમારી નજીકના પોસ્ટ બોક્ષમાં મૂકી દેવા.

  તે મહત્વનો ડોક્યુમેન્ટ તેના માલિકને પહોચાડવામાં આવશે અને જરૂરી પોસ્ટલ ફી વસુલ કરવામાં આવશે.

  આ સરકાર દ્વારા રચવામાં આવેલ નવો કાયદો છે.

  આ ઉપયોગી અને મહત્વની માહિતીને તમારા બધા જ મિત્રોને અચૂક શેર કરજો.

  .
  તેમાં લખેલું પણ હતું કે આ share કરજો….. અને share કરવા માટેની સુવિધા પણ આપેલી હતી.!
  .
  .
  .
  મૌલીક creation ની ઊઠાંતરી ની ગંભીરતા હું સમજુ છું, પણ information share થવી જોઇએ એમ પણ માનું છું.
  .
  ટીપ્પણી: “લેખમાં છેલ્લે ટપકાવેલું ઓસ્કાર વાઇલ્ડનું વાક્ય બહુ ગમ્યું.”

 6. અહીં જયના નામે બે ‘ડમી’ કમેન્ટ આવી છે. નામ સાથે રજુ કરેલા ઈમેઈલ આઈડી jay@hotmail.com/jay_21x78x@hotmail.com ખોટા છે તેથી તે અપ્રુવ કરવામાં નથી આવી તેની નોંધ લેશો.

 7. શ્રી વિનયભાઈ આપનો આભાર કે આ લેખ તમે અહી મુક્યો. મારા મતે બ્લગો લેખનનો હેતુ જ એક બીજા સાથે સંવાદ કરવાનો છે, જેનો ચહેરો પણ ક્યારેય જોયો નથી તેની સાથે પણ આત્મીયતા બંધાઈ જાય છે. વાહ વાહી તો સારું કામ કરનારા મેળવી જ લે છે. નુકશાન તો કોપી પેસ્ટ કરનારનું જ થાય છે કારણકે તે પોતાની મૌલિકતા ક્યારેય ખીલવી શકતા નથી – જીવનના દરેક તબક્કામાં.

 8. એક આડ વાત!
  પાયરસીનો સહુથી વધારે હિમ્મતભર્યો પ્રયોગ કદાચ MS Windows હશે.માઇક્રૉસૉફ્ટએ જાણી જોઇ ને MS Windows અને MS Office ની ‘ઉઠાંતરી’ થવા દીધી. તેમ કરી ને MS Windows ની સ્પર્ધાને ઉગતી જ ડામી દીધી અને જેની સ્પર્ધામાં હતું તેવી IBM ની Lotus ને થોડાં વર્ષોમાં લોકોની યાદમાંથી પણ ભૂલાવડાવી દીધું. મજાની વાત એ છે કે આ બન્ને ની પોતાની આગવી ઉપજ નહોતી.
  અહીં કોઇને ટેકો આપવાનો કે કોઇ અન્ય પ્રયાસ નથી. માત્ર એક માહિતિ સાથે માણવામાટેનો જ પ્રયાસ છે.

 9. […] ગુ.સ. સેડ સત્ય. પરદેશી ફિલ્મ કંપનીઓએ […] […]

 10. mayazal………………….sabdik……….

 11. આ બ્લોગ અજાણતા જ મળી ગયો અને વાંચ્યું કે અહી પણ આપણો જન્મજાત લડવાનો સ્વભાવ શબ્દ ના યુદ્ધ માં જોયો.શું આપણે ભારતીયો એક બીજા ના ટાંટિયા જ ખેચતા રહીશું?કોઈ દિવસ એક નહિ થઈએ??

Leave a Reply

%d bloggers like this: