Feb 122016
 

પ્રિય મિત્રો,

૪૩/૩૬૬

આજે મહા સુદ પાંચમ એટલે કે વસંત પંચમી છે. અભિનંદન અને શુભેચ્છાઓ.

આજથી ઋતુરાજ વસંતની શરુઆત થશે. ભારતીય તહેવાર વસંત પંચમી અને પાશ્ચાત્ય તહેવાર ‘વેલેન્ટાઈન ડે’માં ઘણું સામ્ય છે. આ વર્ષે પણ બંને તહેવાર બે દિવસના અંતરે છે! રવિવારે વેલેન્ટાઈન ડે છે!

આજે આપણે વાત કરીશું ઈન્ટરનેટ પર ફરતા ૧૭૯ વર્ષના દાદા વિશે. ગુજરાતી (કયું?) છાપાનું એક કટિંગ નેટ પર ફરે છે જેમાં ૧૭૯ વર્ષના ‘ધ ગ્રેટ ઈન્ડિયન’ દાદાજી વિશે લખ્યું છે. (જુઓ નીચેનું ચિત્ર)

179yrMan

‘ધ ગ્રેટ ઈન્ડિયન’ વાંચી ખ્યાલ તો આવી જ ગયો કે આ સમાચાર કોઈ અંગ્રેજી અખબારમાંથી ગુજરાતીમાં અવતર્યા છે. વધુ માહિતી માટે (આદત પ્રમાણે) ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે આ સમાચાર ફક્ત અંગ્રેજી જ નહીં, ઈટાલિયન, પોર્ટુગિઝ અને સ્પેનિશ અખબારમાં પણ છપાયા છે અને ખોટા છે.

179 year old man

આ વૃદ્ધ દાદાજીનો ફોટો ઈન્ટરનેટ પર બહુ જાણિતો છે અને ઘણી વેબસાઈટ પર વપરાયો છે. આ ફોટો મૂળ કોનો છે તે જાણી શકાયું નથી, પણ તે ૧૭૯ વર્ષના નથી જ.

સૌથી વધુ ઉમરની વ્યક્તિ તરીકે જીન કાલ્મેન્ટનું નામ ચોપડે લખાયેલું છે, તેણી ૧૨૨ વર્ષ જીવ્યા અને ૧૯૯૭માં મૃત્યુ પામ્યા.

આ બધી માહિતી મને આ સાઈટ પરથી મળી.

મોંઘા ભાવનો સ્માર્ટ ફોન લઈ, તેમાં મોંઘાભાવનું ૩જી (કે ૪જી) ઈન્ટરનેટ પેક નખાવી, વગર પગારે વૉટ્સએપની નોકરી કરતા લોકો આવી વાતો પોતાના સગા/મિત્રો/ગ્રુપના સભ્યોને મોકલી મૂર્ખ બનાવે અને તે ફરતી ફરતી તમારા સુધી પહોંચે તે પહેલા તમને જાણ કરી દઉં…

– વિનય ખત્રી

Leave a Reply

%d bloggers like this: