Dec 082010
 

એક સાહિત્યકળારસિક પ્રેમીજને સુહાગરાતે પત્નીને ઇમ્પ્રેસ કરવા નિવેદન કર્યું: ‘હે મારી પ્રિયા, મારા હૃદયની રાણી… હવેથી તું જ મારી અંતરની ભાવના છો. તું જ વહેતા ઝરણામાંથી ફૂટતી ખુશીની કવિતા છો. તું જ મારી પ્રભાતની ઉષા સમયે થતી અર્ચના છો અને સંઘ્યાટાણે કરાતી પૂજાપ્રાર્થના છે. નિશાના અંધકારમાં તું મારી ઉર્મિઓને ઉષ્માથી ભરી દેતી ધારા છો. તારી સોનલવરણી કાયાની માયા જ મારી રિદ્ધિ-સિદ્ધિ છે. હું તારી જ આરતી ઉતારૂં અને તારી જ તૃષ્ણામાં….’ પત્ની તો જોર જોરથી રડવા લાગી! પતિએ મૂંઝાઈને કારણ પૂંછ્યું, તો ગુસ્સામાં કહે – ‘મને એ કહો આ બધી તમારી આવી કેટલી સગલીઓ છે, જેની સાથે મને સરખાવો છો? પ્રિયા, ભાવના, ઝરણા, ખુશી, કવિતા, ઉષા, અર્ચના, સંઘ્યા, પૂજા, પ્રાર્થના, નિશા, ઉર્મિ, ઉષ્મા, ધારા, સોનાલ, માયા, રિદ્ધિ, સિદ્ધિ, આરતી, તૃષ્ણા… અરરર! હું ક્યા ફસાઈ ગઈ! બરબાદ થઈ ગઈ! હાય રે હાય!’

જો અલંકારિક શબ્દોનો અર્થ પૂરો અને સાચો ન સમજાય, તો કાવ્ય ટૂચકો બની જાય! આ માત્ર શબ્દોની જ વાત નથી. દરેક કળાને લાગુ પડે એવી વાસ્તવિકતા છે. સીધી સાદી પ્રેમની વાતમાં પરાણે ડ્રામા ઉભો કરવા માટે આટલા બધા વાયડા વિશેષણો ઉમેરનાર પતિ બેવકૂફ હતો, તો એને પૂરી સમજ્યા વિના જ પોતાની અક્કલ(?) મુજબનો પ્રતિભાવ આપતી પત્ની એથી મોટી બેવકૂફ હતી! અંધે અંધ અંધારે મળ્યા, જ્યમ તલ-માંહી કોદરા ભળ્યા!

આજકાલ આપણી આસપાસ આવા ફિલસૂફીની ફેકમફેંક કરતા, વાંચનની વાછૂટ કરતા, કવિતાનો કાદવ ખૂંદતા, અઘ્યાત્મનું અથાણુ કરતા અઘૂરા ઘડાઓની વસતિમાં શેરબજારના સેન્સેક્સની પેઠે તેજી આવી છે. ટીવી-ઇન્ટરનેટ જેવા ઈઝી મિડિયાએ એક આખી જમાત ઉભી કરી દીધી છે. જેમાં લોકો પાસે અધકચરૂં જ્ઞાન આવી ગયું છે. પછી કાચીપાકી ખીચડી જેવી એમની કોમેન્ટસ બીજાના ગળે ઉતરાવીને એમને અપચો કરાવીને બધા દમ લે તેમ છે. કેવળ એક જ ધર્મનું ઉપરાણું લઈને સતત બીજા ધર્મને શિખામણ દેતા લુચ્ચા લોકો સ્યુડો સેક્યુલારિસ્ટસ કહેવાય, એમ માત્ર દેખાદેખીથી બીજા કરતા પોતાને ચડિયાતા સાબિત કરવા પિત્ઝા પરના કેપ્સીકમની અદાથી થોડા મોટા-મોટા નામો ભભરાવી પોતાના અવળચંડા અભિપ્રાયો ઠોકતા સ્યુડો આર્ટિસ્ટિક લોકો પેદા થવા લાગ્યા છે!

અગાઉ આવા સ્યુડો આર્ટિસ્ટિક લોકોનો દૂરથી જ રેડ સિગ્નલની જેમ વોર્નિંગ આપતો ડ્રેસ કોડ હતો. ખાદીની સાડી/ડ્રેસ કે કુર્તા-શાલ સાથે ફરતા આવા ચતુરસુઝાણો જ્યારે ને ત્યારે શહેરની ભીડભાડ છોડીને ધરતીની ગોદમાં લપાઈ જવાની (ના, કબર ખોદવાની નહિ, ફાર્મ હાઉસે ડિનર કરવાની) વાતો કરતા. કારમાં પેટ્રોલ બાળતા બાળતા સાદાઈના સંસ્કારોની સુવાસ ફેલાવતા અને પ્લાસ્ટિકનો પિકનિક સેટ પેક કરતાં પર્યાવરણરક્ષણની શિબિરો કરતાં.

ટાઈમ હેઝ ચેન્જડ નાઉ. હવે આ દંભી સ્યુડો આર્ટિસ્ટિક કંપનીનું ડિસેન્ટ્રલાઈઝેશન થઈ ગયું છે. નાના-નાના ઈન્વેસ્ટર્સના હાથમાં એના શેઅર્સ પહોંચી ગયા છે. કળા એક સમજ માંગી લેતી બાબત છે અને એ સમજ તપ માંગી લેતી બાબત છે. દરેકના દ્રષ્ટિકોણ આ મામલે જુદા હોઈ શકે. પણ અંગ્રેજીમાં ‘બેર મિનિમમ’ યાને ‘કમ સે કમ’ એક સ્તર એક કક્ષાની ક્વોલિટી તો એ વ્યૂ પોઇન્ટસમાં હોવી જોઈએ. લધુતમ લાયકાત વિના એની ચર્ચા તો શું, એની મજા પણ પૂરી માણી શકાતી નથી.

ના, સવાલ ઓથોરિટીનો નથી. સવાલ સમજણ અને સાધનાનો છે. વસૂકી ગયેલી ગાય રસ્તા પર રોજ રખડતી જોવા મળે, એમ ખુદ જ આજીવન બીજી ભાષાની ફિલ્મોની નકલો કરીને ફિલ્મો બનાવતા હોય એવા સતત નવરા રહીને સેમિનારો સંબોધતા મિડિયોકર ફિલ્મમેકર્સ કરતા કોઈ યુનિવર્સિટી સ્ટુડન્ટમાં ફક્ત ભાડાની ડીવીડી પર ફિલ્મો જોઈને કે લેખ વાંચીને ફિલ્મ માઘ્યમ અંગેની વઘુ બારીક અને બહેતર સેન્સ વિકસે એ બિલુકલ શક્ય છે. કળા માટેનો રસ એ માટેની સંવેદનશીલતા વધારે છે. એમાંથી એ ખજાનાને ‘ખુલ જા સિમ સિમ’ કહેવાની ચાવી મળી આવે છે.

પણ જો રસને બદલે વળગણ અને સંવેદનશીલતાના સ્થાને વેવલાઈ પ્રવેશી જાય, તો માર્યા ઠાર! પછી કળાનો અભ્યાસ કરવાની જીજ્ઞાસાનું સ્થાન બીજાઓ પર છવાઈ જવાની-અભિલાષા લઈ લે છે. પછી બધી ગરબડોની શરૂઆત થાય છે. પણ સામે પણ બધા એવી જ ગરબડવાળા સાંભળવામાં હોય છે. નિર્વસ્ત્રોના ગામમાં આયના વેંચવા જોખમી પડકાર છે. આવા સ્યુડો આર્ટિસ્ટિક હોવાનો ટોપલો માથે ઊંચકીને ફરતા સ્વનામધન્યો પાછા જે પોતે હોય છે, એવા જ બીજાઓ પણ હોય – એવું માને છે. પોતે બંધિયાર હોય તો બીજાને બંધિયાર માને, પોતે લુચ્ચા હોય તો બીજાને લુચ્ચા માને! એમની તૈયારી, કશું જ નવું શીખવા-સમજવાની હોતી નથી. બસ બીજાઓને ઇમ્પ્રેસ કરી પોતાની પાસે જે કાચુપાકું જ્ઞાન છે, એ શાવરને બદલે હોઝ-પાઈપથી ઠાલવી દેવાનો એમનો હેતુ હોય છે.

મૂળ મામલો છે સ્વપ્રસિદ્ધિનો. બીજાથી જુદા સાહજીક રીતે હોવું, અને બીજાથી જુદા હોવાના હવાતિયાં મારવા – એ બે બાબત વચ્ચે બુનિયાદી ફર્ક છે. કારણ કે, અહીં બીજી બાબત (હવાતિયાં) આપોઆપ તમને બીજાઓ જેવા જ બનાવી દે છે. જૂની એક તોછડી કહેવત હતી. ગુજરાતીમાં ‘મોર કળા કરવા જાય, તો પાછળથી નાગો દેખાય !’ એક્ઝેટલી વગર આવડ્યે ઈંગ્લીશ બોલવામાં માણસ છટા દેખાડવા છોટો બનતો જાય, એવું જ કળા-સાહિત્યના ક્ષેત્રે થતું આવે છે.

પોતે સાહિત્ય સમૃદ્ધ છે, એવું દર્શાવવા ઘણા વાચકો દર બીજા શ્વાસે કોઈને કોઈ લેખકનું ક્વોટ ઠપકારે છે. દર ચોથા શ્વાસે કોઈને કોઈ કિતાબનો સંદર્ભ ઝીંકે છે. એમની સાથે ફોન પર પણ વાત કરો તો લેખને બદલે નીચે મુકાયેલી ફૂટનોટસ વાંચતા હો (કે વેબસાઈટના ફોટોને બદલે એના પ્રોગ્રામિંગના કોડસ સ્ક્રીન પર ઝબકતા હોય) એવો અહેસાસ થાય છે. આ બિચારા કમનસીબ ઇન્સાનોની આખી જીંદગી બે અવતરણ ચિહ્નોની વચ્ચે જ પસાર થઈ જતી જોઈને હસવા કરતાં વઘુ તો ગમગીન થઈ જવાતું હોય છે.

કેટલાંક સાહિત્યપ્રેમીઓને એટલું બઘું કહેવું હોય છે, કે એ ખુદ સર્જકને જ બોલવા ન દે! આવા લોકો કશું સાંભળવા કે વાંચવાની અપેક્ષાએ ફોન/મેસેજ/પત્રો લખતા નથી પણ પોતાનું ‘સંભળાવવા’ કે ‘વંચાવવા’ આ બઘું તપ કરતા હોય છે. એમને તમે જવાબ આપો તો ડબલ્યુડબલ્યુએફના રેસલર પેઠે ચેમ્પીયનની અદામાં ‘જોયું, મેં કેવો હંફાવી દીધો!’ની અદામાં છાતી પર મુઠ્ઠીઓ પછાડે. ન આપો, તો ‘જોયો મોટો કલાકાર-સાવ અભિમાની છે, તુમાખીવાળો છે’ કરીને તમારી ડૂંટીમાં આંગળીઓ ઘોંચે! પણ જો એમને વાહવાહીનું સર્ટિફિકેટ આપો, તો રાજીના ટોમેટો (રેડ, ધેટ ઇઝ) થઈને ગોઠીમડાં ખાય! ટૂંકમાં, એમને તમામ લંબાણપૂર્વક એટલું જ દુનિયાની નજરમાં દેખાડવું હોય છે કે હું વઘુ (અને ક્યારેક બઘું!) જાણું છું. અને એવું તુચ્છ જગતને જણાવવાની લાહ્યમાં એ અંતે એમનું ભવ્ય અજ્ઞાન જ પ્રદર્શિત કરતા રહે છે.

માઈન્ડ વેલ, આ અઘુરા માસે ગર્ભપાત થયેલા ભૂ્રણ (એમ્બ્રિયો) જેવી સ્યુડો આર્ટિસ્ટિક જમાત (એ જીવાત એવું કોણે વાંચ્યું?)નો ઉપદ્રવ માત્ર સાહિત્યક્ષેત્રે જ નથી, એવું નથી. આ લોકોને એમનું પિનોકિયો જેવું લક્કડિયું નાક બધે જ ખોસવું હોય છે. મોંઘીદાટ કારમાં મોંઘીદાટ મ્યુઝિક સીસ્ટમ ફિટ કરાવનારને એનું ઈક્વિલાઈઝર પણ સેટ કરવાની પરવા (કે ખબર) હોતી નથી. પણ એ પોતાને મહાન મ્યુઝિક લવર માને છે. કેટલાંક સંગીતશૂરાઓ આપણને ગરદનેથી ઊંચકીને કહે છે: હું તો બસ આબીદા પરવીન જ સાંભળું – આપણે આજકાલના આ ઘોંઘાટિયા ફિલ્મીયા ગીતોમાં રસ નહિ, શું? – અને તમે એમને અમીર ખુશરો વિશે પુછો તો એમની જીભડી પર તરત ફેવીસ્ટિક ચોંટી જાય! એક જમાનામાં કશા દર્દને મહેસૂસ કરવા કે એ રજુ કરવાની ગાલિબ-મરીઝશાઈ કળાત્મકતાને સમજવા નહિ, પણ પોતે ઊંચી અટારીએ ચડેલા ભદ્રલોક છે, એવું દેખાડવા લોકો કહેતા ‘હું તો મેંહદી હસનને જ સાંભળું હોં કે – લક્ષ્મીકાંત પ્યારેલાલ છીછીછી!’

આજકાલ આવો જ ટ્રેન્ડ શાસ્ત્રીય સંગીતનો ફાટી નીકળ્યો છે. પોતે બીજાઓથી મુઠ્ઠી ઊંચેરો છે, અને પામર ક્ષુદ્ર જંતુડાઓ કરતા અધિક મ્યુઝિકમર્મજ્ઞ છે, એવું સાબિત કરવા સેમીક્લાસિકલ સુગમથી શરૂ કરીને આ મહામાનવો સુપરકલાસિકલ સાંભળવા પહોંચે છે. કાન વગરનો સાપ કેવળ મદારીની મોરલી જોઈને (સાંભળીને નહિં) ડોલે, એમ ડોકા ઘુણાવે છે. પડખેવાળાની નકલ કરી દાદ આપે છે. એમને થોડા નામો આવડે છે, કેટલાંક રાગો ઓળખાય છે. એટલે સાવ બેવકૂફ ઠરી જતા નથી પણ દુનિયાભરમાં સંગીતની અનેક તરાહો છે. કિસમ કિસમનું લોકસંગીત છે. જાઝ, બ્લ્યુઝ, રોક, વેસ્ટર્ન, સિમ્ફની… (આ બધાનો વઘારમાં મસાલાની જેમ ઉપયોગ કરી, પોતાને વેસ્ટર્ન જ ફાવે એવું દેખાડતો એક અલાયદો વર્ગ બી છે!) સંગીતનો ચાહક સૂર, સ્વર, તાલના દરેક સ્વરૂપનો રસિકજન હોવો જોઈએ. પણ આ બહું જલ્પયન્તિ અર્ધ ઘટઃ (અઘૂરો ઘડો, છલકાય ઘણો !) માટે સંગીત આનંદ નથી, સર્જન નથી, ઝનૂન નથી. છે તો કેવળ એક ડિઝાઇનર લેબલ. ડેકોરેશનમાં જેમ લેટેસ્ટ ફેશનના કર્ટેન્સ ડ્રોઈંગરૂમમાં હોય, એમ શાસ્ત્રીય સંગીતના જલસાના કાર્ડસ હોય!

નવી ફેશન આજકાલ સોફિસ્ટિકેટેડ સ્પિરિચ્યુઅલિટીની છે. આ લખનાર ને તમે વાંચનાર, હર કોઈ સ્ટ્રેસમાં જીવે છે. લાઇફ ફાસ્ટ થઈ છે. ચોઈસીઝ મલ્ટીપલ થઈ છે. મોંઘવારી નામની મુન્ની જવાન થઈ છે. બધાને કશોક ખાલીપો ખખડે છે. અણધારી આફતોની ચિંતાનું ચિંતન ખૂંચે છે. બધાને માનસિક રાહત જોઈએ છે. મૃત્યુ કે નિદ્રા સિવાય ન મળે, એવી પરમ શાંતિ જોઈએ છે. બાપડા ફૂટપાથિયા લેભાગુ જંતરમંતરિયા દોરાધાગાવાળા દાધારંગાઓની પોલ ઉઘાડી પડી ગઈ છે. એની ‘કન્સલ્ટન્સી’ તો નિમ્મસ્તરીય લોઅર કલાસ પીપલ લે. આપણે તો એમનાથી ચડિયાતા-જેવા તેવા ગુરૂ ન કરીએ! પેલા બનાવટી ઠગ ભગતો તો પેટિયું રળવા કુટિરઉદ્યોગની પેઠે રંગબેરંગી મણકાઓનું નાટક કરતાં હવે માંડ પોતે આખી ભગવદ્ગીતા વાંચી/સાંભળી હોય, એવા લોકો અંગ્રેજીના શબ્દોને કેસર શિખંડમાં ડ્રાયફૂટસની જેમ ઉમેરતા આઘુનિક પંથોનું વેદ-ઉપનિષદનું અર્થઘટન સ્વીકારી લે છે સૂટેડબૂટેડ લોકો કુરાનના ભાષ્યો ટીવી પર આવી કરે છે. બાઇબલના ઉપદેશોની તો સાઈબર એડિશન આવવા લાગી છે.

સાવ આઘ્યાત્મિકતામાં ખબર ન પડે એવા ગમાર લોકોની અંધશ્રદ્ધા કરતા થોડુંઘણું જાણતા પણ કશું ય ઊંડાણપૂર્વક ન સમજતા આ અઘૂરા ઘડાઓની ‘અર્ધશ્રદ્ધા’ લાંબા ગાળે સમાજના સ્વાસ્થ્ય માટે વઘુ હાનિકારક છે. લોકો જરા સાધનસંપન્ન છે. ડિઝાઇનર વ્હાઈટ ડ્રેસીઝ અને ગાડીઓ ધરાવે છે. માટે એમને જરા મોંઘા ભાવે, રેપર બદલાવીને જાતભાતની યોગ, ઘ્યાન, સાધનાની પદ્ધતિઓ આબાદ વેંચી શકાય છે. જૂના ધર્મના નવા અર્થઘટનના નામે ફરી જૂની મદિરાનો કેફ કરી શકાય છે. રાધા-કૃષ્ણની સરખામણીએ આજકાલના જુવાનિયાવનો પ્રેમ કેટલો વાસનામય અને કાચો છે, એવું વ્યાસપીઠ પરથી કહેનારા લોકોને છૂટાછેડાની નોટિસો મળે છે. અપરિગ્રહના આદેશો આપનારા પોતાના મેઘધનુષી પોસ્ટરો છપાવે છે. પોતે શેરની પસંદગી ખોટી કરી, એટલે માર્કેટમાં સ્ક્રિપના ભાવ ગગડેલા છે, એમાં પોતાનો વાંક જોવાનું કોણ પસંદ કરે ? એટલે થોડુંક સમજનારા સમસમીને ચૂપ બેસે છે. બાકીના તો એટલું ય સમજતા નથી. અભણ ગરીબ મજૂર ઘણા જોવડાવે કે મંદિરે નૈવેદ ધરાવે. આ સ્યુડો આર્ટિસ્ટિક લોકો સીડી પર ‘અવેકનિંગ ઓફ બીઈંગ,’ ‘સર્ચ ફોર સોલ,’ ‘બ્લિસ ડિવાઈન’ ટાઈપના કોર્પોરેટ ઢબે તૈયાર કરેલા લેકચર્સ સાંભળે. ટોળાબદ્ધ રીતે મેદાનોમાં ભેગા થઈને માસ મેડિટેશન કે યોગા કરે. હેલ્થ સુધરે કે ન સુધરે – જે તે ઓર્ગેનાઈઝેશનની વેલ્થ જરૂર સુધરે! આડોશી-પાડોશી સામે પોતે કેટલા આઘુનિક રીતે આઘ્યાત્મિક છે – એનો વટ મારવાનો મોકો મળે. નવી બ્રાન્ડનું એલઈડી એમ નવી ફ્લેવરનો ઉપદેશ. ટીનેજર પોતાનો નવો મોબાઇલ દેખાડતો ફરે, એમ પોતાના આ સ્પેશ્યલ મેડિટેશન થેરાપીનો દેખાડો હાંડવાની જેમ અડધી બફાયેલી દલીલોથી કરનારા જોવા મળે!

ભારત ધરખમ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. પણ અહીં ખરા કળાપારખુઓ, સાહિત્યરસિકો, વિદ્યા વ્યાસંગીઓ ગણવા માટે ક્યારેક આંગળીના વેઢાં પણ વધી પડે છે. ડિજીટલ ટેકનોલોજીએ બૂક, સીડી સાઈટ જેવાનું ક્વોલિટી ક્રિએશન એકદમ આસાન કરતાં અઢળક વાંદરાઓના હાથમાં રમકડાંઓ આવી ગયા છે. બચ્ચાંઓ જોરજોરથી પોતપોતાના ધૂઘરાઓ વગાડીને ગેલ કરી રહ્યા છે. ડેપ્થમાં જવાની ફુરસદ નથી. સાચું શીખવાની દાનત નથી. કાવ્યોથી ચિત્રો સુધી એમની પાસે પૂર્વગ્રહપ્રેરિત અભિપ્રાયો છે, પણ તટસ્થ અભ્યાસ નથી ! થોડાઘણા નામ, દામ, કામ અને સામાન્યજન કરતાં થોડુંક વધારે ‘એક્પોઝડર’ (નોલેજ નહિ!) હોવાને લીધે એવો આભાસ બને છે કે આ બધા તો ઊડા જાણકારો છે. પોતાને ખબર ન પડે એવી ભારેખમ થીઅરીઝથી ચકિત થઈને ઘણા શરણે થઈ પડે છે. લાઉડ ઘોંઘાટમાં ઝીણો સૂર પકડવા માટે અંદર રસના મોજાં ધૂંઘવતા હોવા જોઈએ. અઘરૂં સમજવાની લાયકાત હોતી નથી. પણ બીજાઓ કરતા પોતે ડિફરન્ટ છે, એવું ફક્ત દુનિયાને બતાવવામાં થોડીક ઓફબીટ બાબતને વખાણ્યા કરવાની કુટેવમાં તર્કનો વિકાસ થાય છે, વિચારોનો નહિ. એ પછી ટ્રેડિશનલ રેસ્ટોરાંમાં બાજોઠ પર સ્ટીલના ગ્લાસ રાખ્યા હોય એવું મિસફિટ લાગે છે!

આમાં સમાજને ઉલ્લુ બનાવવાની વાત નથી. કારણ કે, અંતે તો આ અઘૂરા ઘડાઓની જમાત ખુદ પોતાની જાતને જ છેતરતી હોય છે!

ઝિંગ થિંગ!

નાર્નિયા ૩ અને હેરી પોટર ૭.૧: ફેન્ટોસ્ટિક ફેન્ટેસી ફનરાઈડ લ્યુસી અને હરમાયોની પર ફોક્સ હોઈને બંને ધમાકેદાર ફિલ્મો વઘુ અસરકારક છે!

જય વસાવડા, અનાવૃત, શતદલ પૂર્તિ, ગુજરાત સમાચાર

  7 Responses to “અધૂરો ઘડો, છલકાય બડો! – જય વસાવડા”

 1. વિનયભાઈ..
  આ લેખ મૂકવા બદલ આભાર.
  આમાંની અમુક વાતો બ્લોગલેખન ક્ષેત્રને પણ લાગુ પડે છે.

 2. પ્રિય શ્રીવિનયભાઈ,

  `જય`હો.

  આટલો સાફ અરિસો શોધીને કોઈની સામે ધરવા માટે ઘડો ભરેલો હોય તે જરૂરી છે. બસ, બધા સાહિત્યપ્રેમીઓના ઘડાને આવી સુંદરરીતે ભરતા રહેજો.

  અભિનંદન અને આભાર.
  માર્કંડ દવે.

 3. “અંતે તો આ અઘૂરા ઘડાઓની જમાત ખુદ પોતાની જાતને જ છેતરતી હોય છે !!!! ” – PERFECT…..

 4. thanx vinaybhai n all u friends 🙂

 5. સરસ!!!!!!!!!!

 6. best……………………………..

 7. good

Leave a Reply

%d bloggers like this: