Mar 092009
 

પ્રિય મિત્રો,

આજે વાંચો પ્લેજરીઝમ વિશે હરનિશભાઈ જાનીના વિચારો:

ચોરી ચોરી ચૂપકે ચૂપકે – હરનિશ જાની

મને એક મિત્રએ કહ્યું કે “તમે ફલાણા મેગેઝિનનો દિવાળી અંક જોયો? તેમાં તમારા પુસ્તક “સુધન”માંથી એક ટુચકાની ઊઠાંતરી કરીને છાપી છે.” આપણે કહ્યું કે “તે તો સારી વાત કહેવાય. આપણું લખાણ એટલું સારું કે બીજીવાર છપાયું.” પેલા મિત્ર કહે કે “ઊઠાંતરીની વાત કરું છું. તમારું લખાણ બીજાના નામે છપાયું છે.” ત્યારે મારે કહેવું પડ્યું કે “કોઈક બીજાએ પોતાના નામે મારું લખાણ ચોરીને છપાવ્યું છે એમને!” તે કહે કે “હા, તેમ જ થયું છે.” જીવનમાં, મને પહેલીવાર લેખક હોવાનું ગૌરવ થયું.

મારા લેખ ચોરાય છે અથવા તો એમ કહો કે મારા લેખ ચોરવાને લાયક છે. અથવાતો એમ કહી શકાય કે આટલા બધાં લેખો લખાય છે તેમાં આપણાં લેખે કોઈક વાચકનું ધ્યાન ખેંચ્યું અને એને ચોરી કરવા મજબુર કરી દીધો. આજે મારા લેખક હોવાપણાનો મને સંતોષ થયો. આમ જુઓ તો આ નાની સુની વાત નહોતી. મારા માટે સાહિત્ય પરિષદના ઍવોર્ડ કરતાં મોટું સન્માન હતું. કોઈકે મારા લખાણને ચોરવા યોગ્ય તો માન્યું! મુંબઈમાં ગજવું કપાય ત્યારે જેટલો આનંદ થાય એટલો આનંદ થયો. મુંબઈમાં શેઠિયાઓના ગજવાં કપાય કાંઈ ભિખારીઓના ગજવાં થોડી કપાય છે? એટલે જેનાં ગજવા કપાય તેનમે એટલી તો ખાતરી થઈ કે આપણે ભિખારી તો નથી જ. તમારો લેખ કોઈક ચોરવા યોગ્ય માને તેનાથી મોટું ગૌરવ કયું? કાંઈક દરેકના લેખ ચોરાતા નથી. અરે! અમુકના લેખ તો વંચાતા સુધ્ધાં નથી. તો પછી ગમવાની વાત જ ક્યાં? અને જ્યારે કોઈ વસ્તુ અનહદ ગમે તો જ તે વસ્તુ પચાવી પાડવાની તીવ્ર ઈચ્છા થાય ને. એટલે મને એટલો તો આનંદ થયો કે આપણાં લેખની કોઈક ઊપર અદ્ભુત અસર થઈ કે એની દાનત બગડી. અથવા તો એમ કહો કે અમને હ્રદયમાં એટલી વધી આત્મીયતા પ્રગટીકે સંમતિ લેવા રોકાયા પણ નહીં.

***

છેલ્લે, એક લેખક મિત્ર હમણાં મળ્યા હતા, મે પૂછ્યું કે “આજકાલ શું લખો છો?” ત્યારે કહે કે “બે ચાર પુસ્તકો ભેગા કરી અને તેમાંથી ઊઠાંતરી કરીને એક નવું પુસ્તક બનાવું છું.” મારે પૂછવું પડ્યું. “પકડાઇ જવાનો ડર નથી લાગતો?” “પકડાઈએ તો ય શું? હું ઈંગ્લીશમાંથી ગુજરાતી શબ્દોની ડિક્શનરી બનાવું છું. દરેક ડિક્શનરીમાં, ઈંગ્લીશ શબ્દ “સ્ટીલીંગ”નો ગુજરાતી અર્થ “ચોરી કરવી” જ આપ્યો હોયને? મારે કહેવું પડ્યું “તમારી વાતમાં માલ છે હોં!”

– હરનિશ જાની

સંપુર્ણ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ડિસેમ્બર ૨૦૦૮માં લખાયેલો આ લેખ કુમારના દિવાળી અંકમાં પ્રકાશિત થયો હતો તેને અહીં ફરીથી પ્રકાશિત કરવા માટે તેમનો આભાર.

  7 Responses to “ચોરી ચોરી ચૂપકે ચૂપકે – હરનિશ જાની”

 1. વિનયભાઈ

  હરનિશભાઈ જાનીના પ્લેજરીઝમ વિશેના ચોરી ચોરી ચૂપકે ચૂપકે વિચારો ખુલ્લે આમ બાંટવા બદલ આભાર, વાંચવાની મજા આવી યાર.

  ( બાય ધ વે આ કોમેન્ટ માટે પહેલી લાઇન મેં માત્ર કોપિ-પેસ્ટ કરી છે 😉 )

 2. સુંદર લેખ… હરનિશભાઈએ સારો મુદ્દો ઊઠાવ્યો…

 3. ભઈ..વાહ..મઝા પડી.

 4. રમુજ સાથે મુદ્દાની વાત કરી

 5. મને પણ એક મિત્રે ફોન કર્યોઃ “પ્રવીણભાઈ, તમારી કવિતા ‘સુધર્મા’ કવિતા દ્વિ-માસિકમાં ઘનશ્યામભાઈએ એમના નામે છપાવી છે. શું જમાનો આવ્યો છે?” મેં કહ્યું; “મેં તો એ કવિતા લખી જ નથી. એ કવિતાના અસલ કવિ તો વિશેષ દરજી છે. એટલી સરસ કવિતા હું લખું એટલો મોટો કવિ હું નથી. ઘનશ્યામભાઈને તમે ફોન કરીને જણાવો કે હવે પછી કોઈની કવિતા એમના નામે છપાવે તો ધ્યાન રાખે.”

  બાકી હરનિશભાઈ માટે આપણને ખૂબ માન છે. એમનું ગજવું કપાય અને એમનું સુ-ધન કોઈ પોતાને નામે કરી લે તો હસે; હશે, બાપડાને જરુર હશે; ભલે રાજી થાય.

  લ્યો, હમણાં મને ધ્યાનમાં આવ્યું કે ‘કોમેંટ’માં આટલું લાંબુ ના લખાય; ટૂંકમા પતાવાય. લ્યો ત્યારે બસ.

 6. આને કહેવાય મુક્ત અને નીર્ભેળ આનંદ.
  હરનિશ ભાઈનો જવાબ નથી.
  (જુની ટીવી જાહેરાત પરથી રુપાંતર કે ઉઠાંતરી? !!!

 7. અનુભવ વ્યક્ત કરવા બદલ આભાર.

Leave a Reply

%d bloggers like this: