May 272012
 

પ્રિય મિત્રો,

બહુ જ લાંબા વિરામ બાદ આજે હું બ્લૉગ પર પોસ્ટ લખવા બેઠો છું. વહી ગયેલા સમય દરમ્યાન ઘણાં બનાવો બન્યા જેની નોંધ અહીં લેવી જરૂરી હતી પણ સમયને અભાવે લઈ શકાઈ નહીં. દા.ત. આ બ્લૉગે ૧૭ માર્ચના પાંચ વર્ષ પૂરા કરી છઠ્ઠા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો.

આજે આપણે પૂણે નજીક આવેલા એક રમણીય સ્થળ – ચિંચોલી (મોરાચી)ની મુલાકાત લેશું, તો તૈયાર છો ને?

એક દિવસીય પર્યટન – ચિંચોલી (મોરાચી)

રજાના દિવસે પુણેના આજુબાજુના કોઈ ગામડાની મુલાકાત લેવી એવા વિચાર સાથે નેટ પર સર્ચ કરતાં એક દિવસીય પર્યટન માટેનું એક આદર્શ સ્થળ ધ્યાનમાં આવ્યું – ચિંચોલી (મોરાચી).

મરાઠીમાં ‘ચિંચોલી’ એટલે આમલીના ઝાડ અને ‘મોરાચી’ એટલે મોરની. આ ગામને ‘નાચતા મોરનું ગામ’ પણ કહેવાય છે. આટલી માહિતી મળતાં જ રવિવારે મુલાકાત લેવાનું નક્કી કર્યું. વેબસાઈટ પર આપેલા સંપર્ક પર ફોન કરી જરૂરી માહિતીની આપલે કરી લીધી.

રવિવારે સવારે વહેલા ઊઠી તૈયાર થઈ ચિંચોલી (મોરાચી)ની વાટ પકડી. પુણેથી અહમદનગર જતા રસ્તા પર સિક્રાપુર પછી હાઈવે છોડી ડાબી તરફ અંદરના રસ્તે જવાનું હતું, ચિંચોલી જવા માટેના બે રસ્તા છે, એક ‘પિંપળે ધૂમાળ’ થઈને અને બીજો ‘ગાણેગાંવ’ થઈને. ફોન પર મળેલી સૂચના પ્રમાણે અમે ‘પિંપળે ધૂમાળ’ થઈને ચિંચોલી પહોંચ્યા.

સવારનો નાસ્તો, ચા-પાણી કરી ગામમાં ફર્યા. ચિંચોલી નાનકડું ગામ છે, ગામમાં ૨૦૦૦થી વધુ મોર છે. ગામમાં રહેતા બધા જ લોકો શાકાહારી છે. ગામના લોકોની ધાર્મિક માન્યતાને કારણે બધા મોરનું જતન કરે છે અને તેથી જ ગામમાં આવેલા આમલી અને આંબાના ઝાડની નીચે મોર બેફિકર થઈને નાચતા અને કળા કરતા જોવા મળે છે.

ગામમાં એક નદી છે જે અમે ગયા ત્યારે સૂકાયેલી હતી. આ નદીની બંને તરફ આમલી,આંબા અને કોંટના સંખ્યાબંધ વૃક્ષ છે. આ રમણીય સ્થળે સવારે અને સાંજે મોર જોવા મળે છે.

સામાન્ય રીતે મોર શરમાળ પ્રાણી છે અને માણસથી દૂર ભાગે છે. અમે ગયા હતા તે સ્થળે બે પાળેલા મોર છે જે માણસની બહુ જ નજીક આવે છે અને આપણાં હાથમાંથી અનાજના દાણા પણ ચણે છે, જુઓ એક નાનકડી વિડિયો ક્લિપ:

ઊનાળાના દિવસો હતા એટલે બપોરે બધા મોર જંપી ગયા, અમે ચૂલે રાંધેલા સાદા પણ સ્વાદિષ્ટ ગ્રામ્ય ભોજનનો આનંદ લીધો. બાજરાના રોટલા, ઘી, ગોળ, રીંગણાનું શાક, ચણાના લોટનું શાક (પિઠલં), ભાત અને કઢીને યોગ્ય ન્યાય આપી આરામ કર્યો.

સાંજે મોરની ફોટોગ્રાફી કરી, ગામમાં ફર્યા, આમલી તોડીને ખાધી, આમલીના ફૂલ ખાધાં, આંબાના માલિકની સામે જ તેના આંબામાંથી આંબા તોડ્યા! છેલ્લે, આઈસિંગ ઓન ધ કેક, બળદ ગાડાની મુસાફરીનો આનંદ લીધો.

કચ્છના માંડવી તાલુકામાં આવેલું મામાનું ગામ સતત યાદ આવતું હતું. મામાના ગામે ઘર આંગણાંમાં મોરને કળા કરતા જોયા હતા તે યાદ આવ્યું, બાજરાનો રોટલો અને ગોળ ખાધા તે યાદ આવ્યું અને મામાના ગામથી નજીકના ગામે બળદ ગાડામાં મુસાફરી કરી હતી તે યાદ આવ્યું.

સાંજનો નાસ્તો કરી રજા લેતી વખતે દત્તારામનો આભાર માન્યો કે તમે તો અમને બાળપણ યાદ અપાવી દીધું!

પાછા ફરતી વખતે દત્તારામે ગાણેગાંવ થઈને જવાનું કહ્યું. આ રસ્તો જતી વખતે વાપર્યો તેના કરતાં વધારે સારો હતો પણ આ રસ્તા પર અન્ય પર્યટન કેન્દ્ર આવેલા છે અને લોકો ભૂલથી ત્યાં પહોંચી ન જાય તે માટે પહેલી વખત આવનારને પિંપળે ધૂમાળ થઈને આવવાની સલાહ આપવામાં આવે છે! જોકે એક વખત અહીં આવનાર બીજી બખત બીજે ક્યાં જવાનો નથી તેની ખાતરી હોવાથી પાછા ફરતી વખતે ગાણેગાંવનો રસ્તો સૂચવવામાં આવે છે.

ફેક્ટ ફાઈલઃ
* આનંદ પર્યટન કેન્દ્ર – www.chincholi-morachi.com
* સંપર્ક – દત્તારામ ખોપટે
* અંતર – પુણેથી ૬૦ કિમી, (અહમદ)નગર હાઈવે પર સિક્રાપુર પછી ડાબે વળવું. મુંબઈથી જવા માટે પુણે હાઈવે પર ચાકન થી સિક્રાપુર તરફ વળી જવું અને સિક્રાપુરથી (અહમદ)નગર હાઇવે પર થોડું આગળ જઈને ચિંચોલી માટે ડાબે વળવું.
* જીપીએસ – 18°49’5″N, 74°9’32″E
* વિકિમેપીયા – http://wikimapia.org/24195348/Aanand-Agri-Tourism-Chincholi-Morachi
* જવાનો સમય – ચોમાસામાં – જૂનથી દિવાળી સુધી.
* મોરને કળા કરતા જોવાનો સમય – સવારે અને સાંજે (ફક્ત ચોમાસામાં)
* ચિંચોલીમાં આવેલા અન્ય પર્યટન કેન્દ્ર – જય મલ્હાર http://morachichincholi.com અને માઉલી – http://www.chincholimorachi.com

  14 Responses to “એક દિવસીય પર્યટન – ચિંચોલી (મોરાચી)”

 1. સરસ માહિતી વિનયભાઇ,
  તમારા આ પ્રવાસ વર્ણનથી મને પણ મારા મામાનું ગામ યાદ આવી ગયું.
  -અરવિંદભાઇ, યુ.કે.થી.

 2. વહાલા વીનયભાઈ,
  દીવાળી પહેલા પુના જવાનું થશે તો આનંદ પર્યટન કેન્દ્રમાં આનંદ મેળવવા જઈશુ્ં.
  ધન્યવાદ..

 3. શ્રી વિનયભાઈ,

  સૌ પ્રથમ બ્લોગના પાંચ વર્ષ પૂરા કર્યા તે બદલ શુભેચ્છાઓ કે આપની બ્લોગની સફર વધુ ને વધુ આગળ ઉન્નતી કરે તે શુભકામના.

  ઘણા લાંબા સમય બાદ આવ્યા પણ સાથે મોરનો ટહુકાર પણ લાવ્યા… પ્રવાસનું વર્ણન અને ટૂંકી વિડ્યો ક્લીઈપ માનવાની મઝા આવી… ઇન્ડિયા યાદ આવી ગયું…

  આભાર !

 4. વિનયભાઈ,

  ચાલો એક કરવાં જેવું કામ તમે કર્યું. રોજિંદી દોડધામમાંથી આવા કામ માટે સમય કાઢવો જરૂરી છે.

  ગામનું ઘર સાંભરી આવ્યું. મોટા ફળિયામાં રોજ મોર ચણવા આવતા.

  થોડા વખત પહેલાં તુલસીશ્યામ એક રાત રોકાઈને મોરના ટહુકા સાંભળ્યા. એક મોર તો આધુનિક જમાનાના આધુનિક ઝાડનો ટોચે બેઠેલો. આ રીતે.. http://www.facebook.com/photo.php

 5. સુંદર ઉપયોગી માહિતી માટે આપનો ખુબ ખૂબ આભાર. આપની સક્રિયતા અનુકરણીય છે.

 6. વિનયભાઈ,
  ઘણા સમયે મળીને આનંદ થયો. આ પોસ્ટ પણ ગમી. તમારી અન્ય પોસ્ટ કરતા જરા અલગ જ પ્રકારની હતી માટે વધારે ગમી.
  સસ્નેહ,
  ચિરાગ ઠક્કર ‘જય’

 7. સૌપ્રથમ તો funNgyanને પાંચ વર્ષ પૂરા થયા તે નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન.
  ચિંચોલીના એકદિવસીય પ્રવાસ વિશે વાંચીને મજા આવી. ક્યારેક મોકો મળશે તો જઈશ.

 8. Pleasant reading. Reminded of my father’s railway bunglow “Citadel” in Bandikui, Rajasthan where too peacocks came, danced,frolicked and amused us.

 9. આપના બ્લોગના પાંચ વરસ પુરા થયા તે બદલ આપને સુભેચ્છા. અને પ્રવાસ વર્ણન ખુબ જ ગમ્યું.વિડીયો ક્લીપમાં આપને જોવાની ઈચ્છા થઇ પણ દર્શન ન થયા જો કે તમે વિડીયો શુટીંગ કરતાં હશો.

 10. Nice.
  our national more…

 11. I will take my 1 year son there when I visit pune.. thanks for sharing info.

 12. ખુબ સુંદર સફર કરાવી આપે , વાંચવાની મજા પડી

 13. તમારો આ લેખ વાંચી આનંદ થયો…

 14. Chincholi (Morach) vanchi pratham em lagy ke koi More namni prathisthit vykti uper padyu hase, parantu
  Parantu under ni vigat vanchi ghano aanad thayo. ek navu stal janva malyu.

Leave a Reply

%d bloggers like this: