Feb 072011
 

પ્રિય મિત્રો,

ઈચ્છા મૃત્યુ વિશે થોડા સમય પહેલાં સંજય લીલા ભણસાળીની એક ફિલ્મ આવી હતી, ગુજારીશ. ફિલ્મ જોઈને ઈચ્છા મૃત્યુ વિશે બ્લૉગ પર લખવાનો વિચાર આવ્યો. ઈચ્છા મૃત્યુ વિશે મારા વિચારો રજુ કરું તે પહેલાં, ચાલો, આજે આપણે જાણીતા લેખક અને પત્રકાર શ્રી સૌરભ શાહના વિચારો જાણીએ. આ લેખ તેમના પુસ્તક મનની બાયપાસ સર્જરીમાંથી (પરવાનગી સાથે) લેવામાં આવ્યો છે:

જે પોષતું તે મારતુંનો કુદરતી ક્રમ ખોરવાઈ જાય ત્યારે – સૌરભ શાહ

૧૯૮૦માં ભારતની સંસદમાં મર્સી કિલિંગ અંગેનો એક ખરડો રજૂ કરવામાં આવ્યો હતો. આ ખરડામાં એવું સૂચન હતું કે અસાધ્ય રોગથી પીડાતી કે સંપૂર્ણપણે પથારીવશ થઈ ગયેલી અત્યંત બીમાર વ્યક્તિ પોતાના મૃત્યુ માટે જિલ્લા સરકારી હૉસ્પિટલના સિવિલ સર્જ્યનને અરજી કરી શકે અથવા પોતાના સ્વજન દ્વારા કરાવી શકે. સિવિલ સર્જ્યન જે નિર્ણય આપે તે વિશે એક તબીબ બોર્ડ તપાસ કરે અને જિલ્લા મૅજિસ્ટ્રેટ સમક્ષ પોતાની દરખાસ્ત રજૂ કરે. મૅજિસ્ટ્રેટ હકીકતોની ચોકસાઈ કરી પરવાનગી આપે અને સિવિલ સર્જ્યન દર્દીની ઈચ્છા પ્રમાણે એને મોત બક્ષે.

તે વખતના કોંગ્રેસી સંસદસભ્ય મૂલચંદ બગ્ગાએ આ કાંતિકારી ખરડો લોકસભામાં રજૂ કર્યો ત્યારે બહુમતી એમની વિરુદ્ધ થઈ ગઈ. ખરડો કાયદો ન બની શક્યો. આપણી રૂઢિચુસ્તતા અને આપણા બંધિયાર દિમાગો આવા વિચારોનો સ્વીકાર ન કરે એમાં નવાઈ નથી. પશ્ચિમના દેશોમાં યુથેનેસિયા (કષ્ટ વિનાનું સ્વૈચ્છિક મૃત્યુ) સામાન્ય બની જશે ત્યારે આપણે આની પાછળની ભાવના સમજી શકીશું, તે પહેલાં નહીં. કૂવામાં રહેતો ભારતીય સમાજ બપોરે જ સૂરજ જોઈ શકે છે. એના માટે એ સૂર્યોદય હોય છે.

મર્સી કિલિંગ અથવા દયામૃત્યુ કે ઈચ્છામૃત્યુની વિરુદ્ધમાં થતી દલીલો તપાસવા જેવી છે. વિરોધીઓનું કહેવું છે કે આપણી પરંપરા અનુસાર મૃત્યુની સમીપ પહોંચી ગયેલી વ્યક્તિઓની, દાકતરોએ તથા સગાંસંબંધીઓએ, છેલ્લા શ્વાસ સુધી સેવા-ચાકરી કરવી જોઈએ. ઑક્સિજન માસ્ક કે રેસ્પાયરેટર વડે કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપીને કે મોંઘાં લાઈફ સેવિંગ ઈન્જેક્શનો દ્વારા દર્દીની આવરદા વધતી હોય તો કશું ખોટું નથી એવું વિરોધીઓનું કહેવું છે. સામે પક્ષે, મર્સી કિલિંગના વિરોધીઓનો વિરોધ કરનારાઓ કહે છે કે જે દર્દીએ જીવવાની ઈચ્છા છોડી દીધી હોય એના પર આવાં સાધનો કે દવા-ઈન્જેક્શનો વાપરવામાં આવે ત્યારે એ વ્યક્તિને રિબાવી રિબાવીને જિવાડવામાં આવતી હોય છે.

મર્સી કિલિંગના વિરોધીઓ વૈજ્ઞાનિક શોધખોળોની વાત કરે છે: આજે અસાધ્ય લાગતા રોગની આવતી કાલે દવા શોધાઈ શકે છે એવું તેઓ કહે છે. સાચું કહે છે. હ્રદયના ધબકારા ફરી ચાલુ કરવા ડિફાયબ્રિલેટરની શોધ વર્ષો પહેલાં થઈ. વિજ્ઞાન હજુ એવા અંતિમ તબક્કે પહોંચ્યું નથી કે દર્દીને લાગે કે આ રોગની દવા મળવી હવે શક્ય નથી એટલે મારે મૃત્યુ પામવું જોઈએ. એવા કોઈ અંતિમ તબક્કે વિજ્ઞાન ક્યારેય પહોંચવાનું પણ નથી.

પરંતું સવાલ માત્ર વિજ્ઞાનનો નથી. જીવન અને મૃત્યુનો આધાર માત્ર વિજ્ઞાન પર ન હોઈ શકે. માણસના વિચારો, માણસની લાગણીઓ અને માણસની ઈચ્છાઓનું માણસના જીવનમાં સ્થાન ખરું કે નહીં? અસાધ્ય રોગથી પીડાતા માણસને જીવનમાંથી રસ ઊડી જાય ત્યારે એને પોતાની ઈચ્છા મુજબનું મૃત્યુ માગવાનો હક ખરો કે નહીં? માણસ ચારેકોરથી હતાશ થઈ જાય, પરિસ્થિતિ સામે લડવાની તાકાત તથા ઈચ્છા ગુમાવી દે ત્યારે એને આપઘાત કરવાનો હક ખરો કે નહીં? હા.

સ્વેચ્છાએ મૃત્યુ પામવાનો હક માગતી વિશ્વની તમામ સંસ્થાઓની પરિષદનું પ્રમુખપદ એક જમાનામાં એડમન્ડ હિલેરીએ સંભાળ્યું હતું. પ્રથમ એવરેસ્ટ આરોહણ જેવી મોટી ભૌતિક સિદ્ધિ જીવનમાં હાંસલ કરનાર વ્યક્તિ પણ સ્વૈચ્છિક મૃત્યુની તરફેણ શા માટે કરતી હશે એ વાત પણ વિચારવા જેવી છે.

માણસને વિકલ્પો જોઈએ છે કારણ કે માણસને સ્વતંત્રતા જોઈએ છે. વિકલ્પો માણસના સ્વાતંત્ર્યને વિસ્તારે છે. દરિયાકિનારે રહેવું કે પહાડીઓ પર રહેવું, ગંભીર સાહિત્યનું વાંચન કરવું કે છાપાં-મૅગેઝિનોમાં પડ્યા પાથર્યા રહેવું, કમાવા માટે જિંદગી ખર્ચી કાઢવી કે જિંદગીને ખૂબસૂરત બનાવવા જેટલી કમાણી કરીને અટકી જવું, કોની સાથે સંબંધો રાખવા અને કોની સાથે નહીં, કુદરતી મૃત્યુ સુધી ભરપૂર જીવી લેવું કે પછી મૃત્યુ નથી આવતું એટલે પરાણે જીવ્યા કરવું.

બધી જ બાજુએથી ઘેરાઈ ચૂકેલા માણસને અન્ય કોઈ વ્યક્તિ જીવનનો અંત લાવવાની સલાહ ન આપી શકે. એની સમસ્યાઓને દૂર કરવાની કોશિશ કરે, એને સાંત્વન આપે, એની હતાશા દૂર થાય એ રીતે પ્રોત્સાહન આપે, ટૂંકમાં, એને આપઘાત કરતાં રોકે. પણ જેને મનોમન નિશ્ચય કર્યો  હોય કે, હવે બહુ થયું. એ વ્યક્તિને મરવાનો અધિકાર હોવો જોઈએ.

વાત માત્ર અસાધ્ય રોગોની નથી. જેને નખમાંય રોગ ન હોય એવી વ્યક્તિને પણ જીવનમાંથી રસ ઊડી જઈ શકે છે. જે નથી કોઈ અંડર વર્લ્ડના ચક્કરમાં ફસાઈ, જે નથી કોઈ દેવામાં ડૂબી ગઈ, જે નથી કોઈ સંબંધોથી તૂટી ગઈ એવી વ્યક્તિને પણ વિચાર આવી શકે છે કે હવે મારે પૂર્ણવિરામ લાવી દેવું છે આ આયખાનું.

જરાક અમથું ખોટું લાગી જાય એટલે માથે ઘાસલેટનું ટીન રેડીને જાતને દીવાસળી ચાંપી દેવાની હિમાયત અહીં નથી થતી. તમામ આપત્તિઓનો, તમામ મજબૂરીઓનો સામનો માણસે કરવો જોઈએ કારણ કે બળીને રાખ થઈ ગયેલું લાગતું અસ્તિત્વ પણ આવતી કાલે કંઈક એવું બને જેને કારણે ચેતનવંતી પાંખો લઈને ફરી બેઠું થઈ જાય. અંગતપણે એવી દ્રઢ માન્યતા છે કે કુદરતી મોત થવાનું હોય તો ભલે આ ઘડીએ થઈ જાય પણ આપઘાત તો ક્યારેય ન થઈ શકે. પણ અહીં બધી વાત પોતાના ફાયદા માટે કરવી જરૂરી નથી. મીનુ મસાણીએ મૃત્યુ પામવાનો હક સરકાર પાસેથી માગ્યો ત્યારે એનું કારણ એ નહોતું કે વૃદ્ધાવસ્થામાં એમને જીવવાનો મોહ ઓછો થઈ ગયો હતો. તેઓ અંગત સ્વાર્થ માટે નહીં, સમાજની તંદુરસ્તી માટે સ્વમાનભેર મૃત્યુ પામવાનો હક માગતા હતા. મસાણી સાહેબનું અવસાન કુદરતી હતું.

જીવવાનો મૂડ ન હોય ત્યારે તરજ જ આપઘાત કરી નાખવો જરૂરી નથી. પણ માણસ સતત એવા જ મૂડમાં રહેતો હોય, મહિનાઓ અને વર્ષો સુધી દિશાહીન બનીને ભટક્યા કરવું પડશે એવી ખાતરી થયા કરતી હોય, પોતે કોઈના માટે ઉપયોગી નથી અને કોઈ પોતાના માટે ઉપયોગી નથી એવો વિશાળ ખાલીપો હ્રદયમાં ફેલાતો જતો હોય ત્યારે એ શું કરે? માનસશાસ્ત્રીઓ કહેશે કે આપઘાત તો ન જ કરે. માનસચિકિત્સકો એના મગજમાંનાં રસાયણોને ઓછાંવત્તાં કરનારી ટીકડીઓ ખવડાવીને એની આપઘાત કરવાની વૃત્તિ નાબૂદ કરી નાખશે.

ચારેકોર તરછોડાયેલી વ્યક્તિઓ ઉપરાંત સ્વૈચ્છિક મૃત્યુનો હક તમામ બાબતોમાં સંતુષ્ટ થઈ ચૂકેલી વ્યક્તિને પણ મળવો જોઈએ. આત્મહત્યા ગેરકાનૂની છે પણ આમરણ ઉપવાસ કે સંથારાને અવૈધ્ય ગણવામાં આવ્યા નથી. માણસને પૂરેપૂરો સંતોષ થઈ જાય કે જેટલું જીવવું હતું એટલું જીવી લીધું છે ત્યારે એ સંતોષનો ઓડકાર ખાઈને ભાણા પરથી ઊભા થતા માણસની જેમ, દુનિયાને છોડીને જતો રહે તો એની અંગત પસંદગી છે.

જીવનનો હક માણસનો મૂળભૂત અધિકાર છે. દરેક અધિકારમાં એ હકના નકારાત્મક પાસાનો પણ સમાવેશ થતો હોય છે. વાણી સ્વાતંત્ર્યના અધિકારમાં મૌન રહેવાનો હક્ક છુપાયેલો છે. લગ્ન કરવાના અધિકારમાં અપરિણીત રહેવાના હકનો પણ સમાવેશ થઈ જાય છે. માણસના જીવવાનો મૂળભૂત અધિકાર હોય ત્યારે એને મૃત્યુ પામવાનો અધિકાર પણ મળવો જોઈએ.

જેને ભરપૂર જીવવું છે એને તમે જીવવા ન દો એ જો ગુનો કહેવાતો હોય તો જેને મરવું છે એને મરવા ન દઈએ તો એ પણ એટલો જ ગંભીર ગુનો છે.

  6 Responses to “ઈચ્છા મૃત્યુ: જે પોષતું તે મારતું – સૌરભ શાહ”

 1. ગુઝારીશ ફિલ્મ ના અનુસંધાન માં વાંચવા જેવો લેખ છે.

 2. સૌરભભાઈ નો સર લેખ આપે મૂક્યો. ઈચ્છા મૃત્યુ કેવા સંજોગમાં ? અને તે માટે કોણ નક્કી કરે ? તે પણ એટલું જ અગત્યનું છે, દર્દી બોલવાની હાલતમાં નથી કે કોમમાં છે ત્યારે તેને ઈચ્છા મૃત્યુ ની જરૂરત છે તે ઈચ્છા કોણ નક્કી કરે ? દર્દીના સગા- કે ડોક્ટર?

  આ મુદ્દો એટલો બધો નાજુક છે કે જો તેની ગંભીરતા સમજવામાં ના આવે તો તેના જુદા જ પરિણામો જોવા મળે. જ્યાં આ પ્રકારની માન્યતા છે ત્યાં પણ હજુ સુધીમાં કેટલા કેશને માન્યતા મળી ? અને કેવા સંજોગોમાં તે પણ અભ્યાસ કરવો જોઈએ તેવું લાગે છે.

  આપણો દેશ કદાચ આ બાબતમાં નિર્ણય લેવામાં ઘણો પાછળ હશે પરંતુ સાથે સાથે તેની મર્યાદાઓ અને તેની આડ અસરનો નો પણ મંજૂર કરનારને ખ્યાલ હશે જ!?

  આપણે વિચારી શકીએ, પરંતુ તે માન્ય રાખવું કે નહિ તે માણસ પાસે જેટલી સતા છે તેના કરતાં ઈશ્વર પાસે વધુ છે. હા, સંથારો એક અવેજી છે પરંતુ તે સભાન અવસ્થામાં અને મોટેભાગે તંદુરસ્ત અવસ્થામાં લેવામાં આવતો નિર્ણય છે તેવી સમજ છે. નહિ કે બેભાન અવસ્થામાં કોઈ અન્ય દ્વારા લેવાયેલ નિર્ણય !

 3. ઇચ્છામૃત્યુમાં જે શબ્દ ધ્યાન દોરવા જેવો છે, તે છે ઇચ્છા. શું મનુષ્યને મરવાની ઇચ્છા હોઇ શકે? સામાન્ય રીતે દરેક જીવ છેલ્લા શ્વાસ સુધી જીવવા માંગે છે અને તે માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા પણ માંગે છે. જીજીવિષા એ બહુ જ અગત્યની વાત છે અને કુદરતે તે મનુષ્યસહિત સમગ્ર સજીવસૃષ્ટીને આ જીજીવિષાવાળી બનાવી છે.

  તો પછી શા માટે મનુષ્ય મરણ ઇચ્છે છે. મારા મતે તે મનુષ્યની ઇચ્છા નહિ, પણ એકાદ ક્ષણની નબળાઇ છે. અપઘાત કરવા નીકળેલી વ્યક્તિને પણ જો એક ક્ષણ રોકી રાખીયે તો તે ફરી અપઘાત કરવાનો પ્રયત્ન લગભગ નથી કરતો. હકીકતમાં જ્યારે પીડાને કારણે તેને બધા રસ્તા બંધ હોવાનો (ભ્રમિત) આભાસ થાય ત્યારે તેને સહુથી સરળ અને હાથવગો માર્ગ દેખાય છે મૃત્યુ. અને તે આ માર્ગે આગળ વધવા ઇચ્ચે છે. આવા મનુષ્યનું તો મગજ આપત્તિને લીધે બહેર મારી ગયું હોય છે, પણ સમાજના બીજા સભાન લોકો તેને એ માર્ગે આગળ વધતો અટકાવી સાચો રાહ બતાવે તે જરુરી છે.

  અને એક અગત્યની વાત જે અશોકદાદાએ રજૂ કરી કે આ અંગે નિર્ણય કોણ લે? દર્દીના સગાવાહ્લા આ નિર્ણય લે તે તદ્દન અયોગ્ય છે. પણ દર્દી આ નિર્ણય લે તે પણ અયોગ્ય જ છે. કારણે કે આટલી પીડા ભોગવી ચુકનાર વ્યક્તિની માનસિક સ્થિતિ હંમેશા સબૂત હોય જરુરી નથી. કાયદો તો દારૂના નશાના પ્રભાવ હેઠળ લીધેલા નિર્ણયને પણ માન્ય નથી કરતો, તો આવી માનસિક રીતે હતાશ વ્યક્તિના નિર્ણયને કબુલ કેમ રખાય?

 4. ભાઈશ્રી.

  દરેક સમસ્યાનો ઉકેલ હોય છે,

  પરંતુ કુદરત આગળ માણસ લાચાર છે.

  કિશોરભાઈ

 5. Jo aa granth na rachayo hot to kadach aapani gujarati apahit hot.

 6. શ્રી વિનયભાઇ,
  સૌરભ શાહનો લેખ સારો છે. આપણા સંતાને એના જીવનમાં શું કરવું, કોની સાથે પરણવું, કઈ લાઇનમાં અભ્યાસ કરવો એની ઇચ્છા શી હોવી જોઇએ એ અધિકાર હાથમાં લઈ લેતાં તો આપણે અચકાતા નથી હોતા! આ બાબતમાં કોઈ ’ઇચ્છાજીવન’ જેવા કાયદાની જરૂર ન સમજનારા આપણે સૌ મૃત્યુની બાબતમાં બહુ ચર્ચા કરીએ છીએ..
  ’ઇચ્છામૃત્યુ’માં ઇચ્છાનો અધિકાર કોને? દરદીને પોતાને જ.
  એ જો ઇચ્છા વ્યક્ત ન કરી શકે એવી સ્થિતિ હોય તો સગાંવહાલાં એ અધિકાર પોતાના હાથમાં લઈ શકે?
  મૃત્યુ તદ્દન નજીક હોય,
  માત્ર ઉપકરણોની મદદથી એને પાછું ઠેલવાનું હોય
  ઉપકરણો વિના માત્ર તકલીફ જ જોવાની હોય પણ મૃત્યુને ટાળી શકાય તેમ ન હોય
  તો સગાંવહાલાંને ડૉક્ટરના પ્રમાણપત્રથી આ અધિકાર મળવો જોઇએ.
  હંમેશાં એવું ન માની લેવું જોઇએ કે કુટુંબીઓ માત્ર સંપત્તિ પ્રાપ્ત કરવા માટે આવું કરશે.

Leave a Reply

%d bloggers like this: