Jan 072010
 

૧૨૦૦ કિલોમીટર બાઈક પરનું અનુસંધાન…

ગઈકાલે ૧૩ કલાકમાં ૫૬૨ કિ.મી.ની બાઈક સવારી કરીને થાક લાગ્યો  હતો. મારા મિત્ર શાંતિભાઈ પડ્યા ભેગા ઊંઘી ગયા, મને થાકને કારણે મોડી ઊંઘ આવી. સવારે મોડા ઊઠ્યા. તૈયાર થઈ હોટેલમાં ચેકઆઉટ માટેની સૂચનાઓ આપી પાસે આવેલી ઉડીપીમાં જઈ નાસ્તો કરી આવ્યા અને ગોવા ફરવા જવા પ્રયાણ કર્યું.

ગોવા એક શહેર નહીં પણ રાજ્ય છે. આખું ગોવા ફરવા માટે સારો એવો સમય જોઈએ. રજાની સમસ્યા હતી એટલે ગોવા ફરવાનો લહાવો ફરી ક્યારેક સહકુટુંબ માણીશું એમ વિચારીને જાણીતા બીચ પર લટાર મારવા ઉપડ્યા.

પણજીથી નીકળી કલંગુટ સમુદ્રતટ પર આવ્યા. ત્યાં લટાર મારીને બાગા બીચની મુલાકાત લીધી. બાગા પછી અમારો પડાવ હતો માપુસા.

આપણે ત્યાં સાયકલ ભાડે મળે તેમ અહીં ગોવામાં બાઈક પણ ભાડે મળે! રોજના ૨૫૦/- આ એક સરસ સગવડ છે. ટ્રેનમાં ગોવા આવીને ફરવા માટે બાઈક ભાડે કરી શકાય.

ગોવામાં દરેક જગ્યાએ સ્થાન દર્શક પાટિયા આપેલા છે. ઉપરાંત અમારી પાસે GPS નેવિગેટર અને ગુગલ મેપ્સ હોવાથી ક્યાંય રસ્તા માટે પૂછપરછ કરવી ન પડી.

માપુસામાં પેટ્રોલ પુરાવીની અમે આવ્યા રાષ્ટીય ધોરી માર્ગ ૧૭ પર.  સમય થયો  હતો બપોરે ૧૨. અમારી પાછા વળવાની મુસાફરી શરૂ થઈ.

પાછા ફરતી વખતે અમે પુણે થઈને જવાના હતા એટલે અમારી પાસે ત્રણ ચાર વિકલ્પ હતા. ૧. મહાબળેશ્વર થઈને (પુણે ૫૩૩ કિ.મી.), ૨. રાધાનગરી થઈને (પુણે ૪૫૭ કિ.મી.), ૩. ગગનબાવડા થઈને (પુણે ૪૫૩ કિ.મી.), ૪. બેળગાંવ થઈને (પુણે ૪૪૮ કિ.મી.) અને ૫. અંબોલી/આજરા/નીપાણી થઈને (પુણે ૪૪૦ કિ.મી.). જાણવા મળ્યું કે અંબોલી વાળો રસ્તો સારો અને ટૂંકો છે એટલે અમે અંબોલી વાળા રસ્તે જવાનું નક્કી કર્યું.

