Jun 112016
 

પ્રિય મિત્રો,

મોદીના ભાષણનો વિડિયો મૂકીને મેં એક પોસ્ટ બનાવી હતી, જેનો હેતુ પોલિટિકલ નહોતો પણ મોટીવેશનલ હતો. – ‘પોતાના પર ભરોસો રાખી મહેનત કર્યે રાખે તો તે સફળતા પામે જ છે.‘ કેટલાય લોકોને આ વાત ન ગમી અને મને ‘મોદી ભક્ત’ ગણાવ્યો. મને તો ગમ્યું કેમ કે ‘ઘાગરાના ગુલામ’ ગણાવા કરતાં મોદી ભકત ગણાવું વધુ સારું.

મોંઘવારી વિશે વાતો થઈ અને મોદી વિરોધીઓની સમજ જુઓ. તેઓ પોતાના મોજશોખ માટે જાહેર સાધનોનો ઉપયોગ કરે અને જે તે રાજ્યની સરકાર તેના પર ટેક્ષ વસુલે તો તેમાં તેઓ મોદીનો વાંક ગણે છે!

મોંઘવારી એટલે શું? મોંઘવારી વધી કે સગવડો?

મારો જન્મ થયો ત્યારે મારા ઘરે લાઈટ જ નહોતી અને લાઈટ બીલ પેટે એક પણ પૈસો ખર્ચાતો નહીં, આજે હું મારી પહોંચ પ્રમાણેના ઉપકરણો વાપરું છું અને મારું લાઈટ બીલ ચાર આંકડામાં આવે છે તો મારું લાઈટબીલ ઝીરોથી હજારોમાં પહોંચ્યું તેને મોંઘવારી કહેવાય કે મારું જીવન ધોરણ ઊંચું ગયું તેની કિંમત?

હું માતાજીને પગે લાગવા પગથિયા ચડીને જતો અને આજે ‘રોપવે’નો ઉપયોગ કરું છું. પહેલા એક પણ રૂપિયો નહોતો ખર્ચતો અને હવે માથા દીઠ સો-બસ્સો-ચારસો રૂપિયા ચૂકવું છું. તો આને મોંઘવારી કહેવાય કે સગવડ વાપર્યાનો ચાર્જ?

નાનો હતો ત્યારે હું સાયકલ પર શાળાએ જતો અને એક પણ ટીપું પેટ્રોલનું વપરાતું નહીં, પેટ્રોલના ભાવની ખબર પણ નહોતી. આજે મારું પેટ્રોલ બીલ ચાર આંકડામાં આવે છે. આ મોંઘવારી કહેવાય કે ભૌતિક સગવડનો ખર્ચ?

આજે પણ હું સાયકલ પર ઓફિસે જઈ શકું છું અને પેટ્રોલનો અને જીમનો ખર્ચ બચાવી શકું છું. આજે પણ હું લાઈટ વગર (કે ઓછા ઉપકરણો વાપરીને) પૈસા બચાવી શકું છું. આજે ય હું પગથિયા ચડીને પૈસા બચાવી શકું છું. કોઈ મોંઘવારી, ભાવ વધારો કે ટેક્સ મને નડવાના નથી.

મને લાગે છે કદાચ આ ગેરસમજ, ‘મોંઘવારી વધી કે સગવડો‘ને કારણે જ આ અને આની પહેલાની સરકાર ચૂંટણી પહેલા વાયદાઓ કર્યા હોવા છતાં મોંઘવારી ઘટાડી શકી નથી. લોકો પોતાની સગવડો વધારતા ગયા છે, સાયકલ પર જવા વાળા આજે બાઈક પર જાય છે, બાઈક વાળાના ઘરે ગાડીઓ આવી ગઈ છે. ગાડીઓવાળા જે પહેલા ટ્રેનની મુસાફરી કરતા તે હવે વિમાનમાં ઊડવા લાગ્યા છે.

સરકારનો વાંક હશે તેનો હું બચાવ નથી કરતો પણ અહીં હું મોંઘવારી એટલે શું તે વિશે મારી સમજ રજુ કરું છું અને તમારા વિચારો જાણવા માગું છું.

બીજું, જેમ આપણી સગવડો વધી છે અને તેના કારણે આપણાં ખર્ચા વધ્યા છે તેવી જ રીતે બીજા બધાના જીવનમાં પણ સગવડો વધી છે અને તેમના ખર્ચા પણ વધ્યા છે અને તેથી જ દરેકે દરેક વસ્તુ તેમજ સેવાના ભાવ વધ્યા છે. આવું જ સરકારનું પણ થયું છે અને એટલે જ ટેક્સ પણ વધ્યા છે.

બાકી વાંક દેખાઓને તો ‘બસનો ડ્રાયવર બસ બરાબર ચલાવતો નથી’થી લઈને પોતાનો દિકરો કે પોતાનો સગા બાપ સામે પણ કંઈને કંઈ વાંધાઓ હોવાના જ. એટલે મોદી વિશે કે મોદી સરકાર વિશે વાંધા હોય તો તે સ્વાભાવિક છે.

મોદીનો વિરોધ કરનારોને પૂછીએ કે ચાલો, મોદી તમારી યોગ્ય પસંદ નથી તો તમારા મતે યોગ્ય ઉમેદવાર કોણ? તો જવાબ મળતો નથી. કદાચ રાહુલના લગ્ન થાય અને તેને ઘરે પારણું બંધાય અને તે બાળક મોટું થાય તેની રાહ જોતા હશે?

ગઈકાલના ફેસબુક સ્ટેટસ પરથી

મોંઘવારી આજકાલની નથી વધી, એક તોલા સોનાનો ભાવ જ્યારે બસ્સો રૂપિયા થયો ત્યારે વડીલોને ‘મોંઘવારીએ માજા મૂકી છે‘ એમ બોલતા સાંભળ્યા છે.

નાનો હતો ત્યારે ટેલિફોન, મોબાઈલ, ઈન્ટરનેટ નહોતા. સગા/મિત્રોને ફેસ ટુ ફેસ મળવાનું થતું. આજે મારું ઈન્ટરનેટનું બીલ પણ ચાર આંકડામાં આવે છે. આને પણ મોંઘવારી કહેશું?

બધાને સગવડમાં વધારો જોઈએ છે, એટલે મોંઘવારી વધવાની જ છે. મોંઘવારી વધવાની ચિંતા છોડો અને આવક કેવી રીતે વધે તેનું વિચારીએ. ફેસબુક આપણને લાઈક/શેર/કોમેન્ટના આજની મોંઘવારીના પ્રમાણમાં પૈસા ન આપે ત્યાં સુધી ફેસબુક વાપરવાનું બંધ કરીને ઈન્ટરનેટનું બીલ ઘટાડી પૈસા અને સમય બચાવી શકાય. અંગ્રેજીમાં કહે છે ને, ટાઈમ ઈઝ મની અને મની સેવ્ડ ઈઝ મની અર્ન!

– વિનય ખત્રી

  7 Responses to “મોંઘવારી વધી કે સગવડો?”

 1. I agree vinay bhai 100%

 2. શું વિનયભાઇ તમે બી? મોદીજીના વિક્લ્પ તરીકે રાહુલના પુત્રની જ કલ્પના? શું કોંગ્રેસ કે ભાજપ કે કોઇ પણ પક્ષમાંથી અથવા સ્વતંત્ર વ્યક્તિ તરીકે, અન્ય કોઇ ચાવાળો, ઝાડુવાળો,પટાવાળો કે કોઇ પણ સામાન્ય જણ આપણાં દેશમાં લિડર નહી બને? કોમેંટ હળવાશથી લેવા વિનંતી.
  તમારી પોસ્ટ તો મેં મોટીવેશન સમજીને જ વાંચી હતી. પણ બધે જ અમુક નમૂના ઓ તો હોય જ છે. ભૂતકાળ સાથે સરખામણી કરીએ તો ખરેખર મોંઘવારી ઓછી છે, જેની સાબિતી એ છે, કે 200 રુપિયે પણ દાળ વેચાય જ છે. 200-300ની ટીકીટ હોવા છતા 200-300 કરોડી કલબમાં આજની ફિલ્મો સામેલ થાય જ છે. (૧૦-૧૦ પૈસા બચાવીને ૫૦ થાય ત્યારે 35 એમ. એમ.ની ફિલ્મો જોવા જતા તે યાદ આવે છે.)
  કરકસર અને બચતની જેને ટેવ હોય તે મોઘવારીની માર થી મહ્દ અંશે બચી શકે છે.
  -એમ.જી.

 3. Zindagi jeene ke do hi tarike hote hai …
  ek jo ho raha hai hone do,
  bardaasht karte jao …
  ya phir zimmedari uthao usse badalneki……..

 4. આપની વાત બીલકુલ સાચી છે… આપણે આપણી જરુરીયાત વધારતા જઇએ છીએ.., અને મોંધવારીની બુમો પાડીએ છીએ…. મને યાદ છે કે હું અમદાવાદમાં રહેવા આવ્યો ત્યારે(આશરે 2003-4) માં ત્યારે દૂધનો ભાવ 12 રુપિયા હતો અને મારો પગાર 6000 અને આજે 25 છે તો મારો પગાર ડબલ કરતા પણ વધારે છે…… એટલે સરવાળે આવક પણ વધી જ છે…..

  આપણે આપણા ખર્ચામાં કાબુ રાખતા શીખીએ અને આવક વધારતા શીખીએ તો વાંધ ન આવે

  બીજુ એ કે ગામડા જે રીતે ભાંગી રહ્યા છે તે રીતે આગળ જતા કદાચ વધારે તકલીફો ઉભી થવાની જ છે…

  આ બાબતે મે થોડુ લખેલુ….
  (ડીયર ફ્રેન્ડ્સ
  આજે હું અમદાવાદમાં રહું છું., દરોરોજ પેપરમાં આપણે ભાવવધારાની રામાયણ વાંચીએ છીએ,
  મારુ બાળપણ ગામડામાં (ઓતારીયા, તા. ધંધુકા, જિ. અમદાવાદ)માં વિત્યુ છે, થોડો સમય ધંધુકા (મધ્યમ) શહેરમાં વિત્યો છે(પાંચેક વર્ષ) અને ઘણોખરો સમય અમદાવાદ(મોગા સીટી)માં વિત્યો છે.
  મને લાગે છે કે ભાવવધારો ઘટાડવા માટે શહેર અને ગ્રામ્યને એક કરવાની જરુરીયાત લાગે છે. અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં ઘણા કુટુંબો મોટા મોટા બંગલા બાંધીને રહે છે. પરંતુ ગ્રામ સંસ્કૃતિથી અલગ પડી ગયા છે. મેં તો અમદાવાદમાં ઘણા બાળકોને બળદગાડું કે ગાય ભેંસ જોવે ત્યારે જાણે કોઇ નવું પ્રાણી કે વાહન જોતા હોય તેવા અહોભાવથી જોતા જોયા છે. જો આવા અમીર લોકો કદાચ પોતાના બંગલા કે ફાર્મ હાઉસમાં એકાદ ભેંસ ગાય જેવા પાલતું પ્રાણી પાળતા થાય તો ગામડાના એકાદ કુટુંબને રોજગારી મળી રહે અને તેમને ચોખ્ખુ દૂધ છાસ, માખણ તથા ઘી મળતા થાય, આપણે ખોરાકમાં દૂધ અને ઘી લઇએ છીએ પરંતુ તે કેટલું ચોખ્ખુ હોય તે તો કદાચ ભગવાન જ જાણે. પરંતુ જો સોસાયટીમાં જેમ કોમન પ્લોટ ફરજીયાત રાખવામાં આવે છે તેમ એકાદ ગૌશાળા રાખવામાં આવે, સોસાયટીની જરુરીયાત મુજબના ગાય, ભેંસ રાખવામાં આવે તો તેને રાખનાર એક કુટુંબને રોજગારી મળશે અને સોસાયટીના સંભ્યોને ચોખ્ખુ ગાય, ભેંસનું દૂધ, ધી, છાસ મળી રહેશે. ગૌશાળાનો ખર્ચ સોસાયટીના સભ્યો દીઠ વહેંચી શકાય, વધારે દૂધ કે ધી બને તો તેને વહેંચીને સોસાયટી માટે વધારે આવક ઉભી કરી શકાય, સોસાયટીમાં વાવવામાં આવેલા વૃક્ષો , બનાવેલા બગીચા માટે ખાતર પણ ઉપલબ્ધ થાય.આવી તો ઘણી વાતો ગામડાની રહેલી છે કે શહેરના લોકો અપનાવે તો તેમને ફાયદો થાય તેમ છે…. શુ કહો છો તમે.????
  http://deepaksolanki.blogspot.in/2010/02/blog-post.html?spref=fb)

 5. એક વસ્તુ સાચી કે ભાવો વધ્યા તેની સરખામણીમાં પગારો નથી વધ્યા, અને આજે પણ ધનિક અને ગરીબો વચ્ચેની ખાઈ બહુ મોટી છે, પણ
  મોંઘવારીની શરૂઆત જીવનજરૂરિયાતની મુળ વસ્તુ ખાધ્ય સામગ્રી ઉપર આધાર રાખે છે. જો ખેતપેદશના ભાવ વધારો તો દરેક વસ્તુના ભાવ વધશે અને જો ખેડુતને પુરતા પોષણક્ષમ ભાવ નહીં મળે ઓ ખેતપેદાશ ઓછી ઉગાડશે અને ખાવા માટે અનાજ તો જોઈએ, જે પછી બહાર-પરદેશથી મંગાવવું પડે, એ સરવાળે મોંઘુંજ પડવાનું. અને વાત તો સાચી છે, ભારત દેશ ગરીબ છે, અને તે છતાં પણ, ગુજરાતમાં પાટીદાર આંદોલન વખતે કરોડોનું નુકશાન થયું, હરયાણામાં તો અબજોનું નુકશાન થયું, આજે ફીલમો ૨૦૦-૩૦૦ કરોડનો વકરો કરે છે, ક્રિકેટ કરોડો રુપિયા કમાય છે…. ચુંટણી વખતે વોટ માટે કરોડો-અબજો રુપિયાની હેરાફેરી થાય છે હવે આમાં ભારત દેશની ગરીબી ક્યાં ફીટ બેસે છે, આમાં કોઈ જગ્યાએ મોંઘવારીની વાતો થતી નથી, તમે લખો છો તેમ, વીજળીના બીલમાં, કારના પેટ્રોલમાં, મોબાઈલ ફોનમાં, મોજશોખમાં, હોટલ-પીકનીક-પાર્ટી…કશે વપરાશ ઘટતો નથી, કરકસર થતી નથી અને તે છતાં પણ મોંઘવારીની વાતો થાય છે…..મુળ વાત એ છે કે જનતા જોગી કે દેશને માટેની સરકાર જે યોજનાઓ કરે છે, એમાં યોજના પાછળના ખર્ચ કરતાં સરકારી નોકરોના પગારમાંજ મોટા ભાગની રકમ ખરચાઈ જાય છે, અને યોજનાના જે લાભો મળવા જોઈએ તે પુરા થતાં નથી, એ પણ મોંઘવારીનું એક કારણ છે. અમેરીકામાં ૧૯૯૯માં દુધ-શાકભાજી-ફળ વગેરેના જે ભાવ હતાં તે આજે ૨૦૧૬માં પણ એજ છે, જો વધ્યા હશે તો ૨-૩% જેટલાંજ વધ્યા હશે, હા, ઈંડીયન ગ્રોસરીના ભાવ બહુ વધ્યા છે, જ્યારે અમેરીકન ગ્રોસરીના(વેજીટેરીયનના) ભાવ ૩-૪% જેટલાંજ વધ્યા છે, પાણી, વીજળી વગેરેના ભાવ પણ આપણે ત્યાંના અનાપસનાપની જેમ નથી વધ્યા. ટેલીફોનનું બીલ ભારતની સરખામણીમાં વધું છે, પણ ૨૦ વરસથી એકજ ભાવનું છે. નવી નવી કંપનીઓ આવે છે તેઓ ભાવ ઘટાડે પણ છે. એટલે આપણે ત્યાં ભાવ વધારો કેમ થાય છે તેતો કોઈ ઈકોનોમીસ્ટજ બતાવી શકે.

Leave a Reply

%d bloggers like this: