Feb 242016
 

પ્રિય મિત્રો,

૫૫/૩૬૬

અખા ભાગનાં છપ્પા વાંચતાં ઘણું જાણવા મળે છે.

મોહોટું વૈગુણ્ય ચિત્તનું ઘડ્યું, વસ્તુ વિષે દ્વેતપડ ચઢ્યું;
તેણે પડે ભાન નાનાવિધ તણી, ચિત્ત ઉપાધ્ય વાધી અત્યઘણી.
જ્યમ માદક પુરુષને ગેહેલો કરે, સ્વસ્વરૂપ અખા તેહેને વીસરે.

જગતમાં જે મોટો ભેદભાવ દેખાય છે તે ચિત્તનો પેદા કરેલો છે. તેને કારણે બ્રહ્મ ઉપર દ્વૈતનું (જગત અને બ્રહ્મ જુદાં છે એવું) પડ ચડેલું છે. તેના વડે મૂળ પોતારૂપ બ્રહ્મ ઉપર નામ-રૂપ-ગુણની જાતજાતની ભાત (design) પડે છે અને તેથી (કામ-ક્રોધ-લોભ-મોહ-મદ ઉત્પન્ન થતાં) ચિત્તની પીડા અનેક ઘણી વધી જાય છે. કેફી પદાર્થ ખાવાથી માણસ ભાન ભૂલી જાય છે તેવી રીતે ચિત્તની ઉપાધિને કારણે માણસ પોતાના મૂળ સ્વરૂપને -અ આત્માને ભૂલી જાય છે. – અખાના છપ્પા શંશોધક અને સંપાદક ડૉ. શિવલાલ જેસલપુરા

– વિનય ખત્રી

Jan 232016
 

પ્રિય મિત્રો,

૨૩/૩૬૬

અહીં બે ફોટા મૂકું છું. એક જેમાં એક મહિલા ૫ કિલો સોનાના આભુષણો પહેરી ઊભી છે….

5kg Gold સોર્સ

બીજામાં એક વ્યક્તિ આખા શરીને પાણીની ખાલી બોટલ લટકાવી ઊભા છે.
bottle baba

આ ‘બોટલબાબા’ કરાચી પાસે એક રસ્તા પર ઊભા મળ્યા અને મુઝફ્ફર બુખારીએ ક્લિક કરી લીધા.

બંને ફોટોમાં રહેલી અસમાનતા તમે જાણો જ છો, એકમાં કિમતી ધાતુનાં આભુષણો છે, બીજામાં નજીવી કિંમતની પાણીની ખાલી બાટલીઓ છે. સમાનતા જોઈએ તો તાત્વિક રીતે બંને સમાન છે, બંને એ પોત પોતાને ગમતી વસ્તુઓ શરીરે વીંટાળી છે!

– વિનય ખત્રી

Jan 182016
 

પ્રિય મિત્રો,

૧૮/૩૬૬

ઈશ્વર છે કે નથી અને છે તો ક્યાં છે? આ અઘરા સવાલનો જવાબ જાણવા લોકો કૈલાસ, મક્કા અને રોમ સુધી જઈ આવ્યા છે. દાર્શનિકોએ પોત પોતાની રીતે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. જાણીતા ગુજરાતી લેખકોની વાત કરીએ તો ચંદ્રકાંત બક્ષી સાહેબનો લેખ ‘ઈશ્વર છે કે નથી’ મેં વર્ષો પહેલા વાંચ્યો હતો. (નેટ પર મળ્યો નહીં, મારી પાસે છાપાનું કટીંગ છે, કોઈ વાર શોધી ટાઈપ કરી અપલોડ કરીશ).

જેટલા લોકો એટલી થિયરી. ઈશ્વર એક હોય તો અલગ અલગ થિયરી કેમ? મામલો વધુ ગુંચવાતો જાય છે.

મને એક કંદોઈ મળ્યા હતા, તેમણે ઈશ્વર વિશે એક મજાની અને ‘રસ’ (ચાસણી) વાળી થિયરી કહી. ઈશ્વર એ બુંદીનો લાડુ છે અને આપણે બધા બુંદી છીએ. જીવ એ ચાસણી છે. જેમ ચાસણી નીકળી જાય તો બુંદીમાં રસ રહેતો નથી, તેમ માણસમાંથી જીવ નીકળી જાય તો માણસ મૃત જાહેર કરવામાં આવે છે.

હળવા અંદાજમાં અને પોતાના વ્યવસાયને સાંકળીને જે વાત એમણે કહી તે જ વાત અખા ભગતે (૧૫૯૧-૧૬૫૬) વર્ષો પહેલા કહી છે.

અખા પરમેશ્વર જોતાં અશો, કહ્યો ન જાએ કોયે કશો;
કોણ કળે ને કેને કળે, એકવડે સઘળા ચળવળે;
જેમ મેઘા બહુ બુંદે કરી, બિંદુ મેઘને જુવે કેમ ફરી.

– અખા ભગત

અર્થાત – પરમેશ્વર આવો છે કે કેવો છે તે ગમે તેટલા વિચાર કરીએ તો પણ કહી શકાય તેમ નથી, કારણ કે જેમ મેઘ (વાદળું) ઘણાં બિંદુનું બનેલું છે પણ મેઘ અને બિંદુ જુદાં નથી એટલે બિંદુ મેઘને જોઈ શકતું નથી, એવી રીતે સઘળા જીવો અને તેમનું હલનચલન કરનાર પરમેશ્વર બધાં એક છે તેથી જીવો પરમેશ્વરને જોઈ કે સમજી શકતા નથી.

(અખાના છપ્પા – શંશોધક- સંપાદક ડૉ. શિવલાલ જેસલપુરા)

– વિનય ખત્રી