Apr 142010
 

પ્રિય મિત્રો,

આજે મારા પ્રિય લેખક અને મિત્ર એવા સૌરભભાઈ શાહનો જન્મદિવસ છે. તેમને જન્મદિવસની વધામણી સાથે તેમનો આ લેખ (તેમની પરવાનગી સાથે) અહીં મૂકું છું. આ લેખ તેમના પુસ્તક ‘એકત્રીસ સુવર્ણમુદ્રાઓ‘માંથી લીધો છે.

બીજો લેખ સાંજે સાત વાગે પ્રસિદ્ધ થશે.

ઓવર ટુ, સૌરભ શાહ…

-વિનય ખત્રી

ઍન્થની અને અમૂલખચંદનાં નામ વચ્ચે શું સામ્ય છે?

ચુનીભાઈ પટેલ અમેરિકા જઈને પોતાનું નામ ચાર્લી રાખી લે કે જીવાભાઈ જોર્જ બની જાય ત્યારે ભારતમાં વસતા તેમના ભાઈઓને મજા પડે છે. દેશી ભાઈઓને ખબર નથી હોતી કે ચાર્લી, જોર્જ, રૉબર્ટ અને રીટા જેવાં નામોમાં પણ ઢંગ હોય છે, ધડો હોય છે અને ખૂબસૂરત અર્થ પણ હોય છે.

કીર્તિભાઈ, અમૂલખચંદ, શાંતિલાલ અને હસમુખભાઈએ અમેરિકા જઈને નામ બદલી નાખવાં હોય તો ક્યાં નામ રાખી શકે? કીર્તિભાઈનું નામ રૉબર્ટ હોય તો ચાલે. ટ્યુટોનિક ભાષાના આ રૉબર્ટ શબ્દનો અર્થ થાય છે – પ્રસિદ્ધિથી પ્રકાશિત થનાર. અમૂલખચંદ ઍન્થની બની શકે. લૅટિન ભાષામાં અમૂલ્ય એટલે ઍન્થની. હિબ્રુ શબ્દ સોલોમનનો અર્થ થાય છે શાંત અને હિબ્રુનો જ એક બીજો શબ્દ છે આઇઝેક જેને ન્યુટન અટકવાળા વિજ્ઞાનીએ જગવિખ્યાત બનાવી દીધો. આ આઇઝેક નો મતલબ છે હાસ્ય.

અમેરિકી અને યુરોપીય પ્રજાઓમાં મોટા ભાગનાં નામ હિબ્રુ, લૅટિન, ગ્રીક, ટ્યુટોનિક, ઍન્ગ્લો-સેકસન અને કૅલ્ટિક જેવી લાંબો ઈતિહાસ ધરાવતી ભાષાઓમાંથી આવે છે. આ વ્યક્તિવાચક નામના અર્થ પણ આપણી ભાષામાં પ્રચલિત એવા સંસ્કૃતમાંથી ઊતરી આવેલાં નામ જેટલા જ રસિક છે. આપણા પ્રીતમલાલ તે હિબ્રુના ડેવિડભાઈ. ડેવિડ એટલે પ્રિય. નાનાલાલ એટલે લૅટિનમાં પૉલ અર્થાત નાનું. કાલિદાસ એટલે? લૅટિનમાં મૉરિસનો અર્થ થાય છે ઘેરા રંગનું. આપણા નામ સાથેની સરખામણી છોડી દઈએ તોય વિદેશી નામના અર્થ મઝા આવે એવા છે. ચાર્લી નામ જેના પરથી આવ્યું તે ચાર્લ્સ એટલે મજબૂત અથવા પુરુષાતનભર્યો. જિઓ (Geo) એટલે જમીન જેના પરથી આવેલા નામ જોર્જનો ગ્રીક ભાષામાં મતલબ થાય જમીનદાર.

રીટાબહેન નામનું મૂળ માર્ગારેટમાં છે. ગ્રીક માર્ગારેટનું ઈટાલિયન રૂપ થયું માર્ગારીટા. જેનું ટૂંકું રૂપ રીટા. આ મૂળ માર્ગારેટનો અર્થ થાય મોતી. તો હવે મોતીબાઈ અને તમારામાં કોઈ ફરક ખરો, રીટાબહેન? આલ્ફ્રેડ એટલે સારો સલાહકાર અને ઍન્ડ્રુ એટલે ચાર્લ્સ જેવો જ – પુરુષાતનભર્યો અને મજબૂત, જ્યારે આર્નલ્ડનો અર્થ છે ગરુડ જેવો મજબૂત. વૉલ્ટર એટલે શક્તિશાળી, ફિલિપ એટલે અશ્વોનો ચાહક. હેન્રી એટલે ઘરનો વડો, હૅરલ્ડ એટલે લશ્કરી વડો અને ફર્ડિનન્ડ એટલે બહાદુર, ઈઝિકીલ એટલે ઈશ્વરીય શક્તિ અને ડોનાલ્ડ એટલે વિશ્વ પર રાજ ચલાવનાર અર્થાત જગજિત. કાર્ટુનપાત્ર ડોનાલ્ડ ડક અને ગઝલગાયક જગજિત સિંહ વચ્ચે કોઈક સામ્ય હશે એવો સ્વપ્નેય વિચાર આવે? અને બ્રિટનમાં દર પાંચમે માણસે જેનું નામ સાંભળવા મળે છે તે જૉનનો મતલબ? ઈશ્વર તરફથી મળેલી કીમતી ભેટ.

ચાર્લી અને જ્યોર્જ જે સ્ત્રીઓના સહવાસમાં રહે છે એમનાં નામ પણ એટલાં જ અર્થપૂર્ણ છે. અગાથા એટલે દયાળુ. કૅથરિન એટલે શુદ્ધ-પવિત્ર, હેલન અથવા હેલિના એટલે પ્રકાશ. લૅટિનમાં જ્યુલિયાનો અર્થ થાય છે સુંવાળા વાળ અર્થાત્ સુકેશી. જુલી અને જુલિયટનાં નામ જુલિયા પરથી જ આવેલાં છે. ડાયના એટલે દેવી અને એલિઝાબેથ એટલે દેવની ભક્ત. ઓલ્ગા એટલે ફરી એક વાર, પવિત્ર.

આ સ્ત્રીઓમાં કેટલાંક એવાં પણ નામ છે જેના અર્થ સમજ્યા પછી વિચાર આવે કે આવાં નામ તો મગજ ફરી ગયું હોય એવી જ છોકરીઓના રખાય. દાખલા તરીકે મરિયમ (બળવાખોર), સિલ્વિયા (જંગલમાં વસનાર), ઉર્સલા (માદા રીંછ). જોકે અર્થમાં ન જામે એવાં નામ આપણે ત્યાં પણ ક્યાં ઓછાં છે? ગાંડાલાલ, ઝીણાભાઈ, ધૂળાભાઈ.

અર્થ જાણ્યા વિના વિદેશી નામો અપનાવી લેવાનું આપણને ગમે છે. અસંખ્ય ગુજરાતી યુવરીઓનું નામ નીના છે. આ નીના એટલે? સમુદ્રની દેવી. એમ તો સૈલા નામ પણ મૂળ સંસ્કૃતનું લાગે, પરંતુ શૈલી કે શીલ સાથે એને કશી લેવાદેવા નથી. શૈલા સિસિલિયાનું આઈરિશ સ્વરૂપ છે અને મૂળ લૅતિન શબ્દ સિસિલિયાનો અર્થ જાણો છો? ઓછું દેખતું અથવા અંધ! નામનું આંધળું અનુકરણ તે આનું નામ.

નામની બાબતમાં ગુજરાતીઓએ કેટલી પ્રગતી કરી છે તેનો ગ્રાફ ગુજરાતી નવલકથાઓમાં આવતાં પાત્રોનાં નામ પરથી મળી રહે. ગોવર્ધનરામ ત્રિપાઠી વિદ્યચતુર, પ્રમાદધન, બુદ્ધિધન અને સરસ્વતીચંદ્ર જેવાં ગુણવાચક નામ લઈને આવ્યા.કનૈયાલાલ મુનશીએ પોતાનાં પાત્રોને મીનળ, મુંજાલ, કાક અને મંજરી જેવાં નામ આપ્યાં તો રમણલાલ વસંતલાલ દેસાઈએ જયંત, જ્યોત્સના, જનાર્દન, અરૂણ, કંદર્પ, રંજન અને પુષ્પા નામ આપ્યાં. ઝવેરચંદ મેઘાણીએ નિરંજન અને સુનીલા, તો મનુભાઈ પંચોળીએ રોહિણી, સત્યકામ, હેમંત અને અચ્યુત નામ આપ્યાં. સુરેશ જોષી માલા, મૃણાલ, અજય, લીલા, અશોક, ઈલા નામ લાવ્યા અને રઘુવીર ચૌધરી અમૃતા, અનિકેત તથા ઉદયન સાથે આવ્યા. મધુ રાય અમર, બાંશી, સ્વપ્ના અને શબરી નામનાં પાત્રો સાથે આવ્યા. પછી તો આધુનિક કહેવાતાં નામનો એક પાગલ જુવાળ આવી ગયો. હીરો પ્રકાશ હોય તો હિરોઈન જ્યોતિ આવે, આકાશની સાથે ધરતી, પથિક (મુસાફર) અને યાત્રા… ક્યારેક તબલાં અને બાંસુરી પણ આવશે.

પાત્રોની સાથે નવલકથાનાં શીર્ષક પણ બદલાયાં. ઈ.સ. ૧૮૯૭માં ‘પ્યાસ બડો કે પૈસો?’ નામની ગુજરાતી નવલકથા પ્રગટ થઈ હતી. ૧૯૦૮માં અમૃત કેશવ નાયક નામના ગુજરાતી લેખકે ‘એમ. એ. બના કે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી?’ શીર્ષક ધરાવતી મશ્હૂર નવલકથા લખી. ૧૯૨૬માં ‘ઈશક્નો અંજામ’, ૧૯૩૫માં ‘અથડાતાં હૈયાં’ અને ૧૯૪૦માં ‘ગુલાબી ગામડિયણ’ નવલકથાઓ પ્રગટ થઈ. શિવલાલ ત્રિભુવનદાસ નામના લેખકે ‘પ્રેમની પિસ્તોલ ઉર્ફે બાયડી કે શાયડી’ નામે એક નવલકથા પ્રગટ કરી હતી એટલું જ નહીં, ૧૯૨૮માં એની બીજી આવૃત્તિ પણ પ્રગટ થઈ હતી.

છેલ્લા અઢી દાયકામાં નવલકથાઓનાં શીર્ષકનું શીર્ષાસન થી ગયું. ‘વહેમની વિપત્તિ અને ‘અદેખાઈનો અંધાપો’ના જમાના પછી ‘છિન્નપત્ર’ (૧૯૬૫), ‘ચહેરા’ (૧૯૬૬), ‘ચિહ્ન’ (૧૯૭૮), ‘સ્વપ્નતીર્થ’ (૧૯૭૯), ‘પ્રિયજન’ (૧૯૮૦), ‘અસૂર્યલોક’ (૧૯૮૭) ‘પારદર્શકનગર’ (૧૯૮૮) અને ‘કટિબંધ’ (૨૦૦૧) જેવાં શીર્ષકો ધરાવતી નવલકથાઓ આવી. પચાસ વર્ષ પછી લખાતી આધુનિક ગુજરાતી નવલથાઓનાં નામ કેવાં હશે? પચાસ વર્ષ પછી ગુજરાતીમાં નવલકથાઓ લખાતી હશે ખરી?

આપણે ત્યાં જ નહીં, બધે આવું થતું હોય છે: એક જણ ગરબો ગવડાવવાનું શરૂ કરે એટલે બધા લોલેલોલ કરવા માંડે. શેક્સપિયરના અતિવિખ્યાત અને અતિચવાઈ ગયેલા અવતરણ ‘વૉત્સ ઈન અ નેમ?’નું આવું જ થયું છે. નામની વાત નીકળે એટલે તરત જ કોઈ બોલી પડવાનું: શેક્સપિયર તો કહી ગયા છે કે નામમાં તે વળી શું દાટ્યું છે (આ વ્યક્તિનો બીજો ફેવરિટ રૂઢિપ્રયોગ હશે: દરેક સિક્કને બે બાજુઓ હોય છે).

