Feb 192016
 

પ્રિય મિત્રો,

૫૦/૩૬૬

વેલેન્ટાઈન ડે’ના પછીના દિવસની પોસ્ટમાં વાપરેલા મારા શબ્દો ‘એક દિવસની દેશભક્તિ’નો કેટલાક મિત્રોએ વાંધો લીધો હતો. મારો કહેવાનો અર્થ એ હતો કે એક દિવસ માટે આપણે દેશ ભક્ત બની જઈએ છીએ. ફેસબુક/વૉટ્સએપ/ટ્વીટર પર પોતાનું ડીપી બદલીને ભારતનો ધ્વજ રાખીએ છીએ. કાર કે બાઈકમાં પણ તીરંગો ફરકાવીએ છીએ. અને દરરોજ આવા મેસેજ ફોર્વર્ડ કરતા રહીએ છીએ…

NASA का राकेट ब्लास्ट हुआ:

जापान: टेक्नोलॉजी परीक्षण किये थे ?

रूस: क्रिटिकल मास वॉल्यूम ठीक था ?

भारत: लिंबु मरचा बांध्या ता?

આ ફોર્વર્ડ પર હસી લીધું હોત તો હવે ફેક્ટની વાત કરીએ?

થોડા દિવસ પહેલા છાપામાં વાંચ્યું જ હશે કે બ્રિટનના ભારેખમ ઉપગ્રહો ભારતે અવકાશમાં તરતા મૂક્યા. ન વાંચ્યું હોય તો વાંચો :

isro

દુનિયા આગળ નીકળી ગઈ છે, આપણે ભારતિયો પણ આગળ છીએ. એક સમયે જેણે આપણાં પર રાજ કર્યું હતું એવો દેશ આજે પોતાનાં ઉપગ્રહો અવકાશમાં છોડાવવા આપણી પાસે આવે છે.

ફોર્વર્ડ મેસેજ મોકલતાં પહેલાં વિચારવું – આમાં ક્યાંક આપણે આપણાં રાજ્યની કે દેશની મજાક તો નથી કરી રહ્યા? કે કોઈકના ભારતને બદનામ ચિતરવાના એજન્ડાનો પ્રચાર અને પ્રસારતો નથી કરી રહ્યા ને?

– વિનય ખત્રી

Jun 012015
 

પ્રિય મિત્રો,

મારો આ પહેલાનો મોબાઈલ ગુજરાતી ફોન્ટ સપોર્ટ નહોતું કરતું. ગુજરાતી વેબસાઈટ કે બ્લોગ વાંચવા માટે ઓપેરા મિનિમાં ‘Use Bitmap Fonts for Complex Scrips’નું સેટિંગ કરી કામ ચલાવતો પણ વૉટ્સઍપમાં આવેલો ગુજરાતી મેસેજ ન વંચાય. આંખો હોવા છતાં આંધળા અને ભણેલા હોવા છતાં અગૂઠાછાપ. થર્ડપાર્ટી એપ્લિકેશન કે કોમ્પ્યુટરમાં ટ્ર્રાન્સફર કરી વાંચી લેતો, પણ મજા ન આવતી, જાણે જાપાની ભાષા વાંચવા જાપાની પાસે જવું પડે તેવી લાગણી થતી. વૉટ્સઍપનો વપરાશ વધવાથી આ સમસ્યા વકરી.

નવો મોબાઈલ લેવાનો સમય થયો ત્યારે પહેલી પ્રાયોરિટી હતી, વૉટ્સઍપમાં ગુજરાતી વંચાવું જ જોઈએ, પાંચ ઈંચ કે તેથી મોટું સ્કિન હોવું જોઈએ અને બેટરી આખો દિવસ ચાલવી જોઈએ. રીલાયન્સ ડિઝિટલ, ક્રોમા રીટેલ મૉલ વગેરે જગ્યાએ અલગ અલગ મોબાઈલ જોયા. તેમાં ગુજરાતી વંચાય છે કે નહીં તેની ખાતરી કરી. છેવટે જરૂરીયાત, બજેટ અને ગમા-અણગમાને ધ્યાનમાં લઈ એલજી જી પ્રો લાઈટ ડ્યુઅલ ફોન ખરીદ્યો.

આટલી પ્રસ્તાવના સાથે આ પોસ્ટ કરવાનું કારણ માહિતીની આપ-લે છે. મોબાઈલ ગુજરાતી ફોન્ટ સપોર્ટ ન કરતું હોય તો શું શું કરી શકાય તે છે.

૧) જૂનો મોબાઈલ કોઈને આપી/વેચી (ઓએલએક્સ/ક્વિકર તે માટે જ તો છે) નવો મોબાઈલ વસાવો.

૨) નવો મોબાઈલ લો ત્યાં સુધી થર્ડ પાર્ટી એપ્લિકેશનની કાખઘોડી વડે લંગડાતા કામ ચલાવો.

૩) ફોનને Root કરો અને ગુજરાતી ફોન્ટ ઉમેરો. ફોનની ગેરંટી જતી રહેશે. એક્સપર્ટ માટે ફક્ત.

૪) આ ઉપરાંત કોઈ ઉપાય હોય તો અહીં શેર કરો.

બીજું, કયા મોબાઈલમાં ગુજરાતી વંચાય છે અને કયા મોબાઈલમાં ગુજરાતી નથી વંચાતું તેની એક યાદી બનાવીએ. તે માટે તમારી પાસે કયો મોબાઈલ છે તેનો ચોક્ક્સ મોડેલ નંબર આપો અને તેમાં ગુજરાતી વંચાય છે કે કેમ તે જણાવો. અપડેટેડ યાદી અહીં જોઈ શકો છો.

ચાઈનામાં ચાયનિઝ વંચાય અને ગુજરાતમાં ગુજરાતી ન વંચાય એ કેવું? એ પણ એવા સમયે જ્યારે એક ગુજરાતી ભારતના વડાપ્રધાન પદે હોય! ભવિષ્યમાં ભારતમાં વેચતા દેરેક ફોનમાં ભારતિય ભાષાઓ વંચાય તેવી વ્યવસ્થા હોય તે માટે યોગ્ય પ્રચાર અને પ્રસાર કરીએ.

મોબાઈલ વિક્રેતા, મોબાઈલ ડિલર, મોબાઈલ કસ્ટમર કેર, મોબાઈલ કંપનીને આ બાબતની જાણ કરીએ. આ બહુ જ જરૂરી છે, નહિંતર તેઓ કહેશો જુઓ અમારા મોબાઈલમાં ગુજરાતી નથી વંચાતું છતાં ફ્લિપકાર્ટ પર આટલી સેક્ન્ડમાં આટલા હજાર ફોન વેચાઈ ગયા!

કોઈ ગુજરાતી છાપું/મેગેઝિન કે સાઈટ કોઈ ફોન/ટેબનો રીવ્યુ કરે તો તેણે તે ફોનમાં ગુજરાતી ફોન્ટ સપોર્ટ છે કે નહીં તે જણાવવું બહુ જ જરૂરી છે (ન જણાવ્યું હોય તો પૂછી લેવું) નહીંતર વાચક રીવ્યુથી દોરવાઈ તે ફોન ખરીદશે પણ પછી તે છાપું/મેગેઝિન/સાઈટ વાંચવા માટે જૂનો ફોન અથવા પીસી વાપરવું પડશે!

ગુજરાતી ન વંચાતું હોય તેવો ફોન ન લઈએ.

૯/૬/૧૫ અપડેટ – આ પોસ્ટ મૂક્યા પછી ઘણાં મિત્રોએ ફોન, મેસેજ, વૉટ્સઍપ, ફેસબુક, ટ્વિટર અને બ્લૉગ પર કોમેન્ટ કરી જણાવ્યું કે એપલ આઈફોન ૪ અને પછીના બધા મોડલમાં ગુજરાતી વંચાય છે. સેમસંગના મોટાભાગનાં (બધા નહીં) મોડલમાં ગુજરાતી વંચાય (અને લખાય પણ) છે. અન્ય કંપનીના મોબાઈલમાં એન્ડ્રોઈડનું નવું વર્ઝન લોલીપોપ (૫.૦) હોય તો ગુજરાતી વંચાય છે. લોલીપોપ પહેલાનું વર્જન હોય તો (દા.ત. કિટકેટ) મોબાઈલના મોડલ પર અવલંબે છે કે ગુજરાતી વંચાશે કે કેમ. (યાદી અહીં આપી છે).

ટૂંકમાં મોબાઈલમાં ગુજરાતી વંચાય તે માટે એન્ડ્રોઈડ ખરીદનારાઓએ લોલીપોપ કે તે પછીનું વર્જન હોય તો જ લેવું, જૂનો મોબાઈલ ધરાવનારાઓએ લોલીપોપ અપડેટની રાહ જોવી, જૂનું મોબાઈલ ખરીદનારાઓએ આ યાદી તપાસી લેવી.

– વિનય ખત્રી

Apr 102015
 

પ્રિય મિત્રો,

યશવંતરાવ ચૌહાણ માર્ગ ઉર્ફે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે લેખ અને તેમાં મૂકેલા નકશા અને ચિત્રો દ્વારા ઘણાંને મારી વાત બરાબર સમજાઈ પણ કેટલાકને નકશા સમજવા અઘરા પડ્યા, વાંક તેમનો નથી, પહાડી વિસ્તારનાં વળાંકવાળા રસ્તા નકશા દ્વારા સમજવા અઘરા જ હોય છે. તેથી અહીં મુંબઈ-પુણે એક્સપ્રેસવે અને તેની પર આવતા મહત્વના સ્થળોના કિલોમિટર દર્શાવ્યા છે (કિલોમિટરનાં આંકડા ગૂગલ અર્થ પરથી લીધા છે, તેમાં બે-ચાર કિમિ વધુ-ઓછા હોવાની શક્યતાઓ છે).

કિલોમિટર

ટૂંકમાં મુંબઈથી પુણે જતી વખતે ૭ કિમિ માટે એક્સપ્રેસવે અને નેશનલ હાઈવે એક બીજામાં ભળી જાય છે અને તેવી જ રીતે પુણેથી મુંબઈ આવતી વખતે ૬ કિમિ માટે બંને એક થઈ જાય છે.

જતી વખતે અમૃતાંજન પુલ નીચે બંને રસ્તા એક હોય છે તેથી ત્યાં કોઈ અકસ્માત થાય એટલે બંને રસ્તા બંધ થઈ જાય, તેવી જ રીતે આવતી વખતે નેશનલ હાઈવે એક્સપ્રેસવે પરથી અમૃતાંજન પુલ પરથી જ પસાર થાય છે એટલે અહીં કોઈ સમસ્યા થઈ તો બંને રસ્તાને અસર પડે છે, ટૂંકમાં મોટા ભાગની સમસ્યા આ ૬-૭ કિલિમિટરમાં જ થાય છે અને બંને રસ્તા ઠપ્પ થઈ જાય છે અને તેથી મુંબઈ-પુણે વાહનવ્યવ્હારને અરસ પડે છે.

અમૃતાંજન પુલ પાસે થતા અકસ્માતોની સંખ્યાને ધ્યાનમાં લઈ વિવિધ ટીવી ચેનલ પર આ મુદ્દો દર્શાવવામાં આવ્યો છે…

સામ ટીવી (મરાઠી)

ટીવી ૯ (મરાઠી)

મરાઠીમાં બોલાતા કેટલાક જરૂરી શબ્દોના અર્થ : અપઘાત = અકસ્માત, કોંડી = ટ્રાફિકજામ

અમૃતાંજન પુલ પાસે થતા અકસ્માતનો મુદ્દો ફુલોરા ફાઉન્ડેશન નામની સંસ્થાએ ‘પ્રોજેક્ટ એક્સપ્રેસવે‘ના નામે ઊપાડ્યો છે અમે અમૃતાંજન પુલ પાસે ત્રણ સીસીટીવી કેમેરા લગાડ્યા છે.

છાપામાં પણ અમૃતાંજન પુલ નજીક થતા અકસ્માત બાબત ઘણાં લેખ પ્રસિદ્ધ થયા છે…

* મુંબઈ-પુણે એક્સપ્રેસવે : મોતનો માર્ગ – ડીએનએ

* અમૃતાંજન પુલ એટલે ટ્રાફિકજામ – ઈન્ડિયન એક્સપ્રેસ

બધાએ બધી વાત કરી છે, કોઈએ ડ્રાયવરને બેફામ ગણાવ્યા છે (આખા ૧૫૦ કિમિમાં આ જગ્યાએ જ કેમ બેફામ થઈ જાય છે એવો વિચાર કર્યા વગર) કોઈએ ડ્રાયવર ક્ન્ફ્યુઝ થાય છે (હલકાંવાહન/ભારેવાહન) એમ કહ્યું છે પણ શા માટે ક્નફ્યુઝ થાય છે તે જોયું નથી.

આગળ કહ્યું તેમ…

૧) અમૃતાંજન પુલ નીચે આવતાં અને જતાં Z વળાંક છે ત્યાં નિશાની > મૂકવામાં આવી છે તે હટાવી Z ની નિશાની તરત જ મૂકી દેવી જોઈએ.

૨) હલકાંવાહન ડાબે અને ભારે વાહન જમણે એવું શામાટે કરવામાં આવ્યું છે? રસ્તામાં જરૂરી સુધારા કરી કાતર જેવા બે ખતરનાક ક્રોસિંગ હટાવી લેવા જોઈએ.

૩) ૬-૭ કિમિ માટે શા માટે બંને રસ્તા એક થઈ જાય છે? બંને રસ્તા અલગ જ હોવા જોઈએ તો જ ટ્રાફિક જામની અને અકસ્માતની સંખ્યા ઘટી શકે.

Apr 072015
 

પ્રિય મિત્રો,

હું ૧૦ વર્ષથી પુણેમાં રહું છું અને તે પહેલાં ૨૫ વર્ષ મુંબઈ રહ્યો. ૩૫ વર્ષમાં હજારો વખત મુંબઈ-પુણે અને પુણે-મુંબઈનો બાય રોડ પ્રવાસ કર્યો. ૨૪ કલાકમાં એવો કોઈ કલાક નહીં બચ્યો હોય કે જેમાં હું આ રસ્તા પરથી પસાર ન થયો હોઉં.

મંજુરીની દૃષ્ટીએ ભારતનો પ્રથમ અને ખુલ્લો મુકાવાની દૃષ્ટીએ ભારતનો દ્વિતિય (પ્રથમ અમદાવાદ-વડોદરા) એક્સપ્રેસ વે, મુંબઈ અને પુણેને જોડે છે. આ એક્સપ્રેસ વે બનવાથી ઘણાં ફાયદા થયા છે, જેમાંથી મુખ્યત્વે, મુસાફરીનો સમય ઘટ્યો છે, ચઢાણ અને ઢોળાવની તીવ્રતા ઘટવાને લીધે યાત્રા આરામ દાયક બની છે, જૂના રસ્તા પર જે જીવલેણ બ્લાઈન્ડ સ્પોટ હતા તે નિવારી લેવાયા છે તેથી યાત્રા સલામત બની છે. પુણેથી સવારની ૫.૩૦ની રાજ્ય સરકારની એસી વોલ્વો બસ ‘શિવનેરી’ પકડીએ તો ૮ વાગ્યે (અઢી કલાલમાં) દાદર પહોંચી જવાય છે. જે પહેલા શક્ય નહોતું (જો કે ત્યારે વોલ્વો બસો પણ નહોતી એ અલગવાત છે).

મુંબઈથી પુણે જવા માટે એક્સપ્રેસ વે ઉપરાંત બીજો એક રસ્તો પણ છે, જૂનો મુબઈ-પુણે રસ્તો અથવા નેશનલ હાઈવે નં ૪. જૂના હાઈવેને સુધાર્યા પછી હવે મુંબઈ-પુણે વચ્ચે કુલ ૧૦ લેન થઈ, જવા માટે પાચ (એક્સપ્રેસ વેની ૩ લેન અને એનએચ૪ની ૨ લેન) અને આવવા માટે પણ પાંચ.

સગવડ જાણ્યા પછી બે ગંભીર ભૂલો પણ રહી જવા પામી છે, જે એક એક કરીને જોઈએ…

ઉપર લખ્યું તેમ મુંબઈથી પુણે જવા માટે પાંચ લેન છે (EW ૩અને NH4 ૨) તો ધારો કે પાંચ ગાડી મુંબઈથી નીકળે અને સમાંતર ચાલે, એટલે કોઈ ગાડી કોઈની આગળ કે પાછળ ન ચાલે, તો પાંચે પાંચ ગાડી પુણે પહોંચે? ના. ન પહોંચે.

મુંબઈ – પુણે એક્સપ્રેસ વે બનવાનો હતો ત્યારે એમ કહેવાતું કે તદ્દન નવો રસ્તો બનવાનો છે પણ જ્યારે પહેલી વખત આ રસ્તેથી પસાર થયો તો તેની ખૂબીઓ સાથે સાથે તેની ખામીઓ પણ ધ્યાનમાં આવી. નવો રસ્તો ઘાટ વિસ્તારમાં જૂના રસ્તામાં ભળી જાય છે. કદાચ કાળમીંઢ પથ્થરોમાંથી રસ્તો કાઢવો એટલો સહેલો કે સસ્તો નહીં હોય અથવા સમયને અભાવે એવો સોર્ટકટ લેવાનો નિર્ણય લેવાયો હશે, જે હોય તે.

પાંચ ગાડીએ સમાંતર પુણે પહોંચી ન શકે, અમુક જગ્યાએ અમુક ગાડીએ આગળ-પાછળ થવું પડે! પાંચ સમાંતર ચાલતી ગાડી ન પહોંચે તે તો સમજ્યા પણ કેટલી પહોંચે? ચાર – ના, ત્રણ – ના, બે – ના, એક! માનવામાં નથી આવતું ને? જુઓ નકશો.


[મુંબઈ-પુણે એક્સપ્રેસવે, Aથી શરુ થઈ, B સુધી જાય છે. વિભાગ C મોટુ કરી નીચેના ચિત્રમાં દર્શાવ્યું છે.]


[મુંબઈથી પુણે જતી વખતે NH4 Dથી E સુધી એક્સપ્રેસવેમાં ભળી જાય છે. વિભાગ H મોટુ જોવા માટે નીચે જુઓ.]


[સેકશન H અમૃતાંજન પુલ. આવતી અને જતી વખતે તીવ્ર Z વળાંક જોઈ શકાય છે.]


[પુણેથી મુંબઈ જતી વખતે Fથી G સુધી NH4 એક્સપ્રેસવેમાં ભળી જાય છે.]

હવે તમે કહેશો કે NH4 એક્સપ્રેસ વેમાં ભળી જાય છે અને એક્સપ્રેસ વે ત્રણ લેનનો છે તો એક લેન કેવી રીતે?

આ સમજવા માટે આ ચિત્ર જુઓ.

સ્વિફ્ટ કારહલકાં વાહનો જે રસ્તાની જમણી લેનમાં ચાલતા હતા તેને અચાનક ડાબી લેનમાં જવાનું કહેવામાં આવે અને ભારે વાહનો જે ડાબી તરફ ચાકતા હતા તેમને જમણી તરફ જવાનું કહેવામાં આવે. ટૂંકમાં કોઈ એક વાહન પસાર થઈ શકશે અને અન્ય વાહને ઊભા રહેવું પડશે! કાતર જેવું આ ક્રોસિંગ (જૂઓ જમણી તરફનું ચિત્ર) જોતાં નિર્દોષ લાગે છે પણ ગાડી ચલાવતી વખતે જ સમજાય કે કેટલું ખતરનાક છે.

સ્ટીલની મજબૂત સાંકળમાં એક કડી સુતરની હોય તો સમગ્ર સાંકળની તાકાત સુતરના દોરા જેટલી જ ગણાય, એ ન્યાયે મુંબઈ પુણે એક્સપ્રેસ વે + નેશનલ હાઈવે નં૪ બંને મળી પાંચને બદલે ઈફેક્ટિવલી એક જ લેનના બની જતા હોય ત્યારે અકસ્માતો ન થાય તો જ નવાઈ. મુંબઈ-પુણે માર્ગવ્યવહાર ઠપ્પા થઈ જવું તેથી જ શક્ય બને છે.

જે જગ્યાએ આવું થાય છે તે જગ્યા એટલે ‘અમૃતાંજન પુલ’. એક સમયે ત્યાં ‘અમૃતાંજન’ની જાહેરખબર મૂકાતી એટલે નામ પડી ગયું.


[અમૃતાંજન પુલનું રાજમાચી પોઈન્ટ પરથી વિહંગાવલોકન]

બીજું આ જગ્યાએ ઝેડ Z વળાંક વાળો રસ્તો છે પણ નિશાની ફક્ત વળાંકની > મૂકવામાં આવી છે. આ પણ અકસ્માતનું મોટું કારણ છે. અજાણ્યો ડ્રાયવર એક વળાંક લઈ લે પણ તરત જ બીજો ૧૮૦ અંશનો વળાંક લેવો તેની સમજ બહારનું હોય છે.

એક્સપ્રેસ વેમાં ટૂ વ્હિલર ચલાવવાની પરવાનગી નથી તેમ છતાં એક્સપ્રેસ વે પર તમારી કાર કે બસ પાસેથી ટૂ વ્હિલર પસાર થતાં જોઈને તમને નવાઈ લાગી જ હશે તેનું કારણ આ કે સામાન્ય રસ્તો એક્સપ્રેસ વેમાં ભળી જાય છે તેથી ટૂ વ્હિલર પણ એક્સપ્રેસ વે પર ચાલતા જોવા મળે છે!

ટૂંકમાં ૧. એક્સપ્રેસ વેમાં સામાન્ય રસ્તાનું ભ્ળી જવું, ૨. અમૃતાંજન પુલનીચે કાતર જેવું ક્રોસિંગ અને ૩. ત્યાં જ Z વળાંકને > તરીકે દર્શાવવું. મારી સમજ પ્રમાણે આ ત્રણ ગંભીર ભૂલો સુધારી લેવાય તો કેટલાય અકસ્માત થતા અટકે.

એક્સપ્રેસ વેને સુધારવા, તેની મહત્તમ ગતી વધારવા (હાલ ૮૦ કિમિ/કલાક) અને એક નવો એક્સપ્રેસ વે બનાવવાના આયોજન થતા રહે છે અને છાપામાં છપાતા રહે છે પણ બને ત્યારે ખરુ.

(ચિત્રો અલગ અલગ સાઈટ પરથી લીધાં છે, નકશાઓ ગૂગલ મેપમાંથી લીધા છે)

અપડેટ અને સુધારો – લેખમાં જ્યાં જ્યાં જૂનો હાઈવે એક્સપ્રેસવેમાં ભળી જાય છે એમ લખ્યું છે ત્યાં ત્યાં જૂનો વૈલ્પિક રસ્તો હતો જ, જેને સુધારી-વધારીને એક્સપ્રેસવે બનાવવી દેવામાં આવ્યો છે.

વધુ વિગતો, અંતરની સમજૂતી, ટીવી ચેનલ અને અખબારનું કવરેજ જાણવા વાંચો ભાગ બીજો

વિશેષ વાંચન:

* મુંબઈ-પુણે એક્સપ્રેસ વે – એમ એસ આર ડી સી

* મુંબઈ-પુણે એક્સપ્રેસ વે – વિકિપિડિયા

* જૂનો મુંબઈ-પુણે રસ્તો – વિકિપિડિયા

* ભારતનાં એક્સપ્રેસ વે – વિકિપિડિયા

* એક્સપ્રેસ વેના ફોટોગ્રાફ્સ – અમિત કુલકર્ણી