Jan 072012
 

પ્રિય મિત્રો,

રોજ જે ગુજરાતી છાપું આપણે વાંચતા હોઈએ તે છાપું અચાનક અગ્રેજીમાં છપાવા લાગે તો? કોઈ પણ જાતની આગોતરી જાણ વગર અચાનક કોઈ નખશિખ ગુજરાતી અખબાર અંગ્રેજી લેખ મુકવા લાગે તો? આપણા લોકો, આપણી ભાષા, આપણી સંસ્કૃતિની વાતો કરતું કોઈ અચાનક OUR PEOPLE, OUR COUNTRY, OUR CULTUREની વાતો કરવા લાગે તો કેવું લાગે?

દેશ (વતન)માં આપણાં વૃદ્ધ દાદીમાને મળવા જઈએ અને ત્યાં પહોંચ્યા પછી ખબર પડે કે દાદીમાએ તો કોઈ અંગ્રેજ સાથે સંસાર વસાવી લીધો છે. સાથે સાથે પાશ્ચાત્ય રહેણી કરણી અપનાવી લીધી છે. ધર્મ પરિવર્તન પણ કરાવી લીધું છે! આવો જ આંચકો મને આજે જ્યારે મેં ગુજરાતી.નુ નિંગ ગ્રુપની મુલાકાત લીધી ત્યારે લાગ્યો. આ ગ્રુપમાં મેં હજી હમણાં જ ‘દસ શ્રેષ્ઠ ગુજરાતી બ્લૉગ સ્પર્ધા’ના પરિણામની પોસ્ટ મૂકી હતી. વચ્ચે થોડો સમય ઑફ નેટ રહ્યો અને આજે અચાનક આ ગ્રૂપના ઓટલે ચડ્યો તો પહેલા તો ‘પાસવર્ડ’ ખોટો છે કહીને ઓળખવાની ના પાડી દીધી! પછી ‘પાસવર્ડ ભૂલાઈ ગયો છે’ સેવા વાપરીને નવો પાસવર્ડ નાખીને ઓટલ ચડ્યો તો મેં મૂકેલી પોસ્ટ ગાયબ! મેં વાંચી લીધેલી મેઈલ્સ ફરી પાછી ‘અનરીડ’ દેખાવા લાગી! સભ્ય સંખ્યા ૩૫ હજાર ઉપર હતી તે ઘટીને પાંચ હજાર પર આવી ગઈ! થોડા ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે અચાનક ગ્રૂપ જ બદલાઈ ગયું છે. મારી પોસ્ટ વાળું ગુજરાતી ગ્રૂપ અચાનક અંગ્રેજી ગ્રૂપ થઈ ગયું છે અને તેનું નામ બદલાઈને ‘ધ ઈન્ડિયન્સ‘ થઈ ગયું છે!

મને એમ લાગ્યું કે આમ કરીને ગ્રૂપ સંચાલક અંગ્રેજી અને ગુજરાતી ભાષાની પોસ્ટ માટે અલગ અલગ પ્લેટફોર્મ પુરું પાડી રહ્યા છે પણ એવું નથી, ગુજરાતી ગ્રૂપ પર હજી પણ અંગ્રેજી પોસ્ટ મોડરેટ કરવામાં આવી રહી છે!

ગુજરાતી ગ્રૂપને અંગ્રેજીમાં ફેરવતી વખતે સંચાલકે ગ્રૂપના સભ્યોને ના મત મેળવીને વિશ્વાસમાં લીધા છે કે ન તો જાણ કરવાની દરકાર કરી છે. કયા કારણે તેમને એમ કરવાની જરૂર પડી તે પણ જણાવવામાં આવ્યું નથી. ગ્રુપ સંચાલક આ પોસ્ટ વાંચીને સ્પષ્ટતા કરે ત્યાં સુધી ચાલો આપણે આપણાં તુક્કા લગાવીએ…

૧) ગ્રુપને અંગ્રેજીમાં ફેરવવાથી વધુ લોકો સુધી પહોંચી શકાય. ખાસ કરીને આજની પેઠી. મોબાઈલ વાપરતી પેઢી.

ઑન સેક્ન્ડ થૉટ: એમ કરતાં મૂળ ઉદેશ્યનું શું? આપણી ભાષા, આપણી સંસ્કૃતિનું શું? અને અંગ્રેજી વાંચનાર માટે તો હજારો વિકલ્પ છે તેનું શું?

શરૂઆત મેં કરી આપી છે, તમે તેને આગળ વધારો….

  8 Responses to “આપણે બંધાવેલું ગુજરાતી છાપું અચાનક અંગ્રેજીમાં આવે તો?”

 1. આ નિંગ એ નંગ લોકોનું ગ્રુપ છે. દૂર રહેવું 😛

  • સાચી વાત છે. મેં મારું સભ્ય પદ પાછું લઈ લીધું છે.

   નીગ કંપનીએ શરૂઆતમાં મફત સેવા આપીને ઘેલું લગાડ્યું અને હવે તેની કિંમત વસુલ કરી રહી છે! દસ હજારથી વધુ સભ્યો માટે વર્ષે રૂપિયા ૪૦,૦૦૦ સભ્ય ફી અને ૨૦જીબીથી વધુ સ્પેસના અલગથી રૂપિયા ચૂકવતા આ નીંગ ગ્રૂપ ચલાવતા ‘અમુલ્ય’ નંગો નીંગ કંપની માટે ‘બહુમુલ્ય’ નંગો પુરવાર થઈ રહ્યા છે.

   ૧૦,૦૦૦ ઉપર સભ્યો હોય એટલે સ્પેસ પણ વધુ જોઈએ એ સહજ છે, ઉપરાંત એકની એક રચના વારંવાર મૂકાય એટલે એ પણ નક્કમી સ્પસ લે તેના પણ પૈસા નીંગ કંપનીને મળે. પાસવર્ડ ભૂલી ગયેલા સભ્યો જૂનો પાસવર્ડ પાછો મેળવવાની જફામાં પડવાને બદલે નવું અકાઉન્ટ ખોલી લે એટલે સરવાળે એટલા જ સભ્યો હોવા છતાં સભ્ય સંખ્યા વધતી રહે અને સરવાળે નીંગ કંપનીને વધારે ફાયદો થાય!

   • આ નંગ લોકો બહુમતીથી “કોપી કરવી એ અમારો જન્મસિદ્ધ હક્ક છે” – એ કાયદાને પસાર કરે છે. અને બેશરમ બનીને કોપી-પેસ્ટ કરે છે. અને તે સિવાય બાકી ઘણું બધું. એટલે આવા ગ્રુપમાં જોડાવા કરતાં દૂર રહેવું જ વધારે યોગ્ય છે.

    • કૉપી-પેસ્ટ અને પ્લેજરિઝમનું દુષણ નિંગ ગ્રૂપ પર જ નહીં પણ દરેક સોસિયલ સાઈટ પર વ્યાપક છે. ફેસબુક, ગૂગલ+, ટ્વિટર, વર્ડપ્રેસ, બ્લૉગસ્પોટ પર એક ગોતવા જાઓ તો દસ મળી રહે!

 2. . જો માતૃભાષાના જતન–સંવર્ધન માટે કામ કરવાનો ગ્રુપનો ઉદ્દેશ(?) હોય તો વિનયભાઈ, તમારા બીજા વિચાર સાથે સંમત છું.

  • માતૃભાષાનું જતન-સંવર્ધનનો ઉદ્દેશ છે કે નહીં એ સ્પષ્ટ નથી પણ જ્યારે પણ ગ્રૂપ પર થયેલા પ્લેજરીઝમ માટે ગ્રૂપ સંચાલક સાથે વાતચિત થઈ છે ત્યારે ‘ગુજરાતીની સેવા’નું કારણ સૌપ્રથમ આગળ કરવામાં આવ્યું છે. ૩૫,૦૦૦ સભ્ય સંખ્યા પહોંચી તે મારી સમજણ પ્રમાણે ગ્રુપના ‘ગુજરાતી’ પર ભાર દેવાને કારણે હતી. હવે એ જ ગ્રુપને અચાનક ‘અંગ્રેજી’ કરી દેવાયું છે! બીજું અંગ્રેજી ગ્રુપ ખોલી જ શકાયું હોત પણ એમ નથી થયુ!

   જો કે એક વખત સારી એવી સભ્ય સંખ્યા થઈ ગયા પછી ફક્ત સંખ્યા જોઈને જોડાયા હોય એવા લોકો ય મળી આવશે!

 3. સદગત વૅબસાઇટનું બેસણું નક્કી થયેલ છે. બેસણાના સમાચાર મળી જ ગયા હશે.

Leave a Reply

%d bloggers like this: