Mar 072009
 

પ્રિય મિત્રો,

પ્લેજરીઝમ અને તેના ઉપાય વિશે વાત કરીએ તો સૌપ્રથમ આપણે તે જાણવું જોઇએ કે આપણું કયું લખાણ ક્યાં કૉપી થયું છે. તે માટે કૉપીસ્કેપ જેવી સાઈટની સેવા (મફત નથી) લઈ શકાય. મફતમાં કામ ચલાવવું હોય તો ગુગલ અલર્ટ એક સારો વિકલ્પ છે. આપણાં લખાણના ચાવીરૂપ વાક્યોને ગુગલ અલર્ટમાં મૂકી દેવાના જેથી તે વાક્ય બીજી કોઈ જગ્યાએ વપરાય અને જેવી ગુગલને જાણ થાય તેવી ગુગલ આપણને જાણ કરે! ગુગલ અલર્ટ વિશેનો લેખ (નેટસૅવિ વિભાગમાં) વાંચવા માટે અહીં ક્લિક કરો.

પ્લેજરીઝમ એક ગંભીર ગુનો છે અને તે માટે કાયદાકીય સલાહ એક સારો વકીલ આપી શકે. આપણાં બ્લોગ જગતમાં એન્જિનિયર અને ડોક્ટર્સ ઘણાં છે પણ વકીલ નથી! કાયદાનું કામ સારો એવો સમય માંગી લે છે. સૌપ્રથમ રચના આપણી છે તે પુરવાર કરવું પડે પછી જ વાત આગળ વધે.

પ્લેજરીઝમ રોકવાના સરળ અને આપણાંથી થઈ શકે તેવા ઉપાયો અને તેની સફળતા વિશે ટૂંકમાં જાણીએ:

૧. લખાણ સિલેક્ટ ન થઈ શકે તેવી જાવા સ્ક્રિપ્ટ મૂકી શકાય. આમ કરવા માટે પોતાનું હોસ્ટીંગ હોવું જરૂરી (દા.ત. funngyan.com), વર્ડપ્રેસ પર બ્લોગ હોય (દા.ત. tadafadi.wordpress.com) તો નકામું. વર્ડપ્રેસ જાવા સ્ક્રિપ્ટ મૂકવા માટે સગવડ નથી આપતું. આમ કરવાથી અમુક લોકો જે લોકોને જાવા સ્ક્રિપ્ટ કેવી રીતે ડિસેબલ કરી શકાય તે ખબર નથી તેઓ આપના બ્લોગનું લખાણ કૉપી નહીં કરી શકે. આવી સ્ક્રિપ્ટ અહીં મળી જાય પણ તે માટે પ્રોગ્રામિંગની સામાન્ય જાણકારી હોવી જરૂરી.

૨. માઉસ પર રાઈટ ક્લિક ન થઈ શકે તેવી જવા સ્ક્રિપ્ટ મૂકી શકાય. આ સગવડ ક્રમાંક ૧ જેવી જ છે. ફાયદા-ગેરફાયદા પણ તેવા જ છે પણ રાઈટ ક્લિક બંધ કરવાથી વાચક કૉપી કરવા સિવાયના બીજા પણ કેટલાક જરૂરી કામો કરી શકતો નથી. તેમજ દરેક વાચક કૉપી કરવાનો છે એવો આપણે શક કરીએ છીએ તેવું ચિત્ર રચાય છે તેથી વાપરવી યોગ્ય નથી. આવી સ્ક્રિપ્ટ જોઈતી હોય તો અહીં મળી જાય પણ તે માટે પ્રોગ્રામિંગની સામાન્ય જાણકારી હોવી જરૂરી.

૩. લખાણની અંદર એક અદૃશ્ય ચિત્ર મૂકો. જે કોઈ આપણું લખાણ કૉપી કરશે તેમાં તે ચિત્ર પણ કોપી થઈ જશે. જે ચિત્ર તેના બ્લોગ પર દેખાવા લાગશે. આમતો આ સગવડ એક જાતનું ગતકડું છે. પણ સરળ છે અને કોઈપણ વાપરી શકે છે. આ સગવડ વિશે વિગતે જાણવા માટે આ લેખ વાંચો.

૪. લખાણની અંદર સફેદ રંગે DO NOT COPY લખો. આ એક સાદીને સરળ યોજના છે જે કૉપી માસ્સ્ટરને સતત યાદ અપાવે છે કે તું કંઈક ખોટું કરી રહ્યો/રહી છે. દા.ત. મારી જિંદગી છે તું ગઝલને કૉપી કરવા માટે સિલેક્ટ કરશો એટલે બે શેરની વચ્ચે DO NOT COPY વંચાશે. આ લિટીને સફેદ રંગે રંગવા માટે વર્ડપ્રેસનો ટેક્ષ્ટ એડિટર સક્ષમ છે.

ગમ છે કે ખુશી છે તું,
મારી જિંદગી છે તું.
Copy Right Material. Do Not Copy. http://funngyan.com
તકલીફોના સમયમાં,
સુખની એક ક્ષણ છે તું.

૫. મેક્ષપાવરનું વર્ડપ્રેસ ડિજીટલ ફિંગર પ્રિન્ટ થેફ્ટ નામનું પ્લગઈન વાપરી શકાય. આ સગવડ પણ પોતાના ડોમેઈન/હોસ્ટીંગ માટે છે, વર્ડપ્રેસ પર બ્લોગ હોય તેમના માટે કામની નથી. વધુ વિગતો માટે અહી ક્લિક કરો.

ઉપર જણાવ્યા પ્રમાણેના એક અથવા એક કરતાં વધારે ઉપાય અજમાવી શકાય. આમ કરવાથી ઊઠાંતરી સદંતર બંધ નહીં થઈ જાય પણ ઓછી થશે. પહેલા જે કામ “કોપી/પેસ્ટ”થી સરળતાથી થઈ જતું હતું તે હવે અધરૂં પડશે.

આ મોરલ એટલે કે નીતિમતાનો વિષય છે. ટેક્નોલોજી કે કાયદો તો ઠીક પણ ‘વિનય/વિવેક’ બંને મળીને ફટકારે તો પણ નાનપણમાં પડેલી આદતો સહેલાઈથી થોડી છુટે?

નીતિમતા વિશેનો ટચૂકડો ટૂચકો રજુ કરી હું વિરમું છું. આપના વિચારો/ઉપાયો જણાવવા માટે કોમેન્ટ બોક્ષનો ઉપયોગ કરવા વિનંતી:

“બેટા, તને ના પાડી છે ને,
બીજાના દફતરમાંથી પેન્સિલ ન ચોરાવાય,
તને જોઇતી હોય ત્યારે મને કહેવાનું,
હું તને ઓફિસમાંથી લાવી આપીશ.”
🙂

  14 Responses to “પ્લેજરીઝમ અને તેના ઉપાય”

 1. ખૂબ સરળ અને સરસ ઉપાયો નું સંકલન, પણ વિનયભાઈ, મને નથી લાગતું કે કોપી માસ્ટરો આટલેથી અટકે….

  જોવા જેવી વાત એ છે કે કોપી કરવામાં અને તેને કોપી નથી કરી તેવું સાબિત કરવામાં એ લોકો જેટલો સમય બગાડે છે એટલો સમય (કે તેથી ઓછો) વાપરીને ઓરીજીનલ આર્ટીકલ બનાવી શકે…..
  પણ આવડત થોડી હપ્તે મળે ?

  સરસ લેખ

 2. મિત્ર વિનયભાઈ,

  આપે સુંદર સંકલન કર્યું છે. પ્રથમ બે નુસ્ખા તો મેં એક વર્ષ પહેલાથી અમલમાં મુકેલ છે. પરિણામ શુન્ય. કોપી કરનારા કોપી કરે જ છે. તમે કહ્યું એમ ” આ એક સાદીને સરળ યોજના છે જે કૉપી માસ્સ્ટરને સતત યાદ અપાવે છે કે તું કંઈક ખોટું કરી રહ્યો/રહી છે.” (મેં પણ ઉપરથી કોપી જ કર્યું છે સ્તો)પણ આ નિતિમત્તા માટે તો માણસનો આત્મા જાગૃત હોવો જોઈએ કે એ ખોટું કરી રહ્યો છે. પણ આપણા આ મિત્રોને એવી સમજ તો રહી નથી અને તેમનાં બીચારા આત્માઓ તો આ પ્રવૃત્તિ જોઈને સુઈ ગયા હોય એમ લાગે છે. બાકી તો તમે જે ટૂચકો રજુ કર્યો એ બધુ જ કહી જાય છે.

 3. નિઃશંકપણે આ દૂષણને આ પદ્ધતિથી કંઈક અંશે ડામી શકાશે…

  આભાર…

 4. ફરિયાદ કર્યા કરવી તેના કરતા ઉપાય કરવા તે સારું છે!
  જેનુ પ્લેજરિઝમ થાય તે પણ જવાબદાર છે જ!!

  કેટલીકવાર મેરા મુઝરીમ હી મેરા કાતિલ હૈ
  હક્કમેં ક્યા ફેંસલા દેગા? જેવું થાય!

  (આ પંક્તિઓ કોની છે ?
  તે જણાવશો તો તેના આભાર સાથે લખ્શું)
  ત્યારે મૌન જ સત્ય લાગે છે!

 5. @ pragnaju

  “જેનુ પ્લેજરિઝમ થાય તે પણ જવાબદાર છે જ!!” હું સમજ્યો નહીં. તમારું કહેવું એવું તો નથી ને કે બહુ સારા લેખ/કવિતા નહીં લખવાના, નહીંતર કૉપી થઈ જશે? !!!

  આ પંક્તિઓ મારી જાણ પ્રમાણે આમ છે:

  મેરા કાતિલ હી મેરા મુન્સીબ હૈ
  ક્યા મેરે હક મેં ફૈસલા દેગા?
  – સુદર્શન ‘ફકીર’

  સંપુર્ણ રચના માણવા માટે અહીં ક્લિક કરો.

 6. મિત્ર વિનયભાઈ

  પ્લેજરીઝમ રોકવાના સરળ ઉપાયો જાણ્યા. ગમ્યા. થઈ શકે એવા તો છે જ, પણ મારા જેવા જે મિત્રો પાસે ડોમેઇન/હોસ્ટીંગ જેવું કશું નથી માટે મને તો ‘અદૃશ્ય ચિત્ર’ અને ‘DO NOT …. ‘એવા બે ઉપાય ગમ્યા. અજમાવી જોઈશ…અત્યંત ઉપયોગી માહિતી મેળવી આપવાની જહેમત લેવા બદલ આભાર. અભિનંદન.

  કમલેશ પટેલ

 7. કોપીકારોની નૈતિકતાને જગાડનાર એવા ખુબ જ અસરકારક ઉપાયો ..

  આ ઉપરાંત એક ઉપાય એ થઈ શકે.. (મેં એક વાર કરેલો) કે આપણી પોસ્ટને વર્ડમાં કે વર્ડપ્રેસમાં જ ડ્રાફ્ટ બનાવીને પ્રીવ્યુમાં જઈ, print screen કરી, કોઈ પણ સાદા image editor(e.g. MS Paint) માંથી કાપીકૂપીને વ્યવસ્થિત કરીને એને જ પોસ્ટમાં મૂકી શકાય ..

 8. હા, કુણાલ, આ પણ એક સરસ ઉપાય છે. લખાણની ઈમેજ ફાઈલ બનાવી દેવાની!

  આ ઉપાય પહેલાં (યુનિકોડ ફોન્ટ ન્હોતા ત્યારે) અમે ફોન્ટની માથાકૂટથી બચવા કરતા. હવે પ્લેજરીઝમ માટે પણ તે જ જુનો ને જાણીતો ઉપાય અજમાવી શકાય.

  અલગ કલાત્મક ફોન્ટ વાપરી શકવાનો વધારાનો ફાયદો પણ થશે!

 9. આ તકલીફ તો વર્ષો જૂની છે! વર્ષો પહેલાં હું સંદેશમાં, અમદાવાદમાં યોજાતાં કલાપ્રદર્શનો વિશે, સામાન્ય માણસની નજરે લખતો હતો ત્યારે એક વાર બીજા એક અખબારમાં, મારા લેખના બે-ત્રણ ફકરા બિલકુલ અક્ષરશઃ છપાયેલા જોયા, બીજાના નામે!
  થોડા સમય પહેલાં એક કંપનીની વેબસાઇટ માટે કન્ટેન્ટ તૈયાર કર્યું, એ રિજેક્ટ થયું, પેમેન્ટ ન મળ્યું, અને પછી એ ‘રિજેક્ટ’ થયેલા કન્ટેન્ટનો કેટલોક ભાગ એ જ કંપનીની વેબસાઇટ પર જોવા મળ્યો! પ્લેજરિઝમનું આ જુદું ઉદાહરણ.
  પ્રિન્ટમાં તો લખાણ ફરી ટાઇપ કરવાની કડાકૂટ છે, જ્યારે નવી ટેક્નોલોજીમાં ફક્ત કોપી-પેસ્ટની સુવિધા છે…
  અકિલા અખબાર હજી સુધી તેની વેબસાઇટ પર સમાચારોને ઇમેજ તરીકે જ અપલોડ કરે છે. આમાં કોઈ કોપી પેસ્ટ ન કરી શકે, પણ ઇન્ટરનેટના જે બે સૌથી મોટા લાભ છે – સર્ચિંગ અને ઇન્ટરલિંકિંગ – એનો લાભ ન મળે.
  અને છેલ્લે, કોપી-પેસ્ટથી મને થયેલા એક લાભની વાત… એક સ્વજનના અવસાન પછી તેમની સ્મૃતિમાં તેમના પરિવારે વિવિધ સ્તુતિની પુસ્તિકા તૈયાર કરવા વિચાર્યું. મને લગભગ બધી જ સ્તુતિ યુનિકોડમાં તૈયાર મળી. મેં એ કોપી-પેસ્ટ કરી, પ્રિન્ટનું કામ હતું એટલે શ્રીલિપિમાં કન્વર્ટ કરી, પ્રોફેશનલ પ્રૂફરીડર પાસે વંચાવી-સુધરાવી અને પછી પુસ્તિકા તૈયાર કરી. કામ ઘણું ઝડપથી થઈ શક્યું. ટેક્નોલોજીનો આ ફાયદો પણ ખરો!

 10. મારું સામાન્ય અવલોકન છે કે જો તમે કવિતા, લેખ (ખાસ કરીને સાહિત્ય), કોઇ ફોટો (અદ્ભૂત કે અસામાન્ય ફોટાઓ) મૂકો તો એ ઝડપી લોકપ્રિય બને છે અને પ્લેજરિઝમ પ્યારા પણ બને છે.

  ઉપાય, તમે કોઇ એવા વિષય પર લખો જે ખાસ લોકપ્રિય ન હોય – દા.ત. હું મેક કે લિનક્સમાં માથાકૂટ કરું છું તેવું. (હા, બધા પાસે લિનક્સ કે મેક ન હોય – પણ તમે જો તમારા અનુભવો લખો તો તેને કોપી-પેસ્ટ કરવાનું મુશ્કેલ છે. દા.ત. કવિન અને કોકી!) 😉

 11. સારી માહિતી આપી છે.

 12. kartikbhai, thank you for sharing such a important topic with we all.. i am also worried about the same as we – almost every website administrators are putting special copyrights… and when somebody is copying the same, its important is getting lesser and lesser…

 13. copy-pest goono hoy to hu te karu chhu…..ha niche original writer nu nam lakhu chhu…..

 14. ભાઈ તમે બ્લોગમાં ઘણીય ખુબ રસપ્રદ માહિતી જણાવી છે. ખાસ કરીને મને વેબસાઈટ કે તેને લગતી માહિતી ખુબ ગમી. સરસ આમ નવું નવું જણાવતા રહેજો. 🙂 (Y)

Leave a Reply

%d bloggers like this: