Apr 072015
 

પ્રિય મિત્રો,

હું ૧૦ વર્ષથી પુણેમાં રહું છું અને તે પહેલાં ૨૫ વર્ષ મુંબઈ રહ્યો. ૩૫ વર્ષમાં હજારો વખત મુંબઈ-પુણે અને પુણે-મુંબઈનો બાય રોડ પ્રવાસ કર્યો. ૨૪ કલાકમાં એવો કોઈ કલાક નહીં બચ્યો હોય કે જેમાં હું આ રસ્તા પરથી પસાર ન થયો હોઉં.

મંજુરીની દૃષ્ટીએ ભારતનો પ્રથમ અને ખુલ્લો મુકાવાની દૃષ્ટીએ ભારતનો દ્વિતિય (પ્રથમ અમદાવાદ-વડોદરા) એક્સપ્રેસ વે, મુંબઈ અને પુણેને જોડે છે. આ એક્સપ્રેસ વે બનવાથી ઘણાં ફાયદા થયા છે, જેમાંથી મુખ્યત્વે, મુસાફરીનો સમય ઘટ્યો છે, ચઢાણ અને ઢોળાવની તીવ્રતા ઘટવાને લીધે યાત્રા આરામ દાયક બની છે, જૂના રસ્તા પર જે જીવલેણ બ્લાઈન્ડ સ્પોટ હતા તે નિવારી લેવાયા છે તેથી યાત્રા સલામત બની છે. પુણેથી સવારની ૫.૩૦ની રાજ્ય સરકારની એસી વોલ્વો બસ ‘શિવનેરી’ પકડીએ તો ૮ વાગ્યે (અઢી કલાલમાં) દાદર પહોંચી જવાય છે. જે પહેલા શક્ય નહોતું (જો કે ત્યારે વોલ્વો બસો પણ નહોતી એ અલગવાત છે).

મુંબઈથી પુણે જવા માટે એક્સપ્રેસ વે ઉપરાંત બીજો એક રસ્તો પણ છે, જૂનો મુબઈ-પુણે રસ્તો અથવા નેશનલ હાઈવે નં ૪. જૂના હાઈવેને સુધાર્યા પછી હવે મુંબઈ-પુણે વચ્ચે કુલ ૧૦ લેન થઈ, જવા માટે પાચ (એક્સપ્રેસ વેની ૩ લેન અને એનએચ૪ની ૨ લેન) અને આવવા માટે પણ પાંચ.

સગવડ જાણ્યા પછી બે ગંભીર ભૂલો પણ રહી જવા પામી છે, જે એક એક કરીને જોઈએ…

ઉપર લખ્યું તેમ મુંબઈથી પુણે જવા માટે પાંચ લેન છે (EW ૩અને NH4 ૨) તો ધારો કે પાંચ ગાડી મુંબઈથી નીકળે અને સમાંતર ચાલે, એટલે કોઈ ગાડી કોઈની આગળ કે પાછળ ન ચાલે, તો પાંચે પાંચ ગાડી પુણે પહોંચે? ના. ન પહોંચે.

મુંબઈ – પુણે એક્સપ્રેસ વે બનવાનો હતો ત્યારે એમ કહેવાતું કે તદ્દન નવો રસ્તો બનવાનો છે પણ જ્યારે પહેલી વખત આ રસ્તેથી પસાર થયો તો તેની ખૂબીઓ સાથે સાથે તેની ખામીઓ પણ ધ્યાનમાં આવી. નવો રસ્તો ઘાટ વિસ્તારમાં જૂના રસ્તામાં ભળી જાય છે. કદાચ કાળમીંઢ પથ્થરોમાંથી રસ્તો કાઢવો એટલો સહેલો કે સસ્તો નહીં હોય અથવા સમયને અભાવે એવો સોર્ટકટ લેવાનો નિર્ણય લેવાયો હશે, જે હોય તે.

પાંચ ગાડીએ સમાંતર પુણે પહોંચી ન શકે, અમુક જગ્યાએ અમુક ગાડીએ આગળ-પાછળ થવું પડે! પાંચ સમાંતર ચાલતી ગાડી ન પહોંચે તે તો સમજ્યા પણ કેટલી પહોંચે? ચાર – ના, ત્રણ – ના, બે – ના, એક! માનવામાં નથી આવતું ને? જુઓ નકશો.


[મુંબઈ-પુણે એક્સપ્રેસવે, Aથી શરુ થઈ, B સુધી જાય છે. વિભાગ C મોટુ કરી નીચેના ચિત્રમાં દર્શાવ્યું છે.]


[મુંબઈથી પુણે જતી વખતે NH4 Dથી E સુધી એક્સપ્રેસવેમાં ભળી જાય છે. વિભાગ H મોટુ જોવા માટે નીચે જુઓ.]


[સેકશન H અમૃતાંજન પુલ. આવતી અને જતી વખતે તીવ્ર Z વળાંક જોઈ શકાય છે.]


[પુણેથી મુંબઈ જતી વખતે Fથી G સુધી NH4 એક્સપ્રેસવેમાં ભળી જાય છે.]

હવે તમે કહેશો કે NH4 એક્સપ્રેસ વેમાં ભળી જાય છે અને એક્સપ્રેસ વે ત્રણ લેનનો છે તો એક લેન કેવી રીતે?

આ સમજવા માટે આ ચિત્ર જુઓ.

સ્વિફ્ટ કારહલકાં વાહનો જે રસ્તાની જમણી લેનમાં ચાલતા હતા તેને અચાનક ડાબી લેનમાં જવાનું કહેવામાં આવે અને ભારે વાહનો જે ડાબી તરફ ચાકતા હતા તેમને જમણી તરફ જવાનું કહેવામાં આવે. ટૂંકમાં કોઈ એક વાહન પસાર થઈ શકશે અને અન્ય વાહને ઊભા રહેવું પડશે! કાતર જેવું આ ક્રોસિંગ (જૂઓ જમણી તરફનું ચિત્ર) જોતાં નિર્દોષ લાગે છે પણ ગાડી ચલાવતી વખતે જ સમજાય કે કેટલું ખતરનાક છે.

સ્ટીલની મજબૂત સાંકળમાં એક કડી સુતરની હોય તો સમગ્ર સાંકળની તાકાત સુતરના દોરા જેટલી જ ગણાય, એ ન્યાયે મુંબઈ પુણે એક્સપ્રેસ વે + નેશનલ હાઈવે નં૪ બંને મળી પાંચને બદલે ઈફેક્ટિવલી એક જ લેનના બની જતા હોય ત્યારે અકસ્માતો ન થાય તો જ નવાઈ. મુંબઈ-પુણે માર્ગવ્યવહાર ઠપ્પા થઈ જવું તેથી જ શક્ય બને છે.

જે જગ્યાએ આવું થાય છે તે જગ્યા એટલે ‘અમૃતાંજન પુલ’. એક સમયે ત્યાં ‘અમૃતાંજન’ની જાહેરખબર મૂકાતી એટલે નામ પડી ગયું.


[અમૃતાંજન પુલનું રાજમાચી પોઈન્ટ પરથી વિહંગાવલોકન]

બીજું આ જગ્યાએ ઝેડ Z વળાંક વાળો રસ્તો છે પણ નિશાની ફક્ત વળાંકની > મૂકવામાં આવી છે. આ પણ અકસ્માતનું મોટું કારણ છે. અજાણ્યો ડ્રાયવર એક વળાંક લઈ લે પણ તરત જ બીજો ૧૮૦ અંશનો વળાંક લેવો તેની સમજ બહારનું હોય છે.

એક્સપ્રેસ વેમાં ટૂ વ્હિલર ચલાવવાની પરવાનગી નથી તેમ છતાં એક્સપ્રેસ વે પર તમારી કાર કે બસ પાસેથી ટૂ વ્હિલર પસાર થતાં જોઈને તમને નવાઈ લાગી જ હશે તેનું કારણ આ કે સામાન્ય રસ્તો એક્સપ્રેસ વેમાં ભળી જાય છે તેથી ટૂ વ્હિલર પણ એક્સપ્રેસ વે પર ચાલતા જોવા મળે છે!

ટૂંકમાં ૧. એક્સપ્રેસ વેમાં સામાન્ય રસ્તાનું ભ્ળી જવું, ૨. અમૃતાંજન પુલનીચે કાતર જેવું ક્રોસિંગ અને ૩. ત્યાં જ Z વળાંકને > તરીકે દર્શાવવું. મારી સમજ પ્રમાણે આ ત્રણ ગંભીર ભૂલો સુધારી લેવાય તો કેટલાય અકસ્માત થતા અટકે.

એક્સપ્રેસ વેને સુધારવા, તેની મહત્તમ ગતી વધારવા (હાલ ૮૦ કિમિ/કલાક) અને એક નવો એક્સપ્રેસ વે બનાવવાના આયોજન થતા રહે છે અને છાપામાં છપાતા રહે છે પણ બને ત્યારે ખરુ.

(ચિત્રો અલગ અલગ સાઈટ પરથી લીધાં છે, નકશાઓ ગૂગલ મેપમાંથી લીધા છે)

અપડેટ અને સુધારો – લેખમાં જ્યાં જ્યાં જૂનો હાઈવે એક્સપ્રેસવેમાં ભળી જાય છે એમ લખ્યું છે ત્યાં ત્યાં જૂનો વૈલ્પિક રસ્તો હતો જ, જેને સુધારી-વધારીને એક્સપ્રેસવે બનાવવી દેવામાં આવ્યો છે.

વધુ વિગતો, અંતરની સમજૂતી, ટીવી ચેનલ અને અખબારનું કવરેજ જાણવા વાંચો ભાગ બીજો

વિશેષ વાંચન:

* મુંબઈ-પુણે એક્સપ્રેસ વે – એમ એસ આર ડી સી

* મુંબઈ-પુણે એક્સપ્રેસ વે – વિકિપિડિયા

* જૂનો મુંબઈ-પુણે રસ્તો – વિકિપિડિયા

* ભારતનાં એક્સપ્રેસ વે – વિકિપિડિયા

* એક્સપ્રેસ વેના ફોટોગ્રાફ્સ – અમિત કુલકર્ણી

  6 Responses to “યશવંતરાવ ચૌહાણ માર્ગ ઉર્ફે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે”

  1. ખુબ માહિતીપૂર્ણ પોસ્ટ

  2. સરસ માહિતી.

  3. સરસ જાણવા જેવી માહિતી.

  4. An excellent article with clear cut information that could b of great benefit to this road user.

  5. આભાર, સુંદર માહિતી, જાણે વાંચતા આ હાઈવે પર પ્રવાસ કરી લીધો.

Leave a Reply

%d bloggers like this: