Mar 212013
 

ફોટો સૌજન્ય - freegreatpicture.comપ્રિય મિત્રો,

વિદેશમાં જાત-જાતના ઉત્સવોનું આયોજન થતું હોય છે, જેમાંથી આજે આપણે ‘સ્ટ્રોબેરી ઉત્સવ‘ વિશે વાત કરીશું.

‘સ્ટ્રોબેરી’ સુગંધી, રસાળ, લાલ ચટ્ટાક, મીઠું મધુરું વર્ણશંકર (હાયબ્રીડ) ફળ છે જે સૌપ્રથમ ૧૭૫૦માં ફ્રાંસમાં ઊગાડવામાં આવ્યું હતું. (સ્ત્રોત)

અમેરિકાના વિવિધ પ્રાંતમાં ‘સ્ટ્રોબેરી ઉત્સવ’નું ભવ્ય આયોજન થતું હોય છે. ફ્લોરિડામાં હાલ હમણાં જ ફેબ્રુઆરી ૨૮થી માર્ચ ૧૦ના સ્ટ્રોબેરી ફેસ્ટિવલ ઉજવાઈ ગયો. કેલિફોર્નિયામાં ૧૮ અને ૧૯ મે (શનિ-રવિ)ના ઉજવાશે. તેવી જ રીતે લંડનમાં ૨૦થી ૨૨ જુનના આ ઉત્સવનું આયોજન થયું છે.

અમેરિકા અને લંડનના સ્ટ્રોબેરી ફેસ્ટિવલ વિશે મને કંઈજ અનુભવ નથી, ફક્ત વેબસાઈટ પરની માહિતી અહીં રજુ કરી છે પણ ભારતમાં સ્ટ્રોબેરી ફેસ્ટિવલ જ્યાં ભારતનું ૮૫ ટકા ઉત્પાદન થતું હોય એ વિસ્તારમાં જ થાય એ સ્વભાવિક છે. ભારતમાં સ્ટ્રોબેરીનું મબલખ ઉત્પાદન મહારાષ્ટ્રમાં પંચગીની અને મહાબળેશ્વરની વચ્ચે આવેલા ભિલાર અને તેની આજુબાજુના ગામોમાં થાય છે. અહીંની ભેજવાળી અને પહાડના ઢોળાવોવાળી જમીન સ્ટ્રોબેરીને માફક આવે તેવી છે.

મૂળ ગુજરાતના અને વર્ષોથી અહીં મેપ્રો ફુડ્સના નામે વિવિધ ફળોના રસ અને જામનું ઉત્પાદન કરતા મયુરભાઈ વોરા ઓલ ઈન્ડિયા સ્ટ્રોબેરી ગ્રોઅર્સ એસોસિયેશન સાથે મળીને દર વર્ષે ‘સ્ટ્રોબેરી ફેસ્ટિવલ‘નું આયોજન કરે છે. ભિલારમાં આવેલા તેમના મેપ્રો ગાર્ડન રેસ્ટોરાંમાં આ વર્ષે ગુરુવાર તા. ૨૮ માર્ચથી રવિવાર તા. ૩૧ માર્ચ સુધી આ ઉત્સવ યોજાવાનો છે. UPDATE ૨૦૧૪માં આ ફેસ્ટિવલ ૧૮થી ૨૦ એપ્રિલ, શુક્ર/શનિ/રવિના યોજાવાનો છે.

UPDATE ૨૦૧૫માં આ ફેસ્ટિવલ ૩થી ૫ એપ્રિલ, શુક્ર/શનિ/રવિના યોજાવાનો છે.

heena_enjoying_strawberry_at_mapro

સ્ટ્રોબેરીને ધારી ધારી જોઈ, પેટભરી માણી રહેલાં શ્રીમતીજી! (ફોટો – વિનય ખત્રી)

દેશ-વિદેશથી આવીને લોકો આ ઉત્સવનો આનંદ લે છે. અહીં સ્થાનિક લોકો દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક અને પરંપરાગત કાર્યક્રમો યોજવામાં આવે છે. લેઝિમ નૃત્ય, પાલખી, માર્શલ આર્ટ્સ, તલવાર બાજી, યુદ્ધની અને સ્વબચાવની પરંપરાગત તરકીબનું હેરત અંગેજ પ્રદર્શન મુખ્ય આકષણ છે.

આ ઉત્સવ દરમ્યાન સ્ટ્રોબેરીના બગીચામાં જઈને સ્ટ્રોબેરી વિશે ફર્સ્ટ હેન્ડ માહિતી (જાત અનુભવ) મેળવી શકાય છે. સ્ટ્રોબેરીના છોડ (જી, હાં! સ્ટ્રોબેરી છોડ પર થાય છે આ વાતની અહીં આવ્યા પછી જાણ થઈ!) પરથી જાતે તોડીને સ્ટ્રોબેરી ખાવાનો લુફ્ત ઉઠાવી શકાય છે. મેપ્રો ગાર્ડના રેસ્ટોરાંમાં ઉત્સવના ચાર દિવસ દરમ્યાન દરેકે ટેબલ પર સ્ટ્રોબેરી ભરેલી એક ટોકરી રાખેલી હોય છે. એક ટોકરી ખાલી થાય ન થાય ત્યાં વેઈટર આવીને બીજી ટોકરી મૂકી જાય છે. પેટભરીને મફત સ્ટ્રોબેરી આરોગવા મળે છે. હા, ઘરે લઈ જવા માટે મેપ્રોના સ્ટોલ પરથી કે બહાર ફેરીયા પાસેથી ખરીદીને લઈ જઈ શકાય.

સ્ટ્રોબેરીના શોખિનો માટે ન ચૂકવા જેવો અવસર. હોળી/ધૂળેટીની રજાઓ સાથે માણવા જેવો અવસર. શક્ય હશે તો હું પણ રવિવારે આ ઉત્સવમાં મહાલતો જોવા મળું એવું બની શકે.

વિશેષ વાંચન:

બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણની મતગણતરી હવે થવા આવી છે અને આ સર્વેક્ષણનાં તારણો/લેખાં-જોખાં આવતીકાલે અહીં રજુ થશે.

  6 Responses to “દેશ-વિદેશના સ્ટ્રોબેરી ફેસ્ટિવલ અને આપણે”

 1. બહુ સુંદર અને યોગ્ય સમયે માહિતી આપી છે.

 2. amazzzzzzzzzzzzZZZZZZZZZ”d!!!!

 3. વિનયભાઈ,
  અહી યુ.કે.માં પણ સ્ટ્રોબેરી નું મબલખ ઉત્પાદન થાય છે.
  જ્યારે સીઝન પૂરબહારમાં (ઉનાળામાં) હોય છે ત્યારે અમે જાતે સ્ટ્રોબેરી પીક કરવા જઈએ છીએ.
  આ સિસ્ટમને Pick Your Own કહે છે.
  સ્ટ્રોબેરીના ખેતરમાં પ્રવેશ દ્વાર પાસેજ બાસ્કેટો મુકેલી હોય છે. કોઈ પણ એક બાસ્કેટ લઈને અંદર જઈને તમારી જ્યાં મરજી પડે ત્યાં તમે સ્ટ્રોબેરી પીક કરી શકો છો.
  તમે ચાહો એટલી સ્ટ્રોબેરી ખાઈ શકો છો. હા, બિલકુલ મફત.
  તમને લાગે કે મેં પૂરતી સ્તોબેરી વણી લીધી છે તો બહાર નીકળી જાવ.
  બહાર કાઉન્ટર પર જઈને તમે જેટલી સ્ટ્રોબેરી પીક કરી હોય તેનું વજન કરી તે મુજબના પૈસા ચૂકવી સ્ટ્રોબેરી ઘરે લઇ જાવ.
  સ્ટ્રોબેરી પીક કરવા જાવ તો ત્યાં ખરેખર એક મેળા જેવું વાતાવરણ હોય છે.
  ખરેખર મઝા આવે છે.

  • વિનયભાઇ,
   આપના બ્લોગ પર મહાબળેશ્વર સ્ટ્રોબેરી ફેસ્ટીવલ વિષે વાંચી ને
   અચાનક જ પ્રોગ્રામ બનાવી ને સહપરિવાર નિકળી પડ્યા,
   મેપ્રો ગાર્ડન મા પહોચતા જ ૩૦૦ કિ.મી ડ્રાઇવીંગ નો થાક ઉતરી ગયો !
   સુંદર ફુલ છોડ, વિવિધ લોક, ને સાંસ્ક્રુતિક કાર્યક્રમો મા મહાલતા સ્ટ્રોબેરી નો સ્વાદ લેવા મા મોજ આવી ગઈ,
   આપના બ્લોગ પર થી જે માહિતી મળી વોટર કિંગડમ મા જવાનુ પડતુ મેલી
   ને મહાબળેશ્વર પહોચી ગયા ,ખુબ ખુબ મોજ આવી..
   આપ ને ખુબ ખુબ ધન્યવાદ..

Leave a Reply

%d bloggers like this: