Jan 242011
 

પ્રિય મિત્રો,

આજે આપણે અહીં નથી શકતો રદીફ તરીકે વપરાયા હોય તેવી ગઝલોની વાત કરીશું, જાણે એક મિની મુશાયરો કરીશું!

આ પોસ્ટ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો ટૂંકમાં જણાવી મૂળ વાત પર આવું. થોડા સમય પહેલા એક કૉપીકેટ બ્લૉગરે એક જાણીતા અને સમૃદ્ધ બ્લૉગની એક પોસ્ટની (ટાઈપ ભૂલો સહિત) નકલ કરીને પોતાના બ્લૉગ પર મૂકી હતી. આદત પ્રમાણે એ પોસ્ટના મૂળ વિશે ખાંખાખોળા કરવા જતાં ગૂગલ સર્ચમાં ગઝલના રદીફના શબ્દો મૂક્યા અને ગૂગલે એ રદીફવાળી ગઝલોનો ખડકલો કરી દીધો મારી સામે!

ચાલો માણીએ તેમાંથી કેટલીક ચૂંટેલી ગઝલો:

ઋષિ વાળી શકે છે એમ મન વાળી નથી શકતો,
કરુણતાને ગીતાના શ્લોકમાં ઢાળી નથી શકતો.

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિઈચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.

– અમૃત ઘાયલ
સૌજન્ય: લયસ્તરો

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો,
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.

– અબ્બાસ અબ્દુલઅલી વાસી મરીઝ
સૌજન્ય: રીડ ગુજરાતી

સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શકતો,
તૂટેલા સાજ પર સંગીત સંભળાવી નથી શકતો.

ગની દહીંવાળા
સૌજન્ય: બઝમેવફા

જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું એવી જાગૃતિમાં કે વધુ જાગી નથી શકતો.

– બરકત વિરાણી બેફામ
સૌજન્ય: મિતિક્ષા

અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.

– અમૃત ઘાયલ
સૌજન્ય: ટહુકો

હું કંટકોમાં સુમન સમ રહી નથી શકતો
ને પથ્થરોમાં ઝરણ સમ વહી નથી શકતો.

મળ્યું છે એવું સુકોમળ હૃદય મને ‘મુકબિલ’!
વ્યથાનું નામ કદી પણ સહી નથી શકતો.

મુકબિલ કુરેશી
સૌજન્ય: ટહુકો

બધી વાતો હું તારી કાંઈ ભૂલાવી નથી શક્તો,
કવિતા ઠીક, બાકી ક્યાંય બોલાવી નથી શક્તો.

તું એવા સૂર્ય આંખે આંજી ગઈ છે કે આ પાંપણમાં
શશી, નિંદ્રા કે શમણાં-કાંઈ બિછાવી નથી શક્તો.

વિવેક મનહર ટેલર
સૌજન્ય: શબ્દો છે શ્વાસ મારા

જુઓને, ચાંદ પર જઈ આજ માણસ આભ માપે છે,
એ પંખી જેમ તોયે પાંખ ફેલાવી નથી શકતો.

દીવાને રાખવાનાં સૌ પ્રયત્ન છે જ મારાં પણ,
હવાને તેજ ફૂંકાતી હું અટકાવી નથી શકતો.

સુનિલ શાહ
સૌજન્ય: કવિતાનો ‘ક’

એક સચ્ચાઈ છે જેને હું સહી શકતો નથી,
ખૂબ સીધી વાત છે પણ હું કહી શકતો નથી;

ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા,
તો લે કહું, તારા વગર જા… હું રહી શક્તો નથી.

– રિષભ મહેતા
સૌજન્ય: ઊર્મિસાગર

જુવાનીમાં જુવો વૃદ્ધત્વનાં ચિહ્નો પ્રગટ્યાં છે,
કે યુવક છું છતાં આકાશ થંભાવી નથી શકતો.

– આઈ. ડી. બેકાર
સૌજન્ય: બઝમેવફા

હ્રદયની વાત છાની, હોઠ પર લાવી નથી શકતો,
તમોને ચાહું છું, હકીકત હું છૂપાવી નથી શકતો.

– રવિ ઉપાધ્યાય

આખી ગઝલ માણવા માટે પંક્તિની નીચે આપેલી લિન્ક પર ક્લિક કરજો.

મારો આ પ્રયાસ કેવો લાગ્યો? કોઈ ગઝલ રહી ગઈ? કોઈ ગઝલ રીપીટ થઈ? આપના વિચારો/અભિપ્રાય રજુ કરવા માટે કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે…

  12 Responses to “‘નથી શકતો’ રદીફવાળી ગઝલો”

 1. mazaa aavI gaI

 2. વાહ…!!!
  મજા આવી ગઇ…..!

 3. હું પોતાનું લખી નથી શકતો,
  અને વિનયભાઈને લીધે કોપી-પેસ્ટ કરી નથી શકતો.

  બ્લોગ તો અપડેટ કરી નથી શકતો,
  અરે કોમેન્ટ પણ હું કરી નથી શકતો.

  😉

 4. સુંદર…. વિનયભાઈ સાચે જ આ વિચાર ગમ્યો. એક સાથે અનેક શેર માણવા મળ્યા. આભાર..

 5. Nice collection !

  And, well said Kartik 🙂 🙂

 6. સુંદર ખાખા ખોળા.
  પ્રશંસ્ય કાર્ય.

 7. મજાનું સંકલન વિનયભાઇ. આ વાંચીને તો આવું જ બીજું કંઇ કાર્ય કરવાની પ્રેરણા મળી.

 8. અરે મજા પડી ગઇ.. પણ કોપી નથી થતું એ મુશ્કેલી લાગે છે કેમ કે હું તો કોપી મારા સંગ્રહ માટે જ કરું છું..

  એની વે.. વાંચવાની મજા જ આવી.. અભિનંદન..

  લતા જ હિરાણી

 9. This is quite like an unintentional Sahiyaru Sarjan “Colloborative Creation”, amazing idea!

 10. મઝાનો મીની મુશાયરો.

 11. સરસ મજાનો પ્રયત્ન. આમાં મને વરસોથી ગમતો શેર મળ્યો મરીજ સાહેબનો. મજા આવી ગઈ.

Leave a Reply

%d bloggers like this: