મિત્રો,
સહર્ષ જણાવવાનું કે આપનો આ માનીતો બ્લોગ આજે ત્રણ વર્ષ પુરા કરી ચોથા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યો છે.
આ પ્રસંગે ‘બ્લોગ પરિચય વીક’નું આયોજન કરવાની યોજના બનાવી હતી જે ધંધાકિય પ્રવાસ અને અંગત કારણો સર મુલ્તવી રાખવી પડી છે, માફી.
અન્ય બ્લોગ પરથી પોસ્ટ/વિચાર તફડાવીને પોતાનો બ્લોગ સમૄદ્ધ કરતા ચોર્યશિરોમણીઓ માટે કંઇક કરવું પડશે.
-વિનય ખત્રી
પ્રિય મિત્રો,
ફન એન ગ્યાન.કોમ પર ફરી એક વખત આપનું સ્વાગત છે.
માર્ચ મહિનો એટલે ઉત્સવનો મહિનો. ધૂળેટી (૧ માર્ચ), રંગપંચમી (૫ માર્ચ), ગુડીપડવો (૧૬ માર્ચ), રામનવમી (૨૪ માર્ચ), મહાવીર જયંતી (૨૮ માર્ચ) અને હનુમાન જયંતી (૩૦ માર્ચ) એમ જાહેર તહેવારોનો મહિનો છે. આજ મહિનામાં સુરેશ જાની (પ માર્ચ), અંકિત ત્રિવેદી (૯ માર્ચ), વિવેક ટેલર (૧૬ માર્ચ), નીતા કોટેચા (૧૯ માર્ચ), નિશિત જોષી (૨૧ માર્ચ) એમ બ્લોગર મિત્રોના પણ જન્મદિન આવે છે. અને આપને ખબર હશે કહી છતાં કહી દઉં કે ‘અનિમેષ’નો જન્મ દિન પણ માર્ચ મહિનામાં આવે છે. ૮ માર્ચ, આજે એટલે વિશ્વ મહિલા દિનના સપરમા દિવસે.
આ વર્ષ ‘અનિમેષ‘ના જન્મ દિવસથી ફનએનગ્યાનના જન્મદિવસ એટલે કે ૮ માર્ચથી ૧૭ માર્ચ બ્લોગ પરિચય વીકનું આયોજન કર્યું છે. આ દસ દિવસોમાં આપણે રોજના ૧૦ એમ ૧૦૦ બ્લોગનો પરિચય કરીશું.
વધુ વાતો ન કરતાં કામે લાગી જાઉં…
-વિનય ખત્રી
વિશેષ વાંચન
પ્રિય મિત્રો,
આજે બુધવાર, ૨૦-૦૧-૨૦૧૦, મહા સુદ ૫ અને વસંત પંચમીનો શુભ અવસર.
આજથી ઋતુરાજ વસંતનું આગમન થાય છે. વસંત ઋતુને અંગ્રેજીમાં સ્પ્રિંગ કહે છે. વસંત ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. વૃક્ષો જૂના પાન ત્યજીને નવા પાન ધારણ કરે છે. વસંત પંચમી અને પાશ્ચાત્ય તહેવાર વેલેન્ટાઈન ડેમાં ઘણું સામ્ય છે. વસંત પંચમીના દિવસે સરસ્વતીની પૂજા થાય છે.
શહેરમાં રહીને આપણે જ્યારે વેલેન્ટાઈન ડે મય થઈ ગયા છીએ ત્યારે વસંત પંચમી વિશે મને ગમતી સુરેશ દલાલની કવિતા ફરી એક વાર મૂકું છું:
રેડિયો ઉપર ફાગણનાં ગીતો વાગ્યાં
ને શહેરનાં મકાનોને ખબર પડી
આજે વસંત પંચમી છે
આસ્ફાલ્ટની કાળી સડકો
ભીતરથી સહેજ સળવળી
પણ
કૂંપળ ફૂટી નહીં
ત્રાંસી ખુલેલી બારીને
બંધ કરી
કાચની આરપાર
કશું દેખાતું નહોંતું
ફ્લાવર વાઝમાં
ગોઠવાયેલા ફૂલો કને જઇને પૂછ્યુ:
તમને ખબર છે, આજે વસંત પંચમી છે?
આપ સૌને વસંત પંચમીની શુભેચ્છાઓ…
વિશેષ વાંચન: વસંત પંચમી વિશે દિવ્ય ભાસ્કર અને સંદેશના લેખ.
પ્રિય મિત્રો,
બાઈક પર લાંબી મુસાફરીનો નિર્ણય કર્યા પછી તમને સતત સતાવતો સવાલ એ હોય છે કે સાથે શું શું લઈ જવું. વધારે પડતા સામાનને કારણે મુસાફરી બોજમય તો નહીં થઈ જાયને? ફલાણી વસ્તુ તો ભૂલાઈ ગઈ, હવે? આવા પ્રશ્નોના સરળ ઉપાયરૂપે આ પેકિંગ લિસ્ટ રજુ કરું છું (જેમાં સુધારાને અવકાશ છે). આ પેકિંગ લિસ્ટ પ્રમાણેની વસ્તુઓ એક અઠવાડિયા અગાઉથી એકઠી કરી લેવી. નવું કોઈ ઉપકરણ પ્રવાસમાં લઈ જતા હો તો અઠવાડિયા પહેલાથી વાપરવાનું શરૂ કરી દો.
બાઈક પર લાંબી મુસાફરીમાં શું શું સાથે લઈ જશો તેનું પેકિંગ લિસ્ટ:

[અગત્યની વસ્તુઓ]
- હેલ્મેટ (આખું મોઢું ઢંકાય તેવી)
- ડ્રાયવિંગ લાયસંસ
- આર. સી. બુક
- વાહનના વીમાની રસીદ
- રોકડ રકમ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ
- મોબાઈલ અને તેનું ચાર્જર
- ટોર્ચ (આજકાલ મોબાઈલમાં જ હોય છે)
- અલાર્મ ક્લોક (આજકાલ મોબાઈલમાં જ હોય છે)
- કેમેરા (આજકાલ મોબાઈલમાં જ હોય છે) અથવા પ્રોફેશનલ કેમેરા, મેમરી કાર્ડ, બેટરી, ચાર્જર, ટ્રાઈપોડ
- મનગમતું પુસ્તક અને અથવા વોકમેન/આઈપોડ/MP3 પ્લેયર (આજકાલ મોબાઈલમાં જ હોય છે)
- નકશા અને GPS નેવિગેટર (આજકાલ મોબાઈલમાં જ હોય છે)
[કપડા]
- બે જીન્સ (અથવા અન્ય જાડા કપડાની) પેન્ટ. એક પહેરવાની બીજી સાથે લેવાની.
- નાઈટડ્રેસ
- સ્વીમિંગ કોસ્ચ્યુમ, સન લોશન ક્રિમ
- બેથી ત્રણ ટીશર્ટ
- બે લાંબી બાંયના શર્ટ
- ગંજી, મોજા, અંડરવેર્સ, રૂમાલ
- ટૂવાલ
- નેપકિન
- હાથ મોજા (કોટન/ઊન/લેધર, ઋતુ પ્રમાણે)
- જેકેટ (ડેનિમ/લેધર/રેક્જિન, ઋતુ પ્રમાણે)
- બુટ
- સ્નીકર્સ/ચંપલ
- સન ગ્લાસિસ
- રેઈનકોટ (વરસાદની ઋતુ માટે ખાસ જરૂરી)
- માથાની ટોપી (ડેનિમ/ઊન, ઋતુ પ્રમાણે)
- પ્લાસ્ટિક બેગ્સ (ભીના-સુકા કપડા મૂકવા માટે)
[કોસ્મેટિક્સ]
- નહાવાનો સાબુ
- કપડા ધોવાનો સાબુ
- શેમ્પુ
- ટૂથબ્રશ
- ટૂથપેસ્ટ
- ઊલિયું
- ડિઓ
- દાઢી કરવાનો સામાન
- દાંતિયો
[બાઈક માટે]
- મિની ટૂલ કીટ (સામાન્ય રીતે બાઈકની સાથે આવતી હોય છે, તે)
- વધારાની એક ટ્યુબ (લાંબી મુસાફરી માટે જરૂરી, અંતરિયાળ વિસ્તારમાં પંક્ચર કાઢવાવાળા મળી જશે પણ ટ્યુબ બદલવાની જરૂર પડી તો યોગ્ય માપનું ઓરિજિનલ ટ્યુબ શોધ્યુ નહીં મળે).
- બાઈકની બીજી ચાવી. સાચવીને રોકડ રકમ સાથેની બેગમાં મૂકવી.
[જરૂરી વસ્તુઓ]
- ડાયરી અને પેન
- નજીકના સગા અને સહપ્રવાસીઓના ફોન/મોબાઈલ નંબર લખેલી ડાયરી કે યાદી.
- પાણીની બોટલ
- ચાદર/શાલ
- નાયલોનની દોરી (સામાન બાંધવા તેમજ કપડા સુકાવવા કામ લાગશે)
- દવાઓ (ડ્રાયવિંગ સમયે લઈ શકાય કે કેમ તે ડૉક્ટર પાસેથી જાણી લેવું જરૂરી)
અને છેલ્લે…
તમારા આખા દિવસની મુસાફરીની મજા અને ગુણવત્તા આગલી રાતે તમે કરેલી ઊંઘના સમપ્રમાણમાં હોય છે…!
વિશેષ વાંચન
આવતીકાલે બાઈક પર સલામત સવારી કેમ કરશો?
પ્રિય મિત્રો,
બાઈક પર ગોવા મુસાફરીના કેટલાક ફોટાઓ અત્રે રજુ કરું છું…

આ છે ગોવાની ટ્રેન. અમને નાગોઠાણે પાસે મળી. ચાલતી બાઈક પરથી ચાલતી ટ્રેનનો ફોટો મોબાઈલમાંથી પાડ્યો છે. આગળ નીકળી ગયેલી ટ્રેન ગોવા અમારા પહોંચ્યા પછી પહોંચી! Continue reading '૧૨૦૦ કિ.મી. બાઈક પર (૩)'»
૧૨૦૦ કિલોમીટર બાઈક પરનું અનુસંધાન…
ગઈકાલે ૧૩ કલાકમાં ૫૬૨ કિ.મી.ની બાઈક સવારી કરીને થાક લાગ્યો હતો. મારા મિત્ર શાંતિભાઈ પડ્યા ભેગા ઊંઘી ગયા, મને થાકને કારણે મોડી ઊંઘ આવી. સવારે મોડા ઊઠ્યા. તૈયાર થઈ હોટેલમાં ચેકઆઉટ માટેની સૂચનાઓ આપી પાસે આવેલી ઉડીપીમાં જઈ નાસ્તો કરી આવ્યા અને ગોવા ફરવા જવા પ્રયાણ કર્યું.
ગોવા એક શહેર નહીં પણ રાજ્ય છે. આખું ગોવા ફરવા માટે સારો એવો સમય જોઈએ. રજાની સમસ્યા હતી એટલે ગોવા ફરવાનો લહાવો ફરી ક્યારેક સહકુટુંબ માણીશું એમ વિચારીને જાણીતા બીચ પર લટાર મારવા ઉપડ્યા.
પણજીથી નીકળી કલંગુટ સમુદ્રતટ પર આવ્યા. ત્યાં લટાર મારીને બાગા બીચની મુલાકાત લીધી. બાગા પછી અમારો પડાવ હતો માપુસા.
આપણે ત્યાં સાયકલ ભાડે મળે તેમ અહીં ગોવામાં બાઈક પણ ભાડે મળે! રોજના ૨૫૦/- આ એક સરસ સગવડ છે. ટ્રેનમાં ગોવા આવીને ફરવા માટે બાઈક ભાડે કરી શકાય.
ગોવામાં દરેક જગ્યાએ સ્થાન દર્શક પાટિયા આપેલા છે. ઉપરાંત અમારી પાસે GPS નેવિગેટર અને ગુગલ મેપ્સ હોવાથી ક્યાંય રસ્તા માટે પૂછપરછ કરવી ન પડી.
માપુસામાં પેટ્રોલ પુરાવીની અમે આવ્યા રાષ્ટીય ધોરી માર્ગ ૧૭ પર. સમય થયો હતો બપોરે ૧૨. અમારી પાછા વળવાની મુસાફરી શરૂ થઈ.
પાછા ફરતી વખતે અમે પુણે થઈને જવાના હતા એટલે અમારી પાસે ત્રણ ચાર વિકલ્પ હતા. ૧. મહાબળેશ્વર થઈને (પુણે ૫૩૩ કિ.મી.), ૨. રાધાનગરી થઈને (પુણે ૪૫૭ કિ.મી.), ૩. ગગનબાવડા થઈને (પુણે ૪૫૩ કિ.મી.), ૪. બેળગાંવ થઈને (પુણે ૪૪૮ કિ.મી.) અને ૫. અંબોલી/આજરા/નીપાણી થઈને (પુણે ૪૪૦ કિ.મી.). જાણવા મળ્યું કે અંબોલી વાળો રસ્તો સારો અને ટૂંકો છે એટલે અમે અંબોલી વાળા રસ્તે જવાનું નક્કી કર્યું. Continue reading '૧૨૦૦ કિ.મી. બાઈક પર (૨)'»
પ્રિય મિત્રો,
નવા વર્ષે સંકલ્પ કર્યો કે હવે નિયમિત બ્લૉગિંગ કરવું છે છતાં ત્રણ દિવસ માટે બ્લૉગ અપડૅટ થયો નહીં. કારણ? સંકલ્પ નં ૨.
મોટર સાઈકલ પર લાંબી મુસાફરી કરવાના સંજોગ આટલા જલ્દી આવી જશે એવું મેં પણ વિચાર્યું નહોતું. ભિવંડી રહેતા મારા મિત્ર શાંતિભાઈ સાથે બાઈક પર ગોવા જવાનું નક્કી કર્યું. શનિવારે સવારે નક્કી કર્યું, સાંજે હું પુણેથી બસમાં ભિવંડી ગયો અને રવિવારે સવારે સાડા પાંચ વાગે અમારી બાઈક સ્ટાર્ટ થઈ ગોવા જવા માટે.
ભિવંડીથી કલ્યાણ, શિળફાટા, પનવેલ થઈ અમે મુંબઈ-ગોવા હાઈવે (NH17) પર આવ્યા. પેણ, વળખળ, નાગોઠાણે, કોલાડ, ઈંદાપુર, માનગાંવ, ગોરેગાંવ થઈ મહડ પહોંચ્યા. મહડમાં સવારનો નાસ્તો કરી આગળ વધ્યા. પોલાદપુર, ખેડ, ચિપલુણ, સાવર્ડે, સંગમેશ્વર, હાથખંભા, પાલી થઈ લાંજા પહોચ્યા. અહીં બપોરનું ભોજન ફળાહાર કરીને કર્યું. લાંજાથી રાજાપુર, ખારેપાટણ, નંદગાંવ, કણકવલી, કુડાળ, સાંવતવાડી થઈ ગોવામાં પ્રવેશ્યા. સાંજે સાડા છ વાગે અમે પણજીમાં GTDCની હોટલમાં ચેક ઈન થયા. ઓડોમીટરનો કાંટો ૫૬૨ કિલોમીટર દેખાડતો હતો.
સાંજે બોટ ક્રૂઝ રાઈડ માટેના કોમ્પ્લિમેન્ટરી પાસ હોટલ તરફથી મળ્યા હતા તેને ન્યાય આપ્યો. રાત્રિનું ભોજન હોટલની પાસે આવેલી ઉડીપી રેસ્ટોરાંમાં કર્યું.
બીજો ભાગ આવતી કાલે…
પ્રિય મિત્રો,
સૌપ્રથમ નવા વરસના સાલ મુબારક.
છેલ્લા ત્રણેક મહિનાથી બ્લૉગ અપડૅટ કરી શક્યો નથી. આજે નવા વર્ષના સંકલ્પ સાથે આ પોસ્ટ મૂકી રહ્યો છું.
૧. નિયમિત બ્લૉગ લેખન કરવું.
૨. ગોવા જવું. પુણે-ગોવા-પુણે આશરે ૧૦૦૦ કિમી. ટુ-વ્હિલર પર મુસાફરી કરવી.
૩. પાસપોર્ટ તૈયાર કરાવવો.
૪. પોતાનું ઘર લેવું.
૫. ડેટાલોગર બનાવવું.
૬. પાંચે પાંચ સંકલ્પ ૨૦૧૦માં પરિપૂર્ણ કરવા.
તો મળીએ આવતી કાલે સવારે ૭ વાગ્યે (IST) એક નવી પોસ્ટ સાથે…
વિનય ખત્રી
પ્રિય મિત્રો,
આજે મારે તમારી સમક્ષ થોડી વાતો કરવી છે, મેકિંગ ઑફ જે૩ (એટલે જીવન જીવવાની જડીબુટ્ટી) વિશે. આ પોસ્ટ લખી તે પહેલાની અને તે પછીની કેટલીક રસપ્રદ વાતો.
૧૭/૯/૦૮ના એક ફોર્વર્ડ મેઈલ મળી જેમાં જીવન જીવવા માટેની કેટલીક ‘ટિપ્સ’ અંગ્રેજીમાં લખેલી હતી. લખાણ વાંચીને થયું કે એક એક ‘ટિપ’ એક એક સોનામહોર જેવી છે. વાંચીને કોઈ મૂલ્યવાન વસ્તુ તિજોરીમાં મૂકતો હોઉં તેમ લખાણ કૉપી કરીને ડ્રાફ્ટમાં મૂકી દીધું. વાંચતી વખતે જ નક્કી થઈ ગયું હતું કે આ લખાણનું ભાષાંતર કરીને ફનએનગ્યાન.કોમના વાચકો સમક્ષ મૂકવું. જેમ જેમ સમય મળતો ગયો તેમ તેમ ભાષાંતરનું કામ થતું ગયું. સાથે સાથે ખાંખાખોળા પણ ચાલુ હતા કે આ ‘ટિપ્સ’ કોણે લખી છે? ઘણી શોધખોળ કર્યા પછી આ ટિપ્સના બે-ત્રણ વર્જન જાણવા મળ્યા.
બરાબર છ મહિના પછીના દિવસે નક્કી કર્યું કે આજે આ પોસ્ટ મૂકી જ દેવી છે. ૨૯ જેટલી જડીબુટ્ટીઓનું ભાષાંતર થઈ ગયું હતું. નવેક જડીબુટ્ટીઓનું બાકી હતું જે સમયને અભાવે પડતી મૂકી. મથાળું બાંધવાનું બાકી હતું. ‘સોનેરી સલાહ’, ‘સત્યાવીસ સોનામહોર’ અને ‘સત્યાવીસ સુવર્ણમુદ્રાઓ’ એવા વિકલ્પો હતા મગજમાં (ડ્રાફ્ટને મથાળે લખી રાખ્યા હતા) પણ તેમ કરતાં બે સોનામહોર ઓછી કરવી પડે જે મંજુર નહોતું. છેલ્લી ઘડીએ સોનાનો ચડકાટ પડતો મૂકીને જડીબુટ્ટીની અકસીરતા કામે લગાડી અને મથાળું બનાવ્યું જીવન જીવવાની જડીબુટ્ટી. જડીબુટ્ટીનું એકવચન લેવું જોઈએ કે બહુવચન તે જોવાનો સમય ન રહ્યો. કુલ ૨૯ જડીબુટ્ટીઓ થતી હતી તેથી ૩૦નો આંક પૂરો કરવા માટે છેલ્લે ‘દરરોજ ફનએનગ્યાન વાંચો /વંચાવો‘ ઉમેરીને પોસ્ટ મૂકી દીધી અઢારમી માર્ચે.
પોસ્ટ મૂકાયા ભેગી જ ઊંચકાઈ. જેવી ઊંચકાઈ તેવી કોઈએ તેને ઈમેઈલમાં સર્ક્યુલેટ કરી દીધી. સર્ક્યુલેટ કરતા પહેલાં તેણે ૩૦મી જડીબુટ્ટી ‘દરરોજ ફનએનગ્યાન વાંચો /વંચાવો‘ કાઢી નાખી. નારદમુનિના અવતારને ૩૦મી જડીબુટી કેમ ખટકી તે મને ન સમજાયું. બીજી જડીબુટ્ટીમાં ’દરરોજ ઓછામાં ઓછી ૧૦ મિનિટ માટે એકાંતમાં બેસો’ પોતાનું ડહાપણ ડહોળ્યું. ૧૦ પછી અંગ્રેજીમાં -૩૦ ઉમેર્યુ! અરે! ભલા માણસ ઓછામાં ઓછી દસ મિનિટ લખી છે તે પૂરતું નથી?
જડીબુટ્ટીઓ અસર રામબાણ સાબિત થઈ. બધાને બહુ જ માફક આવી. નકલખોરી અને ઉઠાંતરી પર નભતા પરોપજીવી બ્લોગ તો કૉપી-પેસ્ટ કરે તે જાણે સમજ્યા પણ ચાર વર્ષથી નિયમિત અને મૌલિક બ્લોગિંગ કરતા, પોતાને ‘ગુજરાતી ગીક’ ગણાવતા કાર્તિક મિસ્ત્રી પણ જડીબુટ્ટીઓની જાળમાં આવીને કૉપી-પેસ્ટ કરી બેઠા!
લેખમાં ‘ગયા વર્ષે કરતાં…’ એમ ભૂલ વાળું વાક્ય છે જે પાછળથી ધ્યાનમાં આવ્યું. મારે લખવું હતું ‘ગયા વર્ષે વાંચ્યા તેના કરતાં..’ પણ ‘વાંચ્યા’ શબ્દ ડિલિટ થઈ ગયો અને ભૂલ રહી ગઈ. પછીથી સુધારી લેવાને બદલે ચોર્યશિરોમણીઓને શોધી કાઢવા કામ લાગશે સમજીને જાણી જોઈને રહેવા દીધી છે.
અત્યારે ૬૭ જેટલા બ્લોગ/વેબસાઈટ પર જીવન જીવવાની જડીબુટ્ટીઓ જોવા મળે છે જેમાં ૧૧ વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ, ૩૮ બ્લોગર (બ્લોગસ્પોટ) બ્લોગ અને ૧૦-૧૨ (ભૂલચૂક લેવીદેવી) સેલ્ફ હોસ્ટેડ બ્લોગ/વેબસાઈટ છે. સંપુર્ણ યાદી માટે અહીં ક્લિક કરો.
આ ઉપરાંત ઓર્કુટ જેવી સોસિયલ સાઈટ પર અને ફોર્વર્ડ મેઈલમાં ફોર્વર્ડ થતી જડીબુટ્ટીઓ ક્યાંની ક્યાં પહોંચી ગઈ હશે તેની કલ્પના પણ ન થઈ શકે.