આગળપાછળનો સંદર્ભ જોયાજાણ્યા વિના આપણે માની લીધું છે કે શેક્સપિયરે નામને બિલકુલ મહત્વ ન આપવાની વાત કરી હતી. તદ્દન ખોટી વાત છે. સૌપ્રથમ તો શેક્સપિયરે કયા સંદર્ભમાં કહ્યું છે તે જુઓ. રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટકના બીજા અંકનું બીજું દૃશ્ય આ પ્રમાણેનું છે: જુલિયટ કૅપ્યુલેટના બગીચામાં એનો પ્રેમી રોમિયો મોન્ટેગ્યુ પ્રવેશે છે. જુલિયટ ઝરૂખામાં આવે છે અને રોમિયો નીચે ઊભો ઊભો વાત કરે છે. મોન્ટેગ્યુ અને કૅપ્યુલેટ કુટુંબો વચ્ચેના વિખવાદને કારણે બેઉનું મિલન શક્ય નથી એ મતલબના સંવાદો પછી જુલિયટ કહે છે, ‘રોમિયો, તું મોન્ટેગ્યુ કુટુંબનો છે એની જ આ બધી આપત્તિ છે. મોન્ટેગ્યુ એટલે આખરે શું? એ કંઈ હાથ, પગ, ચહેરો કે માનવીનું બીજું કોઈ અંગ તો નથી. એને બદલે બીજું કોઈ પણ નામ (અહીં અટકના સંદર્ભમાં) હોઈ શકે…’ અને પછી ઉમેરે છે, ‘નામમાં (અટકમાં) વળી શું છે? ગુલાબને ગમે તે નામ આપો તોય એની સુગંધ તો એની એ જ રહેવાની…’

ભારતીય સંદર્ભમાં આ નાટક લખાયું હોત તો છોકરીએ કહ્યું હોત કે તું રાઠોડ, પરમાર કે સોલંકી હોય કે પછી યાજ્ઞિક, જોશી કે ત્રિવેદી હોય હું તો તને જ પરણવાની. માણસની અટક એની જ્ઞાતિની અથવા ખાનદાનની પ્રતિનિધિ સમાન છે.

હવે અહીં વાત એકદમ સ્પષ્ટ છે કે શેક્સપિયર ‘નામ’ લખે છે ત્યારે વાસ્તવમાં એને ‘કુટુંબનું નામ’ એટલેકે ‘અટક’ અભિપ્રેત છે. બીજું, આખા નાટકમાં અટકને કારણે, દુશ્મનાવટ ધરાવતાં બે અલગ અલગ ખાનદાનને કારણે, રોમિયો-જુલિયટના મિલનની આડેની દીવાલ ચણાય છે. જુલિયટના મોઢે શેક્સપિયર જે કહેવડાવવા માગે છે તેનો ધ્વનિ સ્પષ્ટ છે કે જે કંઈ ઉપાધિ છે તે ખાનદાની બૅકગ્રાઉન્ડની જ છે, પણ ઈન્ગ્લૅન્ડમાં કોઈએ ચક્કર ચલાવ્યું એટલે આપણે પણ ચગડોળને ધક્કો આપીને કહેવા લાગ્યા: નામમાં તે વળી શું છે?

ગુજરાતી કુટુંબોમાં એક જમાનો કાંતિલાલોનો હતો એમાં શાંતિલાલ, ચંપકલાલ, મૂળજીભાઈ સૌ જોડાયા. કાંતિલાલ પછી ગુજરાતી પરિવારોમાં રાજુનો પવન ફૂંકાયો. રાજેશ, મહેશ, દિવ્યેશ, મીનેશ, અલ્પેષ, કમલેશ… ઈશ્વરોથી આખું જગત છલકાવા લાગ્યું. કાંતિલાલો દાદા બની ગયા અને રાજુભાઈઓ બધા બાપા બની ગયા ત્યારે મૂંઝવણ ઊભી થઈ. ખૂણેખાંચરેથી નવાં નામ શોધી લાવવાની હોડ શરૂ થઈ. અંકિત, પંક્તિ, પુલીન, કર્ણ, અનન્ય, વિસ્મય… જાણે ગુજરાતી વેપારીઓના ઘરમાં સાહિત્યિકતા વ્યાપી ગઈ. અંકિત અને વિસ્મય, જ્યારે સલોની અને નીપાણી સાથે સંસાર માંડશે ત્યારે એમનાં સંતાનો કયા નામે ઓળખાશે. કાંતિલાલ, ચીમનલાલ, શાંતિલાલ, જેઠાલાલ…

સૌરભ શાહ

સૌરભભાઈનો બીજો લેખ સાંજે સાત વાગે…

  11 Responses to “શેક્સપિયર ખરેખર શું કહી ગયો?”

 1. Happy B’day Saurabhbhai… !

 2. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…સૌરભભાઈ.

 3. Saurabhbhai, Many Many Happy Returns of the day, Janma Divas ni khub khub shubhechha

 4. સરસ લેખ અને સાથે સાથે સૌરભભાઈ શતકના થાય એવી શુભકામનાઓ!

 5. વિનય ભાઈ ધન્યવાદ,
  સૌરભભાઈ જનમદિનની ખૂબ ખૂબ શુભકામના…
  આ પ્રકારની લેખનની સોડમ માટે સાપ્તાહિક પૂર્તિયોને ક્યારના સુંધીયે છીયે પણ ????? એની વે,જલ્દી આવો નહી તો (આ અગાઉ પણ કહી ચૂક્યો છું એમ)”સી.આઈ.ડી.” ના જમાનામાં તમારા આવા લખાણ શોધવા ડીટેકટીવ દેસાઈને ડેપ્યુટ કરવા પડશે.

 6. Very nice article.. Happy birthday to Saurabh bhai.. wish he start writing on his blog again..

 7. વર્ષોથી એક લોચાનું કેટલું પુનરાવર્તન થયું? બહુ જ મજાની વાત.

 8. સૌરભભાઈને જન્મદિન મુબારક
  શેક્સપિયર એમણે અહિં જરૂર ખોટો પાડ્યો કે બિચારો કહી ગયો હતોઃ
  What is in a name?
  તેનું ગુજરાતી ભાષાંતર કર્યું
  નામમા શું ?
  ગુલાબ કહો કે જુલાબ
  સુગંધતો સરખી જ છે…
  યાદ આવ્યા
  સુરેશ દલાલ લિખિત અસત્યનારાયણના સહસ્ત્રનામૐ રૂપયાય નમઃ. ૐ ડ્રાફ્ટાય નમઃ ૐ યશવંત સિન્હા નમઃૐ ડોલરાય નમઃ ૐ ઑવરડ્રાફ્ટાય નમઃ ૐ આર.બી.આઈ. નમઃ
  ૐ પાઉન્ડાય નમઃ ૐ બેંક-બેલેંસાય નમઃ ૐ બિઝનેસ-મેનેજમેંટાય નમઃ

  ૐ રૂબલાય નમઃ ૐ બેંક કાઉંટરાય નમઃ ૐ એન.આર.આઈ નમઃ

  ૐ લીરાય નમઃ ૐ બેંક મેનેજરાય નમઃ ૐ કાર્ડિયોગ્રામાય નમઃ

  ૐ બેંકાય નમઃ ૐ બેંક ડિરેક્ટરાય નમઃ ૐ બ્લડપ્રેશરાય નમઃ

  ૐ કૉપરેટિવ બેંકાય નમઃ ૐ લોનાય નમઃ ૐ ડાયાબિટીસ નમઃ

  ૐ નેશનલાઈઅઝ્ડ બેંકાય નમઃ ૐ હૂંડી હૂંડાય નમઃ ૐ ડૉક્ટરાય નમઃ

  ૐ ઈંટરનેશનલ બંકાય નમઃ ૐ નરસિંહરાવાય નમઃ ૐ નર્સાય નમઃ

  ૐ વર્લ્ડ બેંકાય નમઃ ૐ હર્ષદાય નમઃ ૐ ઑટોપ્સીકરાય નમઃ

  ૐ પાસબુકાય નમઃ ૐ બિરલાય નમઃ ૐ ઍંજિયોગ્રાફી નમઃ

  ૐ ચેક્બૂકાય નમઃ ૐ ટાટાય નમઃ ૐ બાયોપ્સીકરાય નમઃ

  ૐ સ્લિપબુકાય નમઃ ૐ અંબાણી નમઃ ૐ મિડિયોકરાય નમઃ

 9. happy birth saurabh bhai.. and nice article.. thanks vinay for the article

 10. falguni no arth su thay?

  • ફાલ્ગુનીના અર્થ ભગવદ્‍ગોમંડળમાં આ પ્રમાણે દર્શાવ્યા છે.

   અર્જુન, ફાગણ મહિનાની પૂણિમા, એ નામનું નક્ષત્ર, પાડુંપુત્ર અર્જુનના વંશનું. પાંડુપુત્ર અર્જુનના અભિમન્યુ વગેરે પુત્રોને આ વિશેષણ લગાડાય છે. ફાલ્ગુનનું; ફાગણ સંબંધી; ફાલ્ગુન માસમાં આવતું; ફાગણને લગતું.

Leave a Reply

%d bloggers like this: