Feb 242008
 

પ્રિય મિત્રો,

નેટસૅવિના એક વાચક મિત્ર લખે છે કે મારે મારા બ્લોગ પર ફોટોગ્રાફ અપલોડ કરવા હોય તો તેની રીત બતાવશો…?

તો ચાલો આજના નેટસૅવિના મણકામાં આપણે જોઈએ કે આપણાં બ્લોગ પર ફોટા કેવી રીતે અપલોડ કરી શકાય.

સૌપ્રથમ આપને યાદ અપાવી દઉં કે વર્ડપ્રેસ.કોમ હવે આપણને મફતમાં ૩ જીબી જેટલી ડેટા અપલોડ કરવાની સુવિધા આપે છે. આ સમાચાર આપે ગુજરાતી કે અંગ્રેજીમાં વાંચ્યા જ હશે. ૩ જીબી એટલે ૩ ગીગાબાઈટ એટલે કે ૩,૦૦૦,૦૦૦,૦૦૦ અક્ષરો લખી શકાય તેટલી જગ્યા! અથવા અહીં નીચે આપ્યો છે તેવા આશરે એક લાખ છત્રીસ હજાર ચારસો જેટલા ફોટા મૂકી શકાય તેટલી જગ્યા! આટલી જગ્યા મારા માટે અધધધ છે. છતાં વધારે ફોટા મૂકવા હોય તો ફ્લિકર, ફોટકી, ટાઈનીપીક અને વિડીઓ માટે યુટ્યુબ જેવી સુવિધા છે જ!

આટલું જાણ્યા પછી હવે જોઈએ કે આપણે આપણાં ફોટા વર્ડપ્રેસ પર કેવી રીતે અપલોડ કરીશું.

પહેલા આપણે જોઈએ કે લેખ લખતાં લખતાં ફોટા અપલોડ કરવા માટે શું કરશું?

Picture Upload

પોસ્ટ એડીટ કરવાના બોક્ષની નીચેની તરફ જુઓ જ્યાં “Save” અને “Publish”ના બટનો છે ત્યાં. અહીં Upload, Browse, Browse All, Videos, Slideshows વગેરે ટેબ્સ આપને દેખાશે. અહીં “Upload” પર ક્લિક કરશો તો ઉપર મુજબનું અપલોડ માટેનું ટેબ આગળ આવશે. અહીં “Browse…”નું બટન દબાવીને આપના કોમ્પ્યુટર પર જે જગ્યાએથી ફાઈલ લઈને અપલોડ કરવાની છે તે ફાઈલને સિલેક્ટ કરી લો. અહીં ઉદાહરણમાં હું મારા ડેસ્કટોપ પરથી test.jpg નામની ફાઈલ લઉં છું. Titleમાં તે ફોટાને યોગ્ય મથાળું અને Discriptionમાં તેનું વિવરણ લખી Upload કરી દો. હવે Browseનો ટેબ આગળ આવશે અને આવું દેખાશે:

Browse

અહીં “Show:” માં Full size પર ક્લિક કરો અને “Link to:”માં None પર ક્લિક કરી “Send to editor”નું બટન દબાવી દો! આટલું કરવાથી આપની પોસ્ટ પર આ ફોટો આવી જશે.

Test

આવી રીતે આપ એક પછી એક ફોટોગ્રાફ અપલોડ કરીને પોસ્ટ પરમૂકી શકશો. વધારે ફોટા હોય અને બધાની Thumbnail પોસ્ટ પર મૂકીને તેની લિન્ક આપવી હોય તો તે માટે Browse ટેબ પર Show: માં Thumbnail પર ક્લિક કરો.

વધુ વિકલ્પ અને માહિતી સોમવારે…

આ પહેલાનો મણકો વાંચવા અહીં ક્લિક કરો: ચાલો બનીએ નેટસૅવિ (૧૨) * સમગ્ર શ્રેણી વાંચવા અહીં ક્લિક કરો: નેટસૅવિ

  12 Responses to “ચાલો બનીએ નેટસૅવિ (૧૩)”

 1. How about uploading audio (MP3)? I tried but could not make it. Any tutorial on that?

 2. જીજ્ઞેશ?ભાઈ!

  આપ આપનું સાચું નામ ઈમેઈલ આઈડી સાથે અને પ્રોક્ષીની પછવાડે છુપાયા વગર કમેન્ટ કરી હોત તો વધારે મજા આવત!

 3. ભાઈ અનિમેષ, હું તો કંપનીની ફાયરવોલ/પ્રોક્ષી પાછળથી જ નેટ એક્સેસ કરી શકું છું. એનો બીજો કશો ઉપાય થાય? બંધુ, નેટસેવી હોત તો સવાલ જ શું કામ પુછત? ઇમેલ આઇડી આપવામાં ભયસ્થાનો ઘણાં છે. ખૂબ સ્પામ આવે છે- બ્લૉગરોના, વિયાગ્રાવાળાના અને આજકાલ ઉંઝાજોડણીવાળાના. ઇમેલમા નહીં પણ જાહેરમાં આનો ઉકેલ બતાવીશ તો વાચક વર્ગને પણ કામ લાગશે. રામ રામ ….

 4. અજ્ઞાત ભાઈ!

  એકદમ સાચી વાત! સ્પામ એક માથાનો દુઃખાવો છે. પણ તે માટે ઈમેઈલ ન વાપરવાનું કારણ વ્યાજબી નથી. દરેક ઈમેઈલ સાથે સ્પામ ફિલ્ટર આવે જ છે. આપ કઇ ઈમેઈલ સર્વિસ વાપરો છો તે જણાવશો જેથી તેનો સ્પામ ફિલ્ટર કેવી રીતે સેટ કરી શકાય તે જણાવી શકું.

  લોકો અકસ્માતના ડરથી ઘરની બહાર નથી નીકળતા અને ઘરમાં બેસી રહેવું સલામત સમજે છે તેમને જણાવવાનું કે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના સવારે પોણ નવ વાગે ભુજમાં પોતાના ઘરમાં બેઠા હતા તેમને પૂછી જો જો.

  આપ મને animeshantani@gmail.com પર સંપર્ક કરી શકો છો. મારા તરફથી સ્પામનો વધારો નહીં થાય તેની ૧૦૦% ખાતરી સાથે!

 5. અનિમેષ,

  ચર્ચા સારી ચાલી. તારા મુદ્દા વ્યાજબી છે. ઈમેલની આઇડીની તરફેણ માટે ૨૬ જાન્યુઆરી અને ભુજની કારમી યાદ તાજી કરાવી જોરદાર વજન ઉભું કર્યું. પરંતુ આ ઘટનાઓ તો કુદરતી હતી ને! વારુ, આપણે ઘરની બહારતો નીકળવું જ પડે. ડરીને ઘરમાં ના બેસી રહેવાય. વળી રસ્તે ચાલતાં સામાન્ય રીતે ધાર ઉપર ચલાય. સામે ચાલીને ટ્ર્ક નીચે થોડું પડાય!

  હું યાહુ અને જીમેલના ઈમેલ આઇડી ધરાવું છું અને વાપરું પણ છું. સ્પામ ફિલ્ટરની તો મને જાણકારી છે અને એ પણ જાણું છું કે નધણિયાતા ઈમેલ બ્લોક કરી શકાય પણ એકવાર ઈનબોકસમાં તો એ આવે જે ને! વળી સ્પામ કરવાવાળા, કાચિંડાની જેમ આઈડી બદલતા રહે છે જેથી વારેવારે ઈનબોક્સ છલકાવી શકે. આ કારણે, બ્લૉગ પર અભિપ્રાય આપવામાં એને અનડ્યુલિ વલ્નરેબલ બનાવવા મને બહુ પસંદ નથી.

  મને ખાતરી છે કે અનિમેષભાઇ સ્પામમાં વધારો કરવા માટે ઈમેલ નથી માગતા, આ તો એમની નવું નવું શોધવાની ક્યુરિઓસિટિ એમને નવા વાચકને પિછાનવા તલપાપડ કરે છે. અંગત રીતે ઈમેલ કરી મારી ઓળખાણ આપીશ.

  આ ચર્ચામાં, મુખ્ય મુદ્દો- ‘ઓડિયો (એમપી ૩) કેમ અપલોડ થાય’ એ વિસારે પડી જાય એ શું અનિમેષ ભાઇને ગમશે?

 6. અજ્ઞાત ભાઈ!

  અહીં ચર્ચા કરવાનો હેતુ વાતને વિસારે પાડી દેવાનો નથી.

  એક ઈચ્છા વ્યક્ત કરી કે જો “આપ આપનું સાચું નામ ઈમેઈલ આઈડી સાથે અને પ્રોક્ષીની પછવાડે છુપાયા વગર કમેન્ટ કરી હોત તો વધારે મજા આવત!” અને વાત-વાતમાં ચર્ચા થઈ ગઈ! અહીં ભુજનું ઉદાહરણ આપીને કહેવું હતું કે સાવધાની રાખવી, ડર નહીં.

  અહીં ૪૧૧ કોમેન્ટ્સમાંથી ૭ નનામી કોમેન્ટ્સ પણ છે, હવે જો હું ૭ નનામી કોમેન્ટ્સથી ડરીને કોમેન્ટ્સ લખવાનું ડીસેબલ કરી દઉં તો? બાકીના ૪૦૪ કોમેન્ટ્સ ને અન્યાય થશે અને બ્લોગનો હેતુ માર્યો જશે. કોમેન્ટ્સ દ્વારા કોમ્યુનિકેશન થાય છે. આપનું ઈમેઈલ આઈડી જાણવાનું કારણ પણ આ જ. જરુર પડ્યે આપની સાથે કોમ્યુનિકેશન થઈ શકે.

  “અંગત રીતે ઈમેલ કરી મારી ઓળખાણ આપીશ”નું વચન પાળશો એવી આશા સાથે…

  આપના પ્રશ્નનો જવાબ:

  વર્ડપ્રેસ હાલમાં (મફ્તમાં) ફક્ત jpg, jpeg, png, gif, pdf, doc, ppt, odt ફાઈલ અપલોડ કરવાની સુવિધા આપે છે. આપને એમપી૩ ફાઈલ અપલોડ કરવી હોય તો તે માટે ‘સ્પેસ અપગ્રેડ’ કરવી પડે જે વર્ડપ્રેસની પેઈડ સેવા છે અને 5જીબી માટે વર્ષે 20 US ડોલર ચુકવવા પડે.

  મફતમાં એમપી૩ ફાઈલો અપલોડ કરવી હોય તો ફ્રીસર્વર્સ, જીયોસિટીઝ કે ટ્રાયપોડ જેવી સાઈટની મદદથી થઈ શકે.

  ઉપરાંત, પાયરસીનો ગંભીર પ્રશ્ન તો ઉભો જ છે…

 7. ખૂબ ખૂબ આભાર અનિમેષ.

  અગાઉની ૭ નનામી કોમેન્ટસમાં શું મારી એકે કોમેંટ છે? મારી તો માત્ર આ ૪ કોમેંટ છે. એય પાકા નામથી. તમે ભલે એને અજ્ઞાત તરીકે લો.

  મારી સાથે ગમે ત્યારે કોમ્યુનિકેટ કરવા માટે તમને નિમંત્રણ છે. http://phantomsurf.wordpress.com ઈચ્છો ત્યારે કોમેંટ કરી શકો છે.

  તમારી સાથે ચર્ચા કરવાનું ગમ્યું.

 8. અજ્ઞાત જીજ્ઞેશ ભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર!

  આપની ૪ ઉપરાંત બીજી ત્રણ કોમેન્ટ પણ આપ જે આઈપી વાપરો છો તેના પરથી છે! જ્યાં સુધી આપની ઓળખ છતી નથી થતી ત્યાં સુધી આપ મારા માટે અજ્ઞાત જ છો અને આપનો IP જ મારા માટે ઓળખ છે!

  આપણાં કોમ્યુનિકેશન માટે એક આખો બ્લોગ બનાવીને વર્ડપ્રેસના રિસોર્સને વેડફવાની (મારા મતે) જરુર ન હતી. અહીં આ જગ્યા છે જ!

  મને પણ આપની સાથે ચર્ચા કરવાનું ગમ્યું…

 9. અનિમેષભાઈ , તમને મારા નામથી સંતોષ નથી તો લો વધુ માહિતી આ પ્રમાણે છે.

  નામઃ જીજ્ઞેશ શાહ
  વતનઃ અમદાવાદ
  હાલઃ અમેરિકા (H1B પર એન્જીનિયરીંગ જોબ)
  બ્લોગઃ http://www.phantomsurf.wordpress.com
  ઈમેલઃ phantomsurf@googlemail.com

  ઉમરઃ ૨૮ વર્ષ
  ઉંચાઈઃ ૫’ ૧૦”
  વજનઃ ૭૦ કિગ્રા
  હોબીઃ પુસ્તકો/મેગેઝિન વાચવાં, નેટ સર્ફિંગ, ક્રિકેટ

  પરણેલો નથી એટલે છોકરી શોધું છું (ગુજરાતી બ્લોગીંગમાં રસ ધરાવતી હોય તેને પહેલી પસંદગી). કોઈ ધ્યાનમાં હોય તો કહેજો.

  બોલો બીજું શું જાણવા માગો છો?
  મારા વર્ડપ્રેસ બ્લોગ (વેડફેલા રીસોર્સ) પર જણાવશો તોય વાંધો નથી.
  તમારો બ્લોગ મારા મતે બિલકુલ રીસોર્સ યુટિલાઇઝેશન/એનહાન્સમેંટ છે.
  મનોરંજનના ખાંખાખોળા તો અમૂલ્ય જ હોય ને!

 10. અરે હા, નેટસેવિ મિત્ર, તમારા આ બ્લોગ પર કોમેંટ સીધી ગુજરાતીમાં ટાઈપ થાય એવું કૈક કરો ને!

 11. સૌપ્રથમ ‘વેડફાયેલા રિસોર્સ’ શબ્દો વાપરતાં આપને માઠું લાગ્યું છે તે માટે ક્ષમા યાચના.

  આ શબ્દો આપના બ્લોગ માટે નથી વાપર્યા પણ “આપણાં કોમ્યુનિકેશન” માટે વાપર્યા છે, જુઓ મારું વાક્ય “આપણાં કોમ્યુનિકેશન માટે એક આખો બ્લોગ બનાવીને વર્ડપ્રેસના રિસોર્સને વેડફવાની (મારા મતે) જરુર ન હતી. અહીં આ જગ્યા છે જ!”

  અને હા, બ્લોગ પર સીધી ગુજરાતીમાં કોમેંટ ટાઈપ થાય એવું કૈક કરવા માટે થોભો અને થોડી રાહ જુઓ..

 12. અને હા, જીજ્ઞેશભાઈ,

  મને આપના નામથી અને આ બાયોડેટાથી સંતોષ નથી. મારા માટે ‘અજ્ઞાત’ભાઈ જ બરાબર છે.

  આ બાયોડેટાને જરા મઠારીને કોઈક છોકરીને આપજો, કદાચ કંઇ જામી જાય! બેસ્ટ ઓફ લક!

  બીજું હું જે જાણવા માગું છું તે ખાંખાખોળા કરી જાણી લઈશ. મારા લાયક કામકાજ હોય તો નિઃસંકોચ લખશો.

  સમય મળે તો આ બે પોસ્ટ વાંચવા વિનંતી ૧. ગોલમાલ સાથે તડાફડી ૨. ઓળખી લો આ ખેપાનીને…

Leave a Reply

%d bloggers like this: