Dec 222010
 

પ્રિય મિત્રો,

બ્લૉગિંગના શરૂઆતના દિવસોમાં મેં જોયું કે કોઈ બ્લૉગર કૉમેન્ટ મોડરેશન કરતું નહોતું. પછી કોઈ એક મુદ્દે ગરમાગરમી થઈ અને ઘણાં બધા બ્લોગરો કૉમેન્ટ મોડરેશન કરવા લાગ્યા. આજકાલ મોટાભાગના બ્લૉગરો દરેક કૉમેન્ટ મોડરેશનમાં જાય તેવી ગોઠવણ રાખે છે, જે મારી દૃષ્ટિએ યોગ્ય નથી. આપણા જ મિત્રોને આપણે આમંત્રણ આપીને કૉમેન્ટ કરવા બોલાવ્યા હોય અને તેમને કૉમેન્ટ કર્યા પછી જોવા મળે કે ‘your comment is waiting for moderation’ તે મને લાગે છે કે બરાબર નથી. તેવી જ રીતે કૉમેન્ટ મોડરેશન ન કરીએ તો સ્પામરો, એલફેલ બોલનારાઓ અને કૉમેન્ટ બોક્ષને વોશબેસિન સમજીને ઉલ્ટી કરી જનારાઓને મોકળું મેદાન મળી જાય. તે પણ યોગ્ય નથી. તો કરવું શું?

વર્ડપ્રેસ બ્લૉગ સોફ્ટવેરનું કૉમેન્ટ મોડરેશનની સેટિંગનું પાનું બરાબર સમજ્યા પછી હું એવા નિર્ણય પર પહોંચ્યો કે જાણીતી વ્યક્તિઓની કૉમેન્ટ વગર મોડરેશન મૂકાય. અજાણ્યાઓની અને ચોક્ક્સ વ્યક્તિઓની કૉમેન્ટ મોડરેશનમાં જાય. આમ કરવાથી સ્પામરોને રોકી શકાય, મિત્રોને મોડરેશનની રાહ જોવી ન પડે અને ચોક્ક્સ વ્યક્તિઓની કૉમેન્ટ મોડરેટ થયા પછી જ મૂકાય. તે માટે મેં મારું સેટિંગ આવી રીતે કર્યું:

આ સેટિંગ કરવા માટે તમારા બ્લૉગના કંટોલ પેનલમાં (ડાબી બાજુએ) ‘Settings’માં ‘Discussion’ પર ક્લિક કરો:

આપણે કૉમેન્ટ મોડરેશનના નિયમો એક એક કરીને સમજીએ…

સૌપ્રથમ જોઈએ ‘Other comment Settings:

 • કોમેન્ટ કરનારે પોતાનું નામ અને ઈમેઈલ આઈડી આપવું જરૂરી છે? હા. આ સેટિંગની સામે ‘રાઈટ’ની નિશાની હોવી જોઈએ.
 • કૉમેન્ટ કરનાર વ્યક્તિ ‘રજીસ્ટર્ડ’ હોવી જોઈએ? ના. જરૂરી નથી. પણ વધારે ચૂસ્ત કૉમેન્ટ મોડરેશન કરવું હોય તો ઉપયોગી.
 • લેખ પ્રસિદ્ધ થયાના અમુક દિવસો પછી કૉમેન્ટ ન કરી શકાય. ના. મને જરૂર જણાતી નથી.
 • કૉમેન્ટની ઉપર કૉમેન્ટ (રીપ્લાય) જરૂરી છે અને એવી રીતે ૧૦ સ્તર સુધી જઈ શકાય.
 • બહુ બધી કૉમેન્ટ હોય તો એક સમયે અમુક (દા.ત. ૫૦) કૉમેન્ટ દેખાય બાકીની  જોવા માટે ‘નેક્ષ્ટ’ કરવું પડે. પહેલા પાને તાજેતરની કૉમેન્ટ દેખાવી જોઈએ કે સૌપ્રથમ (જૂની) કૉમેન્ટ? બહુ બધી કૉમેન્ટ્સ મળતી હોય ત્યારે ઉપયોગી.
 • તાજેતરની કૉમેન્ટ છેલ્લે દેખાવી જોઇએ કે પહેલે? સામાન્ય રીતે બધા તાજેતરની કૉમેન્ટ છેલ્લે દેખાય એવી રીતે રાખે છે.

તે પછી છે ‘Email me whenever’માં ક્યારે ઈમેઈલ મળવી જોઈએ તે નક્કી કરવા માટે છે:

 • કોઈપણ કૉમેન્ટ મૂકે તો ઈમેઈલ મળવી જોઈએ? મને જરૂર જણાતી નથી.
 • કૉમેન્ટ મોડરેશનમાં જાય તો ઈમેઈલ મળવી જોઈએ? હા બહુ જ જરૂરી.

તે પછી છે ‘Before a comment appears’ આ બહુ જ જરૂરી છે આજના લેખનો મુખ્ય મુદ્દો જ આ છે.

 • દરેક કૉમેન્ટ અપ્રુવ થવી જરૂરી? ઉપર દર્શાવેલા કારણો પ્રમાણે મને જરૂરી લાગતું નથી.
 • કૉમેન્ટ કરનારની કૉમેન્ટ આ પહેલા અપ્રુવ થયેલી હોવી જોઈએ? હા. જરૂરી. સ્પામ રોકવા માટે.

તે પછી છે ‘comment moderation’ આ બહુ જ જરૂરી છે. અહી આપેલા ખાનામાં મેં ઉદાહરણ રૂપે amul લખ્યું છે. તેનો અર્થ થાય છે કે કૉમેન્ટ કરનારના નામ, યુઆરએલ, ઈમેઈલ, આઈપી કે કૉમેન્ટમાં ક્યાંય પણ amul શબ્દ હશે તો કોમેન્ટ મોડરેશનમાં જશે. એટલે કે amul, amulya, amulakh, mamuli વગેરે શબ્દો વાળી કૉમેન્ટ મોડરેશનમાં જશે. આ બહુ જ જરૂરી છે ચોક્ક્સ વ્યક્તિઓની કૉમેન્ટ રોકવા માટે. અહીં તમે આઈપી એડ્રેસ પણ લખી શકો.

તેવું જ ‘comment blacklist’નું છે. આ ખાનામાં લખેલા શબ્દ ધરાવતી કૉમેન્ટ સીધી સ્પામમાં જશે.

આટલું કર્યું એટલે એક કામ પત્યું. નોંધ અહીં ટિપ્સ સાથે મારા વિચારો પણ રજુ કર્યા છે. તમે તમને ફાવે તેવી રીતે સેટિંગ કરજો. અને હા, સેટિંગ બદલ્યા પછી ‘Save Changes’નું બટન દબાવવાનું ભૂલતા નહીં, હો!

અપડેટ: કૉમેન્ટ મોડરેશન ટિપ્સ અને સ્માર્ટ સેટિંગ (ભાગ ૨) જુઓ!

  11 Responses to “કૉમેન્ટ મોડરેશન ટિપ્સ અને સ્માર્ટ સેટિંગ”

 1. સરસ ગોઠવણ. જોકે હું કોઈ કોમેન્ટ કરે તો ઈમેલ થાય એ મતનો છું.

 2. very good tips. will be quite useful. thanks, vinaybhai!

 3. સરસ જાણકારી. જો કે હું કોમેંટ મોડરેશનમાં રાખું છું. એનું કારણ એ કે પ્રતિભાવ હું વાંચી શકું અને ઈમેલ નો જવાબ આપીને આભાર માની શકું.

 4. કોમેન્ટ્સ મોડરેશનમાં ન હોવી જોઈએ તે હકીકત છે, પરંતુ અમારાં અનુભવ મુજબ સ્પામ કોમેન્ટ્સ બહુજ આવતી હોય છે, ઘણી વખત મુશ્કેલી ઊભી થાય છે. હા, તે પણ હકીકત છે કે આપણે આમંત્રણ આપીએ છીએ તો સ્પામ સિવાયની દરેક કોમેન્ટ્સ નો સ્વીકાર કરવો જોઈએ. પછી તે ટીકા કેમ ન હોય. સિવાય બિન સામજિક વાણી વિલાસ ન હોવી જોઈએ.

 5. આ ત્રણ ખાનાંઓ અંગે ખાસ જરુરી છે ?

  Comment Reply Via Email Enable sending comment replies via email
  Subscribe To Comments Show a ‘subscribe to comments” option in the comment form
  Subscribe To Blog Show a ‘subscribe to blog’ option in the comment form

 6. હું પણ એ જ મતનો છું કે કોઇની કોમેન્ટ આવે તો મને ઇ-મેઈલ મળે જેથી એમનો આભાર માની શકીયે, મોટાભાગે તો હું દરેક કોમેન્ટ કરનારને (બ્લોગના બદલે) થેંક્સનો ઈમેઈલ કરૂં છું,

  એક સવાલ કે જે કોઇ “લાઈક” કરે એને ઈ-મેઈલ કેવી રીતે કરી શકાય ? કેમ કે દરેક “લાઈકર” ના ઈ મે ઈલ આપણા પાસે હોતા નથી અને (કદાચ) દરેકના બ્લોગમાં પોતાનું ઇ-મે ઈલ હોતું નથી તો આનો કોઇ રસ્તો?

 7. સરસ ટીપ્સ.હું કૉમેન્ટ મોડરેટ કરતો જ નથી.મેં બ્લેકલિસ્ટમાં કેટલાક ઇમેઇલ અને URL નાખ્યા છે..કૉમેન્ટ મોડરેટ ન કરવાનું બીજૂ કારણ છે કે હું ક્યાંરેક જ નેટ પર બેસુ છું અને ૨ કલાક થી વધૂ બેસતો નથી.અત્યામ સુધાના અનુભવમાં બે ત્રણ સ્પામ કૉમેન્ટ આવ્યા છે અને તે સ્પામડાને બ્લેકલિસ્ટમાં નાખ્યા છે.
  આભાર.

 8. ઘણો ઉપયોગી લેખ. ન સમજાયેલ અમુક મુદ્દા હવે સમજાયા.
  લગે હાથ શ્રી જુ.ભાઇએ પુછેલા ત્રણ સેટિંગ્સ બાબતે પણ થોડું સમજાવો તો વધુ આભાર.

 9. @ જુ.કાકા, રજનીભાઈ અને અશોકભાઈ

  ‘સ્માર્ટ સેટિંગ’નો બીજો ભાગ જુઓ. આજે મૂક્યો છે.

 10. સાચેજ ઘણોજ ઉપયોગી ..ના સમજાતી વાતો હવે સહેલી લાગે છે. આભાર . એક વાર આપના બ્લોગ ઉપર ક્યાંક બ્લોગની બેકઅપ સીડી કેવી રીતે બને તે અંગે વાચ્યું હતું પણ કંઈ સમજાયું ના હતું….. હવે એ લેખ શોધું છું પણ મળતો નથી …પ્લીઝ તે સમજાવી શકો તો આભારી રહીશ .

Leave a Reply

%d bloggers like this: