May 292016
 

પ્રિય મિત્ર,

બહુ ચર્ચિત અને સફળતાનાં શિખરો પાર કરતું મરાઠી ચલચિત્ર ‘સૈરાટ’ ગયા રવિવારે જોયું. તેના વિશે ગણું લખાયું છે, તેમાં થોડો ઉમેરો.

હું ૩૧ વર્ષથી મહારાષ્ટ્રમાં રહું છું પણ બહુ મરાઠી ચલચિત્ર જોયા નથી. દિવાળી પર મુંબઈ-પુણે-મુંબઈ-૨ જોયું, કારણ તેનો પહેલો ભાગ મને બહુ જ ગમ્યો હતો.

‘સૈરાટ’ જૂનો મરાઠી શબ્દ છે, જે અભંગમાં અને જૂના સાહિત્યમાં બહુ વપરાતો પણ ધીમે ધીમે તેનો વપરાશ ઘટતો ગયો. ‘સૈરાટ’નો નજીકનો અર્થ પાગલ, જિદ્દી, ‘પેશન’ એવો થાય.

ટીન એજ લવસ્ટોરી, ગામડાનું લોકાલ અને સરળ સંવાદો અને એપિક અંત સાથેની આ ફિલ્મ તેની સરળતાને કારણે મને બહુ ગમી. ફિલ્મના ડાયરેક્ટર નાગરાજ મંજુળે તેમના સ્વભાવ પ્રમાણે ફિલ્મને પણ સરળ બનાવી છે. મંજુળેના ગામની આસપાસ રહેતા બીન અનુભવી કલાકારો, આસપાસના સ્થળોએ કરેલું ચિત્રીકરણ અને સરળ પટકથાને કારણે ફિલ્મ સિમ્પ્લ અને ક્લાસી બની છે. ‘લગાન’માં આમિરખાન પ્રણય દૃષ્યો સ્વિઝર્લેન્ડ જવાને બદલે આશુતોષએ કચ્છના કુનરિયા ગામની આસપાસ ફિલ્માવ્યા હતા તેની યાદ આવી ગઈ. લગાનમાં તો માંજેલા કલાકારો હતા, ‘સૈરાટ’માં એવું કંઈ નથી છતાં પણ ડિરેકટરે દરેક પાસે સારુ કામ લીધું છે. લગાન માટે વિદેશી કલાકારો માટે પૂર્વ શરત હતી કે તેમને ક્રિકેટર રમતા આવડવું જોઈએ એવી જ રીતે ‘સૈરાટ’ના મૂખ્ય કલાકારો માટે નાગરાજની પૂર્વ શરત હતી કે તરતાં આવડવું જોઈએ.

ફિલ્મમાં નવોડિયા કલાકારો હોવાં છતાં ડાયરેક્ટરે તેમની પાસેથી ઉત્કૃષ્ઠ કામ લીધું છે. ડ્રોન કેમેરાનો બહુ જ સારો ઉપયોગ કર્યો છે. કબૂતરોનું ચકરાવો લેતા ઊડવાના દૃશ્યો યોગ્ય સમયે વાપર્યા છે. અજય-અતુલનું સંગીત તો સુપરહિટ છે જ પણ ડાયરેક્ટરે ફિલ્મ સિટીમાં સેટ ઊભો કરવાને બદલે કરમાળા તાલુકાના વિવિધ સ્થળોએ શૂટિંગ કર્યું હોવા છતાં ફિલ્મને પ્રેક્ષણિય બનાવી છે. ફિલ્મમાં દેખાડેલો આર્ચિનો બંગલો કરમાળા તાલુકાના ભાંગે વસ્તી, કંદર ગામનો છે, ‘યાડ લાગલ’ ગીતમાં દેખાડેલો કૂવો દેવળાલી (તા, કરમાળા) ગામમાં આવેલો છે, ‘સૈરાટ ઝાલં’ ગીતમાં દેખાડેલું વૃક્ષ, કૂવો અને મંદિર કરમાળાના છે, તે જ ગીતમાં દર્શાવેલા સૂર્યાસ્તના દૃશ્યો ઈનામદાર વાડા, ઉજની, ભૂગાવ (તા. ઈંદાપુર)ના છે, આર્ચી પરશ્યાની કોલેજ દાદા પાટિલ મહાવિદ્યાલય કર્જત (મુંબઈ પાસેનું નહીં, અહમદનગર જીલ્લામાં આવેલું કર્જત)ની છે, સલ્યાનું ગેરેજ અને સપનીની કરિયાણાની દુકાન વાંગી ગામ (તા. કરમાળા)ની છે, ક્લાઈમેક્સમાં દેખાડેલી ચાલી ચૌધરી ચાલ, વારજે, પુણેની છે. ફિલ્મમાં દેખાડેલી હૈદ્રાબાદની ઝુંપડપટ્ટી જનતા વસાહત, પર્વતી, પુણેની છે. આર્ચી જે કંપનીમાં કામ કરે છે તે મનહંસ કંપની, શેળગાવ, તા. કરમાળામાં આવેલી છે, ફિલ્મમાં દેખાડેલું સાકર કારખાનું વિઠ્ઠલરાવ શિંદે સાકર કારખાના, પિંપળનેર (તા. માઢા)માં આવેલું છે,  ગેસ્ટહાઉસ, પોલિસ સ્ટેશન, બસ સ્ટેશન વગેરે કરમાળાના છે. કેટલાક દૃશ્યો દિગ્દર્શકના પોતાના ગામ જેઊરમાં પણ ફિલ્માવાયા છે.

ફિલ્મના એક દૃષ્યના સંવાદનું મને આવડતું ગુજરાતી કરી વિરમું છું…

શું જુએ છે?

શેનું શું? ખોખો જોઉં છું..

ખોખો? ક્યારનો મારી સામે જુએ છે…

તને કેવી રીતે ખબર પડી કે તારી સામે જોઉં છું?

મેં મારી સગી આંખે જોયું…

તું શા માટે જુએ છે? તું જ જોવાનું બંધ કર.

હું જોઉં કે કંઈ પણ કરું…

હું પણ જોઉં કે કંઈ પણ કરુ. તને ન ગમતું હોય તો ન જો.

મેં ક્યાં કીધું મને ગમતું નથી.

ફિલ્મ જોયા પછી એટલું જ શીખવાનું કે આપણે ધારીએ છીએ કે ‘સમય જતાં સૌ સારા વાનાં થઈ જશે’ પણ એવું થતું નથી. દરેક સમસ્યાને, ગુંચને કાઢવી પડે છે, તેના પર મહેનત કરવી પડે છે, સમયના ભરોસે છોડી શકાય નહીં. સમય જતાં આપોઆપ ઉકેલાઈ જશે એવી આશામાં રહેવું નહીં. સમય જતાં બની શકે વધુ ગુંચવાય અને ક્યારેય ન ઉકેલાય એવી પરિસ્થિતી નિર્માણ થાય.

– વિનય ખત્રી

વિશેષ વાંચન

અપડેટ – મલ્ટિપ્લેક્સ: નાગરાજ મંજુળેઃ વેદના, વાચા અને સિનેમા – શિશિર રામાવત

  One Response to “મરાઠીમાં બોલેલું સમજાય છે કે અંગ્રેજીમાં બોલું?”

  1. બધા રીવ્યુઓ વાંચ્યાં.

    તમે આ બધા રીવ્યુઓ આપીને એક બહુ સુંદર કાર્ય કર્યું છે. સૌરભભાઈએ જે નેગેટીવ રીવ્યુ આપ્યો છે, તેના જવાબમાં જણાવવાનું કે તેમને શ્રી જય વસાવડાભાઈનો રીવ્યુ ખાસ વાંચવો જોઇએ. ફીલમ સારી છે કે ખરાબ, તેના કલાકારો સારું વર્તન કરે છે કે નઠારું તે બધું જુઓ અને તેમાંથી તમારા ઘરમાં-કુટુંબમાં-આજુબાજુમાં-સમાજમાં- આવું નઠારું ન બને તે જોવાનું, નઠારાપણાને જીવનમાંથી હાંકી કાઢો અને જે સારું છે તેજ માત્ર અપનાવો…..

    ભલે બધા નહીં પણ, થોડા કુટુંબો પણ જો આ ફીલમના સંદેશને તેમના કુટુંબ પુરતો, તેમના સંતાનો પુરતો પણ અપનાવશે, એવી આશા અને એજ આ ફીલમની સાર્થકતા વ્યક્ત કરશે.

    તમે તથા જયભાઈએ સુંદર રીવ્યુ આપ્યો છે..

Leave a Reply

%d bloggers like this: