Oct 172011
 

પ્રિય મિત્રો,

અમેરિકા અને કેનેડામાં ૧૬મી ઑક્ટોબરે નેશનલ બૉસ ડે ઉજવાય છે. ૧૬મીએ રજા હોય તો તેના આગળના કે પાછળના દિવસે બૉસ ડે ઉજવવામાં આવે છે. (થેંક્યુ બૉસ!) આ વર્ષે ૧૬મીએ રવિવાર હોવાથી ૧૭મીએ એટલે કે આજે રાષ્ટ્રિય બૉસ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.

આપણે ત્યાં ગુરુપૂર્ણિમા, શિક્ષક દિન વગરે દિવસ ઉજવાય છે પણ બૉસ ડે? નોવ્વે! ખરેખર, અમેરિકનો અમુક બાબતોમાં બહુ નિરાળા છે!

મારા બૉસ, અશોકભાઈ, ગુજરાતી છે પણ ગુજરાત બહાર મોટા થયા હોવાથી તેમનું ગુજરાતી વાંચન બહુ ઓછું. એક દિવસ કોઈ ગુજરાતી રચના શોધતાં ફનએનગ્યાન.કોમ પર આવી પહોંચ્યા. એટલું જ નહીં, લગભગ બે કલાક વિતાવ્યા! આ વાત જ્યારે તેમણે મારી સમક્ષ કરી ત્યારે મને લાગ્યું કે આ મારા માટે સૌથી મોટા કૉમ્પ્લીમેન્ટ્સ છે!

ઘણાં સમયથી આ વાત બ્લૉગ પર મૂકવાનું વિચારી રહ્યો હતો પણ આજે એ માટે યોગ્ય મોકો મળી ગયો! સાથે મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્‌ભવ્યા, ચાલો જોઈએ…

 • શું તમારા બૉસ (કે સિનિયર કે મેનેજર) તમારો બ્લૉગ વાંચે છે? ‘તમારો કોઈ બૉસ નથી’ એવો જવાબ આપીને છટકી જવાને બદલે એમ વિચારો કે તમારા પપ્પા કે તમારી મમ્મી કે કુટુંબના વડીલ કે શિક્ષક કે તમારા પતિ કે તમારી પત્ની કે કોઈ માર્ગદર્શક મિત્ર કે તમારા સૌથી મોટા ગ્રાહક કે કોઈ એવી વ્યક્તિ જેના કારણે તમારા જીવનમાં સુખ-દુઃખની માત્રા વધી કે ઘટી છે તેવી વ્યક્તિ તમારો બ્લૉગ વાંચે છે? જાણે છે કે તમે બ્લૉગ લખો છો?
 • તમને ખબર છે કે તમારી જાણ બહાર તમારા બૉસ તમારો બ્લૉગ વાંચતા હોઈ શકે? ‘બ્લૉગ જાહેર માધ્યમ છે અને કોઈ પણ વ્યક્તિ વાંચી શકે છે’ આ વાક્ય આ બ્લૉગ પર કેટલીય વખત વાંચ્યુ હશે, ‘કોઈ પણ’ એટલે એમાં તમારા બૉસ પણ આવી ગયા એવું ક્યારેય વિચાર્યું?
 • જ્યારે તમારા બ્લૉગ બાબત તમારા બૉસને જાણ થઈ ત્યારે પ્રતિક્રિયા કેવી હતી?
 • જ્યારે તમારા બૉસે તમારો બ્લૉગ વાંચ્યો ત્યારે તેમની પ્રતિક્રિયા કેવી હતી?
 • બૉસને બ્લૉગ બાબત જાણ કરવી જોઈએ કે નહીં? સીધી કે આડકતરી રીતે જાણ કરી શકાય. દા.ત. બાયોડેટામાં લખી શકાય કે હું ફલાણો બ્લૉગ ચલાવું છું.
 • એવું તો નથી ને કે તમારા બૉસ તમારો બ્લૉગ વાંચે છે પણ તમને જણાવતા નથી?
 • શું તમારા બૉસને તમારા બ્લૉગ બાબત જાણ કરતાં પહેલા કેટલીક પોસ્ટ એડિટ (કે ડિલિટ) કરી લેવી જોઇએ?
 • શું બૉસના ડરથી જ તમે ડમી આઈડીથી બ્લૉગ ચલાવો છો અથવા બ્લૉગ પર સાચું નામ લખતા નથી?

ઉપરના પ્રશ્નોનો જવાબ અને તમારા મનમાં ઉદ્‌ભવતા પ્રશ્નો તમે અહીં કૉમેન્ટ  બોક્ષમાં મૂકી શકો છો અથવા તમારા બ્લૉગ પર પોસ્ટ બનાવી રજુ કરી શકો છો. આ બધા મુદ્દા અને તેની કબુલાત જાહેરમાં કરવાની હિંમત ન હોય તો કંઈ વાંધો નહીં પણ મનમાં ચોક્ક્સ વિચારી જોજો.

અને હા, આજની ટિપ આપી દઉં: તમારા કામની પ્રગતિનો ગ્રાફ અને તમારા બ્લૉગની પ્રગતિનો ગ્રાફ બંને સાથે ચાલતા હોય ત્યાં સુધી બરાબર છે પણ જો કામની પ્રગતિનો ગ્રાફ નીચે જતો હોય અને બ્લૉગની પ્રગતિનો ગ્રાફ ઉપર જતો હોય તો ચેતી જાવ. તમે નહીં ચેતો તો તમારા બૉસ તમને ચેતવી દેશે!

વિષેષ વાંચન:

  10 Responses to “આજે ‘બૉસ ડે’: શું તમારા બૉસ તમારો બ્લૉગ વાંચે છે?”

 1. સરસ. બોસને આજે “હેપ્પી બોસ ડે” કહેવાશે. મારા સર્કલમાં મોટાભાગનાને ખબર છે કે હું આ ગુજરાતી બ્લોગ લખું છું. અંગ્રેજી બ્લોગ મૃતપાય છે. બાકી ટ્વિટર, ફેસબુક, ગુગલ પ્લસ વગેરે વડે “બોસલોક” સંપર્કમાં રહે છે.

 2. ઓહ !
  મારે તો કોઈ બોસ જ નથી.

  ટીપ સરસ છે.

 3. આદરણીય ભાઈશ્રી વિનયભાઈ, આપ ઘણી બધી માહિતી ખાસ કરીને પાશ્ચાત્ય સંસ્કૃતિથી અમને વાકેફ કરો છો તે બદલ હું આપને ધન્યવાદ આપું છું. હવે આજના આપના લેખ વિશે મારે જ્યાં સુધી પ્રતિભાવ આપવાનો થાય તો હું એટલું જ કહીશ કે ગુજરાત સરકારના શિક્ષણક્ષેત્ર માં મારું યોગદાન છેલ્લ બત્રીસવર્ષોથી એક જ જગ્યાએ ધૂણી ધખાવી છે અને વ્યાયામના ક્ષેત્રે વ્યાયામ શિક્ષકો પ્રાયમરી અને સેકન્ડરી સ્કૂલોમાં હાલમાં પણ ઘણા કાર્યરત હશે. હવે એ દ્રષ્ટિએ તો અમારા બોસ એ જ કહેવાયને જે આપણી રાજ્યસરકાર છે. હવે ગુજરાતના ખૂણેખૂણે ખાંખાખોળા કરે ત્યારે આપના જાગ્રત નાગરિકો બ્લોગ એગ્રીગેટરો નું ધ્યાન ગયું છે.. એજ મારા માટે ઘણું કહેવાય. બાકી મારા હિસ્સે આવતી સેવાને ફરજ સમજીને બજાવતી આવી છે. બોસ અમારા એ નોધ લે છે તેની ખબર નથી. હા આશા છે એક વાર અમારા તરફ ધ્યાન જરૂર જશે. જય ગુજરાત..જય ગુજરાત બોસ સરકાર.

 4. મારા બોસને ખબર છે કે મારી સાઈટ છે. મેં જ્યારે અહીં મારો બાયોડેટા આપ્યો હતો ત્યારે તેમાં મારા બ્લોગનો (ત્યારે બ્લોગ હતો) ઉલ્લેખ કર્યો જ હતો. મારા બોસ મારી સાઈટ વાંચતા નથી. કારણ કે તેમને ગજરાતી વાંચતા આવડતું નથી.

 5. મારા બોસને તેમના પી.સી ઉપર મારો બ્લોગ ઓપન કરીને આપું તો તે વાંચે છે…આફ્ટર ઓલ બોસ એટલે બોસ…

 6. મારા તરતના બોસ કંપનીમાં જનરલ મેનેજર છે, તે પછી કંપનીના વાઈસ પ્રેસિડન્ટ અને એક્ઝેક્યુટીવ વાઈસ ચેરમેન સુધી બધાને અક્ષરનાદ વિશે જાણ છે. સ્ટાફના તો ઘણાં લોકોની કૃતિઓ અક્ષરનાદ પર આવતી જ રહે છે, એટલે ગૃપમાં તો મોટાભાગના સહકર્મચારીઓને એ વાતની ખબર છે.

  રિએક્શન?…. અમારા EVC એ જ્યારે કહ્યું કે શિયાળબેટ અને સવાઈબેટના લેખ અને ફોટા વિશે તેમને અને ગૃપ ચેરમેનને મુખ્ય ઑડીટરે કહ્યું ત્યારે ખૂબ આનંદ થયેલો, મુખ્ય ઑડીટરે એ લેખની અને ફોટાની કોપીઓ હેડઑફિસમાં બધાને આપી હતી. તેમણે ખભો થાબડ્યો અને ‘આપણી કંપનીનો છોકરો આવું સરસ લખે છે’ એમ અમારા ડિઝાઈનરને કહેલું ત્યારે બશેર લોહી વધી ગયેલું.

  આ એક આડ-અસર છે, એમાંય માણસની છબી દેખાઈ આવે છે. જો કે અક્ષરનાદને લીધે હજુ સુધી તો ગ્રાફ પર કોઈ અસર પડી નથી, કારણકે બન્નેના સમય સતંદર અલગ રાખ્યા છે, અને મારી પત્નિ પણ અક્ષરનાદમાં મદદ કરે છે એટલે પણ બે ક્ષેત્રો ઑવરલેપ થતા નથી, થવા પણ ન જોઇએ.

 7. સામાજીક જાહેર જીવનમાં મારા માટે મેં અમુક ગાઇડ લાઇન બનાવી છે.
  1. હું બને ત્યાં સુધી ઓફિસના મિત્રો અને બોસ વગેરેનો ફેસબુક, ટ્વીટર પર પીછો નથી કરતો. જ્યારે કોઇ જગ્યાએથી નોકરી છોડું ત્યારે તે જગ્યાના અમુક મિત્રોને પાછળથી ફેસબુકમાં ઉમેરું છું જેથી તેમની સાથે સંપર્ક બની રહે.
  2. ટ્વીટર, ફેસબુક, બ્લોગ વગેરે પર અપડેટમાં ઓફિસ અને એમાં કામ કરતા લોકો વિશે બહુ લખતો નથી સિવાય કે લખાણ બહુ સામાન્ય હોય, કોઇ ચોક્ક્સ વ્યક્તિ વિશે ના હોય કે ઓફિસના કોઇ કામકાજ સંદર્ભમાં ના હોય.
  3. ઓફિસમાં આજે 10 કલાક કામ કર્યું કે બેસીને બગાસા ખાઉં છું કે ચા પાણી કરીને આવ્યો એવા ફાલતુ સ્ટેટસ અપડેટ ક્યારેય મૂકતો નથી.

  હું જ્યાં કામ કરું છું ત્યાં કોઇ ગુજરાતી જાણતું નથી એટલે કોઇ મારો બ્લોગ વાંચે છે કે નહીં મારે એની ચિંતા નથી. ફેમિલીના બધાં લોકોને ખબર છે મારા બ્લોગ વિશે પણ એ લોકો સાથે આ બાબતે કદી ચર્ચા નથી કરતો.

  મારા બાયોડેટામાં મારા અંગત બ્લોગ અને ટેકનીકલ બ્લોગ બન્નેની લિંક મૂકેલ છે. આમ કરવાથી મને ફાયદો જ થયો છે. મારા બ્લોગના લખાણો થકી લોકો મારામાં રહેલી ટેકનીકલ ક્ષમતા અને મારા અંગત વિચારો બન્ને વિશે જાણી શકે છે. મને લાગે છે કે આવનારા દિવસોમાં માણસને નોકરી પર રાખતા પહેલા “રેફરન્સ ચેક” કરવાની પ્રથા જતી રહેશે કારણ કે માણસની આખી જન્મકુંડળી ફેસબુક, ટ્વીટર કે બ્લોગ થકી તૈયાર થઇ જશે.

 8. missing Boss yours blogs lists third.

 9. […] શિક્ષક દિન વગરે દિવસ ઉજવાય છે પણ બૉસ […] […]

Leave a Reply

%d bloggers like this: