May 282011
 

પ્રિય મિત્રો,

જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટના લેખોમાં જેમ ગીધુકાકાનો ઉલ્લેખ આવે છે તેમ અમારે પણ એક ખીચીકાકા છે. ના, તેઓ કોઈ પણ રીતે ખીચી (-ના પાપડ) સાથે સંકડાયેલા નથી. તેમનું નામ ખીમજીભાઈ ચીમનલાલ છે એટલે ટૂંકમાં ખીચીકાકા તરીકે ઓળખાય છે. તેમની ઉંમર ૯૦ પ્લસ. વર્ષોથી મુંબઈમાં રહે છે. એકાઉન્ટન્ટ તરીકે સેવા આપી હાલ નિવૃત જીવન ગાળે છે. નવરાસના સમયમાં બ્લૉગ વાંચે છે. તેમના દિકરાઓએ મોટી સાઈઝના મોનિટરવાળું કોમ્પ્યુટર વસાવ્યું છે. ટેલી પ્રોમ્ટરમાં હોય એવા મોટા ફોન્ટમાં અક્ષરો વંચાય એવી સેટિંગ કરી રાખી છે.

કૉપી-પેસ્ટ વિશે ઉપરા ઉપરી બે પોસ્ટ કરી તો તેમનો મને ફોન આવ્યો. મને કહ્યું: ‘વિનય, એક પોસ્ટમાં તું નકલકારોને વાનર સાથે સરખાવે છે અને બીજી પોસ્ટમાં તેમને કૉપીકેટ એટલે કે બિલાડી નકલ કહે છે. પણ મને લાગે છે કે તારી આ બંને ઉપમાઓ ખોટી છે.’

‘મને પૂછીશ તો હું તેમને ઘેટાની ઉપમા આપીશ. એન્થની (અમિતાભ) અને ગજની (આમીર) એ બ્લોગ બનાવ્યો એટલે આપણે પણ બ્લોગ બનાવવો. બ્લોગ માટેની આવડત કે મહેનત કરવાની તૈયારી હોય કે ન હોય.’

‘અથવા તો તેમને રખડુ જાનવરની ઉપમા આપી શકાય. જ્યાં કંઈક સારું દેખાયું ત્યાં મોઢું નાખી દેવાનું. પોતાનું કરી લેવાનું. કોઈ વાંધો લે તો કહેવાનું કે ગમતાનો કરીએ ગુલાલ!’

‘પણ તેઓ મનુષ્ય તો નથી જ. મનુષ્ય જ એક એવું પ્રાણી છે જે વિચારી શકે છે અને દરેક વિચાર યુનિક (મૌલિક) હોય છે.’

‘તેઓ કદાચ રજની(-કાંત) એ બતાવ્યા તેવા રોબોટ છે  જે લાગણી વિના પોસ્ટ બનાવતા રહે છે, વાંચ્યા વગર વહેંચતા રહે છે.’

‘રોબોટ પરથી એક વાત યાદ આવી, એવો કોઈ સોફ્ટવેર બની શકે જેમાં ઈન્ટરનેટ પર ગુજરાતીમાં કોઈ પણ લખાણ દેખાય એટલે એ લખાણ કૉપી થઈ તેની આપણા બ્લોગ પર પોસ્ટ બની જાય? એવું થઈ શકે કે લખાણ જ્યાંથી લીધું હોય તેની લિન્ક પણ મૂકાઈ જાય જેથી કોઇ વાંધો ન લઈ શકે? પોસ્ટની મૂક્યાની જાણ કરતી ઈમેઈલ પણ ગ્રૂપમાં આપમેળે થઈ જાય તો અતીઉત્તમ.’

મેં કહ્યું કે બની શકે, વધારે સુવિધાવાળું સોફ્ટવેર બની શકે. લખાણમાં વાક્યોની લંબાઈ સરખી હોય અને પ્રાસ મળતો હોય તો તેને આપમેળે ‘કવિતા’ વિભાગમાં મૂકાય એવી ગોઠવણ પણ કરી શકાય. રચના છંદોદ્‍બદ્ધ હોય તો આપમેળ ‘ગઝલ’ વિભાગમાં મૂકાય એવું પણ કરી શકાય.

‘ડન’. ખીચીકાકાએ કહ્યું: ‘જે ખર્ચો થાય તે હું આપીશ. પ્રોગ્રામર શોધીને સોફ્ટવેર બનાવડાવી આપ.’

‘પણ ખીચાકાકા, તમે આ સોફ્ટવેરને શું કરશો?

‘નકલકારોને મફત ભેટ આપીશ!’

  6 Responses to “ખીચીકાકાનો સવાલ, પ્રોગ્રામર આપે જવાબ”

  1. વાહ….વિનયભાઈ…સરસ…વ્યંગ..

  2. સરસ શરુઆત….

  3. વિનયભાઈ, આ ખીચીકાકાને મારી કોન્ટેક્ટ ડિટેલ્સ આપજોને! આમે હું મહિને એકાદ બે બ્લોગ્સ લખું છું, તેમના સૌજન્યથી આ મુક્ત સોફ્ટવેર પ્રાપ્ત થશે તો રોજની ૩-૪ પોસ્ટ્સ મારા બ્લોગ પર લખાતી થઈ જ્યાય ક્યાંક!!!!

  4. શ્રી ખીંચીકાકાને તેમના અનન્ય પશુપ્રેમ બદલ આ વર્ષનું ’શ્રેષ્ઠ પશુપ્રેમી’ એવું કોઇ સન્માન આપવાનું સુચન કરૂં છું !
    કોઇ તો છે જેમને ’પશુઓ’નું પણ પેટમાં દાઝે છે !! આભાર.

  5. આ ગીધુકાકા જેવા ખીચીકાકા ય ગમ્યા.

Leave a Reply

%d bloggers like this: