Apr 082016
 

પ્રિય મિત્રો,

૯૯/૩૮૮

આજથી શરુ થતું મહારાષ્ટનું નવું વર્ષ અને ‘ગુડી પડવા’ની હાર્દિક શુભેછાઓ. આજે ચૈત્રી ચંદ, આજથી ચૈત્ર નવરાત્રિ પણ શરુ થાય છે. સિંધીઓનો ‘ચેટી ચાંદ’ પણ આજે છે, લખ લખ વધાઈયું.

gudipadwa

– વિનય ખત્રી

Apr 042016
 

પ્રિય મિત્રો,

૯૫/૩૬૬

હું ભુજમાં હતો ત્યારે ગાયનું, ભેંસનું અને બકરીની દૂધ પીધું હતું એટલી ખબર. ઊંટડીના દૂધની ચા સારી બને એ ખબર પણ ક્યારે પીધી નહોતી. ૩૧ વર્ષ પહેલા મુંબઈ આવ્યો તો અહીં લોકોને શીશી (બાટલી)નું દૂધ, કોથળીનું દૂધ અને અમુકને તો ‘ભૈયા’નું દૂધ સુદ્ધાં પીતા જોયા!

ધીમે ધીમે સમજ પડી કે મહારાષ્ટ્ર શાશન તરફથી જે દૂધ વિતરણ કરવામાં આવતું તે કાચની બોટલોમાં કરવામાં આવતું અને એટલે લોકો ‘અમે તો બાટલીનું દૂધ પીએ છીએ’ એમ બોલતા સાંભળ્યા હતા. તેવી રીતે ડેરીમાંથી આવતું ગાય/ભેંસનું દૂધ પ્લાસ્ટિક પાઉચ (કોથળી)માં આવતું. મુંબઈમાં યુપી બિહારથી આવેલા ભૈયાઓ ભેંસોના તબેલા ચલાવે છે એ દૂધ વાપરનારાઓ પોતે ભૈયાનું દૂધ પીએ છે એમ કહેતા જોવા મળે.

આજકાલ ‘અમૂલ દૂધ પીતા હૈ ઈન્ડિયા’ એવી જાહેરખબર ટીવી પર આવે છે.

પુણેથી ૬૫ કિમિ દૂર, મંચર ગામે ‘ગોવર્ધન’ ડેરીવાળાની પેટા કંપની ભાગ્યલક્ષ્મી ડેરીમાં ગાયોની પદ્ધતિસર પાલન પોષણ કરવામાં આવે છે અને તેનું દૂધ હાથ લગાડ્યા વિના મશીનથી દોહીને કોઈ પણ જાતના પ્રિઝરવેટીવ કે પદાર્થ ઉમેર્યા વગર તાજું જ અમુક કલાકની અંદર મુંબઈ/પુણેના ઘરોમાં પ્રાઈડ ઓફ કાઉ બ્રાન્ડ હેઠળ પહોંચાડવામાં આવે છે.

getimage

(ચિત્ર સૌજન્ય – ટાઈમ્સ ઑફ ઈન્ડિયા)

આ ડેરી અને હીના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ બંને મળી ‘મિલ્ક અને ચીઝ ટૂર‘નું આયોજન કરે છે જેમાં ભાગ્યલક્ષ્મી ડેરીના કાઉ ફાર્મ (ગાયના તબેલા)ની મુકાકાત અને ‘ગો ચીઝ’ પ્લાન્ટની મુલાકાત મુખ્ય આકર્ષણ છે. વધુ માહિતી મુલાકાત લીધા પછી, હાલ આટલું જ.

– વિનય ખત્રી

Mar 212016
 

પ્રિય મિત્રો,

૮૧/૩૬૬

આજકાલ વૉટ્સએપ પર એક મેસેજ આવે છે જેમાં સેમસંગનું ૪૮ ઈંચનું એલઈડી ટીવી મફતમાં મેળવવા માટે એક લિન્ક (48inch-led-sale.ta3.co) પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે.

freetv0.

જેને ખબર છે કે ‘મફતમાં કઈ મળતું નથી‘ કે ‘નો લંચ ઈઝ ફ્રી‘ તેઓ આવી લિન્ક ક્લિક કરતા નથી પણ જેને મફતનું જ જોઈએ છે અને મહેનત કરવી નથી તેઓ આ લિન્ક ક્લિક કર્યા બાદ તેમને બીજી સાઈટ પર વાળવામાં આવે છે – http://32inch-led-sale.ga

freetv

જ્યાં તેમને ૧૦ મિત્રોને અને ત્રણ ગ્રુપમાં આ મેસેજ (જે તમે ઉપર પહેલા ચિત્રમાં જોયો) મોકલવાનું કહેવામાં આવે છે. નીચે ટીવી મળ્યાના ફોટા સાથેની ફેસબુક કોમેન્ટ દર્શાવવામાં આવે છે, થોડી વારે નવી કોમેન્ટ આવી એવો ભાષ પણ રચવામાં આવ્યો છે.

તમે આટલું કર્યું એટલે તમને ટીવી મળી જશે. ના. આટલું કર્યા પછી તમને અમુક એપ ઈન્સ્ટોલ કરવાનું કહેવામાં આવે છે જે ગૂગલ પ્લેસ્ટોર પરથી નહીં પણ સીધી ઈન્સ્ટોલ કરવાની રહે છે! http://ta3.co/led-in-cart

freetv2

આગળ કહેવાની જરૂર ખરી કે આ એપ ઈન્સ્ટોલ કર્યા પછી તમે ટીવી મળશે કે બીજું ગાજર આપી દેવામાં આવશે ચાવવા માટે?

આ એપ ગૂગલ પ્લેસ્ટોરને બદલે સીધી ઈન્સ્ટોલ કરવાનું કહેવામાં આવે છે એનો મતલબ આ એપ્સ ગૂગલની સલામતી ટેસ્ટ પાસ થઈ નથી. ટૂંકમાં આપણાં ફોનમાં રહેલી માહિતી, ફોટા, વિડિયો, ક્રેડિટકાર્ડ/બેંક અકાઉન્ટ નંબર પાસવર્ડ અને વગેરે સેરવી લેવાની તજવીજ છે.

તમારો મિત્ર તમને આ મેસેજ મોકલે તો આ વાંચ્યા પછી તમે સમજી જ ગયા હશો કે તે તમારો મિત્ર નથી પણ તે સ્પામરનો ભોગ બન્યો છે અને તમને પણ સ્પામરને ચરણે ધરી દેવા માંગે છે.

– વિનય ખત્રી

Mar 192016
 

પ્રિય મિત્રો,

૭૨/૭૩/૭૪/૭૫/૭૬/૭૭/૭૮/૭૯/૩૬૬

હું દસેક દિવસ ભુજ જઈ આવ્યો અને સાથે લેપટોપ નહોતો લઈ ગયો એટલે થોડા દિવસ નિયમિત પોસ્ટ મૂકી શકાઈ નહીં.

બે દિવસ પહેલા ૧૭મીએ આ બ્લૉગે નવ વર્ષ પુર્ણ કરી દસમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે.

નવ વર્ષ દરમ્યાન વાચકોનો અઢળક પ્રેમ મળ્યો છે, નવ વર્ષમાં મૂકાયેલી ૫૮૩ પોસ્ટને ૪,૫૨૪ પ્રતિભાવ મળ્યા છે અને તેથી જ આ મુકામે પહોંચી શકાયું છે. ખૂબ ખૂબ આભાર.

– વિનય ખત્રી