માપુસાથી નીકળી સાવંતવાડી આવ્યા. અહીંથી અબોલી ઘાટનો રસ્તો અલગ પડતો હતો. અહીંથી અમે NH17 છોડીને અંબોલી ઘાટને રસ્તે આગળ વધ્યા. અંબોલી ઘાટ વાળા રસ્તા પર અંબોલી જળધોધ આવે છે તેના ફોટા પાડ્યા અને આગળ વધ્યા. ઘાટ રસ્તો પુરો થયા પછી બે ફાટા આવે છે એક બેળગાંવ જાય છે બીજો કોલ્હાપુર/પુણે જાય છે. રાજ્ય માર્ગ ૧૨૧ પર આજરા કરીને ગામ આવ્યું. અહીંથી આગળ વધતાં ફરી બે ફાટા પડતા હતા એક નીપાણી થઈને કોલ્હાપુર જવા માટે બીજો ગઢહિંગલાજ થઈ નીપાણી થઈને કોલ્હાપુર માટે. અમે નીપાણી માટેની સીધો રસ્તો લીધો જે કર્ણાટકમાંથી પસાર થાય છે! સાવંતવાડીથી આશરે ૧૦૦કિ.મી. જેટલો પ્રવાસ અમે રાજ્યમાર્ગ પર કરી નીપાણી પાસે રાષ્ટ્રીય ધોરી માર્ગ NH4 પર ચડ્યા. આ રસ્તો  ફોરલેન છે એટલે બાઈક ચલાવવાની મજા પડી. રાત્રે કોલ્હાપુરમાં રોકાવાનો વિચાર હતો જે રસ્તો જોઈને માંડી વાળ્યો.

નીપાણીથી કાગલ, કોલ્હાપુર, કરાડ, સાતારા થઈ પુણે પહોંચ્યા. પુણેથી લોનાવાલા અને લોનાવાલાથી પનવેલ, શિળફાટા, કલવા થઈને નાસિક હાયવે પરથી ભિવંડી પહોંચ્યા. સમય હતો રાત્રીના ૧ અને ઓડોમીટર૫૮૨ કિ.મીનો આંક બતાવી રહ્યો હતો! ૧૩ કલાકમાં અમે ૫૮૨ કિ.મી.ની મુસાફરી કરી હતી. કુલ ૧૧૬૮ કિ.મી.નો પ્રવાસ કર્યો.

મુસાફરીમાં રોકાવાનું હતું નહીં એટલે એક જ જોડી કપડા, ટુવાલ વગેરે મર્યાદિત સામાન લીધો હતો. બેગ દોરીથી બાઈકમાં બાંધી દીધી હતી એટલે હાથ ખુલ્લા હતા. બપોરે ભોજનમાં ફક્ત ફળાહાર કરીને શરીરને હળવું અને ચુસ્ત રાખતા હતા. હોન્ડા યુનિકોર્ન ૧૫૦ સીસી બાઈક હતી પણ બાઈકની ઝડપ એક જવાબદાર વ્યક્તિ તરીકે ૬૫-૭૦થી ક્યારે વધારી નથી. ઓવરટેક કરવાની લાલચો ઓછી કરીને સુખરૂપ નિરાંતે પ્રવાસ કરવાની મજા માણી છે. અમે બંને એ થોડી થોડી વારે ચાલકની ફેરબદલી કરીને બાઈક ચલાવી છે. સળંગ બેસવાને કારણે પગમાં દુખાવો જેવું લાગ્યું પણ એકંદરે મજા પડી છે.

ફોટાઓ આવતી કાલે…!

ગોવા વિશે અન્ય બ્લોગ શું કહે છે? જુઓ સ્વર્ગારોહણ અને હિના પારેખનો બ્લોગ.

  3 Responses to “૧૨૦૦ કિ.મી. બાઈક પર (૨)”

  1. અરે યાર ખુલ્લા હાથે બાઇક ચલવાતા હશે? હા હા હા.. આઈ નો કે તમે અલગ અંદાજમાં લખ્યું છે!

  2. વિનયભાઈ, સુહાના સફર માટે અભિનંદન. તસવીરો જોઈને અમે પણ કહીશું કે: વાહ! ક્યા SCENE હૈ!

  3. ઓહ ! ૧૨૦૦ કિમી ? બાઈક પર ?સરસ
    દાદ આપવી પડે,બાઈકને અને રાઇડરને 🙂 મારી પાસે હોન્ડા સાઈન છે જે લાંબી ટ્રીપ માટે.

Leave a Reply

%d bloggers like this: