Dec 072014
 

પ્રિય મિત્રો,

વર્ષો પહેલા, એટલે કે, ડિસેમ્બર ૨૦૦૭માં, ઇરાનની એક બેંક એ.ટી.એમ.નું ચિત્ર મૂક્યું હતું અને તેનું મથાડું બાંધ્યું હતું, “આતો તાડજેવડાઓ માટે છે” ત્યારે લોકોને તે બહુ જ પસંદ પડ્યું હતું અને આ પોસ્ટને મળેલા પ્રતિભાવે આ બ્લોગનું બાળ મરણ થતું અટકાવ્યું હતું.

આજે સાત વર્ષ પછી તેનાથી ઉલટ ઠીંગણા લોકો માટેનું એટીએમ ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા કરી શોધી લાવ્યો છું.

એટીએમ

એટીએમ

ગમ્મ થઈ ગઈ, હવે થોડું જ્ઞાન પણ મેળવી લઈએ:

આ એટીએમ યુનાઈટેડ કિંગ્ડમમાં Nottinghamમાં આવેલું છે. જમીનથી ફક્ત સવા દોઢ ફૂટ ઊંચું આ એટીએમ કોઈ રમૂજ માટે નહીં પણ વ્હીલચેર પર આવતા ડિસેબલ્ડ લોકો માટે છે. હેટ્સઓફ! વિશ્વ અપંગ દિવસ તાજેતરમાં જ ઉજવાઈ ગયો.

વ્હોટ્સએપના જમાનામાં જ્યારે ઢગલાબંધ રમૂજી ચિત્રો કોઈ પણ માહિતી વિના મોબાઈલમાં ઠલવાતા હોય ત્યારે આ ચિત્ર અને તેની માહિતી આપને પસંદ પડશે તેવી આશા સાથે,

-વિનય ખત્રી

ફોટો/માહિતી સ્ત્રોત બીબીસી.કોમ

Nov 072014
 

પ્રિય મિત્રો,

આજે ફરી એક વાર, લાંબા સમય પછી, રમૂજી ચિત્ર:

દિવાળીની રજાઓમાં ફરવા જતાં એક જગ્યાએ એક બોર્ડ જોયું જેમાં ડીટીએચ ટીવી તેમજ મોબાઈલ કંપનીના લોગો છાપેલા છે. કંઈક અજુગતું લાગ્યું એટલે ફોટો પાડી લીધો. તમે પણ જુઓ અને કહો અજુગતું શું છે:

અને આ લખાણ પણ વાંચો:

‘એકની ઉપર એક મફત’ કે ‘સાબુની ગોટી સાથે શેમ્પુનું પાઉચ મફત’ એવું સાંભળ્યું હતું, પણ બરફની સાથે વિશ્વાસ પણ મળતો હોય તેવી જગ્યા પહેલી વાર જોઈ.

અને છેલ્લે, આ બંને એક સાથે એક જ દુકાનમાં મળે છે! ડેડલી કોમ્બિનેશન. (વિશ્વાસવાળો) બરફ અને મોબાઈલ/ડીટીએચ રીચાર્જ!

સ્થળ ચૌફુલા ચોક, મહારાષ્ટ્ર (Wikimapia)

Feb 062012
 

પ્રિય મિત્રો,

ગઈકાલના ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં સ્પેકટ્રોમિટર કૉલમમાં જયભાઈ વસાવડાનો સરસ મજાનો લેખ વાંચ્યો, અને તેમની પરવાનગી લઈને અહીં રજુ કરું છું, લો તમે પણ વાંચો…!

સ્વીડનમાં એક નવો ‘ધર્મ'(?) ઉભો થયો છે, જેનો ધંધો ભારતમાં પૂરબહારમાં ચાલે છે! કોપી એન્ડ પેસ્ટ.

તફડંચી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે?!

કૉપી-પેસ્ટસૌ: ગુ.સ.

સેડ સત્ય. પરદેશી ફિલ્મ કંપનીઓએ ઉઠાંતરીના મામલે કડક કેસ કરવાના દાખલ કર્યા ત્યારથી બોલીવૂડ ફિલ્મોની સ્ક્રિપ્ટ અને સંગીત ઓવરઓલ ખાસ્સા ફિક્કા થઇ ગયા, એ આંખ-કાન સામેની હકીકત છે! પહેલાં તો બહારના મસાલાનો છુટે હાથે વઘાર થઇ શકતો હોઇ, રસોઇ એકદમ સ્વાદિષ્ટ લાગતી. હવે દિમાગ પર જોર નાખીને જાતે વિચારવુ પડે છે, જેની આપણને આદત નથી!

સ્વીડનમાં તાજેતરમાં એક નવું ચર્ચ રજીસ્ટર્ડ થયું છે. ના રે, એમાં કોઇ વિધિવિધાન નથી. પૂજાપાઠ પણ નથી. શ્રદ્ધાની સાબિતીની કોઇ કસોટીઓ નથી. ધર્મ અંગીકાર કરવાની, સ્વીકારવાની કોઇ ચોક્કસ પદ્ધતિ પણ નથી! ઇનફેકટ, જયાં ભકતજનો ભેગા થાય, એવી કોઇ ચર્ચની ઇમારતનું જ અસ્તિત્વ નથી!

માત્ર વીસ વરસના ફિલોસોફીના સ્ટુડન્ટ એવા ગેરસન ઇસાકે (જે સ્વીડિશ પોલિટિકલ પાર્ટી પાઇરેટ પાર્ટીનો સભ્ય છે) પોતાના નામે એક નવો ધર્મ રજીસ્ટર્ડ કરાવ્યો છે. જેનું નામ છે ‘કોપીમિઝમ’! જેનો મૂળ મંત્ર છેઃ રાઇટ ટુ કોપી ઇન્ફોર્મેશન! અહાહાહા, આપણા અઘ્યાપકો, લેખકો, ફિલ્મી સંગીતકારો, પૂજયવર ધઘૂપપૂઓ વગેરે માટે કેવી મનલુભાવ વાત છે! પણ કોપીમિઝમની ભારતીય ‘ફ્રેન્ચાઇઝી’ (બીજું શું કહીએ) લેનાર અન્ય એક વિદ્યાર્થી અક્ષય ત્યાગીની સાઇટ પર ગણીને માંડ ૨૫-૩૦ મેમ્બર્સ જ જોડાયા છે.

સિમ્પલ એન્ડ નેચરલ. જે બાબતની પ્રેકટિસમાં કોઇ પણ નીતિ નિયમ વિના જ બધા પાવરધા હોય, એવા દેશમાં એ માટે રજીસ્ટર્ડ થવાની લમણાઝીંક કોણ કરે? એવો વધારાનો સમય બગાડવો હોય તો નકલ જ શા માટે કરીએ? જે હોલની દીવાલો જ પાડી નાખવામાં આવી હોય, એમાં વળી દાખલ થવા માટે દરવાજો શોધવાની શી જરૂર? ખીખીખી. Continue reading »

Jan 102012
 

પ્રિય મિત્રો,

રવિવારે મુકેલી પોસ્ટમાં એક ચિત્ર મૂકીને પ્રશ્ન પૂછ્યો હતો, ઓળખી બતાવો: આ શું છે? શેનું ચિત્ર છે? તેનો જવાબ છે: ઘડિયાળ. મોટાભાગના પ્રતિભાવકોના જવાબ સાચા છે. ભાગ લેનાર દરેકનો આભાર અને અભિનંદન.

વિગતવાર વાત કરીએ તો આ શબ્દ ઘડિયાળ (word clock) છે જે વર્તમાન સમય શબ્દોમાં દર્શાવે છે. નીચે દર્શાવેલું ચિત્રમાંનું શબ્દ ઘડિયાળ પોણા ત્રણ વાગ્યા છે એમ દર્શાવે છે!

ઘડિયાળ

એક સમય હતો જ્યારે દરેકના ઘરમાં મોરબીના લોલકવાળા ઘડિયાળ જોવા મળતા, પછી ધીમે ધીમે લોલકવાળા ઘડિયાળની જગ્યાએ ક્વાર્ટ્ઝ ઘડિયાળ આવી ગયા.

શોખીન વ્યક્તિઓ જૂના/નવાં, એન્ટિક કે આધુનિક ઘડિયાળ લાવીને દિવાલે ટાંગતી થઈ અને પોતે (પોતાની ચોઈસ) કંઈક હટકે છે એવું ઘરમાં પ્રવેશનારને દિવાલે ટાંગેલી ઘડિયાળ જોઈને પ્રતિત કરાવવા લાગી.

ક્રિએટિવ વ્યક્તિઓ સમયની સાથે પોતાની ક્રિએટિવિટી દર્શાવવા માટે કેનવાસ પર કુદરતી દૃષ્ય દોરીને તેને ઘડિયાળ વાળી ફ્રેમમાં મઢાવીને દિવાલની શોભા વધારવા લાગી.

ડૉ

આવા જ પ્રયાસમાં, ઓસ્ટ્રેલિયાના ડાઉગ જેકસન નામની વ્યક્તિએ ઘરની શોભા વધારનારું અને જોનારને વિચારતા કરી દે તેવું, સરળ અને ઓછા ખર્ચમાં જાતે બનાવી શકાય તેવું ઘડિયાળ બનાવ્યું. ડાઉગ કહે છે કે આ શબ્દ ઘડિયાળ બનાવવા પાછળ બે કારણો છે, ૧) મારી પત્ની મેઘન, જે અંગ્રેજી શિક્ષક છે, તેને આશ્ચર્યજનક ભેટ આપવાનો વિચાર અને ૨) લોકોને સરળ ઈલેક્ટ્રોનિક્સ વસ્તુ જાતે બનાવતાં શીખવવાનો.

શબ્દ ઘડિયાળ વિશે સચિત્ર અને વિગતવાર માહિતી (કેવી રીતે બનાવશો? કયા કયા પાર્ટ્સ લાગશે?) માટે આ સાઈટની મુલાકાત લો: http://www.dougswordclock.com

જુલાઈ ૨૦૦૮માં પણ આવો જ એક પ્રશ્ન પૂછ્યો હતો, ઓળખી કાઢો આ શું છે?