Jan 282016
 

પ્રિય મિત્રો,

૨૮/૩૬૬

કચ્છી/ગુજરાતી જ્યારે મરાઠી શીખે ત્યારે… – શિર્ષક સાથેની પહેલી પોસ્ટ તમે વાંચી જ હશે. જેમાં નવરા, અપઘાત, ઘટસ્ફોટ, માકડ, વિચાર, આવડે, ડોક, ખાલી અને વર શબ્દના ગુજરાતી અર્થ કરતાં અલગ જ અર્થ મરાઠીમાં થાય છે.

આજે તેમાં થોડા શબ્દો ઉમેરીએ…

આ મકરસંક્રાંતિએ પત્ની શેરડી લેવા શાક માર્કેટમાં ગઈ, જવાબ મળ્યો શેરડી આ માર્કેટમાં નહીં મચ્છી માર્કેટમાં મળે. પત્ની અવાચક. થોડું વધુ પૂછતાં જાણવા મળ્યું કે ગુજરાતીમાં આપણે જેને શેરડી કહીએ છીએ તેને મરાઠીમાં ગન્ના કહે છે અને મરાઠીમાં શેરડીનો અર્થ બકરા થાય!

તેવી જ રીતે મકરસંક્રાંતિએ મરાઠીમાં ‘તિલગુડ’ ખાઈને ‘ગોડ’ બોલવાનું કહેવામાં આવે છે. આ ગોડ એટલે (ખાવાનો) ગોડ નહીં પણ ગળ્યું/મીઠું બોલવાની અપેક્ષા રાખવામાં આવે છે.

તેવી જ રીતે ગુજરાતીમાં ખત્રી એટલે ક્ષત્રિયનું અપભ્રંસ, જ્યારે મરાઠીમાં ખત્રી એટલે ખતરનાક!

આવા તો કેટલાય ઘોટાળા (હા, મરાઠીમાં પણ એ જ અર્થમાં) કર્યા પછી મરાઠી શીખી રહ્યો છું…

– વિનય ખત્રી

Jan 222016
 

પ્રિય મિત્રો,

૨૨/૩૬૬

દસેક દિવસ પહેલા ગુજરાતના પ્રતિષ્ઠીત અખબારોએ લખ્યું – ‘જાપાનમાં એક ટ્રેન રોજ દોડે છે માત્ર એક જ પ્રવાસી માટે’

chitralekha
ચિત્રલેખા (૧૩ જાન્યુઆરી ૨૦૧૬)

—-

db
દિવ્ય  ભાસ્કર (૧૧ જાન્યુઆરી ૨૦૧૬)

sambhav

સમભાવ ન્યુઝ (૧૦ જાન્યુઆરી ૨૦૧૬)

ngsamay
નવગુજરાત સમય (૧૦ જાન્યુઆરી ૨૦૧૬)

એક માત્ર પ્રવાસી એટલે હાઈસ્કૂલ જતી એક છોકરી. તેનું ભણતર ન બગડે એટલે જાપાનની સરકાર આખી ટ્રેન દોડાવે છે! ડૉ. હેલેનેનો વિચાર જો તમે એક છોકરીને ભણાવો છો, આખા દેશને ભણાવો છોનું સમર્થન કરતા આ સમાચાર ચીનની સમાચાર સંસ્થા CCTV એ ફેસબુક પર મૂક્યા અને આંતરરાષ્ટીય સ્તરે વાયરલ થયા. ડેઈલી મેઈલ અને ટેલિગ્રાફ પણ આ સમાચાર પ્રસારીત કર્યા. ભારતમાં બેટી બચાવ અભિયાન અને કન્યા કેળવણીને પ્રોત્સાહનની વાતોનું સમર્થન કરતા આ સમાચાર પ્રતિષ્ઠીત અખબાર/સામયિકોએ છાપ્યા/વેબસાઈટ પર મૂક્યા અને બધાને બહુ પસંદ આવ્યા. સોસિયલ મિડિયામાં એક ટૂચકો ય ફરતો થયો –

છાપામાં વાંચ્યું – જાપાનમાં એક છોકરી માટે આખી ટ્રેન ચલાવાય છે.

એમાં શું? આપણે ત્યાં એક છોકરા માટે આખી પાર્ટી ચલાવાય છે!

એક પ્રવાસી માટે આખી ટ્રેન ચલાવવી – ક્યાંક કાચું કપાયું હોય કે વાત વધારીને કહેવાઈ હોય એવું તમને નથી લાગતું? મને લાગ્યું એટલે મેં કર્યા ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા અને આવું જાણવા મળ્યું…

  • અંગ્રેજી છાપાઓએ જ્યાં ‘Train Station Running for Just One Passenger’ (સ્ટોપ અપાય છે)નું ગુજરાતી કરતી વખતે ‘Train Running for Just One Passenger’ (ટ્રેન ચલાવાય છે) થઈ ગયું. Station શબ્દ ખવાઈ ગયો અને મતલબ બદલાઈ ગયો.
  • બીજું એક અન્ય વેબસાઈટ ધ ઓનલાઈન સિટિઝન પરથી જાણ્યું કે સ્ટેશન ‘ક્યુ-શિરાતાકી’ (Kyu-shirataki) છે, કામી-શિરાતાકી (Kami-Shirataki) નહીં. જો કે આ બંને સ્ટેશન પાસે પાસે જ છે, ૧૦ કિમિની અંદરે.
  • બીજા પણ ઘણાં લોચા છે. કોઈ કહે છે ત્રણ વર્ષ પહેલા બંધ કરી દેવાએલું સ્ટેશન (સ્ટોપ) ચાલુ કરવામાં આવ્યો, તો કોઈ કહે છે કે હમણાં જ બંધ થયો હતો તે સ્ટોપ ચાલુ કરવામાં આવ્યો, તો કોઈ વળી કહે છે કે સ્ટોબ બંધ કરાયો જ નથી. યાત્રીઓને અભાવે સ્ટોપ બંધ કરવાની વાત હતી પણ છોકરીના ભણતર ન બગડે એટલે નિર્ણય પાછો લેવાયો.

train_tw

સિટીલેબ વેબસાઈટ આ સમાચારની વાત સંદર્ભો ટાંકીને કરી છે.

આજના ઈન્ટનેટના યુગમાં એક સમાચારને ૧૦ દિવસ લાગે વાયરલ થતાં? નવાઈ લાગે છે ને? ભાઈ, જાપાની ભાષામાંથી ભાષાંતર કરતાં આટલો સમય તો લાગે જ! 😉

– વિનય ખત્રી

Jan 192016
 

પ્રિય મિત્રો,

૧૯/૩૬૬

ભારતિય નામ જ્યારે રોમનમાં લખાય ત્યારે તેને વાંચવા અઘરા પડતા હોય છે. પરેશભાઈ પોતાનું નામ PAresh લખે, પારસભાઈ પણ PAras લખે, કરસનભાઈ KArsan લખે, કાનજીભાઈ પણ KAnji લખે. આ ‘એ’ ને ‘અ’ વાંચવાનો કે ‘આ’ સમજ પડતી ન હોય ત્યાં પરમાર, સરકાર, સરદાર એવા ચતુરાક્ષરી શબ્દો આવે, જેમાં પહેલા ‘એ’ ને ‘અ’ સમજવાનો હોય અને બીજા ‘એ’ને ‘આ’ સમજવાનો હોય. આટલું ઓછું હોય તેમ ‘ણ’ અને ‘ળ’ની સમસ્યાઓ ઉમેરાય. અંગ્રેજીમાં ‘ણ’ હોય કે ‘ન’, ‘N’ જ લખાય. એટલે kamani નામવાળાને કમાણીભાઈ કહીએ તો નારાજ થઈ જાય.

ગુજરાતી ‘ધોળકિયા’ એટલે જ નેશનલ ન્યુઝ પર પહોંચતાં પહોંચતાં ‘ઢોલકિયા’ થઈ જાય છે.

બીજી સમસ્યા એ છે કે ભારતીય નામોનો અર્થ સંસ્કૃત પ્રમાણે કરવા કે ઉર્દુ પ્રમાણે? આ ગડમથલમાં પણ ગેરસમજ થતી હોય છે અને ભળતા જ અર્થ નીકળતા હોય છે.

અમારી ઓફિસનો એક મુસ્લિમ કર્મચારીને મારા ભાષા પ્રેમ અને જિજ્ઞાસા વિશે ખબર હશે એટલે મારી પાસે આવ્યો અને એણે કહ્યું કે મારા લગ્ન માટે માગું આવ્યું છે અને છોકરીનું નામ ‘ગજાલા’ છે, તો તેનો અર્થ શું થાય તે કહો.

મેં કહ્યું કે ગજાલાના અર્થની તો મને ખબર નથી પણ સંસ્કૃતમાં ‘ગજ’ એટલે તેનો અર્થ હાથી થાય. પણ આ ઉર્દુ શબ્દ લાગે છે એટલે ઉર્દુ-હિન્દી શબ્દકોષમાં જોઈ જવાબ આપું. બીજા દિવસે ડિક્ષનરી જોઈ જવાબ આપ્યો કે ‘ગજાલા’નો અર્થ ‘હરણનું બચ્ચું’ થાય.

gazala

કર્મચારી ચાર દિવસ ઓફિસમાં દેખાયો નહીં, પાંચમે દિવસે દેખાયો પણ ઢીલો ઢીલો. મેં પૂછ્યું શું વાંકું પડ્યું? કહે છોકરી નામના સંસ્કૃત અર્થ પ્રમાણેની નીકળી (જાડી).

– વિનય ખત્રી

વિશેષ વાંચન

Jan 142016
 

પ્રિય મિત્રો,

૧૪/૩૬૬

અનુસંધાન ગઈ કાલની પોસ્ટ – ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર – અખા ભગત

નાના વેપારી / ફેરીયા કે અભણ કે ઓછું ભણેલાની જોડણી ભૂલો પોસ્ટ કરી લાઈક/કોમેન્ટ/શેર મેળવતા મિત્રો આ જુઓ…

અમદાવાદની ટ્રિનિટી ઈંગ્લિશ હાયર સેકંડરી સ્કૂલ* – અબાઉટ સ્કૂલમાં શું લખ્યું છે?

enlighment

આ એનલાઈટમેન્ટ (Enlightment) શબ્દ મને ન આવડ્યો અને તેનો અર્થ જોવા મેં ગુજરાતી લેક્ષિકનની મદદ લીધી, શું પરિણામ મળ્યું?

glexocon

પછી થયું કે ગુજરાતી લેક્ષિકન વાળાઓને આ શબ્દનો સાક્ષાત્કાર નહીં થયો હોય, તો ઓક્ષદર્ડ ડિક્ષનરીની મદદ લીધી.

oxford

બંને એ ના પાડી દીધી. આવો શબ્દ છે જ નહીં. તો શું ઈંગ્લિશ સ્કૂલો પણ પેલા હજામની જેમ પોતાનો શબ્દ પોતે બનાવ્યો હશે? કોઈને આ બાબતનું એન્લાઈટનમેમ્ટ (Enlightenment) થાય તો મને જણાવવા માટે કોમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે.

* આ એક શાળા તો ફક્ત ઉદાહરણ છે. તમારાં લાડકાં સંતાનો કઈ ઈંગ્લિશ સ્કૂલમાં ભણે છે?

– વિનય ખત્રી