Jun 012011
 

પ્રિય મિત્રો,

‘સમાજમાં રાંધીને ખાવાવાળા હોય છે તેમજ માગીને ખાવાવાળા પણ હોય છે, ડિટ્ટો બ્લોગ જગત. ‘ એક વખત એક બ્લોગ પર કૉપી-પેસ્ટ બાબત દલીલ કરતાં આ ઉપમા વાપરી તો બ્લોગરને બહુ માઠું લાગી ગયું: ‘વિનયભાઈએ અમને માગીને ખાવાવાળા કહ્યા!’

મને મારી ભૂલ સમજાણી, રવાની વાનગીના શોખીનો આગળ ‘ઉપમા’ની વાત ન કરાય. 😉 એટલે મેં પછી રવાની ઉપમા બનાવવાને બદલે શીરો કર્યો ત્યારે તેમને મારી વાત ગળે ઊતરી. મેં કહ્યું: ઘરે આવેલા મહેમાનને યજમાન ઘરનું રાંધેલું ખવડાવી શકે છે તેવી જ રીતે બહારથી ખાવાનું લાવીને જમાડી શકે છે (તેનો વાંધો હોઈ જ ન શકે). વાંધો ત્યારે આવે જ્યારે યજમાન બહારથી લઈ આવેલું ભોજન ઘરે બનાવ્યું છે એવા આગ્રહ સાથે જમાડે.

આ જ બદમાશી કૉપીકેટ બ્લોગરો પોતાના વાચકો સાથે કરે છે. કોઈકના બ્લોગ/વેબસાઈટ પરથી લખાણ તફડાવી પોતાના બ્લોગ એવી રીતે મુકે જાણે પોતાનું જ લખાણ છે! પોતાના વાચકોની આંખમાં ધૂળ નાખીને પોતાને સર્જક તરીકે ઓળખાવતા આ કૉપીકેટરો પોતાની લખવાની આવડતને કેળવવાને બદલે ગમે તે ભોગે પ્રસિદ્ધિ મેળવવાની લ્હાયમાં નકલને રવાડે ચડીને પોતાની જાતને ચોર સાબિત કરવા લાગી જતા હોય છે.

એમને કૉમેન્ટ કરીએ તો કોમેન્ટનો જવાબ ન આપે, કૉમેન્ટ અપ્રુવ ન કરે,  ડિલિટ કરી દે વગેરે રીતો અજમાવીને સત્યથી દૂર રહેવાનો પ્રયત્ન કરતા રહે. ક્યારેક વળી કોઈ રીતે સંપર્ક થાય તો વળતી દલીલ તરીકે મકરંદ દવે સાહેબની રચના ટાંકી આપણને સમજાવે: ગમતાનો કરીએ ગુલાલ!

અરે, ભાઈ ગમતાનો ગુલાલ કરવો છે તો કરો તેની ના નથી. પણ ગમતી વસ્તુનો તમારી પોતાની હોવી જોઈએ. બીજાની નહીં.

અને, મકરંદ દવે સાહેબની રચના જ જો ટાંકવી હોય તો આ રચના ટાંકો:

કો’કના તે વેણને વીણી વીણી ને વીરા
ઉછી ઉધારા ના કરીએ;
હૈયે ઉગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.

કોયલ તો કોઈનો ટહુકો ન માગે
ને મોરલો કોઈની કેકા;
માનવીનું કાળજ તે કેવું કર્યું
પીડ પોતાની, પારકાં લહેકા.
રૂડાં રૂપાળા સઢ કોઈના શું કામના,
પોતાને તુંબડે તરીએ…

પોતાની વાંસળી પોતે બજાવીએ
ને રેલાવી દઈએ એક સૂર;
ઝીલનારું એને ઝીલી લેશે
ભલે પાસે જ હોય કે દૂર.
ઓલ્યા તે મોતમાં જીવી ગયા ને વીરા,
જીવતાં ન આપણે મરીએ…

– મકરંદ દવે

(રણકાર.કોમ પર વિરાજ અને બીજલ ઉપાધ્યાયના સ્વરમાં સાંભળો)

ઉપરની રચના સૌરભભાઈ શાહના ફેસબુક સ્ટેટસ પર વાંચી ત્યારે મને વિચાર આવ્યો કે કૉપી-પેસ્ટરોને મકરંદ દવે સાહેબની સલાહ પ્રમાણે જ ચાલવું હોય તો આ રચના જરૂર વાંચવી જોઈએ.

કૉપી પેસ્ટ બ્લૉગ જગત માટે મહા ત્રાસ છે. થોડાક કૉપીપેસ્ટરોને કારણે ખરેખરા બ્લોગરો જે જાતે લખે છે તેઓ કારણ વગર વગોવાય છે.

કૉપી-પેસ્ટનો મુદ્દો હજી એમનો એમ જ છે ત્યાં વળી નવી સમસ્યા ઊભી થઈ છે. પહેલા આ કૉપીપેસ્ટરો ફક્ત કૉમેન્ટ ઉઘરાવવા કે પોતાને સર્જક ગણાવવાની લ્હાયમાં ચોરેલું લખાણ મૂકતા હતા, હવે તેઓ જાહેરાત દ્વારા કમાણી પણ કરવા માગે છે! આ જુઓ:

ઉપરનું ચિત્ર એક કૉપીકેટ બ્લોગનો સ્ક્રિન શૉટ છે. બ્લૉગરને ત્રણેક વખત પૂછ્યું કે તમારા બ્લૉગ પર તમારી રચનાઓ કઈ કઈ છે? હજી સુધી જવાબ મળ્યો નથી!

પોતાને સર્જક ગણાવતા (ચિત્રમાં જુઓ નં૨) આ બ્લોગરે જ્યાંથી મળ્યું ત્યાંથી લખાણ તફડાવીને પોતાનો બ્લૉગ સમૃદ્ધ કર્યો છે (જો જો તમારું લખાણ પણ ચડી ગયું હશે) અને પોસ્ટની ઉપર (૧), નીચે (૩), જમણે વિજેટમાં (૪, ૫) અને નીચે પોપ-અપમાં (૬) એમ ઠેકઠેકાણે જાહેરાતો મૂકીને કમાણી કરવાનો રસ્તો પકડ્યો છે. ચિત્રમાં દર્શાવેલો બ્લોગ એક ઉદાહરણ છે. આવા બ્લોગ એક નહી પણ એકથી વધારે છે.

તમારી રચના તફડાવીને કોઈ જાહેરાતો વડે કમાણી કરે તો તમને કેવું લાગે?

અત્યાર સુધી આર્થિક ફાયદો થતો નથી એવી દલીલ કરીને છટકી જતા કૉપીપેસ્ટરો હવે કઈ દલીલ કરશે?

આપના વિચાર રજુ કરવા માટે કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે:

  27 Responses to “કોઈની મહેનત, કોઈને ફાયદો!”

 1. DEAR VINAYBHAI U R 100% CORRECT AND IN THIS CONNECTON SHRI ASHWIN CHAUDHARY AND SHRI NARESH K DODIYA HAD WRITTEN A VERY LENGHTY POST TOO…PPL ARE I MAY SAY NAGOONA ANE NAFFAT THAI GYA CHHE ANE ARE MAKING A MOCKRY OF A GOOD THING…HOPE BHAVISHYAMA KAINK RASTO NIKALASHE J….
  gOD BLESS YOU
  JSK……………………………..( THNX FOR TAKING DAVE’S SUPPORT…)..
  EVER YOURS
  SANATBHAI DAVE (DADU FOR FB..)

 2. બસ એક જ વાત યાદ આવે છે …

  બસ, એક હી ઉલ્લુ કાફી હૈ, બરબાદ ગુલિસ્તાં કરને કો,

  હર શાખ પે ઉલ્લુ બૈઠે હૈ, અંઝામે ગુલિસ્તાં ક્યા હોગા?

 3. SACHI VAT CHHE VINAY BHAI …MARI JEVA ANSAMAJU LOKO TAMARI JEVA SACHA LOKONE PARESHAN KARE CHHE …..PAN TAME LOKONE SAMAY SAMAYE AAVI RITE JAGRUT KARATA RAHESHO TO BLOG JAGAT MATE GHANU SARU RISULT MALASHE…AABHAR….

  • તમે પણ જાગ્રત થાવ. પહેલાં સુધરો ને પછી ટીકા ટીપ્પણી કરો.
   તમારી ચોરી પકડાઇ ગઇ એટ્લે બ્લોગ પણ પ્રાઈવેટ વ્યુ કરી નાંખ્યો?

 4. Lage raho,Vinaybhai!

 5. અરે , વિનયભાઈ મારા આર્ટિકલ પણ બીજા બ્લોગમાં ping થાય છે . તમે મને તે તરફ ધ્યાન દોર્યું હતું. તે બદલ તમારો આભાર .

 6. Very good, Vinaybhai. This was needed. Copy cats must be discouraged big time.

 7. vinaybhai aau to mari sathe allready ghani vakhat thau che jeni me aapne jaan pan kari hati….

  mari j poem shree maan dilip ghass wala e last ni line kadhi ne post kari didhi jethi maru naam na aave ane loko temni rachna samje… aava choro kya sudhi aau kaam karse mane nathi samjatu…

  Dilip Ghaswala
  બહુ વિતાવ્યા વર્ષો શબ્દો ની શોધમાં,

  ચાલ હવે હું કવિતા ને તું ગઝલ બનીયે

  ચાલ સાથે બેસીએ મુક્તકો ની શોધમાં,

  હવે આપણે બંને પંક્તિ અને મત્લા બનીયે.

  આમ વેર-વિખેર થયા સંબંધો ની ઓથમાં,

  ચાલ ને હવે તો લઘુ-ગુરૂ ની માત્રાં બનીયે.

  હવે ગરબડ કરીએ અક્ષરો ની ગોતમાં,

  ચાલ હવે હું રદીફ ને તું કાફિયા બનીયે.
  May 24 at 8:38pm · See Friendship
  Hetal Desai likes this.
  aa rachna dilip bhai e mukeli ane original rachna aa che..

  બહુ વિતાવ્યા વર્ષો શબ્દો ની શોધમાં,
  ચાલ હવે હું કવિતા ને તું ગઝલ બનીયે

  ચાલ સાથે બેસીએ મુક્તકો ની શોધમાં,
  હવે આપણે બંને પંક્તિ અને મત્લા બનીયે.

  આમ વેર-વિખેર થયા સંબંધો ની ઓથમાં,
  ચાલ ને હવે તો લઘુ-ગુરૂ ની માત્રાં બનીયે.

  હવે ગરબડ કરીએ અક્ષરો ની ગોતમાં,
  ચાલ હવે હું રદીફ ને તું કાફિયા બનીયે.

  આવ સંગાથે ચાલીએ મિત્રતા ની શોધમાં,
  ફરી પાછો હું “પ્રશાંત” ને તું “આરતી” બનીયે.

  —-પ્રશાંત
  THIS IS FOR MY DEAR SIS “ARTI”

  have tame j nayay karjo ke su karu joiye….

 8. વિનુભાઈ, ડંકાની ચોટ સમો જવાબ એટલે બીજા નંબરનો આખો ફકરો.

  પણ ભાઈ, જાહેરાત કરે એનો વાંધો નથી…(બોસ! ઓનલાઈન કમાણી કરવા માટે કોઈકને કાંઈક તો કરવું પડે ને!) બસ એટલુજ જરૂરી છે કે જાહેરાત પણ અંધારામાં મારેલા તીર જેવી ન હોય.

 9. મે તો મારા હાઈકુ મારા જ ફેસબુક ફ્રેન્ડના બ્લોગમા જોયા છે. મને એ લોકો એ પહેલા જાણ પણ કરી ,હવે એ લોકો શીયાળ ગણો અને અમારો અભિગમ ઘેટા જેવો ગણો તો ચાલશે…લે…ચોર..બેટા…તિજોરી તો આ રહી…કરી લે ચોરી…હવે અહી શુ કરવુ…?…

 10. માનનીય વિનયભાઇ, આપની મદદથી જ મને ખબર પડી કે આવી ચોરી પણ થતી હોય છે. એક ઉપાય વિચાર્યો છે.. આપણે બધા ભેગા મળીને એક એવી વેબસાઇટ કે બ્લોગ બનાવીએ જયાં આવા કોપી-પેસ્ટ કરનારાને ખુલ્લા કરી શકાય. જેને પણ લાગે કે તેની પોસ્ટની અન્ય બ્લોગમાં કોપી કરવામાં આવી છે, તે ત્યાં જઇને પોતાની અને કોપી કરેલી પોસ્ટની લીંક મુકીને કોપી કરનારને જાહેર કરે. જેથી અન્ય લોકોને પણ ખ્યાલ આવે કે બીજાની માહિતિ પોતાના બ્લોગમાં ભરીને માહિતિ-સમૃધ્ધ બનનાર વ્યક્તિ હકિકતમાં “નાયક” નહી પણ “ખલનાયક” છે.

  • તમારા સૂચનનું સ્વાગત છે. આ કામ માટે મારા બ્લૉગ પર કૉપી-પેસ્ટનું પાનું બનાવવા હું તૈયાર છું અથવા નવો બ્લોગ બનાવવો હોય તો તે પણ મંજુર છે.

   • બ્લોગ વિશ્વમાં આપ મારા કરતાં ઘણાં અનુભવી છો તેથી આપ નક્કી કરો તે વધુ યોગ્ય રહેશે. જે પણ વિકલ્પ પસંદ કરો તેમાં હું મારા સહયોગની ખાતરી આપુ છું.

    • હેમાંગ પટેલનું સૂચન વિચારવા યોગ્ય છે. એક અલગ જ બ્લોગ બનાવી શકાય.

 11. આ બધી વાત તો બરાબર છે, પણ આપણામાંથી કેટલા લોકો પાસે WindowsXP, Vista કે 7નું લાયસન્સ છે. કે પછી તે પણ કોપી-પેસ્ટ વાળી છે. એવુ ના બનતુ હોય કે આપણે આપણી રચનાના ગીતો ગાતા રહીએ, અને બિજાના software કોપી પેસ્ટ કરતા હોઇએ. ખરી વાત કે નહીં?

  • સોફ્ટવેર પાયરસીનો મુદ્દો તમારો વ્યાજબી છે. સોફ્ટવેર ઉપરાંત ઓડિયો અને વિડિયો પાયરસીની પણ સમસ્યા વ્યાપક છે.

   અહીં બે મુદ્દાને સાંકળીને તમે કહેવા શું માગો છો? સ્પષ્ટતા કરશો.

   • એ જ કે બ્લોગની સાથે સાથે આ જાતના મુદ્દાઓ વિષે પણ ચર્ચાઓ કરતા રહો જેથી લોકોમા જાગ્રુતી આવે.

 12. પ્રિય વિનયભાઇ અને બધા જ મિત્રો,
  કોપી-પેસ્ટની તકલીફ હવે માઝા મૂકી રહી છે. તે માટે અલગ બલોગનું સૂચન સરસ છે. બીજું, મને એ લાગે છે કે જે પણ મિત્રોને આવી ચોરીની જાણ થાય તેઓ જાહેરમાં બન્ને લિન્ક મૂકી દે. પછી બધા જ મિત્રો, જે કોપી-પેસ્ટના વિરોધી છે,તેઓ કોમેન્ટ્સનો મારો ચલાવે. જો ચોર એનો વિરોધ કરે તો તે કોમેન્ટ પણ મૂકી દેવી. જો પ્રાઇવેટ વ્યુ (જેમ અરવિન્દભાઇએ જાહેર કર્યુ છે.) કરે તો તે પણ જાહેર કરવું. એ જે પગલાં લે તે બધાં જ જાહેરમાં મૂકી દેવાં. કદાચ એ બચાવ કરતી કોમેન્ટ કરે તો તે પણ જાહેરમાં મૂકવી.હા, જો એ પોતાના બ્લોગમાં બદલાવ લાવે અને ચોરેલી રચના કાઢે કે મૂળ રચનાકારનું નામ લખવા જેવા હકારાત્મક ફેરફારો કરે તો તેની પણ જાહેરમાં જ સરાહના કરવી.
  ટેકનીકલી કે સોફ્ટ્વેરની રીતે શું કરી શકાય એ વિશે મને આવડત નથી. પણ, એમાં જે મિત્રો નિષ્ણાત છે અને કોપી-પેસ્ટના વિરોધમાં જે પગલાં લે છે, તેમની સાથે જ છું.
  મને લાગે છે કે આપણે ઘણી બાબતો સહન કરી લઈએ છીએ અને ‘ મારા એકલાથી શું થાય?’ એવી ભારતિય માનસિકતાથી વિચારીને કંઈ જ કરતાં નથી. જો વિનયભાઇએ પણ આમ જ વિચાર્યું હોત તો? કેટલા કર્તાઓને અન્યાય થાત? ઉપર આવેલી કોમેન્ટ્સ એ સાબિત કરે છે વિનયભાઇ, કે કાફિલો વધી રહ્યો છે……
  ઉત્કંઠાની શુભેચ્છાઓ..

 13. વિનયભાઇ, બહુ યોગ્ય શબ્દોમાં આ ઉઠાવગીરોને ઉધડો લો છો એનાથી અમને બળ મળે છે. મારેય આવા લોકો સાથે ઘણીવાર પનારો પડે છે (પ્રારંભે તો તમે જ બે–ત્રણવાર ધ્યાન દોરેલું) અને લડીને ન્યાય મેળવવો પડયો છે. પ્રતિકાર કરીને ન્યાય તો મેળવીએ છીએ પણ દર વખતે એ જ પ્રશ્ન થાય કે આપણો કીમતી સમય આવા લલ્લુઓની પાછળ આપવો પડે છે.

 14. વિનયભાઈ, તમે તેના હોસ્ટ કે ગૂગલ મા DMCA ક્મ્પ્લેઇન ફાઇલ કરી છે? તેઓ ચોક્ક્સ મદદ કરશે. જોકે બ્લોગ ગુજરાતીમાં હોવાથી તે લોકો ને થોડી સમ્સ્યા થશે પણ એક્વાર ટ્રાય કરો.

 15. શ્રી વિનયભાઇ,
  પ્રથમ તો આપને ધન્યવાદ. શું શું શોધી કાઢો છો યાર !

  શ્રી હેમાંગભાઇનું સુચન ગમ્યું.
  શ્રી કિરણસિંહજીનો પ્રશ્ન પણ વિચારવા જેવો લાગ્યો.
  હવે કમાણી પણ કોઇકની મહેનત પર !!!!! અદ્‌ભુત વિચાર !! લોકોની એક જ દલીલ કે ’ગમતાનો ગુલ્લાલ’ બહુ ઘીસીપીટી લાગવા લાગી છે, કરો ! વાંધો નહીં !! પણ ઓછામાં ઓછું પોતાની પાંચ લીટીમાં એ તો જણાવો કે આ કોઇકની રચના આપને શા કારણે ગમી ?

 16. ખુબ જ સરસ લખિયું છે.

 17. અપડેટ: અહીં જેનો ઉલ્લેખ કર્યો છે તે સાઈટ ‘રોયલ વર્લ્ડ’નું નામ બદલીને ‘મુસ્કાન’ રાખવામાં આવ્યું છે (જુઓ નીચે આપેલું ચિત્ર):

  મુસ્કાન

  … અને જાહેરાતો દ્વારા કમાણી કરવામાં આવી રહી છે જે આપેલા ચિત્રમાં (૧,૨,૩) જોઈ શકાય છે. ચિત્ર મોટું કરવા માટે તેના પર ક્લિક કરો.

 18. હું જાહેરાત મુકું એમાં તમને શો વાંધો છે ??

 19. મુર્તુઝાભાઈએ કહ્યું એમ કમાણી કરે એમાં કોઈ વાંધો ના જ હોય, બધા બ્લોગર પોત પોતાની રીતે કરે, પણ કોપી પેસ્ટ ના આધારે ચાલતો બ્લોગ એ ખોટી વસ્તુ છે અને મારો પણ એ બાબતે હંમેશા વિરોધ રહેશે જ ,

 20. મારા ટેકનોલોજી ના બ્લોગ પર પણ મેં જાહેરાત ચાલુ કરી છે અને બે પૈસા મળે એમાંથી ડોમેઈન અને હોસ્ટિંગ નો ખર્ચો નીકળે છે અને કદાચ ભવિસ્ય માં નફો પણ થશે…. પણ હું એમાં બધા કન્ટેન્ટ ૫-૭ જગ્યાએ વાંચી ને જાતે ટેકનોલોજી ની ટીપ્સ લખું છું…. કોપી પેસ્ટ કરીને કરીએ તો કદાચ અત્યાર સુધીમાં ૧૧૦ ને બદલે ૧૦૦૧ પોસ્ટ્સ મૂકી દીધી હોત 🙂

Leave a Reply

%d bloggers like this: