Sep 192011
 

પ્રિય મિત્રો,

ઘણાં બ્લૉગર મિત્રો મને પૂછતા હોય છે કે એક બ્લૉગ રાખવો સારો કે એક કરતાં વધુ?

જવાબમાં હું હમેશા કહેતો હોઉં છું કે બ્લૉગ લખનાર અને બ્લૉગ વાંચનાર (વાચક વર્ગ) એક હોય તો એક કરતાં વધુ બ્લૉગ ચલાવવા કરતાં એક જ બ્લૉગ રાખવો ઉત્તમ.

દા.ત. હું ફનએનગ્યાન નામનો આ બ્લૉગ ચલાવું છું, કાલે સવારે, ધારો કે, મને મન થયું કે કવિતાનો એક નવો બ્લૉગ બનાવું. ફક્ત ધારવાનું છે, બાકી મારી અને કવિતાની વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષોમાં છે! 🙂 હવે મારી પાસે બે વિકલ્પ છે, ૧) કવિતા માટેનો નવો બ્લૉગ બનાવું, ૨) ફનએનગ્યાન.કોમ પર કવિતાનો એક નવો વિભાગ બનાવું.  ઉપર કહ્યું તેમ બંને બ્લૉગ મારે જ સંભાળવાના હોય અને તમારે જ વાંચવાના હોય બે બ્લૉગ બનાવવાને બદલે એક જ બ્લૉગ પર બે વિભાગ પાડવા સારા પડે કે નહીં?

આર્થિક રીતે સરખામણી કરીએ તો વર્ડપ્રેસ બ્લૉગ હોય કે સેલ્ફ હોસ્ટેડ બ્લોગ હોય, બીજો બ્લોગ બનાવવાથી કંઈ ફરક પડતો નથી. વર્ડપ્રેસ બ્લૉગ તો મફત છે એટલે દલાતરવાડીની જેમ બ્લૉગ બનાવું બે-ચાર પૂછીશું તો સામેથી જવાબ આવવાનો છે બનાવને દસ-બાર! તેવી જ રીતે સેલ્ફ હોસ્ટેડ બ્લોગ હોય તો હોસ્ટીંગમાં આજકાલ અનલિમિટેડ સ્પેસ મળે છે તેથી વધુ એક બ્લૉગના પૈસા ચૂકવવા પડતા નથી તેમજ ડૉમેઈન (નામ) માટે સબ ડોમેઈલ (દા.ત. poem.funngyan.com) અથવા સબ ફોલ્ડર (funngyan.com/poem/ ) જોઇએ તેટલા બનાવી શકાય છે અને તે માટે એક પાઈ (સેન્ટ) ચૂકવવી પડતી નથી.

સવાલ બ્લૉગર અને વાચકની સગવડનો છે. એક જ વ્યક્તિ બ્લૉગ સંપાદિત કરતી હોય તો એક બ્લૉગ હોય તો તે વધારે સુવિધા જનક રહે. પાસવર્ડ યાદ રાખવાથી પ્રમોશન સુધીની માથાકૂટ બંને બ્લૉગ માટે કરવી પડે. વાચકની પાસે પણ લિમિટેડ સમય હોય. કેટલાય વાચકો સાયબર કાફેમાં (દસ રૂપિયા અડધા કલાકના આપીને) બ્લૉગ વાંચતા હોય કે ઑફિસ કે ઘરમાં સમય કાઢીને વાંચતા હોય. એક બ્લોગ હોય તો વધુ સુવિધા રહે.

સાઈટની હિટ્સ વગેરે બે બ્લૉગમાં વહેંચાઈ ન જાય, વાચકો વધુ સમય એક જ બ્લૉગ પર રહે તેથી વધુ સારું એલિઝા રેન્ક મળે.

આ મુખ્ય મુદા, ઉપરાંત બીજા પણ નાના-મોટા મુદ્દાઓ અહીં ઉમેરી શકાય.

અહી એક મહત્વનો સવાલ: બંને બ્લૉગનો વાચક વર્ગ એક જ છે તે કેમ ખબર પડે? બીજા બ્લૉગની લિન્ક પહેલા બ્લૉગ પર મૂકવી પડે એ પહેલો પૂરાવો અને તે લિન્કને મળેલી ક્લિક્સની સંખ્યાએ એ બીજો પુરાવો!

હવે જોઈએ કઈ પરિસ્થિતિમાં બે બ્લૉગ અલગ હોય તો સારા.

વાચકવર્ગ અલગ હોય. દા.ત. અલગ અલગ ભાષા કે એક બીજાથી અલગ વિષય વસ્તુ હોય તો અલગ બ્લૉગ બનાવવો જરૂરી.

જે લોકો પોતે મૌલિક લખે છે અને સાથે સાથે બીજાએ લખેલી રચનાઓ પણ મૂકે છે તેઓ બે અલગ બ્લૉગ બનવી શકે, ભવિષ્યમાં કૉપીરાઈટનો કાયદો અસરકારક રીતે અમલમાં આવે તો પોતાની રચનાઓ સલામત રહે અને બીજાની રચનાવાળો બ્લૉગ કૉપીરાઈટના ચક્કરમાં સ્થગિત કે ડિલિટ કરવો પડે તો વાધો ન આવે!

આ ત્રણેક મુખ્ય મુદા, ઉપરાંત બીજા પણ નાના-મોટા મુદ્દાઓ  અહીં ઉમેરી શકાય.

વર્ડપ્રેસ પર બ્લૉગ હોય તો ગમે ત્યારે એક બ્લૉગમાંથી બે બ્લૉગ અથવા બે બ્લૉગમાંથી એક બ્લૉગ કરી શકાય.

દા.ત. મારા વર્ડપ્રેસ પર ત્રણ બ્લૉગ છે અને ત્રણે બ્લોગના લેખને એક બ્લૉગમાં લઈ લેવા છે કે પછી ત્રણે બ્લૉગના લેખ ચોથા બ્લૉગ પર મૂકવા છે. દરેક બ્લૉગમાં જઈ બ્લૉગની કંટ્રોલ પેનલમાં ‘ટૂલ્સ’ વિભાગમાં જઈ ‘એક્સપોર્ટ’ પર ક્લિક કરો. દરેક બ્લોગની એક ફાઈલ બનશે. દરેક બ્લૉગની ફાઈલને ચોથા (અથવા ત્રણમાંથી કોઈ એક) બ્લૉગ પર એક એક કરી ‘ઈમ્પોર્ટ’ કરી લો. પત્યું. તમારા ત્રણેય બ્લૉગની બધી જ માહિતી (લેખ/કૉમેન્ટ/ટેગ્સ/વિભાગ (કેટેગરી)) નવા બ્લૉગ પર આવી જશે. વર્ડપ્રેસની આ બહુ જ સરળ અને ઉપયોગી સેવા છે.

તેવી જ રીતે એક બ્લોગ પર ત્રણ અલગ અલગ લેખક છે અને તેમણે તેમના બ્લોગ હવે અલગ કરવા છે તો તે પણ થઈ શકે. કંટ્રોલ પેનર પર ‘ટુલ્સ’ વિભાગમાં જઈ ‘એક્ષપોર્ટ’ પર ક્લિક કરો. લેખક પ્રમાણે અલગ અલગ એક્ષપોર્ટ ફાઈલ બનાવો. દરેક લેખક માટે વર્ડપ્રેસ પર બ્લૉગ બનાવો અને (અથવા પહેલેથી બનાવેલો હોય તો તેમાં) જે તે લેખકના નામની ફાઈલ ઈમ્પોર્ટ કરો!

વર્ડપ્રેસ પર એક બ્લોગની માહિતી બીજા બ્લૉગ પર લેવી બહુ સરળ છે. વિગતવાર આ પોસ્ટ પર સમજાવ્યું છે.

વિશેષ વાંચન: આ વિભાગની અન્ય પોસ્ટ વાંચવા અહીં ક્લિક કરો.

હવે પછીની પોસ્ટ: સરખામણી: વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લૉગ કે સેલ્ફ હોસ્ટેડ બ્લૉગ

તમારા મનમાં કોઈ સવાલ/મુદ્દો હોય તો તે નિશંકોચ રજુ કરવા માટે કૉમેન્ટ બોક્ષ ૨૪ કલાક ખુલ્લું જ છે!

  6 Responses to “સરખામણી: એક બ્લૉગ કે એકાધિક બ્લૉગ”

 1. આપે હમણાં ’ફન’ સાથે ’જ્ઞાન’ આપવાનું નક્કિ કર્યું લાગે છે ! (આલે…લે ! અરે ભાઈ તો પહેલાં શું આપતો હતો !!)
  આપે વર્ણવેલી સ્થિતિમાં એક જ બ્લોગ રાખવો વધુ યોગ્ય એ વાત સાથે મારી પણ સહમતી છે. (ખાસ તો આપણો ને આપણો ટ્રાફિક આપણે શા માટે વહેંચી નાખી એલિઝા રેન્કમાં પછડાટ ખમવી જોઈએ-આ ગળે ઉતર્યું)

  જો કે કોઈ ખાસ ઉદ્દેશથી કે અલગ પ્રકારનાં જ વાચકવર્ગ માટે અન્ય બ્લોગ રાખવો એમાં ખોટું નહીં એ વાત પણ સારી કરી. બ્લોગ પરનું એક્સપોર્ટ-ઈમ્પોર્ટનું જ્ઞાન તો અગાઉ આપની પાસેથી મેળવ્યું જ હતું. આપના માધ્યમે ઘણું તકનિકી જાણવા જેવું મળે છે. આટલી કૃપા કાયમ રાખશો. અને “હવે પછીની પોસ્ટ” માં ખાસ રસ છે. અગાઉથી જ ધન્યવાદ.

 2. Vinaybhai,

  These are really basic Blog Writing Advises but believe me only well experienced can write on basics..! Its really good to have a single blog if its on same topic.I had a simmilar situation when i started blogging as my primary interest was to write on health topics my blog was named : માતૃત્વની કેડીએ based upon my book. Very soon i found i can write on various subjects of common interest and genuine creativity. I added subsection on my blog.

  How ever i think we need separate blog in following situation:

  1. Totally different Subject where expected audience is likely to be different. Say I have two webs : gujmom.com – where expected audience are expecting parents and parents of newborn more commonly while my web : bal-rasikaran.com will be more seen by Parents of children from newborn to 15. The topic of interest in both will be different.

  2. When Future expansion of the web will be in different directions we need two separate webs.

  3. If you are hoping to get sponsorship on different webs from different people who are likely to support only if web is exclusively displaying their name.

  Bye…

 3. ક્યારેક આ પ્રકારની માહિતી બ્લોગસ્પોટ નામની સાઇટ ઉપર કેવી રીતે કામ કરવું તે અંગે પણ અાપવા વિનંતી છે.

 4. વિનયભાઈ,
  તમારી વાત સાચી છે કે ખાસ હેતુ વગર કે એકદમ અલગ બાબત ન હોય તો વધારે બ્લોગ્સ રચવામાં મજા નથી.
  ફરસાણનો વેપારી પેંડા વેચવાનું શરૂ કરે તો ફરસાણની જ દુકાનમાં પેંડાનું એક અલગ કાઉન્ટર [કેટેગરી] ખોલી શકાય. . વળી દુકાને બેસનાર પોતે એકલો જ હોય તો પેંડા માટે અલગ દુકાન ખોલવાથી બે દુકાન વચ્ચે દોડધામ વધી જાય. ક્યારેક રેઢી પડેલી પેંડાની દુકાનેથી કોઈ પેંડો ખાઈને ચાલતો પણ થાય!! 😆

  • વાચકો પાસેથી વધારે બ્લોગ્સની મુલાકાતની અપેક્ષા આજના જમાનામાં વધારે પડતી છે. એક વખત બ્લોગસના પગથિયાં ઉતારી ગયેલો વાચક બીજા બ્લોગ્સનાં પગથિયાં ચડવાનું પસંદ ન પણ કરે! એના કરતાં એણે એકી વખતે જેટલું વળગાડાય તેટલું વળગાડી દેવું સારું!!!!! 😆

  • … અને પેંડા બનાવવાની આવડત હોય તો જ આ સાહસ કરવું અન્યથા ફરસાણના ધંધા પર અસર થઈ શકે છે.

Leave a Reply

%d bloggers like this: